વિધાનસભા અધ્યક્ષ તરીકે શ્રી વજુભાઈ વાળાની સર્વાનુમતે વરણી બદલ મુખ્ય મંત્રીશ્રીના અભિનંદન અને શુભેચ્છા
૪પ વર્ષના જાહેરજીવનના સુદીર્ઘ યોગદાન અને વિધાનસભાગૃહ તથા સરકારમાં કુશળ વહીવટકર્તાની પ્રસંશા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આજે સર્વાનુમતે વરાયેલા શ્રી વજુભાઈ રૂડાભાઈ વાળાને અંતઃકરણથી અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા.મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી વજુભાઈ વાળાના ૪પ વર્ષના સુદીર્ઘ સક્રિય યોગદાનને ગૌરવરૂપ ગણાવતાં જણાવ્યું હતું કે, શ્રી વજુભાઈ વાળાના આ લાંબા જાહેરજીવન દરમિયાન તેમણે બધા જ પ્રકારની જવાબદારી ગૃહમાં અને અન્ય રીતે સંભાળી છે. પ્રજાજીવનમાં નિષ્ઠાવાન નેતા જ નહીં, કુશળ વહીવટકર્તા તરીકે તેમણે પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી છે.
એક વરિષ્ઠ મંત્રી તરીકે ગુજરાત સરકારનું તેઓ ચાલકબળ રહ્યા છે અને ઘણા વિક્રમો એમના નામે નોંધાયા છે. આ નાનીસૂની સિદ્ધિ નથી, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી વજુભાઈ વાળાની વિશિષ્ઠ રમૂજવૃત્તિની પ્રસંશા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ રમૂજી શૈલીથી તનાવના વાતાવરણને હળવાશમાં બદલવામાં શ્રી વજુભાઈ વાળા સફળ રાહ્યા છે.
મુખ્ય મંત્રીશ્રીએ વિરોધપક્ષના મિત્રોએ પણ શ્રી વજુભાઈ વાળાની વિધાનસભા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં જે ઉચ્ચ પરંપરાનું યોગદાન આપ્યું તેની સહર્ષ નોંધ લીધી છે. જે ઉચ્ચત્તમ વૈધાનિક પદ ઉપર શ્રી વજુભાઈ વાળા બિરાજે છે તેમાં આગામી પાંચ વર્ષ સુધી ગૃહના કુશળ સંચાલન સાથે હળવાશની પળોનો અનુભવ થતો રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ નવી વિધાનસભાના આજના પ્રથમ સત્રના પ્રારંભે સહુ ધારાસભ્યોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આજે ર૩મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો અવસર છે. ભારતની આઝાદીની લડતમાં શ્રી સુભાષચંદ્ર બોઝનું અનોખું યોગદાન રહ્યુ હતું.
તેમણે આજે આદરાંજલિ આપીએ અને આ વિધાનગૃહ ઉજ્જવળ પરંપરાનું યશભાગી બને એવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.