વિશ્વભરના પારસીઓના પ્રમુખ વડા દસ્તુરજી શ્રી ખુરશેદજી દસ્તુર અને ઉદવાડાના વડા દસ્તુરજી ડા. પેશોતન મિરઝા સહિત પારસીકોમના અગ્રણીઓ સાથેના વરિષ્ઠ પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું અને સમગ્ર પારસીકોમ વતી આભાર સન્માનપત્ર અર્પણ કર્યું હતું.
ઉદવાડામાં આગામી ૨૪મી એપ્રિલે પારસીઓના ઇરાનશાહની ૧૨૯૦મી સાલગિરાહના પ્રસંગની ઉજવણીમાં ભાગ લેવાના આમંત્રણનો મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને સમસ્ત પારસીકોમે તેમના પ્રત્યે દર્શાવેલી પ્રેમવર્ષાથી ભાવવિભોર બની આભારની લાગણી વ્યકત કરી હતી.
પારસીકોમની હાસ્યવૃત્તિ અને આનંદિત જીવનશૈલીના સંસ્કારને વિરલ ગણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભીષણ વ્યથાની વચ્ચે પણ સ્વસ્થ જીવનની પ્રેરણા ઇરાનથી સ્થળાંતર કરનારા પારસી પૂર્વજોએ પૂરી પાડી છે.
સંજાણ બંદરે ગુજરાતમાં પારસીઓને આવકારતાં તત્કાલીન નરેશ જાદીરાણાએ જે વચન આપેલાં તે આજે પણ આ સરકાર માટે પાલનકર્તા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પારસીકોમની સાતત્યપૂર્ણ પ્રગતિ માટે ઉદવાડા વિકાસ સત્તા મંડળની રચના કરી છે તેમ જણાવ્યું હતું.
પારસીઓના સર્વોચ્ચ વડા દસ્તુરજીએ મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરતાં જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના સહારા-હુંફથી દુનિયાની આ સૌથી નાની એવી પારસીકોમનું અસ્તિત્વ સુરક્ષિત રહ્યું છે અને કોમ પ્રગતિ કરી રહી છે.
ઉદવાડાના વડા દસ્તુરજી ડા.મિરઝા પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીની દરિયાદિલ રાજકર્તા તરીકે પ્રસંશા કરી હતી.
પારસીઓના સર્વોચ્ચ દસ્તુરજીની ઉપસ્થિતિમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના સન્માન પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું જેમાં મહાસાગરરૂપી ગુજરાતમાં બિંદુ સમાન પારસીઓએ મુખ્ય મંત્રીશ્રીના સુસાશનમાં આગવી ઓળખ ઉભી કરી છે અને ગુજરાતની સુરક્ષા અને આબાદીમાં પારસીઓની દુધમાં સાકર જેવી પ્રગતિ થઇ રહી છે તેનો ખાસ ઉલ્લેખ આભારસહ કરવામાં આવ્યો હતો.
૧૩૮૦ વર્ષ પૂર્વે સંજાણના નરેશ જાદીરાણાના આવકારથી પારસીકોમ ગુજરાતમાં વસી અને આજે ગુજરાત નરેશ શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં પારસીકોમ સુરક્ષિત પણે પ્રગતિ કરી રહી છે.
આ પારસીકોમના બંને તીર્થ ઉદવાડા અને નવસારી ગુજરાતમાં છે અને ઝોરેસ્ટ્રીયન ઇન્ફરમેશન સેન્ટર જેવું આધુનિક પારસીકોમના ગૌરવવંતા ઇતિહાસ અને પ્રગતિની ઝલક દર્શાવતું કેન્દ્ર સને ૨૦૦૭માં રાજ્યની વર્તમાન સરકારના સહયોગથી બન્યું છે. એટલું જ નહીં, કોઇ પણ સમસ્યાના સમાધાન માટે પારસીઓને રાજ્ય સરકારનો સહયોગ મળી રહ્યો છે એમ સન્માનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે પારસી સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત અને દેશભરના પારસી ભાઇઓ-બહેનોએ ઉપસિથત રહી મુખ્યમંત્રીશ્રી પ્રત્યે સમુહ આભારની લાગણી વ્યકત કરી તેમનું અભિવાદન કર્યું હતું