પ્રિય મિત્રો, આજથી બરાબર ૧૧ વર્ષ પહેલા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનાં લોકોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો. ૧૧ વર્ષની આ સફર અત્યંત યાદગાર અને સંતોષપ્રદ બની રહી. આ સફર દરમ્યાન મને ઘણી બાબતો શીખવા મળી, જે કાયમ મારા હ્યદયમાં સચવાયેલી રહેશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં મંત્ર સાથે આજે ગુજરાત વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. વિકાસનું એક એવું મોડલ ગુજરાતે વિકસાવ્યું છે જે રાજ્યનાં દરેક નાગરિકોનાં જીવનને સ્પર્શે છે.
જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળ્યો ત્યારે ગુજરાત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં વિનાશક ભૂકંપની અસરો હેઠળ દબાયેલું હતું. ત્યારે લાગતુ હતું કે જાણે ગુજરાત ફરી ક્યારેય બેઠુ નહિ થાય. પરંતુ પુન:વસન અને પુન:નિર્માણની ઝડપી પ્રવૃત્તિઓ અને ફરી બેઠા થવા માટેનાં લોકોનાં અદમ્ય જુસ્સાને પરિણામે ગુજરાત ખૂબ જ થોડા સમયમાં વિકાસનાં માર્ગ પર આગેકૂચ કરવા લાગી ગયું. ગુજરાતની તે સમયની પુન:વસનની કામગીરીને રોલ-મોડલ સમાન માનવામાં આવે છે. આજે, કચ્છ ભારતનો સૌથી તેજ ગતિએ વિકાસ પામી રહેલો જિલ્લો ગણાય છે. ૨૦૦૧ વખતે લોકો મને વિનંતી કરતા કે ઓછામાં ઓછું સાંજે વાળુ કરતા સમયે વીજળી મળે એવું કરી આપો. આનાં ઉકેલ રૂપે જ્યોતિગ્રામ યોજના ઘડી કાઢવામાં આવી, જે અંતર્ગત ગુજરાતનાં ગામડાઓમાં ૨૪ કલાક નિરંતર થ્રી-ફેઝ વીજપ્રવાહ પૂરો પાડવામાં આવે છે. આનાં પરિણામો હવે સૌ કોઈ જોઈ શકે છે. ગ્રામીણ અર્થતંત્ર હવે ખાસ્સુ સશક્ત બન્યું છે અને ગામડાઓમાંથી શહેરો તરફ થતા સ્થળાંતરણમાં પણ ઘટાડો થયો છે. આ પ્રકારનું કદમ ઉઠાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે. આ વર્ષે એપ્રિલમાં તો ગુજરાતે હજીય એક ડગલું આગળ વધીને ૬૦૦ મેગાવોટ સોલાર પાવર ક્ષમતા રાષ્ટ્રને ચરણે ધરી દીધી. પુન:પ્રાપ્ય ઊર્જાનાં અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની દિશામાં પણ આપણે ઝડપી વિકાસ કરી રહ્યા છે. કેટલાક લોકો મને પૂછે છે, “મોદીજી, તમારું રાજ્ય તો હવે પાવર-સરપ્લસ થઈ ચૂક્યું છે, તો પણ તમે આ બધા અંગે વિચારો છો?” હું તેમને કહું છું, અમે આ બધા પ્રયત્નો વર્તમાન પેઢી માટે નહિ પણ ભવિષ્યની પેઢીઓ માટે કરી રહ્યા છીએ. વીજશક્તિ ઉપરાંત આપણે જળશક્તિનો લાભ લેવા માટે પણ કૃતનિશ્ચયી પ્રયાસો કર્યા છે. વર્ષ ૨૦૦૨ માં આપણે ગુજરાતભરનાં ગામડાઓમાં શુધ્ધ પાણી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી વાસ્મોની રચના કરી. જનભાગીદારી અને અસરકારક જળવ્યવસ્થાપનને કારણે આજે ગુજરાતમાં ૧૭,૭૦૦ થી વધુ પાણી સમિતિઓ બની છે. આમાંથી મોટાભાગની સમિતિઓનો વહીવટ મહિલાઓ દ્વારા થાય છે, અને વાસ્મોને નવીન પ્રણાલીઓનાં ઉપયોગથી જનશક્તિને નીતિનિર્ધારણની પ્રક્રિયામાં જોડવા માટે સંયુક્ત રાષ્ટ્રનો પબ્લિક સર્વિસ એવોર્ડ પણ મળ્યો છે. પ્રાથમિક શિક્ષણ, અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનું ક્ષેત્ર, એક એવી બાબત છે જેમાં અસરકારક વહીવટ દ્વારા હકારાત્મક પરિણામો મેળવવાની મારી નેમ છે. આથી