કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના કેન્દ્રીય બજેટમાં દેશનો 'આમઆદમી' કયાંય શોધ્યો જડે એમ નથી!
કેન્દ્રીય બજેટ ર૦૧ર અંગે મુખ્યમંત્રીશ્રીનો પ્રતિભાવ
કઠોરતમ આર્થિક શિસ્તના બદલે સામાન્ય નાગરિક ઉપર કરબોજની ક્રુરતા!
બજેટ તદ્દન નિસ્તેજઃ સાંપ્રત હતાશા અને આર્થિક દુર્દશાની સ્થિતિ ‘બદ' થી ‘બદતર' તરફ લઇ જનારૂ
આર્થિક વિકાસની સ્થિરતાને બદલે યુપીએ સરકારની રાજકીય અસ્થિરતાની અસરો દેખાય છે!
મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી દેશની ગંભીર સમસ્યાઓના ઉકેલ માટેની રાજકીય ઇચ્છાશકિતનો અભાવ!
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના બજેટ-ર૦૧ર અંગે સ્પષ્ટ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સમગ્ર બજેટમાં ભારતનો 'આમઆદમી' કયાંય શોધ્યો જડે એમ નથી! આ બજેટ જનવિરોધી છે.સામાન્ય નાગરિકને સ્પર્શતી દેશની ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેકારી જેવી સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટેના કોઇ અણસાર વગરનું આ બજેટ છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આર્થિક સ્થિરતા અને વિકાસ માટેની રાજકીય ઇચ્છાશકિતને બદલે યુપીએ સરકારની રાજકીય અસ્થિરતાની સીધી અસર આ બજેટમાં દેખાય છે,

આ બજેટમાં સામાન્ય માનવીને સ્પર્શતો રૂ. ૪૦ હજાર કરોડનો નવો કરબોજ અને ગઇકાલના કેન્દ્રીય રેલ્વે બજેટમાં રુ. ૪૦ હજારનો બોજ ગણતરીમાં લેતા રુ. ૮૦ હજાર કરોડનું ભારણ વેઠવાનું આવ્યું છે.
કેન્દ્રીય બજેટમાં એકસાઇઝ ડયુટીમાં બે ટકાનો વધારો અને સર્વિસ ટેક્ષમાં હાલના ૧૦ ટકામાંથી ૧ર ટકા વધારાની જાહેરાતની ટીકા કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર 'આમઆદમી' ઉપર જ 'ક્રુર' બની છે! સર્વિસ ટે્ક્ષમાં વધારાનો ભોગ પ્રવાસન ક્ષેત્ર બનવાનું છે અને પ્રવાસન દ્વારા રોજગારલક્ષી આર્થિક વિકાસ ઉપર તેની માઠી અસર પડશે એમ તેમણે ઉમેર્યું હતું.
ભારતમાં આર્થિક સુધારા અને આર્થિક વ્યવસ્થાપનની સંભાવનાઓના સુવિચારિત આયોજનનો બજેટમાં અભાવ છે એટલું જ નહીં, સાતત્યપૂર્ણ વિકાસની દિશાશૂન્યતા જોવા મળે છે, એમ તેમણે જણાવ્યું હતું.
દેશમાં આર્થિક શિસ્ત માટે કઠોર બનવાને બદલે, ભારત સરકારે નાણાંકીય ગેરવ્યવસ્થાનું દ્રષ્ટાંત પુરૂં પાડયું છે એનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગયા વર્ષે નાણાંકીય ખાદ્ય ૪.૬ ટકા અંદાજવામાં આવી હતી તે વધીને પ.૯ ટકા થઇ છે, અને આવતે વર્ષ પણ પ.૧ ટકા રહેવાની છે. કેન્દ્રની આ સરકારનું "માર્કેટ બોરોઇંગ" રૂા. ૩.પ૩ લાખ કરોડમાંથી વધીને રૂ. ૪.૭૯ લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે. આટલા જંગી 'માર્કેટ બોરોઇંગ'ના સંસાધનો પછી ભાગ્યે જ, ખાનગી ક્ષેત્ર માટે કોઇ અવકાશ રહ્યો છે. ખેતીવાડી ક્ષેત્રનો જી.ડી.પી.માં ફાળો પણ અગાઉના તમામ વર્ષો કરતાં નીચો રહ્યો છે, એટલું જ નહીં ખેતીવાડી વિકાસની અને કૃષિ આધારિત અર્થતંત્રની ઘોર અવગણના કરી છે. ભારતની મહિલાઓના સશકિતકરણની પણ બજેટમાં ઉપેક્ષા થઇ છે. એમ પણ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે ભારત સરકારનો વિકાસ ખર્ચ બજેટમાં ૩૦ ટકા દર્શાવ્યો છે જ્યારે ગુજરાતનો વિકાસ ખર્ચ બજેટના ૬૭ ટકા છે. કેન્દ્ર સરકારે આદિવાસી પેટા યોજના માટે બજેટમાં આખા દેશ માટે રૂ. ર૧૦૦૦ કરોડની ફાળવણી કરી છે જ્યારે એકલી ગુજરાત સરકારે આ પંચવર્ષીય યોજના માટે આદિવાસી કલ્યાણની પેટા યોજનામાં રૂ. ૪૦ હજાર કરોડ ખર્ચવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ એકંદરે આ કેન્દ્રીય બજેટને તદ્દન નિસ્તેજ અને દેશની સાંપ્રત હતાશાની અને આર્થિક દુર્દશાની સ્થિતિ 'બદ'થી બદતર બને તેવી કમનસિબીનો અહેસાસ કરાવનારૂં ગણાવ્યું છે.



