પ્રિય મિત્રો,
૨૦૧૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો બીજો અને અંતિમ તબક્કો આજે પૂર્ણ થયો. આપણે ત્યાં ઐતિહાસિક પ્રમાણમાં મતદાન જોવા મળ્યુ, જે બતાવે છે કે આપણી લોકશાહી પ્રત્યે તમને અડગ શ્રધ્ધા છે અને પોતાના મતનું મુલ્ય તમે ઉંચું આંકો છો. આ ચૂંટણીઓમાં જંગી મતદાન કરીને તમે લોકશાહીનાં આ સૌથી પવિત્ર અધિકારનો ઉપયોગ કરવા માટે ભારતનાં લોકોને અમૂલ્ય પ્રેરણા આપી છે, જે બદલ હું આપને અભિનંદન પાઠવુ છું. ભારતીય લોકશાહીનાં મુલ્યો પ્રત્યે તમે જે વિશ્વાસ દાખવ્યો એ અદભુત છે.

સતત મહેનત અને ઉજાગરાઓ વેઠીને તમે ભાજપનું કમળ ગુજરાતમાં સોળે કલાએ ખીલી ઉઠે એ માટે મહત્વનું યોગદાન આપ્યુ છે. મિત્રો, કોઈ પણ ચૂંટણીની આંટીઘૂંટી સમજવી હોય તો બેઠકોની સંખ્યા, મતોનું વિભાજન, માર્જિન વગેરે આંકડાઓની જાણકારી મેળવવી જરૂરી છે. પણ આ આંકડા અને માહિતીઓથી ઉપર ઉઠીને જોઈએ તો ૨૦૧૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આપણને બે બાબતોની ઝાંખી કરાવી જાય છે, એક છે ભારતનાં લોકોની ઈચ્છાશક્તિની પ્રચંડ તાકાત.
બીજી એક એવી બાબત દેખાઈ રહી છે કે ગુજરાતની આ ચૂંટણીઓ ભારતનાં લોકોનો ચૂંટણી માટેનો અભિગમ સમૂળગો બદલી દેશે, લોકો ચૂંટણીઓને અલગ જ દ્રષ્ટિકોણથી જોતા થશે. એવું માનવામાં આવતું કે જો તમે વોટબેંકની રાજનીતિ ખેલો, જાતિવાદી સમીકરણો ખેલો તો ચૂંટણીમાં તમારી જીત પાક્કી! પણ ગુજરાતે આ સમીકરણ બદલી નાખ્યું છે. ગુજરાતે દુનિયાને બતાવી આપ્યું છે કે ચૂંટણીઓ વિકાસનાં મુદ્દે પણ જીતી શકાય છે, માત્ર એટલું જ નહિ, ગુજરાતે એક એવા વાતાવરણનું નિર્માણ દીધું છે કે હવે કોઈ ચૂંટણીમાં વિકાસનાં મુદ્દા સિવાય બીજી વાત કરી નહિ શકાય. ગુજરાતનો વિકાસ એ રાજ્યનાં સુશાસનનું જ પ્રતિબિંબ છે. વિકાસ અને ચૂંટણીઓ એકબીજા સાથે જોડાયેલા છે, અને આ હકીકતને વાસ્તવિકતામાં ફેરવવામાં ગુજરાતે મોટું યોગદાન આપ્યું છે.
