ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
બોડેલીના ઉત્સાહી ભાઈઓ અને બહેનો,
આજે ઘણા સમય પછી તમારા બધા વચ્ચે આવવાનો મોકો મળ્યો. તમારા બધાના દર્શન, એ મારું સૌભાગ્ય છે. અને તમે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા, એ બદલ હું આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું. આ ચુંટણીમાં અલગ અલગ વિસ્તારમાં જઈને જનતા જનાર્દનના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. એમના આશીર્વાદ લેવાની તક મળી. માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ગામડા હોય કે શહેર, ચારેય તરફ એક જ નાદ સંભળાય, એક જ ગુંજ,
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
આ વાતાવરણ ચારે તરફ છે, અને આ વાતાવરણના મૂળમાં વિશ્વાસ છે. આ વાતાવરણના મૂળમાં ભરોસો છે. સરકારનો જનતા માટેનો ભરોસો અને જનતાનો સરકાર માટેનો ભરોસો, એના કારણે ગુજરાતે મક્કમ નિર્ધાર કર્યો છે કે ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીને કામ સોંપીને વિકાસના કામોને ગતિ આપવી. ભારતીય જનતા પાર્ટી ક્યારેય સત્તા-સુખમાં માનતી નથી. ન સત્તાનો અહંકાર અમારા સુધી પહોંચી શકે છે. અમે એક સેવાભાવથી કામ કરવાનું, અને અમે જનતા જનાર્દનના સેવકો છીએ. લોકશાહીમાં સર્વોપરિ. અમારું હાઈકમાન્ડ કોઈ હોય તો આ જનતા જનાર્દન જ અમારું હાઈકમાન્ડ છે. જનતા જનાર્દનની આકાંક્ષા, જનતા જનાર્દનની અપેક્ષા, એ જ અમારા માટે આદેશ છે.
ભાઈઓ, બહેનો,
આપણે આ છોટા ઉદેપુર જિલ્લો જુદો બનાવ્યો હતો. હવે લગભગ એને એક દસક થવા આવ્યું. બરાબર ને? અને મને સંતોષ છે કે જે ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ છોટા ઉદેપુર જિલ્લો જુદો બનાવ્યો હતો, એ પગલું સાર્થક નીવડ્યું. લોકોને છેક વડોદરા સુધી લાંબા થવું પડતું હતું. છોટાઉદેપુરમાં જ એમના બધા જ કામો થવા લાગ્યા. ધ્યાન કેન્દ્રિત થવા માંડ્યું. અને સમાન પ્રકારનો આખો વિસ્તાર, એના કારણે વિકાસની બ્લૂ પ્રિન્ટ પણ ગુજરાતની આશા-અપેક્ષાને અનુરુપ છોટા ઉદેપુર પણ આપણો વિકાસ પામે એ તેજ ગતિથી વિકાસનો આ દસકો આપણા બહુ કામમાં આવ્યો છે.
આ દસકામાં આપણે મજબુત પાયો નાખી દીધો. હવે આગામી દસકો હરણફાળ ભરવાનો છે. અને 25 વર્ષ જ્યારે ગુજરાતના થાય ને, આઝાદીના 100 વર્ષ થાય, અને ગુજરાતના આગામી 25 વર્ષ. આ સુવર્ણકાળ, જે સુવર્ણકાળ, અને એમાં આપણે વિકસિત ગુજરાત બનાવવું છે. અને એટલા માટે ગુજરાતના જિલ્લાઓનું સશક્તિકરણ, જિલ્લાઓની અંદર એક શક્તિ ઉભી થાય, અને જ્યારે બધાની શક્તિ કામે લાગે, તો વિકાસ ખુબ તેજ ગતિથી થતો હોય છે. એના માટે આપણે કામ કરીએ છીએ.
ભાઈઓ, બહેનો,
વર્ષો થઈ ગયા. દસકોથી કોંગ્રેસ પાર્ટી એક જ વાત કરે. જ્યારે જુઓ ત્યારે, ગરીબી હટાવો, ગરીબી હટાવો. ભઈ, સત્તા તમને આપી, અને તમે લોકોને કહો છો કે હટાવો? વાયદા કરવાના, નારા ઘડવાના, સૂત્રો બોલાવવાના, લોકોની આંખમાં ધૂળ ઝોંકવાની, આ જ એમનું કામ રહ્યું. અને એના કારણે ગરીબી હટી નહિ. એમના કાળમાં ગરીબી વધી. સામાન્ય માનવીની જે આવશ્યકતાઓ હતી, એ પણ એમણે ના કરી. અર્થવ્યવસ્થામાં ગરીબોની જે ભાગીદારી બનવી જોઈએ, એ પણ ના બની.
કોંગ્રેસના રાજમાં આપણો ગરીબ, આપણો આદિવાસી, અલગ-થલગ પડી ગયો. એને મુખ્ય ધારા સાથે જોડ્યો જ નહિ. બેન્ક મરી, બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. પરંતુ ગરીબ માટે, આદિવાસી માટે બેન્કના દરવાજા ના ખોલ્યા. બેન્કમાં ખાતા ના ખોલ્યા. કરોડો ગરીબોને સ્વાસ્થની સુવિધા જોઈએ. માંદગી ગરીબોને, આદિવાસીઓનેય આવતી હોય, પ્રસવ-પીડા આદિવાસી માનેય થતી હોય. પ્રસવ-પીડા વખતે માના મૃત્યુ થતાં હોય, પણ કોંગ્રેસ સરકારોને પેટનું પાણી નહોતું હલતું.
