અમદાવાદઃ ગુરૂવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાયન્સ સીટી પરિસરમાં ભારતના સર્વપ્રથમ ઇલેકટ્રીસીટી મ્યુઝિયમ ઇલેકટ્રોડ્રોમ જનતાને સમર્પિત કરતા “ઉર્જા અને ઉર્જાસ્ત્રોત બચાવ”નું વાતાવરણ સમાજમાં સર્જવાની નેમ વ્યકત કરી હતી.
ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે સમાજની ઉર્જા જાગૃત કરીને વીજળી-પાણી બચાવવાના અનેક પ્રકારના નવતર પ્રયોગો કરીને નવી તાકાત ઉભી કરવા તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.
પર્ણિમાએ ગામ-નગરમાં રાત્રે એક કલાક વીજળી બંધ રાખીને ચાંદનીનું શીતળ પ્રકૃતિ સૌંદર્ય માણવા માટે નગરજનોને પ્રેરિત કરનારી નગરપાલિકાઓને તેમણે અભિનંદન આપ્યા હતા અને અન્ય નગર-ગામો પણ આ માર્ગે પ્રેરક પ્રયોગો કરે તેવી અપેક્ષા દર્શાવી હતી.
ચાઇના લાઇટ એન્ડ પાવર ઇન્ડિયા દ્વારા સ્વર્ણિમ ગુજરાત જયંતી અવસરે સાયન્સ સીટીમાં આ ઇલેકટ્રોડોમ - વિઘુત ઉર્જા સંગ્રહાલય રૂપે નિર્માણ પામ્યું છે. એકંદરે ૧૪૦૦૦ ચો.ફૂટ વિસ્તારમાં વીજળી-વિષયક અદ્ભૂત માહિતી વિજ્ઞાન-ટેકનોલોજીના ઉપકરણથી આ પ્રોજેકટમાં પ્રસ્તુત થઇ છે.
વીજળી-ઉર્જાના સમગ્ર વિજ્ઞાન અને માનવ પુરૂષાર્થને સામાન્ય માનવીની સમજમાં આવે તે રીતે પ્રસ્તુત કરતા આ વિઘુત સંગ્રહાલય ઊર્જાસ્ત્રોત વિશેના અદ્ભૂત વૈજ્ઞાનિક રહસ્યો રજૂ કરે છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આજની યુવા-તરૂણ અને બાળ પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને શિક્ષણ સાથે ઉપયોગી એવું મનોરંજન આપવાનો આ પ્રયાસ સાયન્સ સીટીને જ્ઞાન-વિજ્ઞાનના મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાની અપેક્ષા તેમણે દર્શાવી હતી.
સાયન્સ સીટીને આધુનિકતમ વિજ્ઞાન-જ્ઞાન નગરો રૂપે વિકસાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી. સમાજના વરિષ્ઠ નાગરિકોની સેવા સ્વયંસેવક તરીકે સાયન્સ સીટી માટે લેવાનું જીવંત વાતાવરણ ઉભૂં કરવાનો પ્રયાસ તેમણે દર્શાવ્યો હતો.
ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રીશ્રીના પંચશકિતના ખ્યાલમાંથી જ્ઞાનશકિત, ઉર્જાશકિત અને જનશકિતનો અહીં સુભગ સમન્વય થાય છે. ગુજરાતના વિકાસમાં ઉર્જાનો ફાળો નોંધપાત્ર છે.
સી.એલ.પી. ઇન્ડિયાના મેનેજીંગ ડીરેકટર શ્રી રાજીવ મિશ્રાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે, આ સંગ્રહાલયમાં જીવંત અને અવિસ્મરણીય અનુભવ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી રવિ સકસેનાએ આભારવિધી કરી હતી.
આ પ્રસંગે સી.એલ.પી.ના સી.ઇ.ઓ શ્રી એન્ટ્રુ બ્રાન્ડર, વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી રવિ સકસેના, વિભાગના પ્રિન્સીપલ સચિવ શ્રી ડૉ.જે.પાંડિયન સહિત વિવિધ અધિકરીઓ, વિઘાર્થીઓ, વિજ્ઞાનપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.