પોલીસ કમિશ્નર દ્વારા CCTV ટેકનોલોજી સંચાલિત સુરક્ષા પ્રોજેકટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

આ વિશ્વસનિય વિજીલન્સ ટેકનોલોજી ક્રાઇમ ડિટેકશન માટે દેશની દિશાદર્શક બનશે

PPP ની ફોર્મ્યુલાથી એક કદમ આગળ પીપલ્સ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપનું ઉત્તમ ઉદાહરણ

સુરતના શહેરીજનો અને સરકારે સાથે મળીને આ પ્રોજેકટ શરૂ કર્યા

ભારતભરમાં સમાજજીવનની સુરક્ષા માટેની ટેકનોલોજી અંગે જનભાગીદારીથી પ્રથમ પહેલ કરતું ગુજરાત

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ‘સુરક્ષિત શહેર સુરત’ના સીસીટીવી ટેકનોલોજીથી સંચાલિત સુરત શહેર પોલીસ કમિશ્નરના સમાજીવનની સુરક્ષા માટેના અભિનવ પ્રોજેકટનું લોકાર્પણ કરતાં સુરતની આ જનભાગીદારી દ્વારા નાગરિક સુરક્ષા માટે વિશ્વસનિય સતર્કતા અને સજ્જતા માટેની ટેકનોલોજીની પહેલ સમગ્ર દેશ માટે દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ગુજરાતના અન્ય શહેરોમાં અને ન્યાયતંત્ર માટે પણ આ ટેકનોલોજી સર્વેલન્સ પ્રોજેકટ નવી શકિત આપશે એમ તેમણે જાહેર કર્યું હતું.

‘સુરક્ષિત શહેર-સુરત’નો આ પ્રોજેકટ સમગ્ર શહેરના ર૦૦ + કીલોમીટરના પરિધને સીસીટીવી કેમેરાના વિજીલન્સ નેટવર્કથી આવરી લે છે જેમાં ર૬ વ્યૂહાત્મક કેન્દ્રો સુનિશ્ચિત કરીને ૧૦૪ સીસીટીવી કેમેરા પોલીસની ત્રીજી આંખ બની રહેવાના છે. મુખ્યમંત્રીશ્રીએ પોલીસ કમિશ્નર કચેરીમાં કાર્યરત આ પ્રોજેકટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જઇને સીસીટીવી નેટવર્કના વિજિલન્સના વિવિધ પાસાંઓની માહિતી મેળવી હતી.

સમગ્ર ભારતમાં સૌ પ્રથમ એવો ટેકનોલોજી આધારિત સમાજ જીવનની સુરક્ષા માટે પોલીસતંત્રને આધુનિક ઉપકરણોની સુવિધાથી સુસજ્જ કરતો આ “સુરક્ષિત શહેર સુરત” પ્રોજેકટ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે જનભાગીદારીના પ્રેરણાત્મક સહયોગથી કાર્યરત થયો છે અને તેમાં રૂા. ૧૦.પ૦ કરોડનો ખર્ચ થયો છે. ‘ગૂના નિયંત્રણ અને ટ્રાફિક નિયમન’ની પોલીસની કામગીરીને સતર્ક અને સુસજ્જ બનાવતા આ પ્રોજેકટની વિશેષતા માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર અને સુરતના શહેરીજનોએ સાથે મળીને આ જનભાગીદારીનો નવતર પ્રોજેકટ હાથ ધર્યો છે. માનવીય શકિતની ક્ષમતા અને ટેકનોલોજીનો સુમેળ ગૂના નિયંત્રણ અને ટ્રાફિક નિયમનમાં પરિણામલક્ષી બને તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સુરતે જનભાગીદારીના નવા પરિમાણરૂપે ત્રણ- P ને બદલે ચાર- P (પીપલ્સ, પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ)ની ફોર્મ્યુલા અપનાવી તે માટે તેમણે અભિનંદન આપ્યા હતા.