ભાઈઓ, બહેનો,
આઝાદીના 75 વર્ષ થવા આવ્યા. પીવાનું સાફ પાણી મળે, ઘરની અંદર ઘુમાડાના ગોટા-ગોટા વચ્ચે રોટલા પકવવાના હોય, એની ચિંતા, વીમા યોજના, આખી ગરીબને તો એમાં, દસાડા દફતરમાં નામ... વીમો તો મોટા મોટા લોકોને જ હોય. કોંગ્રેસના રાજમાં શિક્ષણ, રોજગાર, ઉદ્યમ, એમાં ગરીબ હોય, આદીવાસી હોય, બક્ષી પંચનો હોય, એને કોઈ પ્રાથમિકતા જ નહોતી મળતી.
ભાઈઓ, બહેનો,
આપે ભાજપની સરકાર બનાવી, એવા લોકોને બેસાડ્યા, જે તમારામાંથી આવ્યા હતા. તમારી વચ્ચે ઉછર્યા હતા. તમારા સુખ-દુઃખને એ જીવી જાણતા હતા. અને એટલા માટે ભાજપ સરકારોએ એને જ્યાં જ્યાં સેવા કરવાનો મોકો મળ્યો, રાજ્યમાં મળ્યો, કેન્દ્રમાં મળ્યો, દિવસ-રાત પાછું વળીને જોયા વગર, પાકા પાયે ગરીબોનું સશક્તિકરણ થાય, ગરીબીને હટાવવા માટે, ગરીબો પણ એક મોટી ફોજ તૈયાર થાય, આ આપણે સફળતાપૂર્વક કર્યું. માતાઓ, બહેનોનું સશક્તિકરણ થાય, એના માટે કામ કર્યું. બહેનો શક્તિશાળી બને, અમારા આદિવાસી ભાઈઓ, બહેનો શક્તિશાળી બને, એના માટે કામ કર્યું.
કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે, અગર જો ડબલ શક્તિ લાગે તો એનો વિકાસ તેજીથી થાય, થાય, ને થાય જ. આ ડબલ એન્જિન, આ ભાજપની ડબલ એન્જિનની સરકાર. કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, અને બન્ને મળીને પુરી તાકાતથી કામ કરે, એના પરિણામ કેવા મળે છે, એનો અંદાજ તમે સારી રીતે લગાવી રાખો છો. આપે મને 8 વર્ષ પહેલા દિલ્હી મોકલ્યો. દેશની સેવા કરવા માટે મોકલ્યો. પરંતુ તમારી પાસે હું જે શીખ્યો હતો.
આ તો મારી કર્મભુમિ રહી છે. છોટા ઉદેપુર હોય, બોડેલી હોય. આ તો મારું રોજનું હતું. કદાચ પાવી જેતપુરમાં તો કોઈ ઘર એવું નહિ હોય, કે જેના ઘેર હું જમ્યો ના હોઉં. અમારા એક ડોક્ટર વીમાવાલા હતા, પાવી જેતપુરમાં... એટલે, એટલો બધો નાતો હતો, મારો તમારા બધા વચ્ચે રહીને, તમારી વચ્ચે ઉછર્યો, એટલે તમારી સમસ્યાઓનું સમાધાન શું હોય, એની સમજણ હતી. તમારી વચ્ચેથી રસ્તા કેમ નીકળે, એ શીખ્યો હતો. દિલ્હીમાં ગયો, તો એનો જ મેં ઉપયોગ કરવા માંડ્યો. ગુજરાતમાં જે સફળતાપૂર્વક આગળ વધાર્યું હતું.
અને ભાઈઓ, બહેનો,
એના કારણે આજે અમારા આદિવાસી વિસ્તારનો વિકાસ હોય, અમારા આદિવાસી ભાઈઓ, બહેનોનું કલ્યાણ હોય, અમારી આદિવાસી માતાઓ, બહેનોનું સશક્તિકરણ હોય, એમના શિક્ષણની, સ્વાસ્થની ચિંતા હોય, એક એક પાયાની ચીજોને આપણે હાથ લગાવ્યો. હવે તમે વિચાર કરો, આયુષ્માન યોજના. જો તમારી વચ્ચેથી નીકળેલો માણસ ના હોય ને, તો એને આયુષ્માન યોજના શું છે, એ ખબર જ ના પડે. એને સુઝે જ નહિ.
આપણે તો જાણીએ છીએ, પરિવારમાં એક માણસ માંદુ પડી જાય ને, આખું કુટુંબ, પાંચ – દસ વર્ષ સુધી બહાર ના નીકળી શકે. ગંભીર માંદગી આવે ને, તો ઉભો ના થઈ શકે, ભાઈઓ. અને ઘણી વાર તો મેં જોયું, આપણી માતાઓ, બહેનો, ગમે તેટલી માંદગી હોય, જબરજસ્ત પીડા થતી હોય, પણ મા ઘરમાં કોઈને ખબર જ ના પડવા દે કે માંદગી આવી છે. એ કામ કર્યા જ કરે. ખેતરનુંય કામ કરે, ઢોરોનુંય કામ કરે, ઘરનું કામ કરે. રસોઈ બનાવે, બોલે નહિ, કેમ? પીડા તો એનેય થતી હોય. શરીરમાં વેદના થતી હોય. પણ બોલે નહિ. કારણ? એના મનમાં એક જ રહે કે જો છોકરાઓને ખબર પડશે કે મને ગંભીર માંદગી છે, તો દવાખાને બહુ પૈસા થશે, અને આ છોકરાઓ વ્યાજે પૈસા લઈ આવશે. દેવાના ડુંગરમાં જ ડૂબી જશે.
મારે મારા છોકરાઓને દેવાદાર નથી કરવા. ભલે મને તકલીફ પડે. ભલે હું 5 વર્ષ વહેલી જતી રહું, પણ છોકરાઓના માથે દેવું નહિ થવા દઉં. એના કારણે આપણી માતાઓ, બહેનો પોતાની પીડા કોઈને કહે નહિ. મારા મનમાં એમ થયું કે ભાઈ, મારી માતાઓ, બહેનો આ બધું સહન કરે, આ તમારો દીકરો દિલ્હી શું કરવા બેઠો છે? આ તમારો દીકરો આ બધું કેમ જોઈ શકે? તમારી વચ્ચેથી મોટો થયો હતો,એટલે મેં નક્કી કર્યું, જ્યારે ગુજરાતમાં હતો, ત્યારે 2 લાખ રૂપિયા સુધી મફતમાં ઉપચારની વ્યવસ્થા કરી હતી.
આજે દિલ્હીમાં ગયો, વર્ષે, વર્ષે 5 લાખ રૂપિયા સુધી બીમારી અંગે જો હોસ્પિટલનું બિલ આવે તો આ તમારો દીકરો ભરશે. કોઈએ બીમારીમાં દવાખાને જવાનું ટાળવાની જરુર નથી. ઓપરેશન કરવાનું ટાળવાની જરુર નથી. પૈસાની ચિંતા ના કરતા. ગમે તેવી ગંભીર માંદગી હોય, 5 લાખ રૂપિયા સુધી દિલ્હીમાં તમારો દીકરો બેઠો છે, તમારી ચિંતા કરશે. આપણા ગુજરાતમાં 40 લાખ જેટલા આવા ગરીબ પરિવારોએ આનો લાભ લીઘો. આ 40 લાખ પરિવારોના મને આશીર્વાદ મળે. લગભગ 35 – 40,000 ભાઈઓ, બહેનોએ આપણા છોટા ઉદેપુરમાં લાભ લીધો.
તમે મને કહો, કે એ બધા મને આશીર્વાદ આપે કે ના આપે, ભાઈ? દુઃખની ઘડીમાં ઉભો રહયો હોઉં, દિલ્હી ગયા પછી પણ એમની ચિંતા કરતો હોઉં, તો આશીર્વાદ આપે કે ના આપે? અમે લોકોના કામ કરીને, લોકોના આશીર્વાદ લઈએ છીએ. અને મને ખુશી છે કે આપણા ભુપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકારે એક મહત્વનો સંકલ્પ લીધો છે, આ વખતે. આ ચુંટણી ઢંઢેરામાં, સંકલ્પપત્રમાં એમણે કહ્યું છે કે નવી સરકાર બન્યા પછી 5 લાખ સુધી નહિ, 10 લાખ સુધી ખર્ચો થશે તો પણ સરકાર ભોગવશે.
10 લાખ રૂપિયા સુધી મફત ઉપચાર, અને પાછા નાની મોટી હોસ્પિટલ નહિ, સારામાં સારી હોસ્પિટલમાં. એટલું જ નહિ, તમે મુંબઈ ગયા હોય ને માંદા પડી ગયા હોય, ત્યાંય તમને ઉપચાર, એ કાર્ડ હોય ને, આયુષ્માન કાર્ડ, મુંબઈમાં મળી જાય. તમે જયપુર ગયા હો, ઉદેપુર ગયા હો, તમે ભોપાલ ગયા હો, તમે મદ્રાસ ગયા હો, ત્યાં પણ તમે માંદા પડી જાઓ, આયુષ્માન કાર્ડ બતાવો ને, એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્લા. તમને તરત જ એડમિશન મળે, તમારી કાળજી લેવાય. આ કામ આપણે કર્યું છે, આખા દેશમાં. એક કાર્ડ તમારું, આખા દેશમાં ચાલે, એની વ્યવસ્થા કરી છે.
એટલું જ નહિ, આપણે ત્યાં પહેલા... હવે કિડનીની બીમારી, ડાયાલિસીસ કરાવવું પડે, અને ડાયાલિસીસ તો એવું છે ને, એના સમય પર કરાવવું જ પડે. નહિ તો વધારે નુકસાન થઈ જાય. પહેલા છેક વડોદરા જવું પડતું હતું અને લાઈનમાં લાગો તો ચાર – ચાર, છ – છ દહાડા મોડું થઈ જાય. આપણે નક્કી કર્યું કે જિલ્લે જિલ્લે ડાયાલિસીસના કેન્દ્રો બનાવવા છે. મફતમાં ડાયાલિસીસ કરવું છે. અને આજે 300 જગ્યા પર ગુજરાતમાં ડાયાલિસીસના કેન્દ્રો બનાવી દીધા છે. મફત ડાયાલિસીસની સુવિધા થાય છે. આ જે બીમાર હોય, એને બબ્બે દહાડા બગાડવા ના પડે, ભાડા ના ખર્ચવા પડે, ટેક્ષીઓ ના કરવી પડે, અને ડાયાલિસીસનું બિલ ના આપવું પડે.
ગરીબ માણસની ચિંતા કેમ કરવી, એના માટે આ તમારો દીકરો દિવસ-રાત જાગતો હોય છે, ભાઈઓ, બહેનો,
આપ વિચાર કરો, આવડો મોટો ભયંકર, 100 વર્ષમાં, 100 વર્ષમાં આવી બીમારી નહોતી આવી. કોવિડની બીમારી આવી, કોરોનાની. કોણ, કોને બચાવે, એ મુશ્કેલ હતું. ઘરમાં એક જણને કોરોના થયો હોય તો આખું ઘર, બધાએ ભાગવું પડે, એવી દશા. ઘરમાં એક માણસ માંદું હોય ને, તોય આખું ઘર હલી જાય. આખી દુનિયા માંદી પડી ગઈ હતી. આખું હિન્દુસ્તાન માંદું પડી ગયું હતું. આવડી મોટી બીમારી આપણા ઘરઆંગણે આવી હતી, ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ ગરીબના ઘરમાં ચુલો સળગશે કે નહિ સળગે? આ મારા આદિવાસી ઘરમાં ચુલો સળગશે કે નહિ સળગે?
ભાઈઓ, બહેનો,
આ તમારો દીકરો દિલ્હીમાં બેઠા બેઠા તમારા ઘરનો ચુલો સળગતો રહે ને, એની ચિંતા કરતો હતો. તમારા સંતાનો ભુખ્યા ના સૂઈ જાય, એના માટે તમારો દીકરો જાગતો હતો. અને 3 વર્ષ થઈ ગયા. દરેક કુટુંબને મફત અનાજ આપ્યું. 3 વર્ષ થઈ ગયા, મફત અનાજ. કોઈ ગરીબના ઘરનો ચુલો ના ઓલવાવો જોઈએ. કોઈ ગરીબનું સંતાન ભુખ્યા પેટે સૂવું ના જોઈએ. 80 કરોડ લોકોને, આપ વિચાર કરો ભાઈઓ, 80 કરોડ લોકોને 3 વર્ષથી મફતમાં અનાજ આપીને આ મુસીબતની ઘડીમાં આપણે એની જોડે ઉભા રહ્યા.
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસ સરકાર હોત ને તો આ રાશન પણ લૂંટી જાત, એમાંય કટકી કરત, એમાંય એમના વચેટીયાઓ. એમના વચેટીયાઓ બધો લાભ લઈ જાત. આપણે તો ભાઈઓ, બહેનો, શત – પ્રતિશત લાભ આપને મળે એના માટે ચિંતા કરીએ. અને એના માટે વન નેશન – વન રાશન કાર્ડ બનાવ્યું. આજે માની લો કે આપણો છોટા ઉદેપુરનો કોઈ ભાઈ રાજકોટની અંદર કામ કરતો હોય તો એના પાસે આ કાર્ડ હોય ને તો એને ત્યાંય અનાજ મળે. એ જામનગરમાં કામ કરતો હોય તો એને ત્યાં પણ અનાજ મળી જાય. કોઈ તકલીફ ના પડે, એની ચિંતા આપણે કરી છે. કારણ? અમારા હૈયે અમારો આદિવાસી ભાઈ છે. અમારા હૈયે અમારો ગરીબ છે. અમારા હૈયે અમારો આદિવાસી વિસ્તાર છે. અમારા હૈયે આ દેશના નવજવાનો છે. અમારા હૈયે આ માતાઓ, બહેનોના આશીર્વાદ છે. અને એટલા માટે આવા બધા કામો અમે કરતા રહીએ.
ભાઈઓ, બહેનો,
આપણા દેશમાં ખેડૂત... નાના નાના નાના ખેડૂતો છે. એક વીઘુ, બે વીઘુ જમીન હોય, એમાં અમારા આદિવાસી પટ્ટામાં તો જમીન બી બધી ઉબડખાબડ હોય, ટેકરાળી હોય, પર્વતના ઢોળાવ પર હોય, બહુ મામુલી કમાણી થાય. એનું શું? ભુતકાળમાં ખેડૂતો માટે વાતો જે થઈ ને... મોટા મોટા ખેડૂતો માટે થઈ. માલેતુજાર ખેડૂતો માટે થઈ. જેના ઘેર ટ્રેક્ટર હોય, એના માટે થઈ. ગરીબ ખેડૂત, નાનો ખેડૂત, સીમાન્ત ખેડૂત, એની ચિંતા તો આપના દીકરાએ દિલ્હીમાં જઈને કરી. અને એમાં આ તમારા દીકરાએ પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી.
આ પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા આ દેશના નાના ખેડૂતોને વર્ષમાં 3 વાર બબ્બે હજાર રૂપિયા સીધા એના ખાતામાં જમા થઈ જાય. વચ્ચે કોઈ વચેટીયો નહિ. કોઈ કટકી-કંપની નહિ, કોઈ કાકા – મામાવાળો નહિ. કશું જ નહિ. સીધો સીધો આ તમારો દીકરો અને તમે. તમારા ખાતામાં પૈસા આવી જાય. આપ વિચાર કરો. અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા આ નાના નાના કિસાનોના ખાતામાં આપણે જમા કરી દીધા છે. આપણા એકલા છોટા ઉદેપુર, આપણો નાનો જિલ્લો છે. અહીંયા ખેડૂતોના ખાતામાં અઢી સો કરોડ રૂપિયા સીધા આવ્યા છે. એક પણ રૂપિયાના ભ્રષ્ટાચાર વગર.
ભાઈઓ, બહેનો,
આપણા પર્વતાળ વિસ્તાર હોય, એટલે પાણીની તકલીફ હોય. તળાવ બનાવવાના હોય, ચેક ડેમ બનાવવાના હોય, કૂવા ઊંડા ખોદવાના હોય, એનું એક અભિયાન ચલાવ્યું. અને એના કારણે ખેડૂતને પુરતું પાણી મળી રહે. એકના બદલે બે પાક લે, બેના બદલે ત્રણ પાક લે. ઢોર પણ ઉછેરે, મરઘા ઉછેર કેન્દ્ર પણ ચલાવે. ક્યાંક માછીમારીનું કામ ચાલતું હોય, એ પણ ચાલે. એક આખા વિસ્તારનો સંપુર્ણ અને સર્વાંગીણ વિકાસ થાય, એના માટે આપણે કામ કર્યું. અને એના કારણે મારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને આવકની અંદર પણ લાભ થઈ રહ્યો છે. એમનું દૂધ ઉત્પાદન પણ વધી રહ્યું છે. દૂધ પણ ભરવા માંડ્યા છે. ડેરીમાંથી પણ એમને લાભ મળવા માંડ્યો છે.
ભાઈઓ, બહેનો,
આવાસ હોય, ઘેર ઘેર જળ પહોંચાડવાનું હોય, એને પણ આપણે મિશન... અમારા આદિવાસી વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકો ખેતરે ખેતરે રહેતા હોય. પહેલાં બધું દિલ્હીમાં નક્કી થતું હતું. અમે નક્કી કર્યું કે આ દિલ્હી કે ગાંધીનગરમાં નહિ થાય. જે મારો આદિવાસી ભાઈ રહે છે, એને પાકું ઘર જોઈએ, તો એને જે ડિઝાઈન જોઈએ, એવું જ ઘર બનવું જોઈએ. અમે કહીએ, એ ના ચાલે. જે માલસામાનથી એને બનાવવું હોય એ જોઈએ. વચ્ચે કોઈ કંપની નહિ, સીધા પૈસા એને જાય. બજારમાંથી માલસામાન લાવે. કડીયા, સુથાર લઈ આવે. પોતાની જાતે એ મકાન બનાવે. અને મકાન બનાવીને એ પોતાનાં સપનાં પુરાં કરે, એ કામ કર્યું. અને ખાલી ચાર દીવાલો નહિ. ખાલી છાપરું નહિ. ઘરની અંદર વીજળી, ઘરની અંદર નળ, નળમાં પાણી, આ જલજીવન મિશન દ્વારા અમે કોઈને કોઈ મુસીબત ના આવે.
ગામને પોતાને નિર્ણય કરવાના હક્ક આપ્યા. ગામને પોતાને પૈસા આપ્યા. ગામ પોતે પાણી સમિતિઓ બનાવે. અને મેં તો એમાંય આગ્રહ કર્યો કે ભઈ, પાણી સમિતિઓ બનાવો ને, બહેનોની બનાવજો. કારણ, પાણીની કિંમત, બહેનો જે સમજે ને, એ બીજા કોઈ ના સમજે. અને એટલા માટે મેં બહેનોની પાણી સમિતિઓ બનાવી. અને મેં કહ્યું આ બધા પૈસા બહેનોના હાથમાં મૂકો. એ 100 ટકા પાણી પહોંચાડશે. સમયસર પહોંચાડશે અને કોઈની તકલીફ થશે તો બહેનો રાત-રાત ઉજાગરા કરીને રસ્તો કાઢશે. આ કામ આપણે કરવાની દિશામાં કામ કર્યું છે, ભાઈઓ.
આજે દેશમાં 3 કરોડ જેટલા પાકા ઘર બનાવ્યા છે. 3 કરોડ જેટલા પાકા ઘર. એમાંથી 30,000 જેટલા પાકા ઘર આજે આપણા આ વિસ્તારમાં છોટા ઉદેપુરમાં. 30,000 ઘર, તમે વિચાર કરો. આઝાદીના 75 વર્ષની અંદર, પહેલાં, પહેલાંની સરકારોએ 3,000 ના બનાવ્યા હોય, આ તમારા દીકરાએ 30,000 ઘર, તમારા આ નાનકડા જિલ્લામાં બનાવ્યા છે, ભાઈઓ. વિકાસ સર્વસ્પર્શી થાય, અમારા આદિવાસી ભાઈઓ, બહેનોનો પણ એમાં હિસ્સો હોય. સર્વસ્પર્શી વિકાસ હોય. દરેક આદિવાસીને લાભ મળે. પોષણની વાત હોય.
