મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સમજાવે છે એક દશકમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનોની ભૂમિકા.....

- કૃષિ વિકાસમાં ૨૦૦૧માં ગુજરાતની ગણના થતી હતી દુષ્કાળગ્રસ્ત રાજયની .....૨૦૧૧માં ગુજરાત દેશમાં સૌથી વધુ ૧૧ ટકાનો કૃષિ દર કઇ રીતે જાળવી શકયું ?

- ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરતા ગુજરાતમાં ખેતીની જમીન અને વાવેતર વિસ્તાર કઇ રીતે વધ્યો ?

- એટીવીટી- “ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો “ એ શું છે ?

- વિકાસના ફળ ગરીબો –દરિદ્રનારાયણો સુધી કઇ રીતે પહોંચ્યા ?

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન ગુજરાત સરકાર વિકાસનો એક આગવો દસક પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશી રહી છે

ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસના નવા જ આયામો પ્રસ્થાપિત કર્યા છે. દેશમાં વિકાસનું મોડેલ બનેલા ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આ એક દાયકાની અભૂતપૂર્વ વિકાસયાત્રાના સંદર્ભમાં આવો વાર્તાલાપ કરીએ. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં કૃષિથી માંડીને ઉદ્યોગ, પીવાના પાણીથી માંડીને આંતરમાળખાકીય સવલતો, શિક્ષણથી માંડીને રોજગાર, પરિવહનથી માંડીને પ્રવાસન જેવાં તમામ ક્ષેત્રે ગુજરાતે દર્શાવેલા ગુણાત્મક પરિવર્તનોને સમનવાની કોશિશ કરીએ.

સવાલઃ નરેન્દ્રભાઇ, દેશભરના કિસાનોની સરખામણીમાં ગુજરાતના કિસાનો આર્થિક સદ્ધર થઇ રહ્યા છે તે વાતમાં તથ્ય કેટલું?

મુખ્યમંત્રીશ્રીઃ આ સરકારે સાચી દિશામાં કિસાનોને સુખી કરવા કૃષિ વિકાસ અને જળસંચયનું અભિયાન ઉપાડીને ગુજરાતની ખેતી અને ગામડાંને સમૃદ્ધિના ફળો મેળવતા કર્યા છે. દર વર્ષે અખાત્રીજથી સમગ્ર ગુજરાતમાં શરૂ થતો કૃષિ મહોત્સવ રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓમાં કૃષિ ક્રાંતિનું ઐતિહાસિક અભિયાન બની ગયો છે. આ સરકારે કિસાનોને વૈજ્ઞાનિક ખેતી તરફ વાળીને અને પશુપાલન આધારિત કૃષિ અર્થતંત્રને પ્રાણવાન બનાવ્યું છે. કુદરતે પણ મહેર કરી અને દશ વર્ષમાં દુષ્કાળ ડોકાયો નથી, ગુજરાતની સુકી ધરતીમાં લીલોતરી ઉગી નીકળી અને એટલે જ આજે ગુજરાતના ખેડૂતની સમૃદ્ધિની ચારેબાજુ ચર્ચા છે. જે ગુજરાતના કિસાનની ખેત આવક દશ વર્ષ પહેલા રૂા.૧૪,૦૦૦ કરોડ હતી તે આજે ૮૦૦૦૦ કરોડ રૂપિયા થઇ છે. આખા દેશનો સરેરાશ કૃષિ વિકાસ દર ૩ ટકાથી પણ ઓછો છે જ્યારે ગુજરાતનો કૃષિ વિકાસદર ડબલ આંકડો વટાવીને ૧૧ ટકા ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં ખેડૂતો હવે આધુનિક ખેત પદ્ધતિ દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદનો મેળવતા થાય તે માટે ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ડ્રીપ, સ્પ્રીંકલર જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી પિયત પદ્ધતિ અપનાવે તે માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.આ ઉપરાંત સોઇલ હેલ્થ કાર્ડેના માધ્યમથી ગુજરાતની કિસાનોની ઉત્પાદન ક્ષમતા અને ગુજરાતના ખેતી અને ખેતીની જમીનની ગુણવત્તા સુધારવાથી લઇને કૃષિના પરીમાણોને નવી દિશા આપી છે.