જ ૨૦૦૪ માં આપણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનાં વિરાટ અભિયાનો શરૂ કર્યા. આજે, ગુજરાતમાં શાળાપ્રવેશ દર ૧૦૦ ટકાએ પહોંચી ચૂક્યો છે અને ડ્રોપ-આઉટ દર છેલ્લા દશકમાં ઘટીને ૦૨ ટકા જેટલો રહ્યો છે. સાચે કહું તો મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા કરતાં પણ વધુ યાદગાર ક્ષણો મારા માટે આ નાનકડા ભૂલકાઓને પ્રથમ દિવસે આંગળી પકડીને શાળાએ લઈ જવાની છે. આ કાર્યક્રમોને પરિણામે અનેક બાળકો અને તેમનાં પરિવાર માટે એક સુંદર ભવિષ્યનું નિર્માણ થશે. ગુજરાતનાં વિકાસ પાછળ નારીશક્તિનો મોટો ફાળો છે. ગુજરાતે સૌપ્રથમ વખત મહિલાઓનાં જીવનમાં બદલાવ લાવવા અને તેમને હોસ્પિટલમાં નિશુલ્ક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૫ માં ચિરંજીવી યોજના અમલમાં મૂકી. ચિરંજીવી યોજનાને પરિણામે માતા તથા શિશુઓનાં સ્વાસ્થ્યમાં મોટો સુધાર આવ્યો છે. નારીશક્તિને વિકાસપ્રક્રિયામાં ભાગીદાર બનાવવા આપણે ૨૦૦૬ માં નારીગૌરવ નીતિ અમલમાં મૂકી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનાં ઉદ્દેશ્યથી ૨૦૧૦ માં મિશન મંગલમ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. આજે, મને કહેતા ગૌરવ થાય છે કે ૨.૫ લાખ સખીમંડળોનાં માધ્યમથી ગુજરાતની નારીશક્તિ રૂપિયા ૧૬૦૦ કરોડ જેટલી રકમની આર્થિક પ્રવૃત્તિઓ સંભાળે છે. જરા કલ્પના તો કરો, ગુજરાતની અનેક મહિલાઓનાં જીવનમાં આ યોજના થકી કેવો સુંદર બદલાવ આવ્યો હશે. આ અગાઉ ગુજરાત પોતાનાં ઉદ્યોગોને લઈને જાણિતું હતું, પણ વરસાદ તથા બારે માસ વહેતી નદીઓનાં અભાવને કારણે ગુજરાતને કૃષિ સાથે તો જાણે અણબનાવ હતો. પણ આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. કૃષિમહોત્સવોને કારણે ગુજરાતમાં કૃષિક્ષેત્રની કાયાપલટ થઈ ગઈ છે, અને ગુજરાત ભારતની બીજી હરિત ક્રાંતિનું જનક બન્યું છે. ગુજરાતની કૃષિ આવકમાં ચાર ગણો વધારો થયો છે, એટલું જ નહિ, છેલ્લા દશકમાં રાજ્યનું કૃષિ ક્ષેત્ર ૧૧%નાં વિક્રમી દરે વૃધ્ધિ પામી રહ્યું છે. તમે ગામડાઓમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે કૃષિ ક્ષેત્રે આપણા ખેડુતભાઈઓ ઘણાં નવીન પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા દશકમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જબરદસ્ત ઉંચાઈએ પહોંચ્યો છે. ગુજરાતમાં અનેકવિધ ઉદ્યોગોનું અસ્તિત્વ જોવા મળે છે. ૨૦૦૩ માં શરૂ થયેલ દ્વિવાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે દુનિયાભરમાંથી ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવી રહ્યું છે. લોકોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળતી ન હોય તો વિકાસ પૂર્ણ થયેલો ન ગણાય. અને એટલે જ, આ વર્ષે ગુજરાત સરકારે એક અનોખો નિર્ણય કર્યો છે, જે અનુસાર મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ યોજના હેઠળ ગરીબ દર્દીઓને ગંભીર માંદગીઓની સારવાર માટે રૂપિયા બે લાખ સુધીની સહાય આપવામાં આવશે. વર્ષ ૨૦૦૭ થી સેવારત ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધાને તેની અસરકારક કામગીરી બદલ ચોતરફ બિરદાવવામાં આવી રહી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા ૧.