શેર
 
Comments

અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.

અમે BIMSTECનાં ત્રીજા શિખર સંમેલનનાં જાહેરનામા (ને પી તો, 4 માર્ચ, 2014) અને BIMSTEC લીડર્સ રીટ્રિટ આઉટકમ ડોક્યુમેન્ટ (ગોવા, 16 ડિસેમ્બર, 2016)ને યાદ કરીએ છીએ.

બંગાળની ખાડીનાં વિસ્તારને શાંતિપૂર્ણ, સમૃદ્ધ બનાવવાની અમારી કટિબદ્ધતાઓ પર ભાર મૂકીને તેમજ અમારાં સહિયારો પ્રયાસો મારફતે અમારી સહિયારી ક્ષમતાઓનું નિર્માણ કરીને સ્થાયી વિકાસ કરવા ભાર મૂકીએ છીએ;

ભૌગોલિક નિકટતા, પ્રચૂર કુદરતી સંસાધનો અને માનવ સંસાધનો, સમૃદ્ધ ઐતિહાસિક જોડાણો અને સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનાં વિવિધ દેશો વચ્ચે સહકાર સ્થાપિત કરી શકાય એ માટેનાં મુખ્ય ક્ષેત્રોની ઓળખ કરીને એને પ્રોત્સાહન આપવાની પુષ્કળ સંભવિતતા જોઈએ છીએ;

વિકાસલક્ષી ઉદ્દેશોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે ગરીબી નાબૂદ કરવી મોટો પ્રાદેશિક પડકાર છે અને સ્થાયી વિકાસ માટે એજેન્ડા 2030નાં અમલીકરણ માટે સંયુક્તપણે કામ કરવા માટે દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.BIMSTECનાં સભ્ય દેશોનાં અર્થતંત્રો અને સમાજની અંદર આંતરજોડાણો અને આંતરનિર્ભરતા વધારવાની જરૂરિયાત સ્વીકારીએ છીએ, જે પ્રાદેશિક સહકાર વધારવાની પુષ્કળ તકો પ્રદાન કરે છે;

બહુપરિમાણિય જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ, જે આપણાં વિસ્તારમાં જોડાણનાં માળખામાં સંકલનને પ્રોત્સાહન આપે છે, જે સહિયારી સમૃદ્ધિ માટે આર્થિક સંકલનનું મુખ્ય પરિબળ છે;

વિસ્તારમાં આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પરિબળોમાંનાં એક પરિબળ તરીકે વેપાર અને રોકાણનાં મહત્ત્વને ધ્યાનમાં લે છે.

આ વિસ્તારમાં ઓછા વિકસિત અને જમીનથી ઘેરાયેલા વિકાસશીલ દેશોની વિશેષ જરૂરિયાતો અને સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીએ છીએ તેમજ તેમની વિકાસલક્ષી પ્રક્રિયામાં અર્થસભર સાથસહકાર પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ;

આતંકવાદ અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે મોટું જોખમ છે એ સ્વીકારીએ છીએ, જેમાં BIMSTECનાં દેશો સામેલ છે. અમે ભાર મૂકીએ છીએ કે આતંકવાદનો સામનો કરવા અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધો જેવા પડકારો ઉકેલવા સ્થાયી પ્રયાસો અને સહકારની તથા વિસ્તૃત અભિગમની જરૂર છે, જેમાં સભ્ય દેશોની સક્રિય ભાગીદારી અને જોડાણ સંકળાયેલ છે;

BIMSTECને ગતિશીલ, અસરકારક અને પરિણામલક્ષી પ્રાદેશિક સંસ્થા બનાવવા દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ,જેથી અર્થપૂર્ણ સહકાર અને ગાઢ સંકલન મારફતે બંગાળની ખાડીમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થાયીત્વને પ્રોત્સાહન મળે;

વાજબી, ઉચિત, નિયમ-આધારિત, સમાન અને પારદર્શક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટેની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ તથા કેન્દ્રીય અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે બહુપક્ષીયવાદમાં વિશ્વાસ પ્રતિપાદિત કરીએ છીએ;

BIMSTEC હેઠળ પ્રાદેશિક સહકારની પ્રક્રિયાને અસરકારક રીતે સંચાલિત કરવા મજબૂત સંસ્થાકીય વ્યવસ્થાનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ;

શિખર સંમેલનનાં નિર્ણયોને ભૂટાનની વચગાળાની સરકારનાં મુખ્ય સલાહકાર દ્વારા ભાગીદારી અને સંમતિ તથા લોકમતને આધારે એનાં પરિણામી દસ્તાવેજોની નોંધ લઈએ છીએ, કારણ કે આ આગામી ચૂંટાનાર સરકારની સ્વીકાર્યતાને આધિન છે;

એટલે અમે સંકલ્પ લઇએ છીએ કે:

 1. 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત થયેલા સિદ્ધાંતોને યાદ કરીએ છીએ અને પુનઃ ભાર મૂકીએ છીએ કે BIMSTECની અંદર સહકાર સાર્વભૌમિક સમાનતા, પ્રાદેશિક અખંડતા, રાજકીય સ્વતંત્રતા, આંતરિક બાબતોમાં બિનહસ્તક્ષેપ, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને પારસ્પિર લાભનાં સિદ્ધાંતો પર આધારિત હશે.
 2. અમે વર્ષ 1997માં બેંગકોક જાહેરનામામાં વ્યક્ત BIMSTECનાં ઉદ્દેશો અને હેતુઓ સાકાર કરવાનાં અમારાં પ્રયાસોને સઘન બનાવવા સંમત છીએ તથા BIMSTECને મજબૂત, વધારે અસરકારક અને પરિણામલક્ષી સંસ્થા બનાવવાનાં અમારાં સહિયારાં પ્રયાસો હાથ ધરવા અમારી પ્રતિજ્ઞા પ્રતિપાદિત કરીએ છીએ, જેથી બંગાળની ખાડીનાં વિસ્તારમાં શાંતિપૂર્ણ,સમૃદ્ધ અને સ્થાયી વિકાસ હાંસલ કરીએ છીએ.
 3. BIMSTECની દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાને જોડતાં સેતુરૂપે વિશિષ્ટ પોઝિશનનો ઉપયોગ કરીને, વિસ્તારમાં આર્થિક અને સામાજિક વિકાસનું સ્તર વધારીને તથા સભ્ય દેશો વચ્ચે સંગઠિત અને ગાઢ સહકાર પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ રહીને આપણી સંસ્થાને શાંતિ, સમૃદ્ધિ અને સ્થાયીત્વ માટેનો અસરકારક મંચ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
 4. BIMSTECનાં સભ્ય દેશો સહિત દુનિયાનાં તમામ વિસ્તારોમાં તમામ પ્રકારનાં આતંકવાદી હુમલાઓની ટીકા કરીએ છીએ અને દ્રઢતા સાથે વખોડી કાઢીએ છીએ, પછી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ગમે તે ઉદ્દેશ સાથે કર્યો હોય. અમે ભાર મૂકીએ છીએ કે કોઈ પણ પ્રકારનાં આતંકવાદી કૃત્ય માટે કોઈ પણ કારણ વાજબી ન હોઈ શકે. અમે દ્રઢતા વ્યક્ત કરીએ છીએ કે,આતંકવાદ સામેની લડાઈ આતંકવાદીઓની સાથે આતંકવાદી સંસ્થાઓ અને નેટવર્કને લક્ષ્યાંક બનાવશે તેમજ સરકાર સમર્થિત અને સરકારનું સમર્થન ન ધરાવતી સંસ્થાઓની ઓળખ કરીશું અને જવાબદાર ઠેરવીશું, જે આતંકવાદને પ્રોત્સાહન આપશે, સમર્થન આપે છે કે નાણાકીય ટેકો પ્રદાન કરશે, આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોને આશ્રય પૂરો પાડે છે તેમજ તેમને ખોટી રીતે પ્રભાવિત કરે છે. અમે આતંકવાદ સામેની લડાઈ માટે અમારી દ્રઢ કટિબદ્ધતા પ્રતિપાદિત કરીએ છીએ અને તમામ દેશોને આ સંબંધમાં વિસ્તૃત અભિગમ અપનાવવા અપીલ કરીએ છીએ, જેમાં આતંકવાદીઓને નાણાકીય સહાય પ્રદાન કરતાં અટકાવવાની અને તેમનાં નિયંત્રણમાં આંતકવાદીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ન ધરવા દેવાની કામગીરી,આતંકવાદીઓની ભરતી કરતાં અટકાવવાની અને આતંકવાદીઓની એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી અટકાવવાની, કટ્ટરવાદને નાથવાની, આતંકવાદનાં ઉદ્દેશો માટે ઇન્ટરનેટનાં દુરુપયોગને અટકાવવાની અને આતંકવાદીઓ માટે સલામત આશ્રયસ્થાન ગણાતાં સ્થળોને તોડી પાડવાની પ્રવૃત્તિઓ સામેલ હોવી જોઈએ.
 5. સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રનાં સિદ્ધાંતો અને ઉદ્દેશોમાં અમારો સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ તથા એનાં નિયમો,સંસ્થાઓ અને માધ્યમોમાં સુધારા કરીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવા માટે આતુર છીએ, જે સમકાલીન વૈશ્વિક પડકારોનું સમાધાન પ્રસ્તુત કરવા તેમજ વાજબી, ન્યાયી, નિયમ-આધારિત, સમાન અને પારદર્શક દુનિયા માટે અમારાં સહિયારાં હિતોનું રક્ષણ કરવા સહિયારી રજૂઆત કરવા સંયુક્તપણે કામ કરવા સંમત થઈએ છીએ.

સંસ્થાકીય સુધારા

 1. પાંચમી સમિટ સુધીમાં BIMSTEC પરમેનન્ટ વર્કિંગ કમિટી (બીપીડબલ્યુસી) અને અન્ય સંસ્થાઓ દ્વારા વિચારણા માટે BIMSTEC સચિવાલયને આ સંસ્થા માટે 1997નાં બેંગકોક જાહેરનામા પર ઘોષણાપત્રની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરવા,લાંબા ગાળાનું વિઝન નક્કી કરવા અને સહકાર માટેનાં ક્ષેત્રોની પ્રાથમિકતા નક્કી કરવા, સંસ્થાગત માળખા અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓનાં વિવિધ સ્તરની ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્પષ્ટપણે અલગ કરવાની કામગીરી સુપરત કરવાનો નિર્ણય લેવો તેમજ BIMSTEC વ્યવસ્થા માટે પ્રક્રિયાનાં નિયમો (આરઓપી) વિકસાવવા બીપીડબલ્યુસીને કામગીરી સુપરત કરવા સંમત થયા છીએ.
 2. સચિવાલય અને BIMSTEC કેન્દ્રો તથા સંસ્થાઓની વહીવટી અને નાણાકીય બાબતોનું સંચાલન કરવા તેમજ બેઠકોનાં આયોજનની તૈયારી કરવા, સંસ્થાની પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવા અને એને તાર્કિકતા આપવા BIMSTEC પરમેનન્ટ વર્કિંગ કમિટી સ્થાપિત કરવાનો નિર્ણય લેવો.
 3. સભ્ય દેશો પાસેથી સ્વૈચ્છિક પ્રદાન સાથે સભ્ય દેશોની સંબંધિત સરકારોનાં પ્રસ્તુત મંત્રાલયો/રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ઉચિત સમયે BIMSTEC ડેવલપમેન્ટ ફંડ (બીડીએફ) સ્થાપિત કરવાની શક્યતા ચકાસવી, જેનો ઉપયોગ BIMSTECનાં આયોજન અને સંશોધન માટે થશે તેમજ સભ્ય દેશો દ્વારા સંમતિ તરીકે BIMSTEC કેન્દ્રો અને સંસ્થાઓનાં પ્રોજેક્ટ, કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓનું ધિરાણ કરવું.
 4. BIMSTEC સચિવાલયને BIMSTEC પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનાં સંકલન, નિરીક્ષણ અને સુવિધાકાર તરીકે અમલીકરણ કરવા સક્ષમ બનાવવા નાણાકીય અને માનવીય સંસાધનો મારફતે સંસ્થાગત ક્ષમતા વધારવા અમે સંમત થઈએ છીએ તેમજ સભ્ય દેશો દ્વારા પ્રોજેક્ટની દરખાસ્તો રજૂ કરવા અને સુપરત કરવામાં આવેલી અન્ય કોઈ પણ જવાબદારીઓ અસરકારક અને કાર્યદક્ષ રીતે સંમત થયા છીએ. ઉપરાંત તબક્કાવાર રીતે દરેક સભ્ય દેશમાંથી એક એમ ડાયરેક્ટર્સની સંખ્યા વધારીને સાત કરવા સંમત થયા છીએ.
 5. આંતરરાષ્ટ્રીય સ્તર પર BIMSTECની વિઝિબિલિટી અને દરજ્જો વધારવાનાં મહત્ત્વને સ્વીકારીએ છીએ, જે માટે સામાન્ય હિતનાં મુદ્દાઓ પર ઉચિત સામાન્ય અભિગમ અપનાવવા અને વિવિધ બહુરાષ્ટ્રીય સંસ્થાઓ અને પ્રક્રિયાઓમાં જૂથને ઓળખ આપવા આપવાની અગત્યતા સ્વીકારીએ છીએ.
 6. સહકારનાં મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ તેમજ BIMSTECનાં સભ્ય દેશો વચ્ચે સહકારનાં હાલનાં ક્ષેત્રોની સમીક્ષા કરવા, પુનર્ગઠન કરવા અને તાર્કિક સ્વરૂપ આપવાની જરૂરિયાત વ્યક્ત કરીએ છીએ તથા વ્યવહારિક પરિણામો લાવવા માટે BIMSTEC હેઠળ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સનાં અમલીકરણ માટે કાર્યકારી પદ્ધતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા ભાર મૂકીએ છીએ. BIMSTECનાં સહકારનાં આધારભૂત ક્ષેત્રોની પ્રાથમિકતાને પુનઃ નક્કી કરવાનાં વિભાવનાપત્રને આવકારીએ છીએ, જે BIMSTEC પરમેનન્ટ વર્કિંગ કમિટીમાં વધુ ચર્ચાને આધિન રહેશે.
 7. અંતિમ સ્વરૂપ આપવા અને મંજૂરી આપવા માટે આંતરિક મંજૂરીની પ્રક્રિયા માટે વિલંબિત કાયદેસર દસ્તાવેજો અને માધ્યમોને પ્રાથમિકતાનાં ધોરણે હાથ ધરવા સંમતિ આપીએ છીએ.
 8. આ જાહેરનામાનાં પરિશિષ્ટમાં સામેલ સંબંધિત ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ માટે અગ્રણી દેશોની ભૂમિકાની પ્રશંસા કરવી અને તેમને વધુ પ્રગતિ માટે એમનાં પ્રયાસને વેગ આપવા પ્રોત્સાહન આપવું.
 9. ભૂતપૂર્વ મહાસચિવ શ્રી સમુતિ નાકાનદાલાની એમનાં કાર્યકાળ દરમિયાન BIMSTECનાં કાર્યને આગળ વધારવા માટે કિંમતી પ્રદાન માટે પ્રશંસા અને BIMSTECનાં મહાસચિવ તરીકે બાંગ્લાદેશનાં શ્રી એમ શાહિદુલ ઇસ્લામની નિમણૂંકને આવકારીએ છીએ.
 10. માર્ચ, 2014થી BIMSTECનું સક્ષમ નેતૃત્વ કરવા બદલ નેપાળને અભિનંદન અને BIMSTECનાં નવા અધ્યક્ષ રાષ્ટ્ર તરીકે શ્રીલંકાને આવકાર અને શુભેચ્છા આપીએ છીએ.
 11. પ્રાદેશિક સહકારની પ્રક્રિયાને સઘન બનાવવા શિખર સંમેલન સમયસર યોજવાની અને BIMSTECની અન્ય બેઠકો સમયસર યોજવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીએ છીએ.
 12. આ જાહેરનામાનાં ભાગરૂપે પરિશિષ્ટમાં વ્યક્ત ક્ષેત્રીય સમીક્ષા વ્યક્ત કરવા પર અમારી પોઝિશનનું નિવેદન, અમારાં સૂચનો,અમારી પ્રતિબદ્ધતાઓ પર સંમત થઈએ છીએ.
 13. નેપાળની સરકારનાં ઉષ્માપૂર્ણ આતિથ્ય-સત્કાર અને શિખર સંમેલન માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવા બદલ પ્રશંસા કરીએ છીએ.

