મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા મંદિરના નિર્માણ માટે માટી અને જળ કળશની કારસેવાના અભિયાનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે સ્વર્ણિમ જ્યંતીનો ઉત્સવ, ગુજરાતની સમાજશકિતની ૧૧ કરોડ ભૂજાઓ દ્વારા વિકાસ માટેના સામર્થ્યથી દેશ અને દુનિયાને મોહિત કરશે.
મહાત્મા મંદિરના નિર્માણની ઇમારત એ કોઇ સામાન્ય વિશિષ્ઠ ઇમારત નથી પરંતુ ગુજરાતની સાડા પાંચ કરોડ સમાજ ઊર્જા અને ઓજ-તેજ એમાં લાગણીથી છલકાઇ રહ્યાં છે એનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધી તો યુગપ્રવર્તક હતા, સ્થળ-કાળ-સ્થિતિના સીમાડાથી પર છે પરંતુ ગ્રામરાજ્યથી રામરાજ્ય લાવવાનું એમનું સપનું સાકાર કરવા આપણે સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં સંકલ્પબધ્ધ છીએ.
આખા વિશ્વમાં જે મહામાનવની પ્રતિષ્ઠા હોય તેમની સ્મૃતિમાંથી મહાત્મા મંદિર આપણને પ્રેરણા આપતું રહેવાનું છે અને, ગુજરાત સહિત દેશ અને દુનિયાની ધરાની માટી તથા જળનું સિંચન ઇતિહાસની અજોડ તવારિખ બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારો તો આવશે અને જશે પરંતુ મહાત્મા મંદિર શાસકો અને પ્રશાસકોને ‘‘સર્વજનહિતાય સર્વજનસુખાય'' માટે જનસેવાની નિરંતર પ્રેરણાનું કેન્દ્ર બની રહેવાનું છે, એમાં સમાજઊર્જાની આત્મિક તાકાતનું પાયાનું યોગદાન પ્રાપ્ત થયું છે.
મહાત્મા ગાંધીજીના મહાન જીવનનું મૂલ્યાંકન કરવાનું આપણું ગજૂં નથી પરંતુ, દેશ અને દુનિયા માટે વિશ્વશાંતિના વિચારનું આ પ્રેરણાતીર્થ બની રહેવાનું છે.
મહાત્મા મંદિરમાં ઉતારેલી સ્મૃતિમંજૂષાની ટાઇમ કેપ્સુલ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીના ઇતિહાસના આલેખન દસ્તાવેજ હજારો વર્ષ પછી પણ અભ્યાસુ-ચિન્તકો માટે આજના ઇતિહાસને ઊજાગર કરશે એવો વિશ્વાસ દર્શાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે ગમે તે પદાધિકારી હોઇએ જનતાએ આપણને સ્વર્ણિમ જ્યંતી ઉત્સવમાં દાયિત્વ સોંપ્યું છે તે જ આપણું સદ્દભાગ્ય છે અને તેથી, આપણે એવું નેતૃત્વ પુરૂં પાડીએ જેમાં ગામ અને નગરના વિકાસનું કલેવર બદલવાની સ્પર્ધાનું વાતાવરણ ઉભૂં કરીએ.
તેમણે ગામડામાં પર્યાવરણ અને હરિયાળી ઉભી કરવા માટે, ઉકરડામાંથી જૈવિક ખાતરના એકમો કાર્યાન્વિત કરવાના કચરામાંથી કંચનના પ્રોજેકટ માટે, ટપક સિંચાઇ માટે, જળ સંચય અને જલમંદિરના નિર્માણ માટે, ખેતીવાડી અને પશુપાલન આધારિત કૃષિપ્રધાન અર્થતંત્ર માટે પ્રત્યેક ગામડામાં સ્વર્ણિમ જ્યંતીનો અવસર વિકાસનો જનઉત્સવ બને એવું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
‘‘આપણો એક જ મંત્ર હોઇ શકે અને એ છે વિકાસનો જયજયકાર''એમ તેમણે સ્વર્ણિમ ગુજરાત, જય જય ગરવી ગુજરાતનો જયઘોષ કરતા જણાવ્યું હતું.
ગ્રામવિકાસ અને પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસને મહામંત્ર બનાવ્યો છે. ગામડાના લોકોને શહેરોના નાગરિકોની સમકક્ષ લઇ જવા ‘‘રર્બન'' અભિગમ અપનાવવામાં આવ્યો છે. ગામડાંઓ શહેરોની સમકક્ષ બને એ હેતુથી સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગ્રામીણ વિકાસને અગ્રતા આપવામાં આવશે.
સમારોહના પ્રારંભે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સંજીવકુમારે પુસ્તક અને પુષ્પગુચ્છથી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત, કર્યું હતું.
અમદાવાદ મહાનગરના મેયર શ્રી કાનાજી ઠાકોર ઉપરાંત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન શ્રી અશોકભાઇ ભાવસાર અને રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પણ પવિત્ર માટી અને જળ ભરેલા કુંભ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો શ્રી વજુભાઇ વાળા, શ્રી નીતિનભાઇ પટેલ, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી જયનારાયણભાઇ વ્યાસ, રાજ્યમંત્રીશ્રી અમિતભાઇ શાહ, શ્રી સૌરભભાઇ પટેલ, શ્રી જયસિંહ ચૌહાણ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી વાસણભાઇ આહીર, શ્રી પરબતભાઇ પટેલ, સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ ઉજવણી સમિતિના ચેરમેન શ્રી આઇ. કે. જાડેજા, મુખ્યદંડક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સંસદીય સચિવશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના પદાધિકારીઓ, ગામડાના સરપંચશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


