સામાન્ય શ્રમજીવી પરિવારના નરેન્દ્રભાઇ મોદીના પ્રતિભા સંપન્ન વ્યકિતત્વથી પ્રભાવિત થતા જર્મન વિદ્યાર્થીઓ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાત આજે ગુજરાતનો પ્રવાસ કરી રહેલા જર્મનીની હોફ યુનિવર્સિટીના ર૭ વિદ્યાર્થીઓના ડેલીગેશને લીધી હતી અને મુખ્યમંત્રીશ્રી સાથે ભારત અને ગુજરાતના વિકાસ-વિઝન વિશે પ્રશ્નોત્તરી કરી હતી.
જર્મનીની હોફ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટના વડા પ્રો. દિનેશ પટેલના નેતૃત્વમાં ર૭ જર્મન વિદ્યાર્થીઓ દશ દિવસનો ગુજરાત પ્રવાસ કરી રહયા છે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં જે વિકાસની પહેલરૂપ સિધ્ધિઓ ઉપલબ્ધ થઇ છે તેનો અભ્યાસ કરીને ખૂબ પ્રભાવિત થયા છે એમ ડેલીગેશનના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.
જર્મનીના વિદ્યાર્થીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદી તદ્દન સામાન્ય શ્રમજીવી પરિવારમાંથી ભારતના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર સુધી જીવનની સિધ્ધિના સોપાનો સર કર્યા અને ૪પ વર્ષ સુધી અવિરત દેશના સાર્વજનિક સમાજજીવનમાં પરિવ્રાજક તરીકે સેવા અને સંગઠ્ઠનથી લઇને સુશાસનના પ્રેરક સ્ત્રોત બન્યા તે અંગે રસપ્રદ પ્રશ્નો પૂછયા હતા.






