
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન-FLO અમદાવાદ ચેપ્ટરનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે ભારતની માતૃશકિત તેના સામર્થ્યથી દેશના વિકાસમાં જે યોગદાન આપી રહી છે તેનું મૂલ્ય નાણામાં આંકી શકાય જ નહીં.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુ઼ કે ‘‘ભારતની સંસ્કૃતિએ માતૃશકિતના સામર્થ્યનો સ્વીકાર કર્યો છે અને પરિવાર પ્રથાની જાળવણી કરવામાં નારીશકિતનું યોગદાન જ ભારતમાં કુટુંબપ્રથાની પરંપરાનો મહિમા જાળવી રહ્યું છે.''
સાંપ્રત યુગમાં મહિલા સશકિતકરણની ચર્ચા ચાલતી રહી છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય નારી સમાજ પછાત સ્થિતિમાં છે એવો પશ્ચિમી ભાષાનો ભ્રમ ભાંગી રહ્યો છે. ભારતની નારીશકિત માત્ર પરિવાર ભાવના સીમિત દાયરામાં નથી પરંતુ અનેક ક્ષેત્રોમાં નારીશકિતએ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે અને તેમાં પણ સમાજના પછાત-નબળા વર્ગોમાં નારીશકિત પોતાનું કૌવત બતાવી રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં શકિત સ્વરૂપા નારીને ઇશ્વરરૂપ માનીને પૂજાય છે જે દુનિયામાં બીજા કોઇ ધર્મમાં નથી, એ વિશેષતા જોતા ભારતીય નારીને નબળી સ્થિતિમાં ગણવાનો ભ્રમ છોડવાનો સમય પાકી ગયો છે.
ગુજરાતની વર્તમાન સરકારે નારી સશકિતકરણ માટે જે ગંગાબા એવોર્ડ શરૂ કર્યો છે તે ગંગાબા ગ્રામીણ માતૃશકિત હતી અને ગાંધીજીને આર્થિક ક્રાંતિના નિર્માણ સમો ખાદી કાંતવાનો ચરખો ભેટ આપ્યો હતો. આવી અનેક માતૃશકિતના ઉદ્દયશીલતાનું સામર્થ્ય ભારતની નારીસમાજની ગરિમાના દર્શન કરાવે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વિકાસોન્મુખ અને સમૃધ્ધ ગુજરાતમાં ૨૧મી સદીની શરૂઆતમાં કન્યા શિક્ષણની જે દુર્દશા હતી તેમા઼ જડમૂળથી બદલાવ લાવવાની પ્રતિબધ્ધતા સાથે કન્યા કેળવાણી યાત્રાનું જનઆંદોલન કઇ રીતે સફળ બન્યું તેનો ઘટનાક્રમ મુખ્ય મંત્રીશ્રીએ પ્રસ્તુત કર્યો હતો.
કન્યાઓના શાળા ડ્રોપઆઉટનો દર ૧.૨૯ ટકા સુધી નીચો લાવવામાં કઇ રીતે સફળતા મળી તેની સંવેદનશીલ કાર્યયોજનાની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ર૧મી સદીમાં ગરીબ સગાર્ભા માતા કે શિશુ પ્રસુતિમાં જિંદગી ગુમાવી દે તે પીડારૂણ દર્દનાક સ્થિતિનો અંત લાવવા ‘‘ચિરંજીવી યોજના''ની સફળતાનું અભિયાન કોઇ રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાને પ્રભાવિત કરી રહ્યું છે તેની રૂપ રેખા પણ તમેણે આપી હતી. ૧૦૮ ઇમરજન્સી સેવાએ ૯૦૦૦ સગર્ભાની સુરક્ષિત પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવી છે.
ભૃણ હત્યાના સામાજિક પાપરૂપ કલંક શિક્ષિત સમાજમાં પથરાયેલું છે તેની સામે ગુજરાતમાં ‘‘બેટી બચાવ'' જનઆંદોલનની સફળતાથી પહેલા દર હજાર પુત્રજન્મ સામે ૭૦૨ કન્યા જન્મદર હતો જે હવે ૮૯૬ કન્યા જન્મદર પહોંચ્યો છે એની જાણકારી પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
ગુજરાતમાં કુપોષણથી પીડાતા ગરીબ સમાજને પોષક આહાર અને સોયા ફોર્ટીફાઇડ આટાનું જાહેર વિતરણ વ્યવસ્થાપન કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગરીબ સગર્ભા માતાને પોષણ માટે સુખડીનું દાન અને ગરીબ બાળકોને દૂધનું દાન આપવા મહિલા સંસ્થાઓ સમાજ સંવેદના ઉજાગર કરે એવી અપીલ તેમણે કરી હતી.
માતૃશકિત વગર સમાજનો વિકાસ થવાનો નથી અને સખી મંડળોના દોઢ લાખ જેટલા નેટવર્ક દ્વારા ગામડામાં આર્થિક વહીવટનો અવસર મહિલાઓના હાથમાં આવ્યો છે જે અત્યારે રૂા.૪૦૦ કરોડનો કારોબાર ધરાવે છે અને હવે મિશન મંગલમ્ યોજનાથી સખીમંડળમાં આર્થિક વહીવટ રૂા.૫૦૦૦ કરોડ સુધી પહોંચી જવાનો છે એમ તમેણે જણાવ્યું હતું.
મહિલાઓને નિર્ણયમાં ભાગીદારીનો અધિકાર તેની આર્થિક આત્મ નિર્ભરતા ઉપર અવલંબે છે અને ગુજરાત સરકારે નારીને નામે મિલ્કતનો અધિકાર અને સરકારી યોજનાઓમાં નારીને પ્રાથમિક અગ્રતા આપીને ગુજરાત સરકારે નારીશકિતકરણની દિશામાં નવી પહેલ કરી છે એમ તમેણે જણાવ્યું હતું.
ફલોના પ્રેસિડેન્ટ સુશ્રી કવિતા દત્તે આવકાર પ્રવચનમાં ગુજરાતની વિકાસયાત્રા અને મહિલા સશકિતકરણ માટેનું શ્રેય શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગતિશીલ કુશળ નેતૃત્વને આપ્યું હતું.
ફિકકીના ગુજરાત પ્રમુખ શ્રી પંકજ પટેલે, અભિનેત્રી રવિના ડંટન, પાસ્ટ પ્રેસિડેન્ટ - ફલો કિરણ ગેરા, સુશ્રી સોનલ અમ્બાણીએ પણ ફલો-ગુજરાત ચેમ્બરને શુભેચ્છા આપી હતી.


