દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પણ ઉત્તર ગુજરાતની મરૂભૂમિની કાયાપલટ કરશે

ઉત્તર ગુજરાતના રણકાંઠા નજીક કાંકરેજ તાલુકાના ગુંઠાવાડામાં ૩૦ મે.વો. સૌરઊર્જા વીજ-પ્રોજેકટ કાર્યાન્વિત

બનાસકાંઠા-પાટણ સીમાએ મોઝર બેઅર ગ્રીન એનર્જીનો સોલાર પાવરઃ ગુજરાતમાં સૂર્યશકિતથી વીજળી ઉત્પાદનનો ચોથો પ્રોજેકટ

ગ્લોબલ સોલાર કેપિટલ બનશે ગુજરા

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એશિયામાં સૌથી મોટા, સૂર્યશકિત સંચાલિત ખાનગી ક્ષેત્રના સોલાર પાવર ફાર્મનું ઉદ્દધાટન કરતાં જાહેર કર્યું હતું કે ગુજરાત સૂર્યઊર્જાની વૈશ્વિક રાજધાની (ગ્લોબલ સોલાર કેપિટલ) બનવાનું છે.

ઉત્તર ગુજરાતના રણના સીમાડે આવેલા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ગૂઠાંવાડા ગામમાં મોઝર બેઅર ગ્રીન એનર્જી કંપનીનો આ સોલાર પાવર પ્લાન્ટ માત્ર ચાર જ મહિનામાં કાર્યરત થયો છે અને તેની સૂર્યઊર્જાથી વીજઉત્પાદન ક્ષમતા ૩૦ મેગાવોટની છે. ગુજરાત સરકારે પ્રકૃતિદત્ત ઊર્જા સંસાધનો અને સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ દ્વારા દેશની વીજ સમસ્યાના ઉકેલ માટેની પહેલ કરી છે. અને ઉત્તર ગુજરાતની મરૂભૂમિ ઉપર જમીન અને સૂર્યશકિતનો સમન્વય સાધીને દુનિયાનો સૌથી મોટો સોલાર પાવર પાર્ક સ્થાપવામાં આગળ વધી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

સોલાર પાવરના ક્ષેત્રે વિશ્વખ્યાત મોઝર બેઅર ગ્રીન એનર્જી કંપનીએ ૩ર૦ એકરમાં કાંકરેજ તાલુકાના ગૂંઠાવાડામાં રૂા. ૪૬પ કરોડના મૂડીરોકાણથી આ સૂર્યશકિત સંચાલિત વીજ પ્રકલ્પ ચાર જ મહિનામાં કાર્યરત કર્યો છે, જેની વીજ ઉત્પાદન ક્ષમતા ૩૦ મેગાવોટ છે અને સમગ્ર એશિયામાં સૌથી મોટો સોલાર પાવર ફાર્મ સ્થાપવાનું ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઉત્તર ગુજરાતના ચારણકા અને ગુંઠાવાડા જેવા ગામો આજે વિશ્વના વિકાસ-નકશા ઉપર ગૌરવરૂપે અંકિત થયા છે તેવી ઐતિહાસિક ધટનાઓ ગુજરાતની મરૂભૂમિ ઉપર સાકાર પામી છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૂર્યશકિતની ઊર્જા અને તેનું સામર્થ્ય ગુજરાતની ભૂમિ ઉપર કેટલું છે તેનો આ પૂરાવો છે.

સમગ્ર દેશમાં આજે વીજળી ઉત્પાદન માટેના પ્રોજેકટ ચાલુ કરવા ઇંધણરૂપે કોલસાની અછતથી ભારત ઉપર અંધકારના ઓળા ઉતરવાની ભીતી ડરાવે છે ત્યારે ગુજરાતે આગવી પહેલ કરીને સૂર્યશકિતથી વીજળી પેદા કરવાનો એશિયાનો સૌથી મોટો વીજ-પ્રકલ્પ શરૂ કરી દીધો છે અને અહીંથી અટકવું નથી, દુનિયાનો સૌથી મોટો સૂર્યઊર્જાનો વીજ-પ્રોજેકટ પણ ચારણકામાં ગુજરાત જ બનાવી રહ્યું છે એમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. ગુજરાત આપત્તિ ને અવસરમાં પલટાવવા સમર્થ બન્યું છે. ભારત સરકાર સૂર્યઊર્જા અંગેની નીતિ બનાવ્યા પછી પણ પાંચ મેગાવોટ સૌરઊર્જાના વીજળી પ્લાન્ટ શરૂ નથી કરી શકી ત્યારે ગુજરાતે સૂર્યશકિતનો મહત્તમ ઉપયોગ કરી બતાવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવા રણ અને સૂકી રેતીના પ્રદેશોની મરૂભૂમિ ઉપર ગુજરાત સરકારે વિકાસની ભાગ્યરેખા અંકિત કરી અને આ સોલાર પાવરથી ઉત્તર ગુજરાતના રેગિસ્તાનના સંકટોને સમૃધ્ધિમાં પરિવર્તીત કરવાનું સપનું સાકાર કર્યું છે.