૭૫ લાખ લોકોનાં જીવન બચાવવામાં મદદરૂપ બની છે અને ૧૦ લાખ જેટલા પ્રસુતિનાં કેસોમાં સહાય પ્રદાન કરી છે. લોકોને ગરીબીનાં ભરડામાંથી મુક્ત કરવા વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૧૦૦૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓનાં માધ્યમથી ૮૫ લાખ જેટલા ગરીબ લાભાર્થીઓને રૂપિયા ૧૩,૦૦૦ કરોડની સહાય આપવામાં આવી છે. વહીવટી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાઓનું સશક્તિકરણ કરવાનાં ઉદ્દેશ્ય સાથે ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (એટીવીટી) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તથા જનસેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં લોકોને ૧૨૪ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. મિત્રો, આ યોજનાઓ અને કાર્યક્રમોની વિગતો દ્વારા મેં તમને ગુજરાતે છેલ્લા ૧૧ વર્ષની વિકાસયાત્રામાં આદરેલા પ્રયાસોની ફળશ્રુતિ આપી. હું કાયમ કહું છું કે આપણો એકમાત્ર ઉદ્દેશ્ય વિકાસ છે, અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. છેલ્લા અગિયાર વર્ષમાં આપણે ઘણી સિધ્ધિઓ મેળવી, પણ હજીય ઘણું કરવાનું બાકી છે. મને ખાત્રી છે કે આપ સૌનાં સહકારથી આવનાર વર્ષોમાં આપણે એક ભવ્ય અને દિવ્ય ગુજરાતનું નિર્માણ કરીશું. હું ભારતીય જનતા પાર્ટીનાં મારા સાથી કાર્યકર્તાઓનો અત્યંત આભારી છું કે તેમણે મને સતત સહકાર આપ્યો અને મારા જેવા સામાન્ય માણસને ગુજરાતના લોકોની સેવાનો અવસર આપ્યો. ટીમ ગુજરાતનાં છ લાખ કર્મયોગીઓનાં સતત સહકાર વિના ૧૧ વર્ષની આ યાત્રા પૂર્ણ ન થઈ શકી હોત. તેમની ખંત અને પ્રતિબધ્ધતાએ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરવા સક્ષમ બનાવ્યું છે. અને છેલ્લે, હું છ કરોડ ગુજરાતઓનાં જુસ્સાને નમન કરું છું. તમારા પ્રેમ અને સ્નેહ મને સતત આગળ વધવાની ઊર્જા આપતા રહે છે, મને હજી વધુ મહેનત કરવા અને રાજ્યને વિકાસની નવી ને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા પ્રોત્સાહિત કરતા રહે છે. મને તમારી સાથે કામ કરવાનો અવસર મળ્યો એ માટે હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજું છું. જય જય ગરવી ગુજરાત
નરેન્દ્ર મોદી
Explore More
Media Coverage
Nm on the go
આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.
યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.
જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.
ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”
તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.
આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.
ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.
અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.
ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.
75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.
ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.
કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.

