ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ગુજરાતને ‘ઓવરઓલ બેસ્ટ ઈમ્પ્રુવ્ડ સ્ટેટ’ અને ‘મોસ્ટ ઈમ્પ્રુવ્ડ સ્ટેટ ફોર ઈન્વેસ્ટમેન્ટ’નાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
નવી દિલ્હી ખાતે આજે આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાતની ‘ઓવરઓલ બેસ્ટ ઈમ્પ્રુવ્ડ સ્ટેટ’ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત મૂડીરોકાણ બાબતે સૌથી વધુ સુધાર લાવવા માટે મોટા રાજ્યોની શ્રેણીમાં ‘મોસ્ટ ઈમ્પ્રુવ્ડ સ્ટેટ ફોર ઈન્વેસ્ટમેન્ટ’નો એવોર્ડ પણ ગુજરાતને પ્રાપ્ત થયો હતો. ગુજરાત સરકાર વતી નિવાસી કમિશ્નર શ્રી ભરત લાલે કેન્દ્રિય નાણાપ્રધાન શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે આ એવોર્ડ ગ્રહણ કર્યા હતાં.
આ પ્રસંગે બોલતા ઈન્ડિયા ટુડેનાં મુખ્ય સંપાદક શ્રી અરુણ પુરીએ ગુજરાતની સિધ્ધીઓને બિરદાવી હતી અને રાષ્ટ્રની આઠ થી નવ ટકાની સરેરાશ સામે ગુજરાત સરળતાથી બે આંકડાનો વિકાસદર નોંધાવી રહ્યું છે તે બદલ રાજ્યની પ્રશંસા કરી હતી. જ્યુરીનાં સભ્યોએ પણ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ રાજ્યમાં કરવામાં આવેલા કાર્યોની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીનાં પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ રાજ્ય પાયાનાં સ્તરેથી લાંબા ગાળાનાં વિકાસ માટેનું એક મોડેલ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ ‘ નાં મંત્ર સાથે ગુજરાતે છેલ્લા દશકમાં અભુતપૂર્વ વિકાસ નોંધાવ્યો છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહિ પણ કૃષિ ક્ષેત્રે પણ રાજ્ય બે આંકડાનો વિકાસદર નોંધાવી રહ્યું છે. ગુજરાતનાં વિકાસથી પ્રેરાઈને અનેક કંપનીઓ રાજ્યમાં મૂડીરોકાણ કરવા આતુર બની છે.