ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
દ્વારકાધીશના આશીર્વાદ, ફરી એક વાર તમારા બધાના દર્શન કરવા આવવાનો મોકો મળી ગયો.
સાથીઓ,
ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં આ ચુંટણીમાં જવાનો મને અવસર મળ્યો. લોકો મને કહેતા હતા કે, નરેન્દ્રભાઈ હવે આ, ગુજરાતની જનતાની ગેરંટી છે કે ફરી ભાજપની સરકાર બનવાની છે. પણ તમે શું કરવા આટલી મહેનત કરો છો? મેં એમને કહ્યું, ભાઈ, હું મારા કર્તવ્યનું પાલન કરું છું. જનતા જનાર્દનના આશીર્વાદ લેવા એ મારી જવાબદારી છે. અને એના ભાગરૂપે આશીર્વાદ લેવા આવું છું.
સાથીઓ,
આ ચુંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. ન તો અહીં બેઠેલા લડે છે, કોઈ. આ ચુંટણી ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે, ભાઈઓ. ચારે તરફ એક જ સ્વર છે. એક જ નાદ છે. એક જ મંત્ર છે.
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
સાથીઓ,
આપણે ત્યાં દિવાળીનો તહેવાર આવે, એટલે આપણે લક્ષ્મી પધારે એટલા માટે થઈને બધી ચિંતા કરતા હોઈએ. અને લક્ષ્મીજી પધારે એના માટે શું કરીએ? જરા ઘરનું તોરણ-બોરણ સજાવીએ, સાફસુફી કરીએ, એ બધું આમ આઘુપાછું બધું ઠેકાણે કરીએ. કેમ? તો, લક્ષ્મીજી પધારવાના છે. લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ. હવે મને કહો, આપણે દેશમાં સમૃદ્ધિ લાવવી હોય, આપણા ગુજરાતમાં સમૃદ્ધિ લાવવી હોય, તો આપણા રોડ, રસ્તા, આપણા પોર્ટ, એરપોર્ટ, આ બધું ટનાટન રાખવું પડે કે ના રાખવું પડે? રાખવું પડે કે ના રાખવું પડે?
અને એટલે જ ભાઈઓ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર, એને એવું ભવ્ય બનાવવું છે, એવું મજબુત બનાવી રહ્યા છીએ કે જેના કારણે લક્ષ્મીજીને આપણે ત્યાં જ આવવાનું મન થાય. એમના માટે બધા રસ્તા મોકળા હોય, એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ.
ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના શહેરો, સારા હાઈવે, એની સાથે જોડવા માટેનું એક મહાઅભિયાન ચલાવ્યું છે. અને જે જે ક્ષેત્રોમાં આવવા જવાની સમસ્યા હોય, એના નિરાકરણ માટે અલગ અલગ અભિગમ. ક્યાંક પ્રગતિપથ, ક્યાંક વિકાસપથ, ક્યાંક ખેડૂતો સાથે જોડાયેલું હોય તો કિસાનપથ, અનેકવિધ રીતે અનેક પર્યટનની પણ સંભાવના. એના માટે પણ ઉત્તમ માળખાકીય સુવિધાઓ, એને લઈને ગુજરાતને આપણે આગળ વધારી રહ્યા છીએ. અને જ્યારે આ પ્રકારની વ્યવસ્થા કરીએ, ત્યારે લક્ષ્મીના આશીર્વાદ નક્કી જ હોય, ભાઈ. અને સમૃદ્ધિ આવે, આવે, ને આવે જ.
અહીં આપણા જામનગરમાં સડકોનું નેટવર્ક વધુમાં વધુ, વ્યાપક બને, ફ્લાયઓવરોની જરુરીયાત પ્રમાણે નિર્માણ થાય. જામનગર – કાલાવડ ફોર લેન રોડ, એની સ્વીકૃતિ થઈ ચુકી છે. અને ગુજરાતમાં તો ઉમરગામથી લઈને નારાયણ સરોવર સુધી આવડી મોટી લાંબી સમુદ્રની તટ આપણી, આખાય તટીય પટ્ટામાં, ચાહે દ્વારકાધીશ હોય કે સોમનાથજી હોય. અનેક બધા તીર્થક્ષેત્રો આપણા પડ્યા છે. સાગરમાલા યોજના દ્વારા કોસ્ટલાઈનના વિકાસ માટે, કનેક્ટિવિટી માટે અને પોર્ટ-લેડ ડેવલપમેન્ટના મિશનને લઈને આપણે આજે આગળ વધી રહ્યા છીએ.
