મહાનુભાવો,

‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિઝિલિઅન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ’- આઇરિસનો શુભારંભ એક નવી આશા આપે છે, એક નવો આત્મવિશ્વાસ આપે છે. તે સૌથી નિર્બળ-હુમલા પાત્ર દેશો માટે કંઇક કરવાનો સંતોષ આપે છે.

 

  • હું આને માટે કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઇ)ને અભિનંદન આપું છું.
  • આ અગત્યના મંચ પર, હું ઑસ્ટ્રેલિયા અને યુકે અને ખાસ કરીને મોરિશિયસ અને જમૈકા સહિતના નાના ટાપુ જૂથો સહિતના તમામ સંલગ્ન દેશોના તમામ નેતાઓને હાર્દિક ધન્યવાદ પાઠવું છું.
  • આ શુભારંભ માટે યુએનના મહામંત્રીએ એમનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ હું એમનો પણ આભાર માનું છું. 



મહાનુભાવો,

  • છેલ્લા કેટલાંક દાયકાઓએ સાબિત કર્યું કે આબોહવા ફેરફારના પ્રકોપથી કોઇ અસર વિનાનું રહ્યું નથી. પછી તે વિકસિત દેશો હોય કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ દેશો હોય, આ દરેકના માટે એક બહુ મોટો ખતરો છે.
  • પણ, અહીંયા પણ, આબોહવા પરિવર્તનથી સૌથી મોટો ભય ‘સ્મૉલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ-સિડ્સ’ને છે. એમના માટે આ જીવન-મરણની બાબત છે; તેમના અસ્તિત્વને આ એક પડકાર છે. આબોહવા ફેરફાર દ્વારા સર્જાતી આફતો એમના માટે ખરા અર્થમાં પ્રલયનું સ્વરૂપ લઈ શકે છે.
  • આવા દેશોમાં, આબોહવા પરિવર્તન એ એમનાં જીવનની સલામતી માટે જ નહીં પણ એમનાં અર્થતંત્રો માટે પણ એક મોટો પડકાર છે.
  • આવા દેશો પર્યટન પર વધારે આધારિત હોય છે પણ કુદરતી આફતોને કારણે, પર્યટકો પણ ત્યાં આવતાં ગભરાય છે. 



મિત્રો,

  • આમ તો સિડ્સ દેશો સદીઓથી કુદરત સાથે સુમેળ સાધીને જીવે છે અને તેઓ કુદરતી ચક્રો મુજબ કેવી રીતે ફેરફારો કરવા એ જાણે છે.
  • પરંતુ, છેલ્લા કેટલાક દાયકાઓમાં દેખાયેલા સ્વાર્થી વહેવારને કારણે, કુદરતનું જે અપ્રાકૃતિક સ્વરૂપ સામે આવ્યું છે, એનું પરિણામ આજે નિર્દોષ નાના ટાપુ દેશો ભોગવી રહ્યા છે.
  • અને એટલે, મારા માટે, સીડીઆરઆઇ કે આઇઆરઆઇએસ એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત નથી પણ માનવ કલ્યાણની સૌથી સંવેદનશીલ જવાબદારીનો ભાગ છે.
  • આ માનવજાત પ્રત્યેની આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
  • એક રીતે, આ આપણાં પાપોનું એક સહિયારું પ્રાયશ્ચિત છે.


મિત્રો,

  • સીડીઆરઆઇ એ કોઇ પરિસંવાદમાંથી નીકળેલી કલ્પના નથી પણ સીડીઆરઆઇનો જન્મ વર્ષોનાં મનોમંથન અને અનુભવનું પરિણામ છે.
  • નાનકડા દ્વીપ દેશો પર ઝળુંબતા આબોહવા ફેરફારના ખતરાને પામીને ભારતે પ્રશાંત ટાપુઓ અને કેરિકોમ (CARICOM) દેશો સાથે સહકાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરી.
  • અમે તેમના નાગરિકોને સોલર ટેકનોલોજીઓમાં તાલીમ આપી અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત યોગદાન આપ્યું.
  • એ ચાલુ રાખતા, આજે, મંચ પરથી, હું ભારત તરફથી વધુ એક નવી પહેલની જાહેરાત કરું છું.
  • ભારતની અવકાશ સંસ્થા ઈસરો સિડ્સ માટે એક વિશેષ ડેટા વિન્ડોનું નિર્માણ કરશે.
  • આ સાથે, સિડ્સને વાવાઝોડાં, કોરલ રીફ (પરવાળાના ખડક) પર દેખરેખ, કાંઠા પર દેખરેખ ઇત્યાદિ વિશે ઉપગ્રહો મારફત સમયસરની માહિતી મળવાનું ચાલુ રહેશે.


મિત્રો,

  • આઇઆરઆઇએસને સાકાર કરવા સીડીઆરઆઇ અને સિડ્સ બેઉએ ભેગા મળી કાર્ય કર્યું છે- સહ-સર્જન અને સહ-લાભોનું એક સારું ઉદાહરણ છે.
  • એટલે જ હું આજે આઇઆરઆઇએસના શુભારંભને બહુ અગત્યનું ગણું છું.
  • આઇઆરઆઇએસ મારફત, સિડ્સ માટે ટેકનોલોજી, નાણાં અને જરૂરી માહિતી એકત્ર કરવાનું સરળ અને ઝડપી બની રહેશે. નાના દ્વીપ દેશોમાં ગુણવત્તાવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળવાથી ત્યાં જીવન અને આજીવિકા બેઉને લાભ થશે.
  • મેં અગાઉ કહ્યું છે કે વિશ્વ આ દેશોને ઓછી વસ્તીવાળા નાના ટાપુઓ ગણે છે પણ હું આ દેશોને મોટી સંભાવનાના મોટા સમુદ્રી દેશો તરીકે જોઉં છું. જેવી રીતે સમુદ્રમાંથી નીકળતાં મોતીની માળા દરેકની શોભા વધારે છે એવી જ રીતે, સમુદ્રથી ઘેરાયેલા સિડ્સ વિશ્વની શોભા છે.
  • હું આપને ખાતરી આપું છું કે ભારત આ નવી પરિયોજનાને પૂરો ટેકો આપશે અને એની સફળતા માટે સીડીઆરઆઇ, અન્ય ભાગીદાર દેશો અને સંયુક્ત રાષ્ટ્રો સાથે નિકટતાથી કાર્ય કરશે.
  • આ નવી પહેલ માટે સીડીઆરઆઇને અને તમામ નાના આઇલેન્ડ જૂથોને અભિનંદન અને ઘણી શુભેચ્છાઓ.

 

આપ સૌનો ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security