સવાલઃ તમે કહો છો કે, સોઇલ હેલ્થ કાર્ડથી ગુજરાતના કિસાનોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે એ કેવી રીતે?

મુખ્યમંત્રીશ્રીઃ ગુજરાતે તેના કિસાનોને તેમની જમીનની તાસિર મુજબ પાક ઉત્પાદન મેળવવા માટે આધુનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવતા કર્યા છે. આ માટે ગુજરાત સરકારે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા. અને ગુજરાતના ખેડૂતો જાતે જ કહે છે કે, સોઇલ હેલ્થ કાર્ડ તેમના માટે આશીર્વાદરૂપ છે. આ કાર્ડથી ખેડૂતોને પોતાની જમીનની ગુણવત્તા અને ઉણપોની સાચી જાણકારી મળતી થઇ હોવાના કારણે તેઓ આગામી પાક માટે જમીનમાં જે પોષક તત્ત્વોની જરૂરીયાત છે તે મુજબના ખાતરનો ઉપયોગ કરતા થયા છે. જેનાથી અગાઉ જમીનમાં જે બિનજરૂરી ખાતરનો ઉપયોગ થતો હતો અને જમીનનું બંધારણ બગડતું હતું તે પરિસ્થિતિ બદલાઇ છે અને તેટલાં પ્રમાણમાં ખાતર પાછળના ખર્ચમાં ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં ૩૧ લાખ જેટલાં સોઇલ હેલ્થ કાર્ડની ખેડૂતોને વહેંચણી કરી દીધી છે અને આ વર્ષે તો બાકીના બધા જ ખેડૂતોને મળી જવાના છે. રાજ્યના તમામ ૪૨ લાખ ખેડૂતોના જમીનના નમૂનાઓનું પૃથ્થકરણ કરનાર ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે.

સવાલઃ એક ચર્ચા એવી પણ છે કે, ઔદ્યોગિક વિકાસ થાય તો ખેતીની જમીન ઘટે છે. ગુજરાતમાં શું સ્થિતિ છે?

મુખ્યમંત્રીશ્રીઃ સામાન્ય રીતે ઔદ્યોગિક વિકાસ જ્યારે થતો હોય છે ત્યારે ખેતીની જમીનમાં ઘટાડો થાય. પરંતુ આખા દેશમાં ગુજરાત એક અપવાદ છે કે, અહિંયા ઔદ્યોગિક વિકાસ પણ થયો છે સાથે સાથે ખેતી કરવા લાયક જમીનમાં પણ વધારો થયો છે. આ નાની સૂની સિદ્ધિ નથી. એનું કારણ જે જમીન વર્ષોથી ખરાબાવાળી હતી તે જળસંચય વ્યવસ્થાપનની પાણીની સમૃદ્ધિ વધવાથી ખેતી લાયક બની. સમગ્ર દેશમાં એની ચર્ચા છે, દુનિયામાં ચર્ચા છે અને મારે ગર્વ સાથે કહેવું છે કે તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટે પણ ગુજરાતની જમીન બાબતની જે નીતિઓ છે તેના ભરપેટ વખાણ કર્યા છે.

સવાલઃનરેન્દ્રભાઇ, કૃષિ અને ઉદ્યોગનો સમાંતર વિકાસ કરવો કપરો છે, ત્યારે ગુજરાતમાં ઉદ્યોગની સ્થિતિ શું છે?

મુખ્યમંત્રીશ્રીઃ તમારી વાત બિલકુલ સાચી છે. કૃષિ અને ઉદ્યોગ બંને ક્ષેત્રના સમાંતર વિકાસ માટે નિઃસંદેહપણે આયોજનબદ્ધ સખત પુરુષાર્થ કરવો પડે. ગુજરાતે છેલ્લા દશકમાં સૌના સાથ અને સહકારથી સૌનો કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે સંકલિત વિકાસ કર્યો છે. છેલ્લા દશકમાં ગુજરાતે દર બે વર્ષે એમ પાંચ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજી. ઉદ્યોગક્ષેત્રે ગુજરાતને દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ફલક ઉપર મૂકી દીધું. છેલ્લી ૨૦૧૧માં યોજાયેલી પાંચમી ગ્લોબલ સમીટની જ વાત કરું તો રૂ. ૨૦.૮૩ લાખ કરોડના ૭૯૩૬ સમજૂતી કરારો કરવામાં આવ્યા. તમે જાણો છો કે, આટલા મોટા ઔદ્યોગિક રોકાણોને પરીણામે, ગુજરાતમાં ૫૨ લાખથી વધારે એવી વિશાળ યુવા રોજગારીની તકોનું નિર્માણ થશે. આમાં પણ કૃષિક્ષેત્રે અત્યાર સુધીમાં એગ્રોબેઇઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વેલ્યુ એડિશનના રૂા.૮૧,૬૦૦ કરોડના મૂડી રોકાણના સમજૂતી કરારો પણ કરવામાં આવ્યા છે. આ સરકારે કૃષિ અને ઉદ્યોગના સમાંતર, સમતોલ વિકાસનું એક દશક પહેલાં શમણું જોયેલું. આજે ૨૦૧૧માં ગુજરાતમાં કૃષિ અને ઉદ્યોગના એક સાથે એક સરખા સંતુલિત વિકાસની વાત વાસ્તવિકતા છે, દુનિયાભરમાં એની ચર્ચા છે, અને એટલે જ હું ભાર પૂર્વક કહું છું કે, ગુજરાત સપના જુએ છે અને સાકાર પણ કરે છે.

સવાલઃ વાઇબ્રન્ટ સમીટ એટલે મોટા ઉદ્યોગો ગુજરાતના આંગણે આવે એમ જ ને? પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનું શું?

મુખ્યમંત્રીશ્રીઃ આ એક મોટી ગેરસમજ છે. એક બાજુ ગુજરાત હિન્દુસ્તાનનું ઓટો હબ બનવા જઇ રહયું છે. ટેક્સટાઇલ, જવેલરી, ડાયમંડ પાર્ક અને પેટ્રોકેમિકલ, એનર્જી વગેરેની રાજધાની તરીકે ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત થઇ છે. તો બીજી બાજુ ગુજરાતના આર્થિક વિકાસમાં લઘુ, મધ્યમ અને કુટિર ઉદ્યોગોના વિકાસ માટે પણ એટલું જ દૃષ્ટિવંત આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં માત્ર પાંચ ટકા વસતી અને છ ટકા ભૌગોલિક વિસ્તાર ધરાવતા ગુજરાત પ્રદેશનો દેશના કૂલ ઘરેલું ઉત્પાદનમાં દસ ટકા જેટલો હિસ્સો છે. એમાં પણ ગુજરાતનું મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર, જેમાં મુખ્યત્વે ૪ લાખ જેટલા લધુ અને મધ્યમ ઔદ્યોગિક એકમોનો ફાળો મહત્વનો છે. એગ્રો ઉત્પાદનમાં ગુજરાતનો દેશના કૂલ ઉત્પાદનમાં સિંહ ફાળો છે. દેશનું ૭૦ ટકા મીઠું ગુજરાતમાં પાકે છે. ૯૦ ટકા કોસ્ટિક સોડા, ૬૦ ટકા કેમિકલ્સ, ૫૦ ટકા પેટ્રોકેમિકલ્સ, ૪૦ ટકા દવા, ૮૦ ટકા પોલીશ્ડ હીરાનું ઉત્પાદન કરી ગુજરાત દેશભરમાં મોખરે છે. જેમાં મીઠું, દવા, કેમિકલ્સ વગેરે પૈકી મહદઅંશે નાના અને મધ્યમકક્ષાના ગુજરાતના ઉદ્યોગ સાહસિકો છે. જુઓ, કેટલું મોટું પ્રદાન ગુજરાતના આ ઉદ્યોગ સાહસિકો રાષ્ટ્રના ફલક ઉપર કરી રહ્યા છે. વાઇબ્રન્ટ સમીટમાં મોટા, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ ઉપર તો ચોક્કસ વાત થાય જ પરંતુ દેશ અને દુનિયા એ વાતથી ચકિત પણ છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં સોશિયલ સેક્ટરના વિકાસનું પણ ચિંતન થાય છે.

સવાલઃ ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક સેવાનું ચિંતનનો મેળ કેવી રીતે બેસે?

મુખ્યમંત્રીશ્રીઃ આ પ્રશ્ન સ્વાભાવિક રીતે સૌ કોઇના મનમાં ઉદભવે. હું આપને જણાવું કે, છેલ્લી વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં ગ્રામીણ ગરીબોના આર્થિક ઉત્થાન અને તેમને આત્મ નિર્ભર બનાવવા માટેના કાર્યક્રમ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ એટલે મિશન મંગલમ. મિશન મંગલમ્ માં રાજ્ય સરકાર જ નહિ, નામાંકિત ઉદ્યોગગૃહો, નાણાંકીય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને ગરીબ લાભાર્થી બધાનો સંયુક્ત પરિશ્રમ લેખે લાગવાનો છે. ગુજરાતની અંદર વિકાસની યાત્રામાં ૫૦ ટકા નારીશક્તિ જો ભાગીદાર બને તો આ વિકાસની યાત્રા કેટલી ઝડપી બને, કેટલી વ્યાપક બને અને કેટલી ફળદાયી બને એનો મને પ્રત્યક્ષ અનુભવ છે. ગુજરાતની નારી શક્તિના કૌશલ્યને મારે વિકાસમાં જોડવું છે, એને નિર્ણયમાં મારે ભાગીદાર બનાવવી છે. એને મારે ર્આિથક પ્રવૃત્તિનો આધાર આપવો છે. તેથી જ ગરીબ બહેનોના નાના-નાના સખીમંડળોની જાળ આખા ગુજરાતમાં પાથરી છે. મિશન મંગલમ એક એવું મીશન હાથમાં લીધું છે કે, જેને કારણે ગુજરાતની ગરીબમાં ગરીબ બહેન જેને ક્યારેય વ્યાજે પૈસા લેવા ન પડે અને ક્યારેક ઓશિયાળા ન થવું પડે. ગુજરાતમાં લાખો સખી મંડળો બન્યા છે. બેંકો સાથેના જોડાણ કર્યા છે. રૂપિયા હજાર કરોડ કરતાં વધારે માતબર રકમ આજે આ બહેનોના હાથમાં આવી છે. આ રકમ પાંચ હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવાની નેમ છે. આપ વિચાર તો કરો, ગરીબ બહેનોના નાના નાના સખીમંડળો પાસે મળીને હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફરતી થાય તો, ગુજરાતના ગ્રામીણ જીવનમાં ગરીબના કુટુંબની ર્આિથક પ્રવૃત્તિ અંદર કેટલો મોટોવેગ આવશે, કેટલી વૈજ્ઞાનિક ઢબે પ્રગતિ થશે.

સવાલઃ નરેન્દ્રભાઇ, સામાજિક સેવા અને ગરીબ ઉત્કર્ષની વાત નીકળી જ છે તો એક પ્રશ્ન સહેજે માનસપટ ઉપર આવે છે કે, સરકારી યોજનાઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આપની સરકારે કોઇ વિશેષ આયોજન કર્યું છે ખરું?