મને યાદ છે, આપણે આખા આદિવાસી પટ્ટામાં દીકરીઓ, 13, 14, 15 વર્ષની દીકરીઓ થાય ને, ત્યારે એના શરીરનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ. નહિ તો એ દીકરી મા બને તો એના પેટેથી દિવ્યાંગ બાળક પેદા થાય. શરીરમાં ખોડ-ખાંપણવાળું પેદા થાય. બિચારી, જિંદગી આખી એની સેવામાં જાય. અને એટલા માટે, આ 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષની દીકરીઓ, એમને અતિરીક્ત અનાજ આપવાનું, એમને અલગ પ્રકારની આયર્નની ગોળીઓ આપવાની. જેથી કરીને અમારી દીકરીઓ... એમના પોષણની ચિંતા. અમારી પ્રસુતા માતાઓ, એના ગર્ભમાં પણ બાળકનો સંપૂર્ણ વિકાસ થાય એ માટે, એને પૌષ્ટિક આહાર મળે. ગર્ભાવસ્થામાં એને ખાવાની ખોટ ના પડે. દાળ હોય, તેલ હોય, ઘી હોય, ગોળ હોય, આ એને જોઈએ. આના માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના બનાવી. અને હજારો રૂપિયા સીધા બહેનોના ખાતામાં નાખ્યા. એમાંથી એ લઈ આવે, અને એમાંથી આપણે જવાની દિશામાં...
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી આખો જે આપણો આદિવાસી પટ્ટો હતો ને, એમાં શિક્ષણની બાબતમાં જબરજસ્ત ઉદાસીનતા. વિજ્ઞાન પ્રવાહની તો નિશાળો જ નહિ. હવે વિજ્ઞાન પ્રવાહની નિશાળો ના હોય તો ડોક્ટર કે એન્જિનિયર ક્યાંથી બને, ભાઈ? આપણે સેંકડો સ્કૂલો બનાવી. લગભગ 10,000 કરતા વધારે નિશાળો બનાવી. સેંકડો પ્રોફેશનલ કોલેજો બનાવી. આ આદિવાસી પટ્ટામાં બે તો યુનિવર્સિટીઓ બનાવી દીધી, ભાઈઓ.
એટલું જ નહિ, આના પહેલા યુવાઓ માટે જ્યારે બહાર જવું પડતું હતું. હવે ઘરે રહીને, મા-બાપ જોડે રહીને ભણી શકે, એની વ્યવસ્થા કરી. 8 વર્ષ પહેલાં દેશમાં 100 એકલવ્ય મોડલ સ્કૂલ હતી. આજે 500થી વધારે એકલવ્ય મોડલ સ્કૂલ બનાવી છે. આદિવાસી વિદ્યાર્થી દીકરા, દીકરીઓને છાત્રવૃત્તિમાં પણ આપણે વૃદ્ધિ કરી છે. સ્કોલરશીપમાં વૃદ્ધિ કરી છે. આજ આદિવાસી ક્ષેત્રમાં દીકરા, દીકરીઓ ખેલકૂદમાં આગળ આવી રહી છે. રમતગમતમાં આગળ આવે, દુનિયાની અંદર રમવા જઈ રહી છે. દુનિયામાં...
અને ભાઈઓ, બહેનો,
ગર્વની વત છે, આઝાદીના આટલા વર્ષ પછી, દેશમાં પહેલી વાર આદિવાસી રાષ્ટ્રપતિ, આ દેશના રાષ્ટ્રપતિ તરીકે એક આદિવાસી બહેન બેઠી છે. આ જનજાતિય સમાજનું ગૌરવ છે. સામાન્ય પરિવારોનું ગૌરવ છે. અને આ કોંગ્રેસના લોકોએ એનોય વિરોધ કર્યો હતો. એની સામેય... નહિ તો બિનહરીફ ચુંટાઈ શક્યા હોત. એક આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બનતી હોય, કેટલું ગૌરવ થાય. એ પણ એમણે થવા ના દીધું.
ભાઈઓ, બહેનો,
આપણે આ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટનું અભિયાન ચલાવી રહ્યા છીએ. અને વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટના અભિયાનમાં આપણા ગુજરાતમાં જે અદભુત કૌશલ છે, અદભુત હસ્તશિલ્પી છે, આપણા વણકર ભાઈઓ જે કામ કરે છે. આપણા કુટિર ઉદ્યોગોમાંય જે કામ ચાલે છે. એને પ્રોત્સાહન મળે અને વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ, એની એક ઓળખ બને.
હું તો હમણા જી-20 સમીટમાં ગયો હતો, બાલી, તો આ નાના નાના વિસ્તારમાં, આપણું સંખેડા... આ સંખેડાનું ફર્નિચર મેં દુનિયાના અનેક દેશના મોટા મોટા નેતાઓને આપ્યું. આ સંખેડાને દુનિયામાં લઈ ગયો હું. એનું કારણ? આ વિસ્તારના લોકોને રોજી-રોટી મળે. આવી નાની નાની વસ્તુઓ, દુનિયાની અંદર... હવે તો જી-20 સમીટ થવાનું છે ને એમાં તો આપણા એક એક જિલ્લાની ઓળખ ઉભી થાય એવી તાકાત આવી ગઈ છે. એક એક જિલ્લો એવી એવી ચીજો બનાવે, દુનિયાના લોકો જુએ અને લઈ જાય. અને એમના દેશમાં પ્રચાર કરે. અને આના માટે આપણે આખા ભારતનું બ્રાન્ડિંગ, ભારતના દરેક રાજ્યોનું બ્રાન્ડિંગ, ભારતના દરેક જિલ્લાનું બ્રાન્ડિંગ, એના માટે એક મોટો મોકો આવ્યો છે. એ મોકાનો આપણે લાભ લેવાશે.
