અમારે રાજકીય કાવાદાવામાં સમય બરબાદ નથી કરવોઃ સદ્ભાવનાની શક્તિને વધુ સામર્થ્યવાન બનાવવી છેઃ મુખ્યમંત્રીશ્રી
વિકાસની હરણફાળ માટે ડાંગ જિલ્લામાં રૂા.પ૭પ કરોડના વિકાસકામોની જાહેરાત
ડાંગના વનવાસીઓની સદ્ભાવનાની વિરાટ શક્તિનું દર્શન
આહવામાં મુખ્યમંત્રીશ્રીનાં સદ્ભાવના મિશન અંતર્ગત ઉપવાસના જિલ્લા અભિયાનનો દસમો પડાવ સંપણ
૪૦૦૦ જેટલા વનવાસી ઉપવાસીઓનું તપ
પડોશના મહારાષ્ટ્રમાંથી પણ વનવાસી પરિવારો સેંકડોની સંખ્યામાં સદ્ભાવના મિશનમાં જોડાયા
ગુજરાતનો કેન્દ્રની સહાયથી વિકાસ થયો છે એમ જણાવતા કેન્દ્રના નેતાઓને પડકારતા મુખ્યમંત્રીશ્રી
દસ વર્ષની સદ્ભાવનાની શક્તિએ ભૂતકાળના ગુજરાતના વેરઝેર, વાદવિવાદના વાતાવરણના મૂળીયા ઉખેડી નાંખ્યા છે
ગુજરાતમાં સામાન્ય માનવીના ઘરઘરમાં વિકાસનો મંત્ર જ ગૂંજતો થયો છે

સમગ્ર ગુજરાતના ર૬ જિલ્લા અને સાત મહાનગરોમાં મળીને ૩૩ જેટલા ઉપવાસની તપસ્યાના માધ્યમથી સદ્ભાવના મિશનનું અભિયાન કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાડાંગમાં આજે સદ્ભાવના મિશનની શક્તિનું દર્શન કર્યું હતું. દિવસભર મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને શુભેચ્છનો હાથ લંબાવનારા હજ્જારો વનવાસી પરિવારોનો મહેરામણ ઉમટ્યો હતો.
ડાંગ જિલ્લાના ગામેગામથી સ્વૈચ્છિક ઉપવાસ કરવા માટે ૪૦૦૦ વનવાસીઓ એ તપ કર્યું હતું. પડોશના મહારાષ્ટ્રમાંથી પણ સેંકડો પરિવારો વનબંધુના વિકાસમાં અગ્રેસર ગુજરાતમાં સદ્ભાવનાના રંગે રંગાઇને આ અભિયાનમાં હોંશે હોંશે જોડાયા હતા. વનવાસી પરિવારોની નારીમાતૃ શક્તિએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને પરંપરાગત પોષાકની સંસ્કૃતિમાં મળીને શુભેચ્છા આપી હતી. આ એક જ તાલુકાના ગુજરાતના સૌથી નાના અને વનવાસી ડાંગ જિલ્લામાં વિરાટ માનવ મહેરામણ ઉમટે એ જ પુરવાર કરે છે કે, એ વિકાસનો મંત્ર એ ઘરઘરનો વિષય બની ગયો છે. એની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દસ વર્ષમાં સદ્ભાવના અને એકતા એ ગુજરાતમાં એવો વિકાસ સાધ્યો છે કે, સામાન્યમાં સામાન્ય માનવી પણ વિકાસ વિશે જ વિચારતો થયો છે.
સદ્ભાવના મિશનની શક્તિએ જ ગુજરાતમાંથી કુસંપ, વેરઝેરના, વાદવિવાદના ભૂતકાળમાં કોંગ્રેસે કરેલા વાવેતરના મૂળીયા ઉખેડી નાંખ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. છ કરોડ ગુજરાતીઓનો પરિવાર એ જ મારુ કુટુંબ છે આ વાત એવું પૂરવાર કરે છે કે સદ્ભાવના જ ગુજરાતની રગેરગમાં વણાયેલી છે. એને બદનામ કરનારા સમજી લે એવી ચેતવણી તેમણે આપી હતી. હિન્દુસ્તાનના ખૂણેખૂણે દિલ્હીના શાસકોના કારણે વોટબેન્કની રાજનીતિએ નિરાશાનું વાતાવરણ સર્જ્યું હતું. પણ ગુજરાતે વિકાસ કરીને દેશને હતાશામાંથી નિકળવાનો વિશ્વાસ આપ્યો છે.
આ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાતની સફળતા પાછળ સદ્ભાવના, એકતા, ભાઇચારાનીશાંતિની શક્તિ છે એમ તેમણે જણાવ્યું હતું. અન્ય રાજ્યોની જેમ આપણે વિકાસ માટે વલખાં નથી મારતા, કારણ કે આપણી એકતાની તાકાત વિકાસમાં પરોવી છે, તેનો ગૌરવભેર નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સાંપ્રદાયિક ઝગડા અને જાતિવાદના ઝેર રેડીને જેમણે હિન્દુસ્તાનનો વિકાસ અટકાવ્યો છે તેને ગુજરાતે સમાજની એકતાથી જવાબ આપી દીધો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સદ્ભાવનાની શક્તિને આપણે વધારે સામાર્થ્યવાન બનાવવી છે.
રાજકીય કાવાદાવામાં સમય બરબાદ કરવો નથી. સૌનો સાથ લઇને સૌનો વિકાસ એ જ અમારી સરકારની રાજકીય ઇચ્છાશક્તિ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદી પછીની સરકારોએ ૪૦૪૦ વર્ષ સુધી આદિવાસીઓને સહાયના ટૂકડા ફેંકીને દેવાના ડૂંગરમાં ડુબાડી દીધા. તેના અનેક દ્રષ્ટાંતો આપ્યા હતા. સમાજ જીવનને પીંખી નાંખવામાં આ શાસકોએ કાંઇ બાકી રાખ્યુ નથી. જ્યારે આ સરકારે આદિવાસીઓનાગરીબના હક્કો અને નાણાં હાથમાં આપ્યા છે.
આદિવાસી લાખો બહેનોના સખી મંડળો બનાવીને આર્થિક પ્રવૃત્તિમાં આવક મેળવતી કરી છે. આદિવાસી બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને ઇજનેર, ડોક્ટર બનાવવાના બધા અવસરો પૂરા પાડ્યા છે, તેની વિગતો તેમણે આપી હતી. ર૦૦૧માં આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ જ નહોતી. અમે દસ વર્ષમાં બધા જ તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી દીધી છે.


