ચીન સરકારના આમંત્રણથી યોજાયેલો પ્રવાસઃ ગુજરાતના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી સંચાલકો પણ પ્રવાસમાં જોડાશે
એશિયાની આર્થિક તાકાત બની રહેલા ભારતના અર્થતંત્રના ગતિશીલ ચાલકબળ તરીકે ગુજરાત સાથે સહભાગીતાના પારસ્પરિક સંબંધો વિકસાવવા ચીન તત્પર
ચીન સરકાર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના પદાધિકારીઓ સાથે બૈઇજીંગમાં બેઠક યોજાશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ચીન સરકારના નિમંત્રણથી આવતીકાલ તા.૮ નવેમ્બર મંગળવારના રોજથી ચીનની પાંચ દિવસની મૂલાકાતે જઇ રહ્યા છે.
મુખ્ય મંત્રીશ્રીના ચીનના આ પ્રવાસમાં ગુજરાતના વેપાર ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોના વીસ ઉપરાંત અગ્રણીઓ પણ જોડાશે. એશિયામાં ભારત જે ગતિથી આર્થિક વિકાસની નવી શકિત તરીકે ઉભરી રહ્યું છે અને ગુજરાત તેના વિકાસશીલ અર્થતંત્રનું ચાલકબળ બની ગયું છે તે સંદર્ભમાં ચીનની સરકારના આમંત્રણથી યોજાયેલો શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ચીનનો આ પ્રવાસ ઔદ્યોગિક, આર્થિક, માળખાકીય વિકાસના ક્ષેત્રોમાં નવીનત્તમ સિધ્ધિઓ સાકાર કરી રહેલા ગુજરાત અને ચીન વચ્ચે પરસ્પર વિકાસલક્ષી સંબંધોની નવી ક્ષિતિજો ખોલવામાં સીમાચિન્હ્રૂપ બની રહેશે.
ચીનની મુલાકાત લેવાનું આ આમંત્રણ ચીનની મધ્યસ્થ સરકારના વાઇસ મિનિસ્ટરે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ આવીને આપ્યું હતું.
ચીન સરકાર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના વરિષ્ઠ પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રી સાથે ચીનના પાટનગર બૈઇજીંગમાં બેઠકો યોજી છે જે દર્શાવે છે કે ગુજરાત જેવા ભારતના વિકાસમાં ગતિશીલ રાજ્ય સાથે ચીન સરકાર સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત અને સુદ્રઢ કરવા તત્પર છે.
ગુજરાત અને ચીન વિશેષ કરીને મેન્યુફેકચરીંગ સેકટર, ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ, પોર્ટ ડેવલપમેન્ટ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની સંભાવનાઓનો ફલક વિસ્તારવા આતુર છે તે જોતાં મુખ્યમંત્રીશ્રીનો આ ચીન પ્રવાસ વિવિધ પાસાંઓથી ફળદાયી બની રહેશે.
ગુજરાતના વેપાર ઉદ્યોગના અગ્રણી સંચાલકો પણ ખાનગી ક્ષેત્રમાં ગુજરાત અને ચીન વચ્ચે ભાગીદારીની વિવિધ તકો સંદર્ભમાં ચીનના ઉદ્યોગ સંચાલકો સાથે વિવિધ તબક્કે બેઠકો યોજવાના છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી ચીનની રાજધાની બૈઇજીંગ ઉપરાંત શાંઘાઇ, શેનન્ટહાંગ, ચેન્ગડુ શહેરોની મુલાકાત લેશે જ્યાં શહેરી માળખાકીય વિકાસ, બંદર આધારિત સુવિધા વિકાસ સંદર્ભમાં મેયરશ્રીઓ સાથે ચર્ચા વિમર્શ કરશે.
આ ઉપરાંત ચીનની વિશ્વખ્યાત ટેલીકોમ કંપની હ્યુઆઇ (Huawei) જે ગુજરાતમાં પ્રોજેકટ રોકાણ કરવા ઇચ્છે છે તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લઇને મુખ્યમંત્રીશ્રી કંપની સંચાલકો સાથે પરામર્શ કરવાના છે.