મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓસ્ટ્રેલિયાથી આવેલા ૧૪ સભ્યોના ઉચ્ચકક્ષાના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને ભારતીય અને વિશેષ કરીને ગુજરાતી વિઘાર્થીઓ ઉપર ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલાઓની ગંભીર બનેલી સમસ્યાનો કાયમી ધોરણે તત્કાલ ઉકેલ લાવવા, સુરક્ષાના પ્રબંધ અને વિશ્વાસના વાતાવરણનું નિર્માણ કરવા પરામર્શ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ભારતસ્થિત હાઇકમિશ્નર શ્રીયુત જહોન મેહાર્થીના નેતૃત્વમાં શ્રીયુત કોલીન વોલ્ટર્સ (ઓસ્ટ્રેલિયન ઇન્ટરનેશનલ એજ્યુકેશન ચીફ) સહિત ઓસ્ટ્રેલિયાની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ સરકારના શિક્ષણ અને પોલીસ વિભાગના ૧૪ જેટલા પદાધિકારીઓ ગુજરાત આવેલા છે.
આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીએ નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઇકમિશ્નરશ્રી સાથે અગાઉ બેઠક યોજીને ભારતીય વિઘાર્થીઓ ઉપર છેલ્લા છ મહિનામાં થયેલા હુમલાઓ અંગે સવિશેષ ચિન્તા પ્રદર્શિત કરી હતી અને જે સૂચનો કર્યા હતા તેના અમલ માટે ઓસ્ટ્રેલિયાની સરકારે અપનાવેલા વિધેયાત્મક અભિગમ અને લીધેલા પગલાંથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
આજની બેઠકમાં પ્રવાસન અને બિનનિવાસી ગુજરાતીઓના પ્રભાગના મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી બળવંતસિંહ, અગ્ર સચિવ-શિક્ષણ શ્રી હસમુખ અઢિયા, બિનનિવાસી ગુજરાતી પ્રભાગના સચિવ શ્રી બી. બી. સ્વેન અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથને પણ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઓસ્ટ્રેલિયામાં રહેલા કુલ ભારતીય વિઘાર્થીઓમાં વીસ ટકાથી વધારે ગુજરાતીઓ છે અને હુમલાના સંદર્ભમાં, ગુજરાત સરકાર સીધા સંપર્કમાં છે તેની વિગતોથી આ પ્રતિનિધિમંડળને વાકેફ કર્યું હતું અને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસાર્થે ગુજરાતી વિઘાર્થીઓ જવા ઉત્સુક હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયન સરકારે વંશીય હુમલાની આ ધટનાઓને અંકુશમાં લેવા તત્કાલ અસરકારક પગલાં લઇને કાયમી ઉકેલ સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જવું જોઇએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી અને પ્રવાસન મંત્રીશ્રીએ ઓસ્ટ્રેલિયા સરકાર અને ગુજરાત સરકાર સાથે સાતત્યપૂર્ણ સંપર્ક રાખવા ઓસ્ટ્રેલિયા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સંબંધો માટે વિઘાર્થીઓના વિવિધ કલાવૃંદોના વિનિમય-પ્રવાસો યોજવા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારત અને ગુજરાતથી પ્રવેશ લેવા માટે વિઘાર્થીઓ આવે તે પૂર્વે લેભાગુ એજન્ટોનો ભોગ ના બને તે માટેની સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા અને ઓસ્ટ્રેલિયામાં હુમલાઓમાં સંડોવાયેલા ગૂનેગારોની માનસિકતા અંગે પૂરી જાંચ કરવા ઉપર ખાસ ભાર મૂકયો હતો.
ઓસ્ટ્રેલિયાના શ્રી જ્હોન મેકાર્થ અને શ્રી કોલીન વોલ્ટર્સ સહિતના પ્રતિનિધિમંડળના સભ્યોએ ભારતીય વિઘાર્થીઓની સુરક્ષા અને વિશ્વસનિય સ્થિતિના નિર્માણ માટે હુમલાઓની ધટના રોકવા ઓસ્ટ્રેલિયન સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અને મુખ્યમંત્રીશ્રીના સૂચનોને આવકાર્યા હતા.