ગુનાની તપાસ અને ગૂનેગારોને પકડવામાં ટેકનોલોજી કેટલી કામિયાબ બની શકે તેના માટે પોલીસતંત્ર સતર્ક બને તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ટેકનોલોજીનો સદુપયોગ ગૂના નિયંત્રણમાં પ્રાથમિક જરૂરિયાત છે, જ્યારે ગૂનાહિત માનસિકતા ધરાવતા તત્વો ટેકનોલોજીનો દુરૂપયોગ કરી શકે ત્યારે પોલીસની જનસામાન્ય માટેની સુરક્ષાની જવાબદારી પડકારભરી અને સવિશેષ બને છે.

ગુજરાતમાં ર૪ કલાક વીજળી પૂરવઠો અને ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક સુઆયોજિત હોવાથી સિકયોરિટી-વિજીલન્સ નેટવર્કની આ પહેલ સુરતે કરી છે, એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતનો પોલીસ બેડો સૌથી યુવાન અને સરેરાશ ઓછી વયનો બની ગયો છે. પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલથી લઇને પોલીસ ઇન્સ્પેકટરના ભરતી માટેના ઉમેદવારોની લાયકાતોમાં બહુહેતુક-કોમ્પ્યુટર આઇ.ટી. તાલીમ લીધેલા ટેકનોસેવી યુવાનો મળે તેવો અભિગમ અપનાવીને ગુજરાત સરકારે ગૂનાખોરીના આંક નિયંત્રણમાં લાવવા અને ક્રાઇમ ડિટેકશનમાં આ ટેકનોલોજી સંચાલિત વિજીલન્સ-સર્વેલન્સ પ્રોજેકટ ખૂબ અસરકારક બનશે એવી અપેક્ષા વ્યકત કરી હતી.

આ જ વ્યવસ્થાનો અન્ય લાભ મ્યુનિસીપલ કોર્પોરેશન પણ લઇ શકશે એમ તેમણે પ્રેરક સૂચનો કરતાં જણાવ્યું હતું. ન્યાયતંત્ર અને ગૂના સંશોધન સાથે સંકળાયેલા માટે પણ આ પ્રોજેકટ ઉપકારક બનશે એવું સૂચન તેમણે કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાની સલામતી માટે રાજય સરકારે અથાગ પ્રયાસો આદર્યા છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જયારથી શાસનધુરા સંભાળી ત્યારથી જ ગુજરાત સલામત, સમૃધ્ધ અને વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે જેની નોંધ દેશ અને વિદેશમાં લેવાઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત શહેરની સલામતી માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેકટ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. જે દેશના અન્ય રાજય માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

પ્રારંભે શહેર પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાનાએ સૌને આવકારતા આ સીસીટીવી પ્રોજેકટના પ્રેરણાસ્ત્રોત મુખ્યમંત્રીશ્રીને ગણાવ્યા હતા. સુરત શહેર દરેક ચેલેન્જ માટે તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

અંતમાં સુરત શહેર ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના ચેરમેનશ્રી લાલજીભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરા, વન અને પર્યાવરણમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, ભરતભાઈ પરમાર, મેયરશ્રી રાજેન્દ્રભાઈ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કિશોરભાઈ વાંકાવાલા, કિશોરભાઈ કાનાણી, શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, હર્ષ સંધવી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, રણજીતભાઈ ગીલીટવાલા, અજયભાઈ ચોકસી, જનકભાઈ કાછડીયા, મુકેશ પટેલ, રાજાભાઈ પટેલ, રાજયના ડી.જી.પી. ચિતરજનસિંધ, મ્યુ.કમિશનરશ્રી એમ.કે.દાસ, જ્લ્લિા કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરે તેમજ મોટી સંખ્યામાં ઉઘોગપતિઓ, દાતાઓ, શહેરીભાઈ બહેનો ઉપસ્થિત રહયા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology