૬૪ માં વન મહોત્સવનો શાનદાર પ્રારંભ
નાગેશ જયોતિર્લિંગ વનનું લોકાર્પણ
વાવે ગુજરાત અભિયાન ઉજવીએ
મુખ્યમંત્રીશ્રીએ દ્વાદશ જયોતિર્લિંગ પૈકી નાગેશ્વર મહાદેવમાં ભકિતભાવથી પૂજન-અર્ચન કર્યા
સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત અગ્રીમ પંકિતમાં છેઃ દશ વર્ષમાં પ કરોડ વૃક્ષોનો જંગલ વિસ્તાર બહાર ઉમેરો કરવાની સિધ્ધિ
વન ઉછેરની ઉપજમાંથી ગ્રામ અને તાલુકા પંચાયતોને આવકના ચેકોનું વિતરણ
ધરતી માતાના ફેફસાં સ્વસ્થ-શુધ્ધ રાખવા વૃક્ષોની વનરાજી આવશ્યક છે એને ઉની આંચ ના આવે તેની કાળજી લઇએ
ચાર વનપંડિત પુરસ્કાર
ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન સાચું
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દ્વારકા નજીક દ્વાદશ જયોતિર્લિંગ પૈકીના એક પ્રાચીન તીર્થ નાગેશ્વર મંદિર પરિસરમાં ગુજરાતના ૬૪ માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, જંગલ વિસ્તાર સિવાયના વૃક્ષોના સંવર્ધન માટે સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત મોખરે રહયું છે અને સામાજિક વનીકરણમાં પ કરોડ વૃક્ષોની દશ વર્ષમાં વૃધ્ધિ કરી છે. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહિં પર્યાવરણની રક્ષાના વિકાસ માટે પણ અગ્રીમ હરોળમાં આવી ગયું છે, એટલું જ નહિં દરિયા કાંઠે જમીનનું ધોવાણ રોકવા ચેરના વૃક્ષોના વાવેતરમાં પણ અઢી ગણો વિસ્તાર વધી ગયો છે એમ ગૌરવભેર તેમણે કહયું હતું.
દ્વાદશ જયોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવના ભકિતભાવથી પૂજન-અર્ચન કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ વનોના ઉછેરમાંથી આવક મેળવનારી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૪.રર કરોડના ચેકોનું વિતરણ અને ચાર વન પંડિત પુરસ્કાર એનાયત કર્યા હતા. ગુજરાતમાં છ દાયકાથી ક. મા. મુનશીની પ્રેરણાથી વન મહોત્સવ પાટનગરમાં સરકારી પરિઘમાં યોજાતા તે પરંપરાની માનસિકતામાંથી આ સરકારે અલગ-અલગ જિલ્લામાં જનતા જનાર્દનમાં વૃક્ષ પ્રેમના ઉમળકાનો સાક્ષાત્કાર કરવા વન મહોત્સવો યોજવાનું આયોજન કર્યુ તેની સફળ ફળશ્રૃતિ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વૃક્ષ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણની લોકલાગણી ઉજાગર કરવામાં આ જુદા જુદા વન મહોત્સવો ખુબ જ ઉપકારક બન્યા છે.








