પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરના સંમેલનનું ઉદઘાટન કરશે, જેમાં 350થી વધારે યુનિવર્સિટીઓનાં વાઇસ ચાન્સેલર્સ/ડાયરેક્ટર્સ સામેલ થશે. આ કાર્યક્રમનું આયોજન યુજીસી, એઆઇસીટીઇ, આઇસીએસએસઆર, આઇજીએનસીએ, ઇગ્નૂ, જેએનયુ અને એસજીટી યુનિવર્સિટીએ સંયુક્તપણે કર્યું છે.
આ સંમેલનમાં ભારતીય શૈક્ષણિક વ્યવસ્થા સામેનાં હાલનાં પડકારોની સાથે-સાથે અપેક્ષિત શૈક્ષણિક પરિણામ પ્રાપ્ત કરવા અને શિક્ષણનાં નિયમનની દ્રષ્ટિએ વ્યાપક પરિવર્તન લાવવા માટે એક યોજના તૈયાર કરવા પર ચર્ચાવિચારણા કરવામાં આવશે.
આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી સવારે 10.30 વાગે કરશે, ત્યાર બાદ આઠ વિષયોને આવરીને બ્રેકઆઉટ સત્ર શરૂ થશે, જે વિષયો આ મુજવ છેઃ
- વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ માટે શિક્ષણકળામાં સુધારો કરવો – વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો
- રોજગારી શોધવાને બદલે રોજગારીનાં સર્જન તરફ વળવું – નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને શ્રેષ્ઠ બનાવવી
- સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવો – ભારતની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું
- શૈક્ષણિક સંસ્થાઓમાં સમન્વય સ્થાપિત કરવો – શૈક્ષણિક સંસાધનોનું સંયોજન કરવું, જેમ કે પુસ્તકાલયોનો સંયુક્ત ઉપયોગ કરવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવું
- સર્વસમાવેશક અને એકીકૃત પરિસરનું નિર્માણ કરવું – આ પ્રકારનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓ પરિસર સાથે લાગણીનાં તાંતણે જોડાશે
- સહભાગીદારી ધરાવતું ગવર્નન્સ મોડલ – ગવર્નન્સ સાથે જોડાયેલી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારીને સુવિધાજનક બનાવવી
- સુવ્યવસ્થિત મોડલ તૈયાર કરવું – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવા સરકારી સ્રોતોની પૂરક વ્યવસ્થા કરવી
- viii. શિક્ષણમાં સાર્વભૌમિક મૂલ્યો અને જીવન કૌશલ્યને સમાવવા નૈતિક મૂલ્ય ધરાવતાં શિક્ષણને પ્રોત્સાહન આપવું
માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન આઠ જૂથોમાંથી દરેક જૂથ પારસ્પરિક સંમતિથી તૈયાર કાર્યયોજના પર પ્રેઝન્ટેશન રજૂ કરશે. સંપૂર્ણ સત્ર દરમિયાન એનાં પર આગળ ચર્ચાવિચારણા કરવામાં આવશે. એવી આશા કરવામાં આવે છે કે દેશમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો સુનિશ્ચિત કરવા માટે કોઈ વ્યાપક કાર્યયોજના સામે આવશે.