વિકાસના આ ઔઘોગિક અને માળખાકીય વિકાસ સુવિધાના કારણે કિસાનની જમીન કિંમતી મૂલ્યો અને સમૃધ્ધિની તાકાત બની ગઇ છે. વિકાસને ગામડે-ગામડે પહોંચાડીને આ સરકારે કિસાનની સમૃધ્ધિના સપનાં પાર પાડયા છે. દશ વર્ષ પહેલાં ગુજરાત વીજળીની તંગીથી પરેશાન હતું. આજે ગુજરાતના ૧૮૦૦૦ ગામો બધા જ ર૪ કલાક વીજળીથી વિકાસની યાત્રામાં જોડાયા છે. જ્યોતિગ્રામ યોજનાએ ગામડાના આર્થિક-સામાજિક જીવનની તાસીર બદલી નાંખી છે એની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પાણી અને વીજળી જેવા કુદરતી સંસાધનોના બચત અને વપરાશ માટે જનજાગૃતિનું આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના વિશાળ દરિયાકાંઠાને વિશ્વવેપારથી ધમધમતા બંદરોથી વિકસાવ્યો છે અને ભૂકંપના વિનાશ પછી સમગ્ર કચ્છ જિલ્લો આજે હિન્દુસ્તાનનો સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બની ગયો છે.

મુખ્યમંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં જણાવ્યું કે ગુજરાતના વિકાસની ગતિ સાથે કેન્દ્ર સરકાર તાલ મીલાવી શકતી નથી એટલું જ નહીં, ભારત સરકાર પાવર કરપ્ટ (ભ્રષ્ટાચારી શાસન) બની ગઇ છે જ્યારે ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા અનઇન્ટરપ્ટેડ (અવિરત) પાવર તમામ ૧૮૦૦૦ ગામડાઓમાં મળે છે. કેન્દ્રમાં આજે વિકાસ શૂન્યતાનું વાતાવરણ જોવા મળે છે. ગુજરાતની જનતાએ સમજદારી બતાવીને દશ વર્ષથી આ સ્થિતિમાંથી મૂકિત મેળવી છે અને તેથી જ ગુજરાત વિકાસની ઊંચાઇ સર કરતું રહ્યું છે.

ગુજરાતમાં વિકાસ પ્રકૃતિનું શોષણ-નુકશાન કરીને નહીં પણ પ્રકૃતિના સંસાધનોનું દોહન કરીને જ થઇ રહ્યો છે. વિકાસ જરૂર કરવો છે, પણ પ્રકૃતિ સાથે સંવાદિતા રાખીને, સંધર્ષ કરીને નહીં. સ્થિતિ બદલવી છે પણ, પર્યાવરણની જાળવણી કરીને, એવો નિર્ધાર વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વેસ્ટ-કચરામાંથી કંચન-મેનેજમેન્ટ કરીને બાયોમાસ અને એગ્રોવેસ્ટ જેવા ઊર્જાશકિતના નવા આયામો ગુજરાત અપનાવે છે તેની ભૂમિકા આપી હતી. મોઝર બેઅર ગ્રીન એનર્જી કંપનીના અધ્યક્ષ દિપક પુરી અને પ્રોજેકટ ચેરમેન રતુલ પુરીએ ગુજરાત સરકારે આ સોલાર પાવર ફાર્મ માટે જે પ્રોએકટીવ ગવર્નન્સની પ્રતીતિ કરાવી છે તે અજોડ છે એમ જણાવ્યું હતું અને પ૦,૦૦૦ ગ્રામીણ કુટુંબોના જીવનમાં સૂર્યઊર્જાથી વીજપ્રકાશ નવી ચેતના પ્રગટાવશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.

આ સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા, રાજ્યમંત્રીશ્રી લીલીધરભાઇ વાધેલા અને શ્રી પરબતભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી હરિભાઇ ચૌધરી, ધારાસભ્યો તથા વિવિધ ક્ષેત્રોના પદાધિકારીઓ ઉપસ્થિત હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જાન્યુઆરી 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi