તેજ ગતિથી વિકાસ કરતા ગુજરાતમાં વાહન વ્યવહાર વ્યવસ્થાપનનું સર્વગ્રાહી આદર્શ આર.ટી.ઓ.નું મોડેલ ઊભું કરાશેઃ રૂ. ૧૦૦ કરોડનું બજેટઃ મુખ્યમંત્રીશ્રી
ટ્રાફિક શિક્ષણ માટેની ૧૦ મોબાઇલ TEAM વાનનું લોકાર્પણ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં નવનિર્મિત જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના આધુનિકત્તમ ભવનનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ગુજરાતની બધી જ આર.ટી.ઓ. કચેરીઓને ટેકનોલોજીથી સુસજ્જ કરીને નાગરિકો માટે વાહન લાયસન્સ અને રજીસ્ટ્રેશન જ નહીં પરંતુ વાહન વ્યવહાર વ્યવસ્થાપનનું આદર્શ મોડેલ બનાવાશે. આ હેતુસર રાજ્ય સરકારે રૂા. ૧૦૦ કરોડનું ખાસ બજેટ ફાળવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આર.ટી.ઓ. કચેરીઓની માળખાકીય સુવિધાઓમાં ટેકનોલોજીના મહત્તમ વિનિયોગના કારણે સમગ્ર વ્યવસ્થામાં ગુણાત્મક બદલાવ આવ્યો છે અને રાજ્યમાં ૧.૩૦ કરોડ વાહનો માટેના વ્યવસ્થાપનનો સીધો લાભ સામાન્ય નાગરિકોને થવાનો છે. ચોરીના વાહનોની લેવેચ ઉપર કોમ્પ્યુટર ટેકનોલોજીથી અંકુશ આવી શકે અને સામાન્ય માનવી વાહનોની ખરીદીની છેતરપીંડીનો ભોગ બનતા અટકશે. ડિજીટલ આર.ટી.ઓ. સીસ્ટમથી વાહન ચેકીંગ થઇ શકશે.

આર.ટી.ઓ. કચેરીઓના વ્યવસ્થાપનમાં આમૂલ પરિવર્તન લાવીને ટેકનોલોજી દ્વારા ડ્રાઇવિંગ માટેનું ઉત્તમ પરિક્ષણ કરવા માટેની સુવિધાનો ખ્યાલ આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ પધ્ધતિથી ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. દરેક શાળા નવીનત્તમ ટેકનોલોજી સાથેની આર.ટી.ઓ. કચેરીઓની મૂલાકાતે તેના વિધાર્થીઓને અચૂક લાવે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો. ગુજરાતમાં આર્થિક વિકાસ જે ગતિથી આગળ વધી રહ્યો છે તે જોતાં સમગ્ર દેશમાં ગુજરાતનો ભાગ્યે જ કોઇ પરિવાર એવો હશે જે વાહન વગરનો રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલાએ ૮૭પ૦ ચો.મીટર ક્ષેત્રફળમાં ૩.૮પ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આ અદ્યતન ભવન વાહન વ્યવહાર વિભાગની જનસેવાલક્ષી પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં ટ્રાફિક નિયમન અને અવેરનેસ માટે સ્વયંશિસ્ત પાલનના નાગરિક ધર્મને રાજ્યના નાગરિકો ઉજાગર કરી સૌના સાથ સૌના વિકાસ ની નેમ સાથે રાજ્યની ઉચ્ચત્તમ પ્રગતિમાં સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો. વાહન વ્યવહાર કમિશ્નરશ્રી જે. પી. ગુપ્તાએ સ્વાગત પ્રવચનમાં વાહન વ્યવહાર વિભાગની એક દશકની સિધ્ધિઓની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે શ્રમ રોજગાર રાજ્યમંત્રીશ્રી લીલાઘરભાઇ વાઘેલા, ધારાસભ્યો સર્વશ્રી શંભુજી ઠાકોર, કલ્યાણસિંહ ચૌહાણ, ગુડા અધ્યક્ષશ્રી અશોકભાઇ ભાવસાર, અતિપછાત જાતિ નિગમના અધ્યક્ષશ્રી પૂનમભાઇ મકવાણા તથા બંદરો અને વાહન વ્યવહારના અગ્ર સચિવશ્રી એચ. કે. દાસ તેમજ ઉચ્ચ અધિકારીઓ, આમંત્રિતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


