કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી અંગે ગુજરાતના ખેડૂતોના ઉગ્ર આક્રોશ
અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ મુખ્ય મંત્રીશ્રીએ રજૂઆત કરી
સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની અવઢવ નીતિના કારણે ખેડૂતોમાં ભારે અજંપો અને અવિશ્વાસ છે!
સીસીઆઇને ગુજરાતમાં ટેકાના ભાવે કપાસના ખરીદીના સ્પષ્ટ આદેશ ભારત સરકાર આપેઃ મુખ્ય મંત્રીશ્રીની માંગ
એન.ડી.ડી.બી. આણંદમાં નરેન્દ્રભાઈ મોદીએ શરદ પવાર સમક્ષ કરેલી માંગણી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે એન.ડી.ડી.બી.ના આણંદના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ ગુજરાતના ખેડૂતો પાસેથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ઘ્ઘ્ત્) દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં પ્રવર્તતી ઉદાસિનતા અને અવઢવની સ્થિતિ અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી અને ભારત સરકારે હજુ સુધી સી.સી.આઇ.ને ગુજરાતમાંથી ટેકાના ભાવે કપાસ ખરીદવા કોઇ નિર્દેશ આપ્યો નથી કે ખરીદીના ટેકાના ભાવ દર્શાવ્યા નથી તેથી સી.સી.આઇ. અવઢવમાં છે, તેમ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવારનું એ ગંભીર હકીકત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે, ગુજરાતના ખેડૂતોનો કપાસ નિકાસ થઇ શકતો નથી. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ કે જિનીંગ ફેકટરીઓ પણ કપાસ ખરીદતા નથી. સી.સી.આઇ. ઉદાસિનતા દાખવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે ૧ર૦ લાખ ગાંસડી કપાસ પકવીને ભગીરથ પરિશ્રમ કરનારા રાજ્યના લાખો ખેડૂતો કપાસના ભરાવાથી પાયમાલ થવા લાગ્યા છે અને ૩૦ થી ૩પ લાખ કપાસની ગાંસડીને વેચવા માટે કોઇ ખરીદનાર નથી. આ વિપરીત સંજોગોમાં લાખો કપાસ પકવતા ખેડૂતોમાં કેન્દ્ર સરકારની ગુજરાત વિરોધી રીતિનીતિ સામે ઉગ્ર રોષ અને આક્રોશ છે. કારણ કે સી.સી.આઇ.એ જેટલી પણ ખરીદી ધીમી ગતિએ કરી છે તે માત્ર રાજ્યના બે કોંગ્રેસી સંસદસભ્યોના વિસ્તારમાંથી જ કરી છે તે પક્ષપાતી વલણ પણ દર્શાવે છે. સી.સી.આઇ. ર૦ થી રપ લાખ કપાસની ગાંસડી તો તેના નેટવર્ક દ્વારા ગુજરાતમાંથી સરળતાથી ખરીદી શકે એમ છે પણ કેન્દ્ર સરકારનો સ્પષ્ટ આદેશ ન હોવાથી અવઢવમાં છે.
આના કારણે કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે આક્રોશ છે એમ મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવારને સ્પષ્ટપણે જણાવ્યું હતું. ભારતમાં કપાસની કયાંય તંગી નથી પ્રવર્તતી તેનો નિર્દેશ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સી.સી.આઇ. ટેકાના ભાવે ગુજરાતમાં ખરીદી કરવાની તેની કામગીરી સમયબદ્ધ અને ઝડપી નહીં કરે તો ગુજરાતના ખેડૂતોનો ઉગ્ર રોષ કેન્દ્ર સરકારને સહન કરવો પડશે.


