મંચ પર બિરાજમાન રાજ્યના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નરહરિભાઈ અમીન, યુવા ભાજપના અધ્યક્ષ શ્રીમાન પ્રદિપસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂનમબેન, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, શ્રીમાન ચંદુભાઈ ફળદુ, ભાઈ આશિષ અમીન, શ્રી દશરથભાઈ પટેલ, ભાઈ ઈલેષ, ભાઈશ્રી હાર્દિકસિંહ, ભાઈશ્રી હિતેષભાઈ, ભાઈ પ્રકાશ ગુર્જર અને આટલી મોટી સંખ્યામાં પધારેલા સૌ યુવાન મિત્રો..! આપ સૌનું અંત:કરણપૂર્વક હું સ્વાગત કરવા માટે આવ્યો છું..! આ કાર્યક્રમ માત્ર ચાર જ દિવસની નોટિસમાં નક્કી થયો. હું નરહરિભાઈને ત્યાં એક કાર્યક્રમ માટે આવ્યો હતો, મને કહે કે સાહેબ, એક દિવસ સાંજે એક કલાક આપો ને... તો આમતેમ આમતેમ કરતાં મેં આજે વચ્ચેથી સમય કાઢ્યો, પણ મને કલ્પના ન હતી કે આ ચાર દિવસની નોટિસમાં આવા વિરાટ દ્રશ્યનાં મને દર્શન થશે..! મિત્રો, આપની આખેઆખી ટીમને આપની આ શક્તિ માટે સૌથી પહેલાં અભિનંદન આપું છું.
મિત્રો, આપ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છો, મોકળા મને આપનું સ્વાગત છે..! મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ માત્ર મેમ્બરશિપના આધારે ચાલતી પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એ મેમ્બરશિપની સાથે રિલેશનશિપની પાર્ટી છે. અને આજે જ્યારે આપ ભાજપમાં આવ્યા છો ત્યારે મારો અને તમારો સંબંધ, ભાજપનો અને તમારો સંબંધ પાંચ રૂપિયાની પાવતી પૂરતો સીમિત નથી, મારો અને તમારો આજે રક્તનો સબંધ જોડાય છે, મિત્રો..! આપ મારા પરિવારના સદસ્ય બનો છો અને એ અર્થમાં આ પરિવારમાં જેટલો હક મારો છે એટલો જ હક તમારા બધાનો છે..! મિત્રો, આપે કોઈ નાનોસૂનો નિર્ણય નથી કર્યો. આટલાં વર્ષ સુધી જ્યારે આપે વિદ્યાર્થીકાળથી જ એક પક્ષને માટે જીવન ખપાવવાનો નિર્ણય કર્યો હોય, અનેક આંદોલનોમાં પોલિસના દંડા ખાધા હોય, અનેક તકલીફો વેઠી હોય, અને તેમ છતાંય આપને એ પક્ષ છોડવાની પરિસ્થિતિ પેદા થઈ હશે, ત્યારે આપની વ્યથા કેટલી હશે એનો હું અંદાજ કરી શકું છું, આપના દિલ પર કેવા કેવા ઘા વાગ્યા હશે એનું અનુમાન હું કરી શકું છું, દોસ્તો..! અને ત્યારે મારી પહેલી જવાબદારી છે આપના એ ઘા રૂઝવવાની, મારી પહેલી જવાબદારી આપના હૃદયને જે ચોટ પહોંચી છે, આપની આશા-અરમાનો પર જે પાણી ફરી વળ્યાં છે, એમાંથી આપને એક નવો વિશ્વાસ આપવાની છે અને આ પ્રસંગે હું આપને વિશ્વાસ આપું છું.
મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની તુલના કરવાનો સમય નથી, પણ આપ કલ્પના કરો, અટલ બિહારી બાજપાઈને જરા યાદ કરીએ આપણે..! પ્રધાનમંત્રી પદે પહોંચ્યા, પણ આપણને બધાને ખબર છે કે અટલ બિહારી બાજપાઈ એક સામાન્ય શિક્ષકનું સંતાન હતા, એક શિક્ષકનો દિકરો પ્રધાનમંત્રી પદે પહોંચે એના મૂળમાં એક હિંદુસ્તાનની લોકશાહી અને બીજું ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિને કારણે એ શક્ય બન્યું. નહીં તો ઘડીભર કલ્પના કરો કે આવું વ્યક્તિત્વ કોંગ્રેસમાં હોય તો ક્યારેય એનો નંબર લાગ્યો હોય..? કોઈ કલ્પના કરી શકે કોંગ્રેસમાં કે કોઈ શિક્ષકનો દિકરો આ દેશનો પ્રધાનમંત્રી બની જાય..? અસંભવ છે, મિત્રો..! હું આપની સામે ઊભો છું. બચપણમાં જેણે રેલ્વેના ડબ્બામાં ચા વેચીને જિંદગીનું ગુજરાન કર્યું છે, એને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતાએ મુખ્યમંત્રી બનાવ્યો છે. મિત્રો, આ ઘટના સાવ સામાન્ય નથી, આ લોકશાહીનું સામર્થ્ય છે. આ દેશની લોકશાહીની આ સાચી મૂડી છે કે જ્યાં સામાન્યમાં સામાન્ય માનવી, ગરીબીમાં જન્મેલો, ગરીબીમાં ઉછરેલો, કપ-રકાબી ધોઈને જિંદગી પૂરી કરનારો વ્યક્તિ પણ અગર જો સાચી દિશામાં હોય, સમાજ માટે સમર્પિત હોય, રાષ્ટ્રના કલ્યાણને માટે જીવતો હોય તો આ સમાજ એને હૈયે બેસાડે છે, ખભે બેસાડે છે અને પૂરું સમર્થન પણ કરતો હોય છે એ આપણે જોયું છે..! અને એટલે ભાઈઓ-બહેનો, આપનું બૅકગ્રાઉન્ડ કયું છે, આપના પિતાજી રાજનીતિમાં હતા કે ન હતા, આપણા ભાઈ-ભાંડુઓ આંગળી પકડીને આપણને લઈ જાય છે એવી સ્થિતિ હોય કે ન હોય, લોકશાહીમાં પ્રત્યેકને પોતાની મંજિલ સુધી જવા માટેનો પૂરો હક છે.
મિત્રો, બે દિવસ પહેલાં મારા કોમ્પ્યૂટર પર કોઈનો ઈ-મેઇલ આવ્યો અને એણે હમણાં ભારત સરકાર અરબો-ખરબો રૂપિયાની જે જાહેરાત કરે છે, એ જાહેરાત મને મેઇલમાં મોકલી હતી. પણ મારા માટે આશ્ચર્ય હતું કે એ જાહેરાત ગજબની હતી. એમાં કહે છે ને કે ‘ભારત કા નિર્માણ, હક હૈ મેરા..!’ એવું કંઈક કહે છે ને? ‘હક હૈ મેરા’, એણે મને જે મોકલ્યું છે એમાં લખ્યું છે, ‘શક હૈ મેરા’..! સાહેબ, કોંગ્રેસ પાર્ટી, આ દિલ્હીમાં બેઠેલી સરકાર અરબો-ખરબો રૂપિયા ખર્ચીને જાહેરાત આપે છે, અને નાગરિક કહે છે કે આ ‘હક હૈ મેરા’ વાળું વાક્ય ખોટું છે, ખરેખર તો લખવું જોઇએ, ‘શક હૈ મેરા’..! ‘ભારત નિર્માણ - શક હૈ મેરા’..! મિત્રો, તમે વિચાર કરો, કોઈ ભરોસો છે..? દિલ્હીમાં બેઠેલી સરકાર, રોજ એક ઘટના એવી બને છે કે ભરોસો તૂટતો જ જાય છે. મિત્રો, સૌથી મોટું સંકટ પેદા થયું છે ભરોસાનું. કોંગ્રેસ પાર્ટીમાં પણ એમના નેતાઓ ઉપર ભરોસો નથી. છત્તીસગઢની ઘટના, કોંગ્રેસના નેતાઓ બે ભાષા બોલી રહ્યા છે અને એમને લાગે છે કે આ રસ્તો બદલ્યો કોણે? કોંગ્રેસની અંદર એક મોટું તોફાન ઊભું થયું છે. શું મિત્રો, રાજનીતિ આ દિશામાં જશે..? અને મને ખબર છે મિત્રો, તમે અહીંયાં બેઠા છો, કેટલાક ટી.વી.ના મિત્રો લાઈવ ટેલિકાસ્ટ કરતા હશે અને કોંગ્રેસના જે નિવેદનજીવી નેતાઓ છે, એ ટી.વી. પર જોઈને નિવેદન લખતા હશે. તૈયાર જ બેઠા હશે..! અને શું લખતા હશે? હાશ, કોંગ્રેસ શુદ્ધ થઈ ગઈ, આ અમારો બધો કચરો ગયો... આવું બધું લખશે તમે જો જો..! જે કોંગ્રેસ પાર્ટી માટે તમે જવાની ખપાવવા તૈયાર હતા, જાત ઘસી નાખતા હતા, એને માટે તમારા જુના ગુજરાતના કોંગ્રેસના નેતાઓ નિવેદન કરશે આજે કે બધો કચરો ગયો..! કોંગ્રેસના મિત્રો, મારા શબ્દો લખી રાખો. તમને જે આજે કચરો લાગે છે એને કંચન બનાવવાનું મેં બીડું ઉઠાવ્યું છે અને ગુજરાતની આવતીકાલ ઉજાળશે એવા ભરોસા સાથે આ યુવાશક્તિ સાથે મેં હૈયેથી હૈયાનું મિલન કર્યું છે.
મિત્રો, આપણું સપનું છે કે ગુજરાત સોળે કળાએ ખીલવું જોઇએ, ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવું જોઇએ અને આ વિકાસનો લાભ છેવાડાના માનવીને મળવો જોઇએ, ગરીબમાં ગરીબના ઘર સુધી પહોંચવો જોઇએ, લોકોના કલ્યાણને પ્રાથમિકતા મળવી જોઇએ..! ભાઈઓ-બહેનો, છાપામાં કેટલા ઈંચની કોલમ છપાય છે એના આધારે જનતા-જનાર્દનના દિલોમાં જગ્યા નથી બનતી. જનતા-જનાર્દનના દિલમાં જગ્યા બને છે કઠોર પરિશ્રમથી, નિ:સ્વાર્થ સેવાભાવથી, લોક-કલ્યાણના હિતથી..! અને સમાજ તમારી જિંદગીને બરાબર જોતો હોય છે, સમાજની આંખો ચોવીસ કલાક આપણી ઉપર હોય છે, અને જનતા-જનાર્દનનો નીરક્ષીર વિવેક બહુ અદભૂત હોય છે, મિત્રો..! અને મને વિશ્વાસ છે કે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એ એળે નહીં જાય. આ કહેવાની હિંમત કોઈક જ કરે છે, નહિંતર બધા એમ કહે કે હજુ આજે આવ્યા છો તો હવે શરૂઆત કરો નવેસરથી..! ના, આપે સમાજજીવનમાં જે કંઈ કામ કર્યું છે, આંદોલનો કર્યાં છે, યુવા શક્તિને એકત્ર કરી છે, એ મૂડી ઉપર હવે આપણે નવી ઇમારત બનાવવી છે, એ મૂડી ઉપર આપણે આગળ વધવું છે અને એ ભૂમિકાથી ભારતીય જનતા પાર્ટી હંમેશાં આયોજન કરતી હોય છે.
એ વાત નિશ્ચિત છે કે કોંગ્રેસ પાર્ટીમાં, જો કે એ તો કોંગ્રેસના નેતાઓએ હમણાં જયપુરમાં જ કહ્યું હતું કે અમારે કોઈ બંધનો નથી, કોઈ નિયમો નથી, અમે તો ગમે ત્યારે નિયમો બદલીએ... એવું બધું એ પોતે જ બોલ્યા હતા એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. એટલે ત્યાં તો તમે આવ્યા છો તો ચલો આજે પાંચ મહામંત્રી જાહેર કરી દો, બીજા દિવસે બીજા પાંચ આવ્યા તો પાંચ ઉપપ્રમુખો જાહેર કરી દો, અને પેલાને ય એમ લાગે કે પાટીયું મળી ગયું, લગાવી દો..! ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, બંધારણને વરેલી પાર્ટી છે, લોકશાહીની પ્રક્રિયાને વરેલી પાર્ટી છે અને એમાં મેં કહ્યું એમ એક શિક્ષકનો દિકરો દેશનો પ્રધાનમંત્રી બની શકે, એટલી બધી મોકળાશ છે. મિત્રો, એક રાજકીય પક્ષમાં આટલી બધી મોકળાશ હોય એ નાનીસૂની વાત નથી. અને મને વિશ્વાસ છે કે આ આપણી વચ્ચેનો ભરોસો છે ને, એ ભરોસો આપણી આવતીકાલની ઉજ્જવળ કારકિર્દીની ગેરંટી છે અને એના ભરોસે આપણે આગળ વધવું છે.
મિત્રો, દિલ્હીથી દેશને હવે કોઈ અપેક્ષા નથી. એકાદ કોઈ સારી ઘટના જડી જાય તો ય લોકોને આશ્ચર્ય થશે કે ના હોય ભાઈ, તપાસ કરો આ આપણા દેશના સમાચાર નહીં હોય, બીજા ક્યાંકના હશે..! એટલો બધો અવિશ્વાસ થઈ ગયો છે. સાત વાર તપાસ કરશે કે જરા જુઓ, ભાઈ..! ચંદ્રશેખર આઝાદની એટલી બધી પ્રતિષ્ઠા હતી, એટલી બધી અંગ્રેજ સલ્તનત એનાથી કાંપતી હતી, કે જ્યારે ચંદ્રશેખર આઝાદ પર અંગ્રેજોએ ગોળીઓ છોડી અને એ ઢળી પડ્યા તો પવનથી એમની મૂછો હલતી હતી એટલા કારણસર અંગ્રેજ સૈનિકો એમના ડૅડબૉડી પાસે નહોતા જતા, કારણકે પવનથી એમની મૂછો હલતી હતી, અને આમને ડર લાગતો હતો..! ભાઈઓ-બહેનો, આ દિલ્હીની સરકાર પ્રત્યે સમાજને એટલો બધો અવિશ્વાસ થઈ ગયો છે કે એની કોઈપણ હલચલ સમાજ સ્વીકારવા સુદ્ધાં તૈયાર નથી. ચંદ્રશેખર માટે એટલો બધો વિશ્વાસ હતો કે મૃત્યુ પછી પણ અંગ્રેજ સૈનિક એના નિકટ આવતા ડરતો હતો. દિલ્હીની સરકાર માટે એટલો બધો અવિશ્વાસ છે કે એ કાંઈ કહે તો લોકો સત્તર જગ્યાએ વેરિફાય કરે છે કે ભાઈ, કંઈ દમ છે ખરો એ વાતમાં, જરા જુઓ તો ખરા... અમસ્તું તો નથી કહ્યું ને? મિત્રો, પોતે જ ચૂંટેલી સરકાર માટે પ્રજાને આટલો મોટો અવિશ્વાસ થાય, એ હિંદુસ્તાનની રાજનીતિમાં ક્યારેય બન્યું નથી.
મિત્રો, હું ગુજરાતના જાહેર જીવનમાં, રાજનીતિના ક્ષેત્રમાં વીસ-બાવીસ વર્ષથી કામ કરું છું. મને યાદ નથી આવતું મિત્રો કે એક પક્ષનું આટલી મોટી સંખ્યામાં આખે આખું સંગઠન, અને જેને તત્કાલીન કોઈ લાભ નથી, ન કૉર્પોરેશનની ચૂંટણી છે, ન જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ન તાલુકા પંચાયતની ચૂંટણી છે, ન નગરપાલિકાની ચૂંટણી છે, ન વિધાનસભાની ચૂંટણી છે, સામે તત્કાલ કંઈ નથી અને તેમ છતાંય આટલી મોટી સંખ્યામાં એક પક્ષની અંદર જોડાયા હોય, ગુજરાતના આ જાહેર જીવનની આ પહેલી ઘટના છે, મિત્રો.
કોંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લો, સી.બી.આઈ. નો ઉપયોગ કરીને તમે દેશ કબ્જે નહીં કરી શકો, લખી રાખજો. ભારત સરકારની જુદી-જુદી સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને તમે નિર્દોષ નાગરિકોને રંજાડવાની જે પેરવી આદરી છે, ષડયંત્રો રચ્યાં છે... દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, તમારા હથકંડા તમને જ ભારે પડવાના છે..! હજુ સમય છે, આ તમારા ખોટા માર્ગ બંધ કરીને સીધીસાદી લોકશાહી પદ્ધતિથી દેશની સેવા કરો. પ્રજાએ તમને અવસર આપ્યો છે તો લોકો માટે કામ કરો. વિરોધીઓને રંજાડવા, વિરોધીઓને જેલમાં પૂરવા, વિરોધીઓ પર કેસોની ભરમાર કરવી, વિરોધીઓને કાયમ જેલમાં પૂરવાના ડર બેસાડવા, શું આ તમારી લોકશાહી છે..? અને એના આધારે તમે શું મેળવી લેવાના છો..! ભાઈઓ-બહેનો, હું કોંગ્રેસના ખેલને બરાબર જાણું છું. દિલ્હીની સલ્તનતના ખેલને જાણું છું. અને કોંગ્રેસના મિત્રો, તમારામાં અગર જુલ્મ કરવાની ઘણી તાકાત હશે, તો તમારા જુલ્મોને ઠંડા કલેજે પચાવી જવાની તાકાત પણ આ દેશની જનતાની ઘણી છે, અમારામાં પણ એ સામર્થ્ય છે..! અમે લોકશાહી અને ન્યાયિક પ્રક્રિયાના મૂલ્યોને વરેલા લોકો છીએ. તમારી આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિઓને ક્યારેય સફળતા મળવાની નથી. પણ કોંગ્રેસના મિત્રોને શૉર્ટકટ શોધવાની ટેવ પડી છે. પ્રજાનો વિશ્વાસ જીતવામાં રસ નથી, પ્રજાનો ભરોસો પેદા થાય એના માટે કંઈ કરવા માટેની એમની કંઈ ઇચ્છા નથી. ભાઈઓ-બહેનો, આગામી દિવસોમાં ગુજરાતમાં ચાર વિધાનસભા અને બે લોકસભાની પેટા ચૂંટણી છે. આ છ એ સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસનો વિજય વાવટો ફરકતો હતો અને મને ખાત્રી છે જનતા કોંગ્રેસને ધોળે દા’ડે તારા બતાવવાની છે..! અને દિલ્હીની સલ્તનતને એના કુકર્મોની સજા મળવાની છે, એના ભ્રષ્ટાચારનો હિસાબ જનતા-જનાર્દન ચૂકતે કરવાની છે. મોંઘવારીના રાક્ષસે ગરીબ માનવીનો રોટલો છીનવી લીધો છે એનો જવાબ આ ગુજરાતની ચૂંટણીમાં ફરી એકવાર એમને મળવાનો છે. છ જ મહિનાની ભીતર-ભીતર કોંગ્રેસને ફરી એક કારમો પરાજય મળવાનો છે. કારણકે જનતા તમારી આ અલોકતંત્રીક, ગેરબંધારણીય, સંસ્થાઓનો દુરુપયોગ કરવાની પ્રવૃત્તિઓને કોઈ કાળે સાંખી લેવાની નથી..! અને અંગ્રેજો પણ માનતા હતા કે જુલ્મ કરીને હિંદુસ્તાનને દબાવી દેશે, એક અમારો ગુજરાતનો પોરબંદરનો સપૂત, કે જેણે આ બધા જ જુલ્મોની સામે જીગર બતાવીને અંગ્રેજ સલ્તનતને હિંદુસ્તાનની ધરતી પરથી જવા માટે મજબૂર કરી હતી, એ મહાત્મા ગાંધીની આ ધરતી છે, આ સરદાર પટેલની ભૂમિ છે. અને એની સામે આ તમારી વેરવૃતિ, એક રાજ્યને બરબાદ કરવા માટેની તમારી પેરવી, એનાથી તમે હિંદુસ્તાનનું ભલું નથી કરતા. અને કોંગ્રેસના મિત્રો લખી રાખો, તમારે પાઈ-પાઈનો હિસાબ ચૂકતે કરવો પડશે. તમે ક્યારેય બચી શકવાના નથી. કોંગ્રેસના મિત્રો, આ જ દ્રશ્ય તમને બતાવે છે, તમારા મોં પર આ લપડાક છે. જેમના ભરોસે તમે રાજકારણ કરવા માગતા હતા, એમનો જ ભરોસો તમારા પરથી ઊઠી ગયો. આનાથી મોટું તમારા માટે કોઈ નીચાજોણું ન હોઈ શકે.
ભાઈઓ-બહેનો, આવો, ખભેખભો મિલાવીને ગુજરાતની આવતીકાલને ગૌરવવંતી બનાવીએ, સામાન્ય માનવીનું ભલું કરવા માટે યથાયોગ્ય પુરુષાર્થ કરીએ..! મિત્રો, હું હંમેશા અવેલેબલ હોઉં છું. સોશ્યલ મીડિયામાં તો હું ખૂબ ઍક્ટિવ હોઉં છું. સવાર-સાંજ તમારા મોબાઈલ પર આવીને રણકતો હોઉં છું. આપણે બધા એકબીજા સાથે કનૅક્ટ થઈએ, આપણો સંપર્ક વધે. ભાઈ પ્રદિપસિંહ આપણી વચ્ચે બેઠા છે, એમની સાથે બેસીને આગામી દિવસોમાં આ યુવાશક્તિ કેવી રીતે આગળ વધે એના માટે પુરૂષાર્થ કરીએ. મારો એક બીજો કાર્યક્રમ નિર્ધારીત હોવાના કારણે મારે વચ્ચેથી નીકળવું પડશે. પણ મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે, આપ સૌનું સન્માન છે. આપણે સાથે મળીને આ રાષ્ટ્રના સન્માનને માટે ગુજરાતના ગૌરવની યાત્રાને આગળ ધપાવીએ એ જ શુભકામના..! નરહરિભાઈને સવિશેષ અભિનંદન, સવિશેષ શુભકામનાઓ..! એમની આખી યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન..!
ધન્યવાદ, મિત્રો..!