ચોથી BIMSTEC સમિટ જાહેરાતનો અનુબંધ

વિભાગ અનુસાર સમીક્ષા

ગરીબી નિવારણ

 1. સંતુલિત વિકાસ માટેના 2030ના એજન્ડાની સમાંતરે વર્ષ 2030 સુધીમાં બંગાળની ખાડી પ્રદેશમાં ગરીબી નિવારણ માટેની આપણી પ્રતિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કરવું અને BIMSTEC ગરીબી પ્લાન ઑફ એક્શનના અસરકારક અમલીકરણ માટે આહવાન કરવું તેમજ ગરીબી નિવારણના સમગ્રતયા હેતુમાં યોગદાન આપવા માટે તમામ ક્ષેત્રના પ્રયત્નોને ગતિ આપવી.
 2. રાષ્ટ્રીય અર્થતંત્રમાં સેવા અને ઉત્પાદક ક્ષેત્રમાં વધારેલા રોકાણના માધ્યમથી આપણા કાર્યદળની માટે સુયોગ્ય નોકરીની તકો પૂરી પાડવા માટેના મજબુત પગલાઓ લઈને આપણા કાર્યદળનું સંવર્ધન કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી.

પરિવહન અને સંચાર (જોડાણ)

 1. પ્રદેશમાં ધોરીમાર્ગો, રેલ્વે, જળમાર્ગો, સમુદ્રી માર્ગો, હવાઈ માર્ગોના વિકાસ, વિસ્તરણ અને આધુનિકરણના માધ્યમથી સુગમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન જોડાણો તથા સુંવાળી, ક્રમબદ્ધ અને સરળીકરણવાળી વાહનવ્યવહારની સુવિધાઓની સ્થાપના કરવા માટેની આપણી પ્રતિબદ્ધતાનો પુનઃઉચ્ચારણ કરવો અને સભ્ય દેશોના વિશેષ સંજોગો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને BIMSTEC કોસ્ટલ શીપીંગ સંધિ અને BIMSTEC મોટર વિહિકલ સંધિને જેટલી બને તેટલી જલ્દી લાગુ કરવા માટે આપણી સંલગ્ન સત્તાઓને પ્રેરિત કરવી.
 2. ટ્રાન્સપોર્ટ જોડાણ પરના BIMSTEC માસ્ટર પ્લાનના ડ્રાફ્ટની તૈયારીની સંતુષ્ટિ સાથે નોંધ લેવી અને તેના જલ્દી અમલીકરણ માટેનું આહવાન કરવું તેમજ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે સહાયતા પૂરી પાડવા બદલ એશિયન ડેવલપમેન્ટ બેંકનો આભાર માનવો અને BIMSTEC ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વર્કિંગ ગ્રુપ (બીટીસીડબ્લ્યુજી)ને તેના અમલીકરણ માટેની પદ્ધતિઓ ઉપર કામ કરવા, વિશેષ સંજોગો અને સભ્ય રાષ્ટ્રોની જરૂરીયાતો ઉપર જરૂરી વિશેષ ધ્યાન આપવા માટે કામની સોંપણી કરવી. અમે એ બાબતે સહમત થયા છીએ કે માસ્ટર પ્લાન એ એવા વ્યુહાત્મક દસ્તાવેજની ભૂમિકા નિભાવશે કે જે આપણા પ્રદેશમાં વધુ સારા જોડાણ અને સંતુલિત વિકાસને પ્રાપ્ત કરવા માટે કાર્યોને માર્ગદર્શન આપશે અને વિવિધ જોડાણના માળખાઓની વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપશે જેમ કે એશિયન માસ્ટર પ્લાન ઓન કનેક્ટિવિટી 2025 (એમપીએસી 2025), ધ અયેયાવાદી – ચાઓ ફ્રાયા – મેકોંગ આર્થિક સહયોગ વ્યૂહરચના (એસીએમઈસીએસ).
 3. પ્રદેશના લોકોને વધુ પહોંચ, વધુ સસ્તા અને હાઈ સ્પીડ ઈન્ટરનેટ તેમજ મોબાઇલ કમ્યુનિકેશન પુરા પાડવા માટેના દ્રષ્ટિકોણથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્યુનિકેશનને લગતી બાબતોને પહોંચી વળવા માટે એક કાર્યકારી જૂથની સ્થાપના કરવાનું નક્કી કરવું. આ સંદર્ભમાં અમે “નવી ડિજિટલ ક્ષિતિજો: જોડો, રચના કરો અને નવીનીકરણ કરો”ની થીમ પર 25-27ઓક્ટોબર 2018 દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત થનારી ભારતીય મોબાઇલ કોંગ્રેસ 2018 ખાતે BIMSTEC મંત્રી સ્તરીય કોન્કલેવનું યજમાન પદ કરવાના ભારત સરકારના પ્રસ્તાવને આવકારીએ છીએ અને તમામ સભ્ય રાષ્ટ્રોને તેમ ભાગીદાર થવા પ્રોત્સાહન આપીએ છીએ.

વેપાર અને રોકાણ

 1. BIMSTEC મુક્ત વ્યાપાર પ્રદેશ (એફટીએ) વાટાઘાટોના અને બીમ્સ ટેકના વ્યાપાર અને આર્થિક મંત્રીસ્તરીય બેઠક (ટીઈએમએમ) અને તેની આનુષંગિક સંસ્થાઓ જેમાં BIMSTEC એફટીએના તમામ સંલગ્ન કરારોનું જેટલું બને તેટલા જલ્દી અમલીકરણ કરવા માટે ટ્રેડ નેગોશીએટીંગ કમિટીનો પણ સમાવેશ થાય છે તેના સારાંશ પર પહોંચવાની આપણી પ્રતિબદ્ધતાને પુનર્વિકસીત કરવી; અને વસ્તુમાં વ્યાપાર ઉપરના કરાર ઉપરની વાટાઘાટો ઉપર થઇ રહેલ પ્રગતિ ઉપર તેમજ મહેસુલ સહયોગના કરાર ઉપર આપણો સંતોષ વ્યક્ત કરવો અને આપણા સંલગ્ન મંત્રાલયો/સંસ્થાઓને ટીએનસીની બેઠકોમાં નિયમિતપણે ભાગ લેવા નિર્દેશિત પણ કરવી.
 2. BIMSTEC બીઝનેસ ફોરમ અને BIMSTEC ઇકોનોમિક ફોરમની પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવા સહમત થવું જેથી કરીને વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારી ખાનગી ક્ષેત્રના સહયોગને વધુ મજબુત બનાવી શકાય અને BIMSTEC વિઝા ફેસીલીટેશન માટે પદ્ધતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો ચાલુ રાખવા BIMSTEC વિઝા બાબતો ઉપરના નિષ્ણાત જૂથને કામ સોંપી શકાય.
 3. ડીસેમ્બર 2018ની અંદર BIMSTEC સ્ટાર્ટઅપ કોન્કલેવની યજમાની કરવાના ભારતના પ્રસ્તાવનું સ્વાગત કરવું અને તમામ સભ્ય રાષ્ટ્રોને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા.

આતંકવાદનો સામનો અને પાર-દેશીય અપરાધ

 1. આપણી એ સ્થિતિનું પુનઃઉચ્ચારણ કરવું કે ત્રાસવાદ એ આપણા પ્રદેશમાં શાંતિ અને સંતુલિતતા માટે એક ગંભીર ખતરો બનાવનું યથાવત ચાલુ જ છે અને ત્રાસવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે આપણી મજબુત પ્રતિબદ્ધતાની પુનઃ ખાતરી ઉચ્ચારવી તથા આ સંદર્ભમાં જરૂરી પગલાઓ લેવા માટે સહમત થવું.
 2. ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાયતા ઉપર BIMSTEC કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કરવા માટે આગળ આવવું;સભ્ય રાષ્ટ્રોને તેની તાત્કાલિક બહાલી માટે આહ્વાન કરવું અને ઘણા સભ્યોએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ, પાર-દેશીય ઓર્ગેનાઈઝડ ક્રાઈમ અને ગેરકાયદે ડ્રગની હેરફેર સામે લડવા માટે સહયોગ ઉપરના BIMSTEC કન્વેન્શનને પહેલાથી જ બહાલી આપી દીધી છે તે પ્રત્યે સંતોષ વ્યક્ત કરવો અને બાકીના સભ્યોને પણ આમ કરવા માટે આહવાન કરવું.
 3. કાયદાનું અમલીકરણ, બૌદ્ધિકો અને સુરક્ષા સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવા તેમજ સહયોગને મજબુત બનાવવા માટે આપણી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરવી; અને BIMSTECના ગૃહ મંત્રાલય સ્તરે બેઠકો યોજવાનું નક્કી કરવું તેમજ આતંકવાદનો સામનો તથા પાર-દેશીય અપરાધ પર સહયોગને પ્રોત્સાહન આપવાના એક ભાગ રૂપે BIMSTEC રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠકોને યથાવત ચાલુ રાખવી.
 4. માર્ચ 2019માં BIMSTEC નેશનલ સિક્યોરીટી ચીફની ત્રીજી બેઠકની યજમાની કરવાના થાઈલેન્ડના પ્રસ્તાવને આવકારવો.

પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન

 1. પૂર્વ સુચના પદ્ધતિ, ઉપચારાત્મક પગલાઓનો સ્વીકાર, પુનર્વસન અને ક્ષમતા નિર્માણ સહિત માહિતીનું આદાન-પ્રદાન કરવાના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપનમાં નજીકનો સહયોગ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવું અને પ્રદેશમાં વર્તમાન ક્ષમતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને બંગાળની ખાડી પ્રદેશમાં કુદરતી આફતોનો પ્રતિકાર કરવા માટે તૈયારી અને સહયોગને સુધારવા માટે એક પ્લાન ઑફ એક્શનની રચના કરવા એક ઇન્ટર ગવર્મેન્ટલ નિષ્ણાત જૂથની સ્થાપના કરવાનો નિર્ણય લેવો.

જળવાયું પરિવર્તન

 1. પર્યાવરણના અધઃપતન, અને નાજુક હિમાલય તથા પર્વતમાળાઓ ઉપરના ઇકો સીસ્ટમ ઉપર તથા બંગાળની ખાડી સાથે જોડાયેલ તેમના આંતરિક જોડાણો અને હિંદ મહાસાગર ઉપર જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની અવળી અસરો વિષે આપણી ગંભીર ચિંતા વ્યક્ત કરવી અને અન્ય બાબતોની સાથે સાથે પર્યાવરણને રક્ષા અને સંરક્ષણ પ્રદાન કરવા તથા લોકોના જીવન અને રોજીરોટી ઉપર જળવાયું પરિવર્તનની અવળી અસરોને પહોંચી વળવા માટે મજબુત સહયોગ મેળવવાનો ઠરાવ પસાર કરવો; પ્રદેશ માટે જળવાયું પરિવર્તન સામે સંગઠનાત્મક પ્રતિભાવ માટે પ્લાન ઑફ એક્શન તૈયાર કરવા એક આંતર સરકારી નિષ્ણાત જૂથની સ્થાપના કરવાની શક્યતા અંગે વિચાર કરવો; વિવિધ રાષ્ટ્રીય સંજોગો અને સમાનતાઓને ધ્યાનમાં રાખીને સામાન્ય પરંતુ જુદી કરેલી જવાબદારીઓ અને સંલગ્ન ક્ષમતાઓ (સીબીડીઆર એન્ડ આરસી) અનુસાર પેરીસ સંધિને કાર્યાન્વિત કરવા આપણી પ્રતિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કરવું.

ઊર્જા

 1. પ્રદેશમાં ઊર્જાના સંસાધનોની ઉચ્ચ ક્ષમતાને ઓળખવી, ખાસ કરીને પુનઃપ્રાપ્ય અને સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતોને અને પ્રદેશમાં એક બીજા સાથે નજીકથી કામ કરીને ઊર્જા સહયોગ માટેનો વ્યાપક પ્લાન તૈયાર કરવા માટેના આપણા પ્રયત્નોને ઝડપી બનાવવા અંગે સહમત થવું; અને હાઇડ્રો પાવર અને પુનઃપ્રાપ્ય ઊર્જાના અન્ય સ્ત્રોતો સહિત ઊર્જા સહયોગને વધારવા માટે એક આંતરસરકારી નિષ્ણાત જૂથની રચના કરવાનો નિર્ણય કરવો.
 2. ઊર્જા વ્યાપારના માધ્યમ સહિત આપણા લોકોના આર્થિક વિકાસ માટે અવિરત અને સસ્તી ઊર્જાનો પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ રહેવું; BIMSTEC ગ્રીડ ઇન્ટરકનેક્શન ઉપરના સમજુતી કરાર પર કરવામાં આવેલા હસ્તાક્ષરને આવકારવા અને સંલગ્ન સંસ્થાઓને ગ્રીડ ઇન્ટરકનેક્શન માંથી અવરોધોને દુર કરવા માટે ટેકનીકલ, પ્લાનિંગ અને ઓપરેશનલ સ્ટેન્ડર્ડમાં સુસંવાદીતતાની પહેલ કરવા મજબુત પગલાઓ ભરવા માટે નિર્દેશો આપવા તેમજ BIMSTEC ગ્રીડની તાત્કાલિક સ્થાપના થાય તેની ખાતરી કરવી અને પ્રદેશમાં ઊર્જા સહયોગને મજબુત બનાવવા માટે BIMSTEC ઊર્જા કેન્દ્રના ઝડપી અમલીકરણનું આહ્વાહન કરવું.

ટેકનોલોજી

 1. સમગ્ર ક્ષેત્રોમાં સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સહિત સસ્તી ટેકનોલોજીના નિર્માણ, પહોંચ અને વહેંચણી માટે સહયોગ વધારવા ઉપર સહમત થવું. અને શ્રી લંકામાં BIMSTEC ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધાની સ્થાપના ઉપર ના સમજુતી કરારો ઉપર હસ્તાક્ષર કરવા તરફના સભ્ય રાષ્ટ્રોના પ્રયત્નોને આવકારવા.
 2. ટેકનોલોજીની ઘાતક અસરોને સંબોધવા માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં ટેકનોલોજીની પ્રગતિ માટે માનવ સંસાધન વિકાસ અને શિક્ષણમાં સહયોગ સાધવા અંગે સહમત થવું.

કૃષિ

 1. પાક, પશુધન અને બાગાયતી, કૃષિની મશીનરી અને લણણી વ્યવસ્થાપન સહિત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગને વધુ ઊંડો બનાવવાનું નક્કી કરવું જેથી કરીને સંતુલિત રીતે કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન અને નફો વધારી શકાય; અન્ન અને પોષણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સહયોગને ગાઢ બનાવવા યોગ્ય સત્તાઓને કાર્ય સોંપણી કરવી; પરંપરાગત અને આધુનિક કૃષિ કૃષિને યોગ્ય રીતે જોડીને પરંપરાગત ખેતી અંગેના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેને પ્રોત્સાહન આપવું અને કિંમત ઘટાડીને, આવક વધારીને અને કૃષિ સમુદાયો માટે જોખમોને ઘટાડીને સભ્ય દેશોની અંદર કૃષિ વ્યાપારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તેમજ ગરીબી નિવારણ, રોજગાર નિર્માણ અને આપણા રાષ્ટ્રોમાં લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો.
 2. 2019માં કૃષિ ઉપરની પ્રથમ બીમ્સ ટેક મંત્રી સ્તરીય બેઠકનું યજમાન બનવાની મ્યાનમારની દરખાસ્ત અને 2019માં જળવાયું સ્માર્ટ ફાર્મિંગ સીસ્ટમ ઉપર BIMSTEC સેમીનારનું યજમાન પદ કરવાની ભારતની દરખાસ્તને આવકારવી.

મત્સ્ય ઉદ્યોગ

 1. પ્રદેશમાં દરિયાઈ સંસાધનોના સંરક્ષણ, વ્યવસ્થાપન અને સંતુલિત ઉપયોગમાં સતત સહયોગ સાધવા ઉપર ભાર મુકવો; અન્ન સુરક્ષાની ખાતરી કરવા માટે મત્સ્યઉદ્યોગમાં સહયોગને ઊંડો બનાવવ ઉપર સહમતી સાધવી અને આપણા પ્રદેશમાં આજીવિકાને સુધારવી તેમજ સંતુલિત દરિયાઈ મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અર્થપૂર્ણ સહયોગની શક્યતાઓ શોધવા માટે સંલગ્ન સંસ્થાઓને કાર્ય સોંપણી કરવી અને આંતરીક મત્સ્યઉદ્યોગમાંથી કઈ રીતે જમીન સાથે જોડાયેલા સભ્ય રાષ્ટ્રો લાભ મેળવી શકે તે અંગે સંશોધન કરવા માટે સંલગ્ન સત્તાને દિશાનિર્દેશ કરવા.

જાહેર આરોગ્ય

 1. એચઆઈવી અને એઇડ્સ, મેલેરિયા, ડેન્ગ્યું, ક્ષય (ટી.બી), વાઈરલ ઇન્ફ્લુંએન્ઝા જેમાં એવિયન અને સ્વાઇન ઇન્ફ્લુંએન્ઝાનો સમાવેશ થાય છે અને અન્ય ઉભરી રહેલા જાહેર આરોગ્યના ખતરાઓ સહિત બિન સંચારક્ષમ રોગો અને સાથે સાથે ટ્રાન્સ નેશનલ જાહેર આરોગ્યને લગતા મુદ્દાઓ કે જે BIMSTEC પ્રદેશના લોકોના આર્થિક અને સામાજિક પ્રગતિ સામે ખતરો છે તેમને પહોંચી વળવા માટેના આપણા પ્રયત્નોમાં સહયોગ વધારવા માટે સહમત થવું; પારંપરિક ઉપચારમાં સહયોગની પ્રગતિની નોંધ લેવી; આ ક્ષેત્રમાં સહયોગાત્મક પ્રવૃત્તિઓને ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ રહેવું; માહિતીના આદાન-પ્રદાન,અનુભવની વહેંચણી, અધિકારીઓની તાલીમ અને અન્ય મજબુત કાર્યક્રમોના માધ્યમથી તેમને અટકાવવા અને રોકવા સહિત સંલગ્ન સંસ્થાઓમાં કાર્યરત સહયોગને પ્રોત્સાહન આપવું; અને પારંપરિક ઔષધીમાં સહયોગ માટેના પ્રયત્નો બદલ થાઈલેન્ડ પ્રત્યે અભિવાદન પ્રગટ કરવું.

લોકોનો લોકો સાથેનો સંબંધ

 1. સભ્ય રાષ્ટ્રોની મધ્યે ઊંડી સમજણ અને વિશ્વાસ નિર્માણ કરવા કટિબદ્ધ બનવું અને વિવિધ સ્તરો ઉપર લોકોનો લોકો સાથેનો સંબંધને પ્રોત્સાહિત કરવો; BIMSTEC અંગે જાહેર જાગૃતિ ફેલાવવા માટે BIMSTEC નેટવર્ક પોલીસી થીંક ટેંક (બીએનપીટીટી)ની પ્રવૃત્તિઓ પ્રત્યે સંતોષપૂર્વક નોંધ લેવી અને બીએનપીટીટીની ટર્મ્સ ઑફ રેફરન્સ (ટીઓઆર)ને આખરી ઓપ આપવા માટે સંલગ્ન સંસ્થાઓને દિશા નિર્દેશ આપવા.
 2. લોકોનો લોકો સાથેનો સંપર્ક વધારી શકાય તે માટે સાંસદો, યુનીવર્સીટીઓ, શિક્ષણ સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ અને મીડિયા સમુદાય માટે યોગ્ય BIMSTEC ફોરમની સ્થાપના કરવા માટેની શક્યતાઓ શોધવા અંગે સહમત થવું.

