મુખ્યમંત્રીશ્રીના ગુજરાતના કિસાનોને હાર્દિક અભિનંદન
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિમંત્રીશ્રીએ કૃષિ કમાન્ડેશન એવોર્ડની ગૌરવ નવાજેશની રજૂઆત કરી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારનો અનાજ ઉત્પાદન ક્ષેત્રે ઉત્તમ પ્રોત્સાહન પુરસ્કાર કૃષિ કમાન્ડેશન એવોર્ડ ગુજરાતને પ્રાપ્ત થયો તેનું ગૌરવ મેળવવા માટે યશભાગી રાજ્યના કિસાનો અને કૃષિવિભાગને હાર્દિક અભિનંદન આપ્યા છે. ગુજરાતે ર૦૧૦-૧૧માં અનાજનું વિક્રમસર્જક ૧૦૦.૦૭ લાખ ટન ઉત્પાદન કર્યું હતું.
આજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિમંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયાએ તેમણે ભારતના રાષ્ટ્રપતિશ્રી ડો. પ્રણવ મુખરજી અને કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શરદ પવારના હસ્તે કૃષિ કમાન્ડેશન એવોર્ડ પ્રાપ્ત કર્યો તેની રૂપરેખા આપી હતી.
કૃષિ કર્મણ અને કૃષિ કમાન્ડેશન એવોર્ડ ર૦૧૧-૧રમાં અગાઉના સૌથી સારાં વર્ષો કરતાં વધુ અનાજ ઉત્પાદન કરતાં રાજ્યોને અપાય છે અને આ શ્રેણીના સાત એવોર્ડમાં રૂા. રપ લાખનો કૃષિ કમાન્ડેશન એવોર્ડ ગુજરાતે જીત્યો છે.
ગુજરાત જેવા રાજ્યમાં સામાન્ય રીતે વાણિજ્યક અને રોકડીયા પાકોનું ઉત્પાદન- વાવેતર વધારે થાય છે અને છેલ્લા એક દશકમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મહોત્સવ અને જળસંચયના અભિયાનો સફળતાથી પ્રેરિત કરતાં ખાઘાન્ન ઉત્પાદન ક્ષેત્રે પણ ત્રણે ઋતુમાં લગભગ સરખું ઉત્પાદન મેળવવાની સિધ્ધિ ગુજરાતે હાંસલ કરી છે.
ગુજરાતમાં અનાજ પાકોની ઉત્પાદકતા ર૦૦૧માં હેકટર દીઠ ૧૧૧ર કિલોગ્રામ હતી તેમાં દશ વર્ષમાં ૭પ ટકાનો વધારો થયો છે અને હાલ અનાજથી પાક ઉત્પાદન હેકટર દીઠ ૧૯પપ કીલોગ્રામ છે. ગુજરાતમાં કુલ કૃષિ ઉત્પાદન ર૦૦૧માં ૩૮.પ૯ લાખ હેકટર વાવેતરમાં ૪ર.૯ર લાખ ટન હતું તે વધીને ર૦૧૧-૧રમાં ૪૭.૩૪ લાખ હેકટરમાં ૯ર.પ૬ લાખ મે.ટન થયું છે જે ઉત્પાદનનો ૧૧પ ટકા વધારો દર્શાવે છે.
ગુજરાતનો કૃષિ વિકાસદર લગાતાર સરેરાશ ૧૦ ટકાથી અધિક રહયો છે.


