મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં શ્રમિક કામદારો અને ઔદ્યોગિક પરિવારોના સૂમેળભર્યા સંબંધો અને તેના પરિણામે શૂન્ય માનવદિન ઘટની પરંપરાને મહત્વનું પરિબળ ગણાવ્યું છે.
મુંબઇના ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના ડેલીગેશનનો મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતનો કાર્યક્રમ આજે ગાંધીનગરમાં રસપ્રદ વિકાસલક્ષી પ્રશ્નોત્તરીમાં રૂપાંતરિત થઇ ગયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આઇ.એમ.સી. અને તેના યંગ લિડર્સ ફોરમના સભ્યોના અનેકવિધ વ્યાપક ફલક ઉપરના પ્રશ્નોના પ્રતિભાવો આપ્યા હતા.
તેમણે ભારત સરકારને એવો પણ અનુરોધ કર્યો હતો કે ‘શ્રમ'નો વિષય કેન્દ્ર કે કેન્દ્ર-રાજ્યોના સંયુકત વિષય નહીં પણ, રાજ્ય સરકાર હસ્તક જ હોવો જોઇએ. માત્ર કાનૂનથી ઔદ્યોગિક શાંતિ જળવાતી નથી અને શ્રમ-સુધારણા માટે રાજ્યને અધિકાર હોવા જોઇએ. ગુજરાતમાં ઔદ્યોગિક પરિવારોની પરંપરા અને કામદારોના સુમેળભર્યા સંબંધોએ સહજ સંસ્કારનું સર્જન કરેલું છે.
મુખ્યમંત્રીશ્રીએ માનવવિકાસ સૂચકાંક HDIના ક્ષેત્રે ગુજરાતને વિશ્વના વિકસીત દેશોની હરોળમાં મૂકવાની નેમ વ્યકત કરતાં જણાવ્યું કે આ ખૂબજ વિશાળ પડકાર છે, પરંતુ ગુજરાતની જનતા અને ગુજરાત ટીમ તેનું બીડું ઝડપવા તત્પર છે.
મુખ્યમંત્રીશ્રીએ સાબરમતી ગાંધી આશ્રમને વૈશ્વિક ગાંધી સ્મારક રૂપે વિકસાવવાની નેમ વ્યકત કરી હતી, અને મહાત્મા મંદિરના નિર્માણની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે દુનિયાની કોઇપણ સમસ્યાનું સમાધાન ગાંધી વિચારમાંથી મળી શકે છે.
ગુજરાત જે રીતે વિકાસના નવા આયામો અને તેની સફળતા સાથે દેશને નવો માર્ગ દર્શાવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસનો ફાયદો સમગ્ર દેશ અને દુનિયાને થઇ રહ્યો છે. કચ્છમાં વિકાસની અભૂતપૂર્વ હરણફાળ અને પ્રગતિની નવી સિધ્ધિ-ગાથાઓની રૂપરેખા તેમણે આપી હતી અને કચ્છના રણોત્સવમાં ભાગ લેવા ઇન્ડીયન મરચન્ટ ચેમ્બર્સ તથા યંગ ફોરમને આમંત્રણ આપ્યું હતું અને મુંબઇ ખાતે આઇ.એમ.સી.ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યું હતું.
ગુજરાતના વિકાસ અને મુખ્યમંત્રીશ્રીના પ્રગતિશીલ નેતૃત્વ વિશે પણ સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીવનમાં કશું બનવાની નહીં, પણ કંઇક કરવાનો સંકલ્પ કરવો જોઇએ. તેઓ માત્ર ગુજરાતની જનતાની સેવામાં જ કાર્યરત છે અને ‘‘ગુજરાત ટીમ'' દ્વારા કર્મયોગી કાર્યસંસ્કૃતિ સર્જી છે.
આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ઉદ્યોગ અગ્રસચિવશ્રી એમ. શાહુ તથા અન્ય વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આઇ.એમ.સી.ના અધ્યક્ષશ્રી એમ. દાંડેકર તથા યંગ ફોરમના પ્રમુખશ્રી માલવ દાણીએ તેમની પ્રવૃત્તિનો પરિચય આપીને મુખ્યમંત્રીશ્રીના કુશળ નેતૃત્વની પ્રશંસા કરી હતી.