ગુજરાતની ચૂંટણીઓમાં આ વખતે જેટલો ઉત્સાહ જોવા મળ્યો એટલો મેં પહેલા ક્યારેય જોયો નથી. વડીલોથી લઈને યુવાનો સુધી સૌ કોઈ ચૂંટણીને લઈને ઉત્સાહિત હતું. પછી એ સ્વતંત્ર ભારતની દરેક ચૂંટણીમાં મતદાન કરનાર દેડિયાપાડાનાં ૧૧૭ વર્ષીય શ્રી કથુરિયા દાદા હોય, કે જુનાગઢનાં શ્રીમતી મણીબેન જાદવ હોય, કે પછી કલસારીનાં શ્રીમતી રામબેન રામાણી કે શ્રીમતી ઉજીબેન કાકડિયા હોય, આ તમામ શતાયુ વડીલોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કંઈ રોકી શક્યુ નહિ. આપણા સ્વતંત્રસેનાનીઓએ લોહી, પસીનો વહાવ્યા છે, બલિદાન આપ્યા છે અને તેનાં પરિણામે જ આપણને મત આપવાનો આ અધિકાર મળી શક્યો છે. તમે જોયું હશે કે તહેવારોનાં સમયમાં પાડોશનાં નાના બાળકો શુભકામનાઓ આપવા તમારા ઘેર દોડી આવતા હોય છે. તમે ભલે ગમે તેટલા થાકેલા હોવ, જવાબદારીઓનાં ભાર હેઠળ દબાયેલા હોવ, આ બાળકોનું નિર્દોષ હાસ્ય જ એવું હોય છે કે તમે બધુ ભુલીને ઉજવણીનાં મુડમાં આવી જાવ છો. આવું જ બન્યું જ્યારે કેટલાક શાળાનાં બાળકોએ ગુજરાતીઓને ઘેરથી બહાર નીકળી મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. આ બાળકો હજી પોતે તો મત આપી શકે એમ નહોતા, પણ લોકશાહીનાં આ સૌથી મોટા તહેવારને લઈને તેમનામાં જે ઉત્સાહ જોવા મળ્યો એ દેખીને મને વિશ્વાસ બેસે છે કે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ બાળકો અને પેલા શતાયુ વડીલો વચ્ચે આમ તો ઘણી પેઢીનું અંતર છે, પણ સાચુ કહો તો આ લોકો જ ભારતીય લોકશાહી અને ચૂંટણીઓનાં રોલ મોડેલ અને સમર્થકો છે.
સદભાવના મિશન અને વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા થકી ગુજરાતભરનાં અસંખ્ય લોકોને મળવાનો મને અવસર મળ્યો. મારા સમગ્ર કાર્યકાળ દરમ્યાન મારો સતત પ્રયત્ન રહ્યો છે કે વધુ ને વધુ લોકોને હું મળતો રહું. મેં ગુજરાતભરમાં ફરીને પ્રચાર પણ કર્યો. ગુજરાતનાં વિકાસ માટે અમે અત્યાર સુધીમાં શું કર્યું અને આગામી પાંચ વર્ષમાં શું કરવાનો અમારો નિર્ધાર છે એ અંગે હું અગાઉ લખી ચૂક્યો છું. મને કહેતા ગૌરવ થાય છે કે લોકો સુધી પહોચવા માટે થ્રીડી પ્રોજેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત સમગ્ર દુનિયાનું પ્રથમ રાજ્ય છે. એકસાથે વિવિધ સ્થળોએ થ્રીડી ટેક્નોલોજીથી સંબોધન કરવામાં આવે એ બાબત ઐતિહાસિક છે અને મને ખુશી છે કે આ બાબત ગુજરાતની ધરતી પર બની છે. દાહોદમાં ૧૧ પોલીસકર્મીઓનાં મોતની કમનસીબ ઘટના બની, તેને બાદ કરતા ચૂંટણી પ્રચાર એકંદરે શાંત રીતે પૂર્ણ થયો. આ દુ:ખદ ઘટના માટે હું ઊંડો ખેદ અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. ચૂંટણીઓનું આયોજન કાર્યક્ષમ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા બદલ હું કેન્દ્રિય અને રાજ્ય ચૂંટણી પંચ તથા અન્ય તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગુ છું. લોકો મહત્તમ પ્રમાણમાં મતદાન કરે એ માટે તેમણે કરેલા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે.
મિત્રો, તમે ભલે ગમે તેને મત આપ્યો હોય, જંગી મતદાન દ્વારા તમે જે ઈતિહાસ સર્જ્યો છે એ બદલ હું ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
જય જય ગરવી ગુજરાત,
તમારો,
નરેન્દ્ર મોદી