સાંસ્કૃતિક સહયોગ

 1. આપણા લોકોની વચ્ચે ઐતિહાસિક સાંસ્કૃતિક બંધન મજબુત કરવા માટે સભ્ય રાષ્ટ્રોની વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધારવા માટેની જરૂરીયાત ઉપર ભાર મુકવો; વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ માટે પારસ્પરિક સન્માન અને સહનશીલતાને પ્રોત્સાહન આપવું; પ્રદેશમાં જોડાણના તંતુ તરીકે બુદ્ધિઝમના મહત્વને ટાંકવું; અને એક બુદ્ધીસ્ટ સર્કીટની સ્થાપના કરીને આ બાબતને સ્પષ્ટ માન્યતા આપવા માટે કટિબદ્ધ રહેવું.
 2. નિયમિત સમયાન્તરે BIMSTEC સાંસ્કૃતિક મંત્રીઓ અને BIMSTEC સાંસ્કૃતિક તહેવારોની બેઠકો યોજવા અંગે સહમત થવું;સંસ્કૃતિ ઉપરની બીજી BIMSTEC મંત્રી સ્તરીય બેઠક અને પ્રથમ BIMSTEC સાંસ્કૃતિક ઉત્સવની યજમાની કરવા માટેના બાંગ્લાદેશના પ્રસ્તાવને આવકારવો; અને આ બંને મહત્વના કાર્યક્રમોમાં આપણા જે તે સાંસ્કૃતિક મંત્રીઓને ભાગ લેવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરવા.

પ્રવાસન

 1. આંતરિક BIMSTEC પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મજબુત પગલાઓ લેવા માટે સહમત થવું; ઉભરી રહેલી તકોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે યોગ્ય સત્તાઓને કાર્ય સોંપણી કરવી અને 2005માં કોલકાતામાં સ્વીકારવામાં આવેલ અને 2006માં કાઠમંડુમાં બીજા BIMSTEC ટુરીઝમ મીનીસ્ટરસ રાઉન્ડ ટેબલ અને વર્કશોપ દ્વારા પુનઃ અમલમાં મુકવામાં આવેલ પ્લાન ઑફ એક્શન ફોર ટુરીઝમ ડેવલપમેન્ટ એન્ડ પ્રોમોશન ફોર BIMSTEC રીજન” સહિતની ભૂતકાળની પહેલો પર પુનઃવિચાર કરવો; પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની ખાતરી આપીને તથા સુગમ વાહનવ્યવહાર જોડાણ પૂરું પાડીને પ્રવાસનને સુવિધા પૂરી પાડવા માટે કડક પગલાઓ લેવા માટે સહમત થવું,બુદ્ધીસ્થ ટુરીઝમ સર્કીટ,ટેમ્પલ ટુરિસ્ટ સર્કીટ, એન્શીયન્ટ સીટીઝ ટ્રેઈલ, ઇકો ટુરીઝમ અને મેડીકલ ટુરીઝમનો વિકાસ કરવા અને પ્રોત્સાહન આપવા માટેની આપણી કટિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કરવું; અને 2020માં વિઝીટ નેપાળ યર 2020 સાથે સંકલન સાધીને નેપાળમાંBIMSTEC ટુરીઝમ કોન્કલેવની યજમાની કરવાના નેપાળના પ્રસ્તાવને આવકારવો.

પર્વતીય અર્થવ્યવસ્થા

 1. સંતુલિત વિકાસને સહાય કરવા માટે પર્વતીય ઇકો સીસ્ટમની તેમના બાયો ડાયવર્સીટી સહિત તેમના સંરક્ષણની ખાતરી કરવા માટે કડક પગલાઓ લેવા માટેની જરૂરિયાતો ઉપર ભાર મુકવો; આ ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટેBIMSTEC દેશોમાં નેપાળ દ્વારા તૈયાર કરવામાં આવેલ પર્વતીય અર્થતંત્રોને પ્રોત્સાહન આપવા માટેના ખ્યાલની નોંધને આવકારવી; અને એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે આંતર સરકારી નિષ્ણાત જૂથની રચના કરવાનું નક્કી કરવું.

વાદળી અર્થવ્યવસ્થા

 1. બ્લ્યુઅર્થતંત્રના મહત્વ ઉપર ભાર મુકવો અને પ્રદેશમાં સંતુલિત વિકાસ માટે આ ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે સહમત થવું અને જમીન સાથે જોડાયેલા સભ્ય રાષ્ટ્રોના સંજોગો અને વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બ્લ્યુ અર્થતંત્ર ઉપર એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે એક આંતર સરકારી નિષ્ણાત જૂથની સ્થાપના કરવાનો નિર્ણય લેવો.
 2. BIMSTEC સભ્ય રાષ્ટ્રોમાંથી સરકારી પ્રતિનિધિઓની ભાગીદારી સાથે 2017માં બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય બ્લ્યુ ઈકોનોમી કોન્ફરન્સનું યજમાન બનવાના પ્રસ્તાવની સંતોષ સાથે નોંધ લેવી.
Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
How MISHTI plans to conserve mangroves

Media Coverage

How MISHTI plans to conserve mangroves
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 માર્ચ 2023
March 21, 2023
શેર
 
Comments

PM Modi's Dynamic Foreign Policy – A New Chapter in India-Japan Friendship

New India Acknowledges the Nation’s Rise with PM Modi's Visionary Leadership