રેલ્વે બજેટ અંગે મુખ્ય મંત્રીશ્રીનો પ્રતિભાવ
કેન્દ્ર સરકારનું રેલ્વે બજેટ દેશને પાછલી સદીમાં લઇ જનારું વિકાસના રિવર્સ ગીયરનું બજેટ છે !
ગુજરાત માટે તદ્દન નિરાશાજનકઃ ગુજરાતની વિકાસયાત્રાની ફાટક જ બંધ કરી !
સાત સાત વર્ષથી રેલ્વેની આર્થિક દુર્દશાની સ્થિતિથી દેશની જનતાને અંધારામાં રાખી !
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા રેલ્વે બજેટનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારનું આ રેલ્વે બજેટ દેશને પાછલી સદીમાં લઇ જનારું વિકાસના ""રિવર્સ ગીયર''નું બજેટ છે. ગુજરાત માટે તો આ તદ્દન નિરાશાજનક રેલ્વે બજેટ છે. ગુજરાતની અપેક્ષાની પૂર્તિ થઇ હોય એવું ભાગ્યે જ એમાં દેખાય છે. વાસ્તવમાં ગુજરાત જે ગતિથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તેની સાથે તાલ મિલાવવાની વાત તો બાજુએ રહી, આ બજેટમાં તો વિકાસ યાત્રા માટેની ""ફાટક'' જ બંધ કરી દેખાય છે! એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રેલ્વે બજેટમાં પહેલીવાર રેલ્વેની આર્થિક દુર્દશાની કબૂલાત કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, કેન્દ્રની સરકાર દ્વારા લાગલગાટ સાત વર્ષથી દેશની જનતાને રેલ્વે વિશેની સાચી સ્થિતિથી અંધારામાં રાખવામાં આવી હતી. રેલ્વેનું તંત્ર-વ્યવસ્થાપન કેટલું ખાડે ગયું છે તે અંગે જનતાની આંખોમાં ધૂળ ઝોકવામાં આવતી હતી. યુપીએ સરકારે રેલ્વેની આર્થિક બેહાલી દૂર કરવાની દૂરંદેશી દાખવી હોત તો રેલ્વે જે દેશના વિકાસની ધોરી નસો બની શકી હોત.
મુખ્ય મંત્રીશ્રીએ કચ્છમાં રેલ્વે કોચ બનાવવાની ફેકટરી નાંખવાની જાહેરાતને પણ જનતાની આંખમાં ધૂળ ઝોકવા જેવી ગણાવી છે. હકીકતમાં કચ્છમાં રેલ્વેએ ડિઝલ એન્જીનના સ્પેરપાર્ટસ બનાવવાની ફેકટરી નાંખવાનું વિચાર્યું છે પરંતુ આવા નાના ઓટો સ્પેરપાર્ટસ તો વર્ષોથી રાજકોટના એન્જીનિયરીંગ ઉઘોગ સાહસિકો સેંકડો એકમો દ્વારા ખાનગી ક્ષેત્રે બનાવતા જ આવ્યા છે.
કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે રેલ્વે બજેટ પહેલાં જ રેલ્વે નૂર દરોમાં માલ-પરિવહન માટે ર૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે તેનો રૂા. ૩૦૦ કરોડનો આર્થિક બોજ ગુજરાતની જનતા ઉપર પડયો છે. રેલ્વે તંત્ર આર્થિક ભીંસમાં છે એ વાતના સ્વીકાર સાથે કેન્દ્રની વર્તમાન સરકારે એ વાત પણ કબૂલ કરી છે કે ૪૮૭ જેટલા રેલ્વે પ્રોજેકટ પૂરા થઇ શકે તેમ નથી. આથી, જનતાની આશા કઇ રીતે પૂરી થશે એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે.


