રૂા.૪૬ કરોડના ખર્ચે બંધાયેલા સાબરમતી નદી ઉપરના દસમા અને સૌથી પહોળા છ લેનના ઓવરબ્રીજનું શાહીબાગમાં લોકાર્પણ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ પાલડી ખાતે વિશાળ જનસભામાં સંબોધન કરતાં પૂર્વે પરિમલ રેલવે અન્ડરબ્રીજનું ઉદ્ધાટન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદી ઋષિ દધિચીના નામ સાથે સાબરમતી વાડજ ગાંધી આશ્રમથી દૂધેશ્વર સુધીના નદી ઉપરના બ્રીજની ચિરંજીવ સ્મૃતિ રાખવાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, દધિચી ઋષીએ દાનવોની પીડામાંથી મુક્ત કરવા પોતાના શરીરના હાડકાંનો વિલય કરી માનવજાતને બચાવી હતી. આ દધિચી મુનિની પવિત્ર ધરતી ઉપર સાબરમતી નદીમાં નર્મદા વહેતી કરીને અને આધુનિક વિકાસ કરીને ગુજરાતે નવી કેડી કંડારી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભગીની નિવેદિતાના પૂણ્યતિથીના સો વર્ષ નિમિત્રે એક વિદુષી નારીએ ભારત માતાની આધ્યાત્મકિ ભકિત માટે ભારતમાં આવીને વસ્યા તેનું નામ પરિમલ રેલવે અન્ડરબ્રીજ સાથે જોડાયું છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, જનતાને વિકાસની જ અપેક્ષા છે અને વિકાસની નવી ઉંચાઇઓ કઇ રીતે કરી શકાય તેનું ઉદાહરણ ગુજરાતે પૂરુ પાડયું છે. શહેરી વિકાસ માટેનું બઝેટ દસ વર્ષમાં રૂા.૨૩૨ કરોડમાંથી ત્રણ હજાર કરોડ ઉપર પહોંચાડી દીધું છે. અમદાવાદ સહિતના બધા જ મહાનગરોમાં શહેરી વિકાસ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ કેટલી હદે જૂઠાંણા ચલાવે છે તેના દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે, દેશમાં સૌથી વધારે ઝડપી અને પ્રથમસ્થાને ઔઘોગિક વિકાસ ગુજરાતે કરી બતાવ્યો છે પરંતું તેની સાથે ખેતીની જમીન અને વાવેતર વિસ્તાર ધટયા નથી કારણ કે આ સરકારે પડતર બીનઉપજાઉ જમીન ઉપર ઉઘોગોને સ્થાપવા પ્રેરિત કર્યા છે. ઔઘોગિક વિકાસથી નવ જુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. રોજગારીની તકો વધવાની છે. ધોલેરા એસ.આઇ.આર.ના કારણે અને દિલ્હી મુંબઇ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરથી ગુજરાતના શહેરોની રોનક બદલાઇ જશે. દુનિયા ચકિત થઇ જાય એવા નવા શહેરોનું નિર્માણ થશે.
ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણીના આયોજનને જનશકિતના સાક્ષાત્કાર પર્વથી વિકાસનો ઉત્સવ ઉજવ્યો તેનું સંશોધન અભ્યાસ કરવા તેમણે વિશ્વની યુનિવર્સિટીઓને આમંત્રણ આપ્યું હતું અને વાંચે ગુજરાત, ખેલ મહાકૂંભ જેવા પ્રજાશકિતના કૌશલ્યએ વિશ્વવિક્રમો પ્રસ્થાપતિ કર્યા છે અને એક લાખ યુવાનો સંસ્કૃત ભાષામાં વાતચીત કરતાં પારંગત થયા છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત વિરોધી પરિબળો અને કોંગ્રેસના અપપ્રચારથી ચલિત થયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા પૂરા વેગથી આગળ વધારશે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
શ્રી અડવાણીજીએ અમદાવાદના આધુનિક શહેરી વિકાસ અને સાબરમતી નદીને નર્મદાનું પાણી તથા શહેરના નવા પુલો આપવા માટે પણ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતાં.
પ્રારંભમાં અમદાવાદના મેયર શ્રી આસિતભાઇ વોરાએ અમદાવાદ શહેરની વર્ષો જૂની ટ્રાફિક અને વાહન યાતાયાતની સમસ્યા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં આજે હલ થઇ રહી છે અને અમદાવાદના નગરજનોને શહેરી સુખાકારીના બે નવા સિમાચિહ્ન સોપાનો મળી રહ્યાં છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે મહાનગરના પ્રોપર્ટી ટેક્ષની આકારણીમાં નવી જંત્રીના અમલના થઇ રહેલા અપપ્રચારને રદિયો આપતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ટેક્ષની આકારણીમાં નવી જંત્રના અમલને રાજ્ય સરકાર ધ્યાને લેશે નહીં.
શહેરી વિકાસ મંત્રીશ્રીએ રૂા.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત મહર્ષિ દધિચી ઋષિ રીવર બ્રીજ અને ભગીની નિવેદિતા રેલવે અન્ડરબ્રીજની નગરજનોને મળેલી ભેટથી શહેરી સુખાકારીના અનેકવિધ સોપાનોમાં નવું પ્રકરણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું છે તેમ જણાવ્યું હતું.
એલીસબ્રીજના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહે અવસરની પ્રસન્નતા વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા, સાંસદશ્રીઓ ડૉ.કિરીટ સોલંકી, સુરેન્દ્રભાઇ પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, મહાપાલિકાની વિવિધ સમિતીઓના અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીઓ, મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


