હરહર મહાદેવનો જયઘોષ :
કૈલાસ માનસરોવરના ગુજરાતના યાત્રિકોનું અભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રી
કૈલાસ યાત્રિકો માટે લડાખ-લેહનો માર્ગ શરૂ કરવા ચીન સાથે ફળદાયી વાટાઘાટ થવી જોઇએ
‘‘યાત્રા'' ના અર્થતંત્રને સુવ્યવસ્થિત વિકસાવવા કેન્દ્રમાં અલગ તંત્ર ઉભું થાય તેવી હિમાયત
ગુજરાતીઓ ઉત્તમ યાત્રિકો છે જ પણ ગુજરાત દર્શન માટે વિશ્વ પ્રવાસી આવે તેવું ઉત્તમ યાત્રા પ્રવાસન વિકસાવવાની નેમ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૈલાસ માનસરોવરની યાત્રા કરીને આવેલા ગુજરાતના યાત્રિકોનું ભાવભર્યું અભિવાદન કરતાં ગુજરાતીઓને ઉત્તમ યાત્રિકો ગણાવ્યા હતા અને ગુજરાત વિશ્વના પ્રવાસીઓ માટે ઉત્તમ ગુજરાત-દર્શન તીર્થ બને તે રીતે પ્રવાસન વિકસાવવાની નેમ વ્યકત કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના 439 યાત્રિકોએ માનસરોવરની પાવનકારી યાત્રા પૂરી આધ્યાત્મિક ઉર્જા અને શ્રધ્ધાથી સંપન્ન કરી હતી જેનો યાત્રિક અભિવાદન સમારોહ ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપક્રમે આજે અમદાવાદમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક યાત્રિકને સ્મૃતિરૂપે રૂા.20,000ના પ્રોત્સાહક રકમની ભેટ આપવામાં આવી હતી.

હરહર મહાદેવના જયઘોષના ગુંજન સાથે શરૂ થયેલા પાવનકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કૈલાસ માન સરોવરની યાત્રામાં સૌથી વધુ ગુજરાતી હોય છે અને તેથી આ હિમાલયની ગિરિ શ્રૃખલામાં એક ભાષા ચીન અને બીજી ભાષા ગુજરાતી બની ગઇ છે. પોતે પણ વર્ષો પહેલાં કૈલાસ માન સરોવરની યાત્રાનું સદભાગ્ય મેળવ્યું હતું. તેના સંસ્મરણોનો સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, હવે તો અનેક આધુનિક સુવિધા થઇ છે. આ યાત્રા પ્રકૃતિ પ્રેમી, સાહસવૃત્તિ કરતાં પણ આધ્યાત્મિક અનુભૂતિ કરનારા માટે અલૌકિક મુકિતનો આનંદ કાંઇ આો જ હોય છે. પヘમિના પ્રવાસનના અભિગમ કરતાં હિન્દુસ્તાનની યાત્રાનો અભિગમ ભારતના અર્થતંત્રને સ્વતંત્ર પરિણામ આપવાનું સામર્થ્ય ધરાવે છે તેની તાકાનો નિર્દેશ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આખા યુરોપના પ્રવાસન કરતાં પણ સો કરોડ હિન્દુસ્તાની યાત્રિકોની યાત્રાધામની આર્થિક શકિતને માટે કેન્દ્ર સરકારે સ્વતંત્ર આર્થિક તંત્ર ઉભુ કરવું પડે. યાત્રા અને કુંભમેળાના વ્યવસ્થાપનની સ્વયંસેવી શિસ્ત આપણા સામર્થ્યની પ્રતિતિ કરાવે છે તેનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતીઓ ઉત્તમ યાત્રિકો તો છે પરંતુ ગુજરાત ઉત્તમ પ્રવાસનનું આકર્ષણ બને અને વિશ્વ આખું ગુજરાતના દર્શને આવે તેવી રીતે વિકાસને પ્રવાસન ક્ષેત્રે ઊંચાઇ ઉપર લઇ જવો છે. તેમણે જણાવ્યું કે ઉમરગામથી અંબાજી સુધીનો આખો વનવાસી બેલ્ટ કેટકેટલા પ્રવાસન વૈવિધ્યની વિરાસત તરીકે આર્થિક પ્રવૃત્તિ અને રોજગારીનું ક્ષેત્ર બનશે.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા માન સરોવર યાત્રાએ જનાર યાત્રિકોની સંખ્યામાં સૌથી વધુ યાત્રિકો ગુજરાતના હોય છે. ગુજરાત આર્થિક, ઔદ્યોગિક અને અન્ય ક્ષેત્રોની જેમ માનસરોવરની યાત્રાનું સદભાગ્ય પ્રાપ્ત કરનાર અને આ ક્ષેત્રે ઉન્નત મસ્તક રાખવાનું ગૌરવ લઇ રહ્યું છે.
આ પ્રસંગે પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જીતેન્દ્ર સુખડીયા, ગુજરાત યાત્રા ધામના અધ્યક્ષ શ્રી મહેન્દ્ર ત્રિવેદી, પ્રવાસન વિભાગના અગ્રસચિવ શ્રી વિપુલ મિત્રા, યાત્રાધામ વિકાસ બોડના સચિવ શ્રી અનીલ પટેલ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત કરનારા ભાગ્યશાળી યાત્રિકો અને તેમના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


