
ગુજરાતમાં જ્ઞાન-વિજ્ઞાનના ઉત્તમ સંશોધન સુવિધા માટે તેમણે વિશ્વભરની ગણમાન્ય યુનિવર્સિટીઓની સહભાગીતા માટે નિમંત્રણ આપ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૧ના ભાગરૂપે માનવસંસાધન વિકાસના ક્ષેત્રમાં વૈશ્વિક સહભાગીતાની ઐતિહાસિક પહેલરૂપે આંતરરાષ્ટ્રીય ગણમાન્ય યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની આ ગોળમેજી પરિષદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે યોજી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને રાજ્યની યુનિવર્સિટીઓ તથા ઉદ્યોગોમાં માનવશકિત વિકાસ, શિક્ષણ સંશોધન અને પ્રશિક્ષણની ભાગીદારી તથા ટેકનોલોજી ટ્રાન્સફર અંગેના કુલ ૭૪ સમજૂતિના કરારો કરવામાં આવ્યા હતા.
આ ગોળમેજી પરિષદમાં ગાંધીનગર નજીક પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીમાં ૯ દેશોની રપ ખ્યાતનામ યુનિવર્સિટીઓના શિક્ષણવિદે, વાઇસ ચાન્સેલરો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ દેશ-વિદેશના શિક્ષણ-વિદે અને તજ્જ્ઞોને આવકારતા જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતી વર્ષના અવસરને ગુજરાતે આવતીકાલના સમાજમાં શિક્ષણનો મહિમા ઉજાગર કરવા અને આજની પેઢીના સંતાનને મનવાંચ્છિત શિક્ષણનો અવસર ઉપલબ્ધ થાય તેની પૂરી સંવેદનાથી કાળજી લઇને આ પહેલ ઐતિહાસિક ઘટનારૂપે કરી છે.
ર૧મી સદીના જ્ઞાનયુગના વૈશ્વિક સ્પર્ધાના વાતાવરણમાં જ્ઞાનશકિતના મહત્વ ઉપર ભાર મૂકતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રાચિન શિક્ષણની સાંસ્કૃતિક પરંપરામાં વલ્લભી બૌધ્ધિક યુનિવર્સિટી શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ગણમાન્ય હતી. આ શિક્ષણની શ્રેષ્ઠત્તમ જ્ઞાનશકિતનો આવિષ્કાર ર૧મી સદીમાં ગુજરાત કરવા પ્રતિબધ્ધ છે.
ગુજરાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટિચર્સ યુનિવર્સિટી (IITE), રક્ષાશકિત યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી૪ પેટ્રોલીયમ યુનિવર્સિટી જેવી વિશ્વની માનવજાતને ઉપયોગી, નવી પેઢીના સશકિતકરણ અને જીવન ઘડતરની વિશિષ્ઠ યુનિવર્સિટીઓ સ્થાપીને પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણ જ વંચિતો અને નબળા વર્ગોના વિકાસનો શ્રેષ્ઠ વિકલ્પ છે ગુજરાત જે હરણફાળ ગતિથી વિકાસની નવી ઊંચાઇ ઉપર પહોંચી રહ્યું છે ત્યારે ગુજરાતનો સમાજ સાહસ અને સંશોધનનું એવું વાતાવરણ ધરાવે છે જેમાં વિશ્વભરની યુનિવર્સિટીઓ, શિક્ષણ વિદ્વાનો માટે ગુજરાત સાથે સહભાગીતાનો ઉત્તમ અવસર છે.
ગુજરાતની નવી પેઢી માટે જ્ઞાનશકિતની સ્પર્ધામાં, માનવશકિત વિકાસની, ઉચ્ચ શિક્ષણની ટેકનીકલ શિક્ષણની સુવિધાઓની વૈશ્વિક ક્ષિતીજો ખોલવામાં આવી રહી છે એની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ સમજૂતિના કરારો દ્વારા ગુજરાત સાથે ભાગીદારી કરનારા વિદેશી યુનિવર્સિટીઓના પદાધિકારીઓને સર્ટિફિકેટ ઓફ એપ્રિશિયેશન એનાયત કર્યા હતા.
ગુજરાતની આવતીકાલની સમાજ વ્યવસ્થામાં શિક્ષણ દ્વારા માનવશકિતકરણ માટે ગુજરાત સરકારના ગુણાત્મક પગલાંઓની સવિસ્તર માહિતી પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પણ વિશ્વને શ્રેષ્ઠત્તમ પ્રદાન કરવા પ્રતિબધ્ધ છે.
પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી હસમુખ અઢિયાએ મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે સુધારણાની દિશામાં નવતર પહેલો અને વૈશ્વિક સ્તરે શૈક્ષણિક જ્ઞાનના આદાન-પ્રદાન અને સહયોગ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અવસરે યોજાઇ રહેલી આ ગોળમેજી પરિષદનો ઉદે્શ સ્પષ્ટ કર્યો હતો.
આ ગોળમેજી પરિષદ દરમિયાન ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ભવિષ્યની તકો, રાજ્યની આ ક્ષેત્રની જરૂરીયાતો અંગેનું પ્રસ્તૃતીકરણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા, ઉચ્ચશિક્ષણ રાજ્ય મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, કોરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ઇકોનોમિક પોલીસીના ડો. ચુંગ જે ચુંગ, યુનિવર્સિટી ઓફ સચ્ચેવાન કેનેડા, સ્કુલ ઓફ પબ્લીક અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ અર્બન પ્લાનીંગ સહિત દેશ-વિદેશની યુનિવર્સિટીઓના વરિષ્ઠ તજ્જ્ઞો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


