ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૬૮ યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા
૪૪ અનાથ કન્યાઓનું ઠાકોર સમાજે કન્યાદાન કર્યું
મુખ્યમંત્રીશ્રીએ નવદંપતિને મંગલમય સહજીવનની શુભેચ્છા આપી
ઠાકોર સમાજે સામાજિક કુરિવાજોથી મૂકત થવાનું જાગૃત અભિયાન ઉપાડયું તેને બિરદાવતા નરેન્દ્રભાઇ મોદી કુંવરબાઇનું મામેરૂ સમૂહલગ્ન પ્રોત્સાહક યોજનામાં રાજ્ય સરકારની સહાય બમણી .
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદ નજીક વિસલપુરમાં અખિલ ગુજરાત ઠાકોર સમાજ આયોજિત સર્વપ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૪૪ અનાથ કન્યાઓ સહિત ૧૬૮ નવદંપતિઓને મંગલમય દામ્પત્યની શુભેચ્છા આપતા જણાવ્યું કે સામાજિક કુરિવાજોથી મૂકત રહીને જે સમાજ દિકરાદીકરીના ભેદભાવ વગર શિક્ષણ આપે છે તે સમાજ આપોઆપ સર્વાંગિણ વિકાસ રહી શકે છે.અખિલ ગુજરાત ઠાકોર સમાજના આગેવાનોએ સામાજિક ભૃણોથી દૂર રહીને દેવાના ડૂંગર કરીને લગ્નના ખોટા ખર્ચમાંથી અનેક ઠાકોર કુટુંબોને ઉગાર્યા છે તે માટે સમાજના અગ્રણીઓ સમૂહ લગ્ન માટે તત્પર બનેલા કુટુંબો અને નવયુગલોને પણ તેમણે અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સમૂહલગ્નોની પ્રથાને સામાજિક સ્વીકૃતિ વ્યાપકરૂપે મળી રહી છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યૂં કે રાજ્ય સરકારે પણ કુંવરબાઇનું મામેરૂ સમૂહ લગ્ન પ્રોત્સાહક યોજના માટે અપાતી પ્રત્યેક નવયુગલ દીઠ રૂા.૫૦૦૦ની રકમ બમણી વધારીને રૂા.૧૦,૦૦૦ કરી છે. આ સરકારે ગરીબ, વંચિત અને સામાજિક શૈક્ષણિક પછાત જાતિઓના ઉત્કર્ષ માટે સવિશેષ કાળજી લેતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને તેના લાભો સાચા ગરીબ લાભાર્થી સુધી પહોંચે તેવી નેમ રાખી છે. મુખ્યમંત્રીશ્રીએ દિકરીઓની ભૃણ હત્યાના પાયારૂપ કલંકના ભાગીદાર નહીં થવાની હ્ય્દયસ્પર્શી અપીલ કરી દીકરીઓને પણ ભણવાનું પૂરું પ્રોત્સાહન મળે એ માટે સમાજના પ્રત્યેક પરિવાર અને આગેવાનોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિકરૂપે ઠાકોર સમાજની બે કન્યાઓને બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ઠાકોર વિકાસ બોર્ડના શ્રી પૂંજાજી ઠાકોર, રાજ્ય આયોજન પંચ ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ નટુજી ઠાકોર, અમદાવાદના પૂર્વ મેયર કાનાજી ઠાકોર, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, ભાવસિંહજી તથા ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.