એટલું જ નહિ, આપણે તો રેલવે સ્ટેશનો ઉપર પણ એવા સ્ટોલ ઉભા કર્યા છે કે જે જિલ્લાઓમાં નાના નાના જે ચીજો બનાવે છે, ઘરગથ્થુ બનાવે છે, એનું બજાર મળે, આના માટે કામ કર્યું છે. અમારા આદિવાસી ભાઈ, બહેનોની આવક વધે એના માટે પરંપરાગત રૂપથી કપડાં હોય, રમકડાં હોય, વાંસ હોય, લાકડાની કારીગરી હોય, આની એક મોટી તાકાત પડી છે. તમે વિચાર કરો, અંગ્રેજોનો એક કાયદો હતો. એ કાયદો એવો હતો કે તમે વાંસ કાપી ના શકો. તમે વાંસ વેચી ના શકો. અને જો કર્યું તો તમે જંગલ કાપો છો, એવા કાયદા અંતર્ગત જેલમાં જાઓ.
આ તમારા દીકરાને ખબર હતી કે આદિવાસી માટે વાંસનું મહત્વ શું છે? આ દીકરો દિલ્હી ગયો ને, મેં કાયદો જ બદલી નાખ્યો. કાયદો બદલીને મેં કહ્યું કે ભઈ, વાંસ એ તો ઘાસ કહેવાય. જરા મોટું ઘાસ છે. કોઈ પણ આદિવાસી વાંસની ખેતી કરી શકે. વાંસ કાપી શકે, વાંસ વેચી શકે, વાંસમાંથી ફર્નિચર બનાવી શકે. બજારમાં વાંસ વેચી શકે. તમે વિચાર કરો, આ અંગ્રેજોનો કાયદો આજ સુધી આપણા માથે હતો. અગરબત્તી... અગરબત્તીનો વાંસ આપણે વિદેશથી લાવતા હતા. બોલો, શરમ આવે કે ના આવે. અગરબત્તીનો વાંસ આપણા છોટા ઉદેપુરના બોડેલીના જંગલોમાં થાય કે ના થાય? એનેય રોક્યું હતું, એમણે તો.
અરે, પતંગ... પતંગના ઢઢ્ઢા બનાવવાના હોય ને, વાંસ જોઈએ ને? એય વિદેશથી આવે. આવું કર્યું હતું. આ બધું મેં બદલી નાખ્યું. હવે અમારો આદિવાસી ભાઈ વાંસની ખેતી કરી શકે. એમાંથી સરસ મજાનું ફર્નિચર બનાવે છે. હવે તો અમારા આદિવાસી ભાઈઓ એવું સરસ કામ કરી રહ્યા છે. દુનિયાના બજારમાં વાંસની બનાવેલી ચીજો વેચાય છે. આવા હુનરને, આવા હુનરને અમે બજારો સાથે જોડી રહ્યા છે. આ કૌશલ્યને જોડી રહ્યા છીએ. એમાં મૂલ્યવૃદ્ધિ થાય, એના માટે કામ કરી રહ્યા છીએ. એમાં પ્રોસેસિંગ થાય, એના માટે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
વન-ધન... જંગલોમાં એટલી બધી મૂલ્યવાન ચીજો કુદરત પેદા કરતી હોય છે, પણ આ વન-ધન માટે પણ કોઈ ધ્યાન નહોતું. વનપેદાશો માટે ધ્યાન નહોતું. અમે વન-ધન યોજના બનાવી અને વનપેદાવરોને, સખી મંડળોને એક તાકાત આપી. એના માટે થઈને બેન્કમાંથી પૈસા આપવાની વ્યવસ્થા કરી. 90 જેટલી વનપેદાશો માટે એમએસપી કર્યો. એમએસપીથી એ ખરીદવાનું નક્કી કર્યું. એના કારણે જંગલોમાં મોટી આવકના સાધનો ઉભા થયા. એ દિશામાં આપણે કામ કર્યું.
ભાઈઓ, બહેનો,
કોંગ્રેસ પાર્ટી હોત ને તો આવું ક્યારેય ના થાત. ભાઈઓ, બહેનો, ગુજરાતની અંદર શાંતિ, સ્થિરતા, એકતા, સદભાવના. આપણો છોટા ઉદેપુર... શાંતિ, સ્થિરતા... એક જમાનો હતો, છાશવારે અહીંયા હુલ્લડો થતા હતા. આંખો બતાવતા હતા. બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? બધા શાંતિથી જીવે છે કે નહિ? એકતાની તાકાત કેટલી છે? બધાને લાભ થાય. બધા હળીમળીને રહે, એટલે લાભ જ થાય. અને એ ગુજરાતે બરાબર શીખી લીધું છે અને ગુજરાતે તાકાત પણ બતાવી છે કે શાંતિથી જીવવામાં કેટલું બધું... સમૃદ્ધિ માટેના દ્વાર ખુલી જાય છે.
શાંતિ, સમૃદ્ધિના દ્વાર ખોલવાનું મોટું કારણ બને છે, અને અમારી બહેન, દીકરીઓ, સુખ-શાંતિથી જિંદગી જીવે, બેખોફ જીવી શકે, સાંજે મોડું-વહેલું થયું હોય, ક્યાંય નોકરીએ ગયા હોય તો આવી શકે, એની વ્યવસ્થા કરી. આ ડબલ એન્જિનની સરકારના કારણે શક્ય બનતું હોય છે. અને આ ડબલ એન્જિનની સરકાર આ વ્યવસ્થા ઉભી કરવા માટે ખુબ હિંમતપૂર્વક કામ આગળ કર્યું છે. અને જે લોકો ગુનેગારો છે, એમને રસ્તો બતાવી દીધો છે. જે શાંતિપ્રિય લોકો છે, એમને પુરેપુરું સમર્થન કરવાનું કામ કર્યું છે. એના કારણે ગુજરાત આજે શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે. આપણો આદિવાસી વિસ્તાર, વિકાસ કરી રહ્યો છે, એના માટે થઈને આપણે બધા કામ કરીએ છીએ.
ભાઈઓ, બહેનો,
એક વાત નક્કી છે કે આ ચુંટણી અમે નથી લડતા, અહીંયા જે અમે બેઠા છીએ ને... અમે નથી લડતા ચુંટણી. આ ચુંટણી, મેં જોયું તમે લડો છો, ગુજરાતની જનતા લડે છે. એક એક મારો આદિવાસી ભાઈ, આ વખતે ચુંટણીમાં ભાજપનો ઝંડો લઈને નીકળી પડ્યો છે. વાતાવરણ બધું એકતરફી છે. એકતરફી વાતાવરણ છે, ત્યારે મારો આપ સૌને આગ્રહ છે કે આ વખતે બધા જુના રેકોર્ડ તોડવા છે.
તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઊંચા કરીને જોરથી બોલો. (ઑડિયન્સમાંથી હા...)
તોડશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં પહેલા કરતા વધારે મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
વધારે મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
પહેલા કરતા વધારે... ? (ઑડિયન્સમાંથી હા...)
ભાજપતરફી મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં કમળને જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા? (ઑડિયન્સમાંથી હા...)
હવે બીજું એક કામ. મારું એક અંગત કામ. કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચા કરીને જોરથી બોલો, તો કહું. (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક જણ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કહું ત્યારે... ? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરવાનું. હજુ ચુંટણીના અંદર તમે ઘણા બધા ઘેર ઘેર મળવા જવાના છો. છેલ્લો રાઉન્ડ ચાલતો હશે. તો તમે બધાને મળવા જાઓ તો એટલું કરજો, બધાને કહેજો, કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા. શું કહેશો? ઘેર ઘેર જઈને શું કહેવાનું? આપણા નરેન્દ્રબાઈ બોડેલી આવ્યા હતા. એમ નહિ કહેવાનું, હોં, પ્રધાનમંત્રી આવ્યા હતા. પીએમ સાહેબ આવ્યા હતા, એવું નહિ. એ બધું દિલ્હીમાં. અહીં તો કોણ? આપણા નરેન્દ્રભાઈ... આપણે કહેવાનું બધાએ ઘેર જઈને કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા. અને તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે.
આ મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
જોરથી બોલો, તો ખબર પડે, મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘરે પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા વડીલોને પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
આ મારા પ્રણામ એમને પહોંચે, એટલે વડીલોના મને આશીર્વાદ મળે. આશીર્વાદથી મને એક નવી ઊર્જા મળે. આ નવી ઊર્જા મળે એટલે મને કામ કરવાની વધારે તાકાત મળે, અને હું દિવસ-રાત આ દેશના વિકાસ માટે, ગરીબોના કલ્યાણ માટે, મધ્યમ વર્ગની ભલાઈ માટે, નવજવાનોના ભવિષ્ય માટે, કામ કરી શકું, એના માટે મને વડીલોના આશીર્વાદ જોઈએ. તો, મારી વિનંતી છે કે ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા. અને આપણા નરેન્દ્રભાઈએ પ્રણામ પાઠવ્યા છે. આટલી મારી વાત પહોંચાડજો.
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
The Prime Minister Shri Narendra Modi today expressed satisfaction that Digital India has made the process of getting pension easier and it is proving to be very useful for senior citizens across the country.
Responding to a post by journalist Ajay Kumar, Shri Modi wrote:
“सबसे पहले @AjayKumarJourno जी, आपकी माता जी को मेरा प्रणाम!
मुझे इस बात का संतोष है कि डिजिटल इंडिया ने उनकी पेंशन की राह आसान की है और यह देशभर के बुजुर्ग नागरिकों के बहुत काम आ रहा है। यही तो इस कार्यक्रम की बहुत बड़ी विशेषता है।”
सबसे पहले @AjayKumarJourno जी, आपकी माता जी को मेरा प्रणाम!
— Narendra Modi (@narendramodi) October 9, 2024
मुझे इस बात का संतोष है कि डिजिटल इंडिया ने उनकी पेंशन की राह आसान की है और यह देशभर के बुजुर्ग नागरिकों के बहुत काम आ रहा है। यही तो इस कार्यक्रम की बहुत बड़ी विशेषता है। https://t.co/XCJPAgOPjO