મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ટેકનોલોજીના માધ્‍યમથી ગ્રામ સશકિતકરણની અભિનવ સિધ્‍ધિના એક ક્રાંતિકારી સોપાન રૂપે આજે ગુજરાત સ્‍વર્ણિમ ગ્રામ ઇ-પ્રસાર પ્રોજેકટનો પ્રારંભ અમરેલીથી કરાવતાં જણાવ્‍યું હતું કે, એકવીસમી સદીમાં માહિતીશકિત દ્વારા ગ્રામજનતાની સેવા માટેની ક્રાંતિકારી દિશા ગુજરાતે અપનાવી છે.
આ ઇ-પ્રસાર પ્રોજેકટ, પાઇલોટ યોજના તરીકે અમરેલી જિલ્‍લાના ૫૧ ગામોમાં આજથી શરૂ થઇ ગયો છે અને નજીકના ભવિષ્‍યમાં રાજયના ૧૮૦૦૦ ગામોમાં આ પ્રોજેકટ કાર્યરત થશે એવી જાહેરાત તેમણે કરી હતી.
ગુજરાતની સ્‍વર્ણિમ જયંતી ઉજવણીના સ્‍વર્ણિમ સંકલ્‍પોના ભાગરૂપે ગ્રામજનતા સમક્ષ રાજય અને જિલ્‍લાતંત્રની યોજનાઓ અને કામગીરી બાબતે અગત્‍યની સૂચનાઓ, માહિતી અને અગમચેતીની જાણકારી ટેકનોલોજીના માધ્‍યમથી માત્ર ૬૦ સેકન્‍ડમાં ગામની સાર્વજનિક જગ્‍યા ઉપર વિશાળ એલઇડી ડીસ્‍પ્‍લે પેનલ સ્‍ક્રીન ઉપર પ્રસારિત કરવાનો આ ‘ગુજરાત સ્‍વર્ણિમ ગ્રામ ઇ-પ્રસાર' પ્રોજેકટ શરૂ કર્યો છે, એની શરૂઆત જિલ્‍લા પાઇલોટ યોજના તરીકે અમરેલી જિલ્‍લાના ૫૧ ગામોમાં આજથી થઇ ગઇ છે ક્રમશઃ આ પ્રોજેકટ સમગ્ર રાજયના ૧૮૦૦૦ ગામોને આવરી લેશે, એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ આજે અમરેલી જિલ્‍લા પંચાયતના ઉપક્રમે યોજાયેલા ઇ-પ્રસાર પ્રોજેકટની વિશેષતા દર્શાવતા જણાવ્‍યું કે ગુજરાત સરકારે તો રાજયની બધી જ ગ્રામ પંચાયતોને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના બ્રોડબેન્‍ડ કનેકટીવિટીથી જોડીને ગામડામાં સશકિતકરણની ક્રાંતિ કરી છે.

હજી તો ભારત સરકાર તેના આ વર્ષના બજેટમાં દેશના ૩૦૦૦ ગામોને ઇન્‍ટરનેટ કનેક્ટીવીટી આપવાના પ્રોજેક્ટની જાહેરાત કરે છે, ત્‍યારે આ ગુજરાત સરકારે તો વર્ષો પહેલાં આઇ.ટી.નું ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર નેટવર્ક પુરું કરી દીધું છે. આ બતાવે છે કે, દેશની તુલનામાં ટેકનોલોજી દ્વારા વિકાસની સફળતામાં ગુજરાત કેટલું આગળ થઇ ગયું છે, એની ભૂમિકા સવિસ્‍તર શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વિકાસનો આખો સુવિચારિત રોડમેપ આ સરકારે અપનાવ્‍યો છે. સૌ પહેલા જ્યોતિગ્રામથી સમગ્ર રાજ્યના ૧૮૦૦૦ ગામડાંમાં ૨૪ કલાક થ્રી ફેઈઝ વિજળી આપી પરંતુ તેનાથી જ ગામેગામ શિક્ષણ ટેક્નોલોજીના માધ્‍યમથી ગુણાત્‍મક પરિવર્તન લાવી શકાયું છે. પ્રાથમિક શાળામાં કોમ્‍પ્‍યુટરો આવી ગયા અને સેટેલાઇટ ટેકનોલોજીથી શિક્ષણના પાઠો ગામડાંની શાળાઓમાં ઉપલબ્‍ધ થયા છે. હવે આ જ ટેક્નોલોજીના માધ્‍યમથી ૨૧ મી સદીની માહિતી-શક્તિને ગ્રામસમાજ સમક્ષ મૂકીને સમગ્ર તંત્રને પારદર્શી બનાવવાની એક એવી ટેક્નોલોજી ઇ-પ્રસાર પ્રોજેક્ટ દ્વારા વિકસાવીએ જેનાથી ‘‘માહિતીના અધિકાર'' કરતાં પણ વધુ ઝડપે સામાન્‍ય નાગરિકને અધિકૃત માહિતી મળે એમ તેમણે જણાવ્‍યું હતું.