મુખ્યમંત્રીશ્રીઃ બહુ પાયાની વાત તમે કરી...સરકારી યોજનાઓ જો માત્ર કાગળ ઉપર રહે અને તેનો લાભ જરૂરતમંદ લોકોને ન મળે તો તેનો કોઇ અર્થ જ નથી. ગુજરાતના એકે એક વ્યક્તિને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તે માટે અમે રાજ્યની વહીવટી સત્તાને વિકેન્દ્રિત કરી સીમાચિહ્નરૂપ યોજના દાખલ કરી છે. જેને આપણે બધાં ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ (એટીવીટી) તરીકે ઓળખીએ છીએ. રાજ્યમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચવાનો અને સૌથી નજીકના સ્થળે તાલુકા એકમને સક્ષમ બનાવી સેવા સુવિધા પૂરી પાડવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે. દરેક તાલુકામાં જીસ્વાન કનેક્ટવીટી અને કોમ્પ્યુટર સુવિધાથી સુસજ્જ જનસેવા કેન્દ્રો ઉભા કરાયા છે. વ્યક્તિલક્ષી, નાગરિકલક્ષી ૧૨૯ જેટલી સેવાઓ માટેની અરજીઓ આ જનસેવા કેન્દ્રોમાં સ્વીકારવામાં આવે છે. જિલ્લા કલેક્ટર અને નવ નિયુક્ત પ્રાંત અધિકારીઓની ટીમ રાજ્યના તમામ તાલુકાઓમાં રાજ્ય સરકારના આ ક્રાંતિકારી પ્રયોગને અમલમાં મૂકી રહ્યા છે. મારે તાલુકા તાલુકા વચ્ચે જનભાગીદારીથી વિકાસની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જવું છે.

સવાલઃ એટીવીટીની આપે વાત કરી પરંતુ સરકારી યોજનાઓનો આવો લાભ શહેરી ગરીબો સુધી પહોંચે છે ખરો?

મુખ્યમંત્રીશ્રીઃ જુઓ, દરેક વાત એક જ ફોર્મેટમાં ફીટ થતી હોય તેવી કોઇ ફોર્મ્યુલા હોય તો તો કોઇ પ્રશ્ન જ રહે નહીં અને આમ નથી થઇ શકતું એટલે જ બહુઆયામી દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનની અને દૃઢ રાજકીય ઇચ્છા શક્તિની આવશ્યકતા રહે છે. ઘરવિહોણા શહેરી ગરીબોને આવાસ સુવિધા આપવા માટે ગુજરાત સરકારે નક્કર આયોજન કર્યું છે. દેશમાં ગુજરાત એક જ એવું રાજ્ય છે જેના ૦-૧૬ અંકના પેરામીટર્સ ધરાવતા ગરીબીરેખા હેઠળના સો એ સો ટકા ગરીબ કુંટુંબોને આવાસના પ્લોટોની કરોડોની કિંમતી જમીન આપી દીધી છે. શહેરી ગરીબોના ઉત્કર્ષ માટે ગરીબ સમૃદ્ધિ યોજના અંતર્ગત ૧૧ વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નાણાકીય આયોજનની વીસ ટકા રકમ અલગ તારવીને તેને અનામત રાખીને રૂ. ૧૩ હજાર કરોડની માતબર રકમનું ફંડ ઉભું કરવામાં આવ્યું છે. શહેરી ગરીબોને રોજગારીની તકો ઉપલબ્ધ થઇ શકે તે માટે ઉમ્મીદ કાર્યક્રમ અન્વયે બે લાખ જેટલાં યુવાનોનું નામાંકન, સવા લાખ જેટલાં યુવાનોને તાલીમ અને એક જ વર્ષમાં એક લાખ જેટલાં યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ આપી રોજગારીની તકોનું નિર્માણ કરવાનું મહાઅભિયાન આ સરકારે ઉપાડ્યું છે.

સવાલઃ મુખ્યમંત્રીશ્રી, રોજગાર અને શિક્ષણ સિક્કાની બે બાજુ છે. ગુજરાતમાં શિક્ષણની શું સ્થિતિ છે?

