પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિના માધ્યમથી થતી 26મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સક્રિય અને વધુ સારા શાસન તેમજ સમયબદ્ધ પ્રક્રિયાઓ માટે આઈસીટી આધારિત ‘પ્રગતિ’ એ એક બહુઆયામી મંચ છે.
અત્યારસુધી થયેલી કુલ 25 પ્રગતિની બેઠકોમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના કુલ રોકાણ ધરાવતી 227 પરિયોજનાઓની સમીક્ષા થઇ ચુકી છે. આ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં લોક ફરિયાદના સમાધાન માટે પણ સમીક્ષા કરવામાં આવી છે.
આજે છવ્વીસમી બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ પોસ્ટ ઓફિસો અને રેલવેને લગતી ફરિયાદોને ઉકેલવા અને નિરાકરણ માટેની પ્રક્રિયામાં થયેલ પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સમગ્ર પોસ્ટલ અને રેલવે નેટવર્કમાં ડિજિટલ વ્યવહારોના વધી રહેલા ઉપયોગ અને તેમાં પણ ખાસ કરીને ભીમ એપના માધ્યમથી ચાલતા વ્યવહારોના મહત્વ પર ભાર મુક્યો હતો.
પ્રધાનમંત્રીએ રેલવે, રોડ, પેટ્રોલિયમ અને ઊર્જાનાં ક્ષેત્રની નવ માળકિય બાંધકામની પરિયોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પરિયોજનાઓ અનેક રાજ્યોમાં ફેલાયેલી છે જેમ કે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડીશા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. આ પરિયોજનાઓમાં પશ્ચિમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ અમૃત મિશનના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે લક્ષિત પીડીએસ ઓપરેશનના એન્ડ-ટુ-એન્ડ કમ્પ્યુટરાઈઝેશન માટેના કાર્યક્રમની પણ સમીક્ષા કરી હતી.