મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મણિનગર વિસ્તારમાં દક્ષિણિ સોસાયટી, ઇસનપુર અને શિવશકિત યુવકમંડળ તથા જયમાલા યુથ ફેડકેશન આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહીને વિધ્નહર્તા દેવ શ્રી ગણેશજીના ભકિતભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગણેશોત્સવ પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, દુંદાળા દેવની આરાધનાનો આ અવસર ગણેશોત્સવ, સમાજજીવનમાં સદ્દભાવના, સુરક્ષા અને નવી શકિત આપનારો બની રહે છે.
ગુજરાતમાં ગણપતિ ગજાનનનો આ આનંદોત્સવ અછતના ઓળા વચ્ચે મેધમહેર લાવનારો અવસર બની રહ્યો હોવાની ખૂશી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ દેશભરમાં પણ ગણેશ કૃપાથી વરસાદની મહેર માટે શ્રદ્ધા વ્યકત કરી હતી. સમગ્ર દેશમાં સ્વાઇન ફલૂ જેવી બિમારીનો કહેર પણ વિધ્નહર્તાની કૃપા અને આશિષથી નિર્મૂળ થાય તેવી પ્રાર્થના ભકિતભાવથી કરવાનો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
સમાજજીવનની ચેતના અને અનેકતામાં એકતાની આપણી સંસ્કૃતિના દર્શન ઉત્સવો-મહોત્સવોમાં પ્રતિબિંબિત થાય છે તેમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. આ પ્રસંગ મણિનગર વિસ્તારના પદાધિકારીઓ અને ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા.