મુખ્યમંત્રીઃ તમારી વાત બિલકુલ સાચી છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને રાજ્યના તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ લે, શિક્ષિત બને અને વિકાસની મુખ્ય ધારામાં જોડાય એ માટે ઊડીને આંખે વળગે એવા નક્કર કામ આ સરકારે છેલ્લા એક દાયકામાં કર્યાં છે. ભાવિ પેઢીમાં મને વિકસતું ભારત દેખાય છે, એમના વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે અનેકવિધ નૂતન પહેલ કરેલી છે. એમાં શાળા પ્રવેશોત્સવની વાત કરૂં તો હું અને મારા મંત્રીમંડળના તમામ સભ્યો દર વર્ષે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ. ગામ હોય કે શહેર, બાળકોને શાળામાં દાખલો અપાવીને તેઓ ભણવાનું સતત ચાલુ રાખે એની અમે નિરંતર કાળજી લઈ રહ્યા છીએ. એટલું જ નહીં, રાજ્યના મુખ્ય સચિવશ્રીથી લઈને તમામ સચિવશ્રીઓ પણ આ શિક્ષણયજ્ઞની ઉમદા કામગીરીમાં જોડાય છે. તેઓ વાતાનુકૂલિત ચેમ્બર છોડીને ઉનાળાના ધોમધખતા તાપમાં, ૪૫ ડિગ્રી ગરમીમાં ગામડાં ખુંદી વળે એથી મોટી બીજી કઈ વાત હોઈ શકે? મારા સ્મરણમાં નથી કે હિન્દુસ્તાન તો શું, વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં એવી કોઈ સરકાર હોય કે, બાળકોના ૧૦૦ ટકા નામાંકન માટે મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ત્રણ દિવસ માટે ગામેગામ ફરીને, પસીનો પાડીને આ પ્રકારની કામગીરી કરતા હોય. ગુજરાત સરકાર બાળકોને પાઠ્યપુસ્તકો, નોટો વગેરે વિના મૂલ્યે પૂરાં પાડે છે. જેનું પરિણામ આપણી સામે છે. એક ગુજરાતી તરીકે મને, તમને અને સૌ કોઈ ગુજરાતીને ગૌરવ થાય કે, ગુજરાતમાં ધોરણ-૧થી ૫ નો હાલનો ડ્રોપ-આઉટ રેશિયો તો માત્ર ૨.૦૯ ટકા છે. જે દસ વર્ષ પહેલ ઘણો ઉંચો ૨૦.૯૩ ટકા હતો. જ્યારે ધોરણ-૧થી ૭નો ડ્રોપ-આઉટ રેશિયો ૩૯ ટકા હતો, તે ૨૦૧૦-૧૧માં ઘટીને ૭.૪૫ ટકા સુધી નીચો આવ્યો છે.

સવાલઃ રાજ્યના યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દેશ અને દુનિયામાં કાઠું કાઢી શકે એ દિશામાં ગુજરાત સરકારે કયા નક્કર પગલાં લીધાં છે?

મુખ્યમંત્રીશ્રીઃ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળી રહે તે માટે અગાઉ ક્યારેય ન હતી એવી પર્યાપ્ત વ્યવસ્થાઓ છેલ્લા એક દશકમાં ગુજરાતમાં નિર્માણ પામી છે. ગુજરાતનો યુવાન દેશ અને દુનિયામાં તેના કૌશલ્યનું કૌવત દેખાડી શકે તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં ૩૯ જેટલી યુનિવર્સિટીઓ કાર્યરત છે. ૫૨ જેટલી નવી કોલેજો વર્તમાનયુગની આવશ્યકતા પ્રમાણેના અભ્યાસક્રમો સાથે શરૂ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોમાં ૩૫ જેટલી કોલેજો કાર્યરત છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ચિલ્ડ્રન યુનિ. અને કમિશન ફોર એજ્યુકેશન ઇનોવેશન્સ એમ બે નવી સંસ્થાઓ શરૂ થઇ છે. રાજ્ય સરકારે ગુજરાત નોલેજ સોસાયટીની સ્થાપના કરીને ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો વધારવા પર્યાપ્ત પ્રયાસ કર્યો છે. વિશ્વકક્ષાની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી જેવી વિશિષ્ટ માનવ સંશાધન યુનિવર્સિટીઓ શરૂ કરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય છે.

સવાલઃ ગુજરાતે આદિવાસીઓના કલ્યાણ માટે શું કર્યું?

મુખ્યમંત્રીશ્રીઃ સૌથી પહેલી વાત એ છે કે આદિવાસી આપણો જ ભાઇ છે. આપણા ૬ કરોડ ગુજરાતીઓના પરિવારનો સભ્ય છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આખો પૂર્વ પટ્ટો વનવાસી સમાજની વસતીનો છે. આ ૭૫ લાખ જેટલા આદીવાસીઓનું આર્થિક, સામાજીક, શૈક્ષણિક સશક્તિકરણ કરીને તેમને વિકાસયાત્રામાં જોડવા આ સરકારે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રૂા.૧૫૦૦૦/-કરોડની ‘‘વનબંધુ કલ્યાણ યોજના’’ અમલમાં મૂકી. જેના સર્વાંગી વિકાસના પરિણામોએ સમગ્ર વનવાસી ક્ષેત્રનાં જીવનમાં ગુણાત્મક બદલાવની ચેતના જગાવી દીધી છે. રૂા.૧૫૦૦૦/-કરોડની ‘વનબંધુ કલ્યાણ યોજના’ના હજુ તો ચાર વર્ષ જ પુરા થયા છે. પરંતુ આદિવાસીઓના વિકાસ માટેના ઉમળકાથી અત્યાર સુધીમાં રૂા.૧૭૦૦૦ કરોડનું બજેટ વપરાઇ ગયું છે. અને પાંચ વર્ષના અંતે તો રૂા. ૨૦,૦૦૦ કરોડના વિકાસના કામોથી આદિવાસી સમાજની સ્થિતિમાં આમૂલ બદલાવ આવવાનો છે.

આખા હિન્દુસ્તાનમાં આદિવાસી વિકાસનું આવુ સર્વસ્પર્શી, સર્વગ્રાહી આયોજન અને તેનો અમલ માત્ર ગુજરાતે જ કર્યો છે. અને દેશનું પથદર્શક બન્યું છે.

 

મુખ્યમંત્રીશ્રીઃ - મારે એક વાત સ્પષ્ટ પણે કહેવી છે. દસ વર્ષની વિકાસયાત્રામાં અનેક ક્ષેત્રોમાં વિકાસની અનેક પહેલ કરીને ગુજરાતે સફળતા મેળવી છે. પરંતુ છ કરોડ ગુજરાતીઓના મને આશીર્વાદ મળ્યા ન હોત તો આપણે આ વિકાસની આટલી મોટી હરણફાળ ભરી શક્યા જ ના હોત. છ કરોડ ગુજરાતીઓની સમજશક્તિનો આ વિકાસ માટેનો મિજાજ અને છ લાખ જેટલા મારી સરકારના સહુ સાથી કર્મચારીઓની ‘ટીમ ગુજરાત’ની વિકાસ અને જનસેવાની પ્રતિબધ્ધતાનું આ સીધેસીધુ ઉત્તમ પરિણામ છે. જનતા જનાર્દન અને રાજ્ય સરકારના સૌ કર્મચારીઓ માટે હું આ તકે અંતઃકરણથી આભારની લાગણી વ્યક્ત કરું છું.

 

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
What Happened After A Project Delayed By 53 Years Came Up For Review Before PM Modi? Exclusive

Media Coverage

What Happened After A Project Delayed By 53 Years Came Up For Review Before PM Modi? Exclusive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand
July 15, 2025

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Saddened by the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. Condolences to those who have lost their loved ones in the mishap. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”