વિવેકાનંદ યુવા સંમેલન
સોરઠ સખી મંડળ સંમેલનમાં મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતની નારીશક્તિ અને યુવાશક્તિના સામર્થ્યને નીતનવા અવસરો આપવાનો નિર્ધાર વ્યકત કરતાં આજે જૂનાગઢમાં વિવેકાનંદ યુવા સંમેલન અને સોરઠી સખી સંમેલનમાં મુખ્ય મંત્રીશ્રીએ સ્વામિ વિવેકાનંદના ૧પ૦મા જન્મ જયંતી વર્ષની વિશિષ્ટ ઉજવણીમાં યુવાપેઢી અને નારીવર્ગના સશક્તિકરણની ભૂમિકા આપી હતી.
મિશન મંગલમ હેઠળ સખીમંડળો કાર્યરત કરીને ગ્રામ નારીસમાજના સશક્તિકરણની ક્રાંતિકારી પહેલ ગુજરાતે કરી છે અને આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બનાવી નારીસમાજને નેતૃત્વ પુરું પાડવાના અનેરા અવસરો આપ્યા છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
આ સમારંભમાં મુખ્ય મંત્રીશ્રીએ સખીમંડળની બહેનોને આર્થિક પ્રવૃત્તિ માટે બેન્કોની કેશ ક્રેડીટ, એમ્પાવર તાલીમ સફળતાપૂર્વક લેનારા યુવકોને પ્રમાણપત્રો અને યુવા કેન્દ્રોના રમતગમત સાધનોની કિટ્સનું વિતરણ કર્યું હતું.
આજની યુવા પેઢીમાં પણ સ્વામિ વિવેકાનંદ અને વીર શહીદ ભગતસિંહ પ્રેરણામૂર્તિ રહ્યા છે. ૧૮૯૩માં સ્વામિ વિવેકાનંદે જૂનાગઢની ધરતી ઉપર પરિભ્રમણ કરેલું તેનું સ્મરણ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, જનતા નક્કી કરે તો સાર્વજનિક સ્વચ્છતા સાથે ગુજરાત ગૌરવવંતુ બનશે.
એમ્પાવર કોમ્પ્યુટર ટેકનોલોજીની તાલીમમાં બે લાખ જેટલા યુવક-યુવતિ જોડાયા છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં યુવા રોજગારીની હરણફાળ જોતાં આઇ.ટી.આઇ. અને હુન્નર કૌશલ્યમાં લાખો યુવાનોને નિપૂણ કરવા છે.
ગુજરાતના યુવાનોને ઉશ્કેરવાના જૂઠાણાની તરકીબો સામે સાવધ રહેવાનો અનુરોધ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, દહેજના કેન્દ્ર સરકારના ઓ.એન.જી.સી. એકમમાં ર૦૦૦માંથી માત્ર પાંચ ગુજરાતી યુવાનોને રોજગારી આપેલી છે જયારે ગુજરાત તો આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે.
ગુજરાતી સમાજમાં પ૦ ટકા નારીશક્તિનું સંખ્યાબળ છે. પરંતુ પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને પ૦ ટકા પ્રતિનિધિત્વ આપતું વિધેયક પાસ થયું હોવા છતાં આ મહિલા મહિમ રાજ્યપાલશ્રી તેને મંજૂરી આપતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં સવા બે લાખથી વધારે સખીમંડળોની લાખો બહેનોના હાથમાં રૂ. ૧૬૦૦ કરોડનો આર્થિક કારોબાર છે હવે તેને પાંચ હજાર કરોડ ઉપર પહોંચાડીશું અને જૂનાગઢના દરિયાકાંઠાની ગરીબ બહેનો માટે સી-વિડ દરિયાઇ વનસ્પતિના ઉત્પાદન સખીમંડળો દ્વારા હાથ ધરીને આર્થિક સશક્તિકરણ કરવાની જાહેરાત તેમણે કરી હતી.