ખેડૂતને તેની ખેતપેદાશોના ભાવો, ખેતબજાર ઉત્‍પન્‍ન સમિતિ તરફથી આ ઇ-પ્રસાર દ્વારા મળશે. સરકારની આરોગ્‍ય સેવાઓની માહિતી અને અભિયાનોની રજેરજની માહિતી, આપત્તિ અંગેની અગમચેતીની ચેતવણી-જાણકારી કઇ રીતે ગ્રામજનતાને સતત મળશે, એની સમજ સવિસ્‍તરરૂપે મુખ્‍યમંત્રીશ્રીએ આપી હતી.
આ સરકારે સમગ્ર વહીવટીતંત્રમાં કાર્ય સંસ્‍કૃતિની જે નવી પરંપરા ઉભી કરી છે તેનાથી તંત્રના અધિકારીઓને પ્રોત્‍સાહન મળ્યું છે અને ગુજરાતની જનતાની સેવા માટે વહીવટના અનેક નવા પ્રયોગો ગુજરાતમાં થઇ શક્યા છે, એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ આજે સાંસદના ભંડોળમાંથી રાજુલા અને જાફરાબાદ તાલુકાના અંતરિયાળ ૮૧ ગામોના દલિતવાસમાં સોલાર લાઇટની સુવિધાનું લોકાર્પણ કર્યુ હતું અને છેવાડાના માનવીની પાયાની સુવિધા માટેની રાજ્ય સરકારની કાળજી વિશે સંવેદના દર્શાવતી યોજનાઓની પણ રૂપરેખા આપી હતી.

‘આપણો તાલુકો-વાયબ્રન્‍ટ તાલુકો' યોજના દ્વારા પ્રત્યેક તાલુકામાં વિકાસની તંદુરસ્‍ત સ્‍પર્ધાનું વાતાવરણ બને, તાલુકાને પોતાના વિકાસના સપનાં સાકાર કરવાની શક્તિ મળે, તે માટેનું આહવાન પણ તેમણે આપ્‍યું હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ આવતીકાલ અખાત્રીજથી સમગ્ર ગુજરાતમાં સાતમો કૃષિ મહોત્‍સ્‍વ શરૂ થઇ રહયો છે તેમાં કિસાનશકિત સક્રિય ભાગીદાર બને તેવી અપીલ કરી હતી. ગુજરાતના કિસાનો ૩૫ વર્ષથી જમીનના નામે લૂંટાતા હતા તેમાં એક જ સપાટે જંત્રીના પ્રિમીયમમાં ૫૦ ટકા ઘટાડો કરીને ખેતીની જમીન, ખેતીના હેતુ માટે કે બિન ખેતીના હેતુ માટે, નવી શરતમાંથી જૂની શરતમાં બદલવાની કિસાનલક્ષી નીતિ અપનાવી છે, તેમ જણાવાયું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ ‘મિશન મંગલમ્' દ્વારા નારી શકિતકરણની બે લાખ સખીમંડળની ૨૫ લાખ ગ્રામ બહેનોના હાથમાં રૂ.૧૦૦૦ કરોડનો આર્થિક વહીવટ સોંપવાની યોજનાની પણ સમજ આપી હતી. વિકાસના મંત્રમાં સહુને ભાગીદાર બનવા તેમણે અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા, કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, ધારાસભ્‍ય સર્વશ્રી કાળુભાઇ વિરાણી, શ્રી હનુભાઇ ધોરાજીયા, શ્રી મનસુખભાઇ ભુવા, શ્રી હિરાભાઇ સોલંકી, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઇ માયાણી, ઉપપ્રમુખશ્રી વી.વી.વઘાસિયા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી શરદભાઇ લાખાણી, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઇ સાવલિયા, કલેકટરશ્રી સોમપુરા સહિત જિલ્‍લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ હાજર રહયાં હતાં. પ્રારંભે સ્‍વાગત પ્રવચન જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર તથા આભારવિધિ કારોબારી ચેરમેનશ્રી શરદભાઇ લાખાણીએ કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Year Ender 2025: Major Income Tax And GST Reforms Redefine India's Tax Landscape

Media Coverage

Year Ender 2025: Major Income Tax And GST Reforms Redefine India's Tax Landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ડિસેમ્બર 2025
December 29, 2025

From Culture to Commerce: Appreciation for PM Modi’s Vision for a Globally Competitive India