પ્રિય મિત્રો,

આશા છે કે નવું વર્ષ તમારા માટે સુખનો સંદેશ લઇ આવ્યું હશે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાત છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું આયોજન કરી રહ્યું છે. આ દ્વીવાર્ષિક કાર્યક્રમના આયોજનની શરૂઆત આપણે વર્ષ 2003થી કરી હતી. મને ખુશી છે કે છેલ્લી પાંચેય સમીટને જ્વલંત સફળતા મળી છે અને રૂ. 820 અબજના મૂડીરોકાણને આકર્ષીને વાઇબ્રન્ટ સમીટે ગુજરાતના વિકાસમાં સંગીન યોગદાન આપ્યું છે.

આ સમીટના આયોજન થકી ગુજરાત વ્યાપારના એક વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને આપણા લોકો માટે વિકાસના અસંખ્ય અવસરોનું નિર્માણ થયું છે.આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત સમીટ તેના ફલક અને સહભાગિતાની દ્રષ્ટિએ વધુ ભવ્ય છે, માત્ર એટલું જ નહીં, ગુજરાતના સાતત્યપુર્ણ, સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ માટે આ સમીટમાં જ્ઞાન, ચિંતન-મનન અને નવા વિચારોનો અદભુત સમન્વય થયો છે.

આવનાર ત્રણ દિવસો દરમિયાન 120 રાષ્ટ્રોના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ અને રાજદ્વારીઓ મહાત્મા મંદિર અને ગુજરાતના અન્ય સ્થળોએ ઉપસ્થિત થશે. ભારતના ઉદ્યોગજગતના સુકાનીઓ અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ પણ સમીટમાં હાજરી આપશે. આ સમીટમાં 125 વિવિધ પ્રકારના સેમીનાર, ચર્ચા વિચારણાઓ અને પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી કેટલાંક કાર્યક્રમોનું આયોજન થઇ ચૂક્યું છે અને બીજા કેટલાંક આવનાર દિવસોમાં યોજાશે. આટલા બધાં દેશો અને રાજ્યોમાંથી ઉચ્ચકક્ષાના પ્રતિનિધિઓ સમીટમાં હાજરી આપે તે કોઇ નાનીસુની બાબત નથી.

તેમની હાજરી એ બાબતની સૂચક છે કે સમગ્ર દુનિયાએ ગુજરાતના વિકાસ મોડલની નોંધ લીધી છે અને આ માટે આપ સૌ - મારા ગુજરાતના છ કરોડ ભાઇ-બહેન ધન્યવાદને પાત્ર છો. તમે જે પરસેવો વહાવ્યો છે તેના પરિણામે જ ગુજરાત આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. વર્ષ 2013ની વાઇબ્રન્ટ ગુજરાત સમીટનો ઉદ્દેશ્ય અન્ય સમીટ કરતાં ઘણો અનોખો છે. મૂડીરોકાણથી આગળ વધીને આ સમીટમાં આપણે 'જ્ઞાન'ને કેન્દ્રસ્થાને રાખ્યું છે.

ઇતિહાસ કહે છે કે જ્યારે-જ્યારે પણ માણસે જ્ઞાનના યુગમાં પ્રવેશ કર્યો છે ત્યારે આપણો આ મહાન દેશ પથદર્શક બન્યો છે. 21મી સદી એ જ્ઞાનની સદી છે અને જો આ સદીમાં આપણે જગતગુરુ બનવું હશે તો જ્ઞાનના સર્જન અને વિનિયોગની પ્રણાલીને મજબૂત બનાવવી પડશે. એટલે જ આપણે જ્ઞાનના ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઇકાલે હું વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટિઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગયો હતો. સમીટના તમામ કાર્યક્રમો પૈકી મારા માટે આ સૌથી મહત્વનો કાર્યક્રમ હતો.

આ પરિષદના માધ્યમથી 56 દેશોની 135 યુનિવર્સિટિઓ/શિક્ષણ સંસ્થાઓ અને ભારતના 14 રાજ્યોની 60 યુનિવર્સિટિઓ/શિક્ષણ સંસ્થાઓ એક છત્ર હેઠળ જ્ઞાનના આદાન-પ્રદાન માટે સામૂહિક ચિંતન-મનન કરશે. આ પરિષદ દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં સમજૂતીકરારો થયાં. વળી, મને શિક્ષણક્ષેત્રના અત્યંત બુદ્ધિજીવી લોકો સાથે વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો. મને ખાતરી છે કે ગુજરાતની યુનિવર્સિટિઓને આ પરિષદના માધ્યમથી બહોળો લાભ પ્રાપ્ત થશે.

વર્ષ 2013ની વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં નાના અને મધ્યમકદના ઉદ્યોગો ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. થોડાં દિવસ અગાઉ હું સૂરતમાં હિરા ઝવેરાતના પ્રદર્શનમાં ગયો હતો. ત્યાં ભારત સરકારે જ જાહેર કરેલ આંકડા મને જાણવા મળ્યાં, જે અનુસાર દેશમાં નાના ઉદ્યોગોનો વિકાસદર 19 ટકા છે, જેની સામે ગુજરાતના લઘુ ઉદ્યોગો 85 ટકાનો માતબર વિકાસ દર ધરાવે છે. આ વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટનું મોટું યોગદાન છે. આ સાથે જ આ આંકડાઓ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અંગે ગેરમાન્યતા ફેલાવી રહેલા ગુજરાત વિરોધી તત્વોને પણ સણસણતો જવાબ આપે છે.

આ સમીટમાં આપણે ટેકનોલોજીના આદાન-પ્રદાન, કૌશલ્ય વિકાસ અને નવીન સંશોધનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું કે જેથી આપણા યુવાનોને તેમના સ્વપ્નોની પરિપૂર્તી માટે શ્રેષ્ઠ અવસરો મળી રહે. તમારામાંથી પ્રત્યેક વ્યક્તિ પોતાના વિકાસનો પથ જાતે જ કંડારી શકે અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકે તેવી અમારી નેમ છે. ગ્લોબલ ટ્રેડ શો-2013 એ આ વર્ષની ગ્લોબલ સમીટના સૌથી આકર્ષક પાસાંઓ પૈકી એક છે. એક લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલ ભારતના આ સૌથી મોટા ટ્રેડ શોમાં 1,200 કંપનીઓની 25,000 જેટલી પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અહીં એક અલાયદુ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. આપ સૌ આ પ્રદર્શનની મુલાકાત લો તેવી મારી ખાસ ભલામણ છે.

આપ સૌને ગુજરાત આવવા હું આમંત્રણ આપુ છું અને મને ખાતરી છે કે ગુજરાત જેના માટે જાણીતું છે તેવા આતિથ્ય-સત્કારથી મોહિત થયાં વિના તમે નહીં રહો. મને આશા છે કે આ સમીટમાં તમે પોતાના સમયનો ફળદાયી ઉપયોગ કરી શકશો. તમે નવા લોકોને મળી શકશો તથા પ્રદર્શની અને પરિષદનો મહત્તમ લાભ લઇ શકશો.

છેલ્લાં થોડાં દિવસો દરમિયાન સમીટના ભાગરૂપે યોજાયેલ વિવિધ પરિષદ અને ચર્ચા વિચારણાઓમાં મારે જવાનું થયું છે, અનેક નવા લોકો સાથે મળીને જ્ઞાનના આદાન-પ્રદાનનો આ અનુભવ મારા માટે ઘણો સુંદર રહ્યો છે.

આ સમીટનું આયોજન વિશ્વભરમાં જાણીતા એવાં ઉતરાયણના તહેવાર દરમિયાન કરવામાં આવ્યું છે. હું આપ સૌને ગુજરાતની આ અનોખી વિરાસતને માણવાનો અને રંગબેરંગી આકાશ જોવાનો લ્હાવો લેવાનું આમંત્રણ આપુ છું.

આ સમીટમાં ગુજરાતના સહયોગી દેશો જાપાન અને કેનેડાનો હું વિશેષ આભાર માનું છું. ગુજરાત સરકારના વિવિધ વિભાગોએ રાત-દિવસ મહેનત કરીને આ સમીટને સફળ બનાવી છે તે બદલ હું અંતરથી તેમનો આભાર માનું છું.

વાઇબ્રન્ટ ગુજરાત-2013માં આપનું સ્વાગત છે.

આપનો

નરેન્દ્ર મોદી

Keep yourself updated with the latest happenings at Vibrant Gujarat Summit 2013! Come, be a part of this vibrant journey towards development

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.