મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની સેવાઓમાં ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં તમામ કક્ષાના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. આ વર્ષે વધુ ૧૩૦૦૦ જેટલા વિદ્યાસહાયકોની સેવાઓ માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પાંચ વર્ષની ઉપલી વયમર્યાદાની છૂટછાટના આ નિર્ણયનો લાભ તમામ કેટેગરીના હજારો વિદ્યાસહાયકો માટેના ઉમેદવારોને મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ ઉદાત નિર્ણયની ભૂમિકા આપી હતી.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે સને ર૦૧૦ના વર્ષમાં પારદર્શી પ્રકિયાથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. વિદ્યાસહાયકોની ભરતીમાં તમામ કક્ષામાં યોગ્ય ઉમેદવારોને તક મળી રહે તેમજ પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂર્ણ કરી શકાય તે માટે, સામાન્ય કક્ષાના ઉમેદવારોની ભરતી માટેની હાલની ઉપલી વયમર્યાદા ર૮ વર્ષથી વધુ પાંચ વર્ષ વધારીને મહતમ ૩૩ વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે શરૂ થઇ રહેલી વિદ્યાસહાયકોની ભરતીમાં અનુસૂચિત જાતિ-જનજાતિ, બક્ષીપંચના અન્ય પછાતવર્ગોના ઉમેદવારોના કિસ્સામાં પણ હાલ મળવાપાત્ર પાંચ વર્ષની મહત્તમ વયમર્યાદા છૂટછાટમાં વધારો કરી, બીજા પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને હવે, આ ત્રણેય કેટેગરીના ઉમેદવારો માટેની મહત્તમ વયમર્યાદા પણ ૩૩ વર્ષને બદલે ૩૮ વર્ષની રહેશે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના નવા ધોરણ ૮ માટે સને ર૦૧૦માં દશ હજાર વિદ્યાસહાયકો અંગ્રેજી અને ગણીત-વિજ્ઞાનના વિષય માટે નિમવામાં આવ્યા હતા જેમાં અગાઉના વર્ષમાં આ વિષયો સાથે સ્નાતક થઇ ગયા હોય, પરંતુ હાલની મહત્તમ વયમર્યાદાના કારણે ઉમેદવારી કરી શકયા ન હોય તેવા સેંકડો વિદ્યાર્થીઓને વિદ્યાસહાયકોની ભરતી માટેની નવી તકો ઉપલબ્ધ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ સ્તુત્ય નિર્ણય કર્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ઉચ્ચ પ્રાથમિક શાળા માટે ૧૩૦૦૦ જેટલા વિદ્યાસહાયકોની ભરતીની પ્રક્રિયા નજીકના ભવિષ્યમાં હાથ ધરી છે તેને આ મહત્વની પાંચ વર્ષની વયમર્યાદાની છૂટછાટનો લાભ મળવાપાત્ર હશે.