આપણા બેટ દ્વારકામાં સિગ્નેચર બીચ. આપ વિચાર કરો, ટુરિસ્ટો માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં આપણે કદમ માંડી રહ્યા છીએ. આપણો શિવરાજપુર બીચ, આજે કેટલો બધો મશહુર થઈ રહ્યો છે. એક અનેક આવા પર્યટન સ્થળોના નિર્માણની તરફ કામ એટલા માટે કરીએ છીએ કે હવે દુનિયામાં સૌથી તેજીથી, ગ્રો કરી રહ્યું હોય એ ક્ષેત્ર છે, એ ટુરિઝમ છે. દુનિયા આખીને હવે ભારત વિશે જાણવું છે. ભારત જોવું છે. ભારત સમજવું છે. હવે આગ્રા આવીને પાછા જતા રહે, એ દિવસો પુરા થઈ ગયા. એને હવે આખું હિન્દુસ્તાન જોવું છે.
આપણે આપણા ગુજરાતને એવું ચેતનવંતુ બનાવીએ, કે દુનિયાભરના ટુરિસ્ટ આપણા ગુજરાતમાં આવે. આપણે જુઓ, એક પ્રયોગ કર્યો. સરદાર સરોવર ડેમ, કેવડીયા, સરદાર વલ્લભભાઈ પટેલનું દિવ્ય, ભવ્ય સ્મારક બનાવ્યું અને આજે આખી દુનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લાઈન લગાવીને ઉભી રહે છે. સરદાર સાહેબનું તો સન્માન થયું જ, પરંતુ ગુજરાતના વિકાસને પણ ચાર ચાંદ લાગી ગયા. એ કામ આપણે કરતા હોઈએ છીએ. અને એટલા માટે, ટુરિઝમની આટલી સંભાવનાઓ છે ત્યારે, ઈન્ફ્રાસ્ટ્રકચરની વ્યવસ્થા, રેલ હોય, રોડ હોય, પોર્ટ હોય, એરપોર્ટ હોય. આ બધા ઉપર પ્રભાવી રીતે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ.
એ જ રીતે, ભાઈઓ, બહેનો,
આ ચુંટણી, 5 વર્ષ માટેની આ ચુંટણી નથી. આ ચુંટણી આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. આપણે આઝાદીના 75 વર્ષ પુરા કર્યા. આઝાદીના 100 વર્ષ થાય, ત્યારે આપણું ગુજરાત ક્યાં હોય, એનું સપનું અને સંકલ્પ લઈને આ ચુંટણીના મેદાનમાં અમે આવ્યા છીએ. આપણું ગુજરાત વિકસિત હોય, આપણું હિન્દુસ્તાન વિકસિત હોય, અને આપણું વિકસિત ગુજરાત, મતલબ?
દુનિયાના સમૃદ્ધ દેશોના જે માપદંડ છે, એ માપદંડની અંદર, આપણે ક્યાંય પાછળ ના હોઈએ, એવું ગુજરાત બનાવવા માટે આ ચુંટણીમાં મતદાન કરવાનું છે, ભાઈઓ. અને એના માટે આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત માટે આત્મનિર્ભર ભારતનું સપનું લઈને આપણે ચાલી રહ્યા છીએ. અને એના માટે આત્મનિર્ભર ગુજરાત અને એ કરવા માટે લઘુઉદ્યોગોની તાકાત વધે, ઔદ્યોગિક માળખું, હવે આપણને, એક જગ્યાએથી માલ આવે, બીજી જગ્યાએ વેચીએ, એ જમાના જતા રહ્યા.
ગુજરાત એક મેન્યુફેકચરીંગ સ્ટેટ છે. આપણા એમએસએમઈની તાકાત, એને બળ મળે. અને મારું જામનગરની બાંધણી હોય, કે પછી મારો બ્રાસ પાર્ટનો ઉદ્યોગ હોય. અને તમને યાદ છે, એક વાત હું વારંવાર કહું છું. અને કહેવાની મારી હિંમત એટલા માટે છે કે મારે પુરું કરીને રહેવાનું છે. મેં જોયું હતું એક સ્વપ્ન કે મોરબી, જામનગર અને રાજકોટ, આ એવો ત્રિકોણ છે, જે જાપાનની બરાબરી કરે, એટલી પ્રગતિ કરવાનો છે. અને જે દિવસોમાં હું વાત કરતો હતો, ત્યારે લોકો મજાક ઉડાવતા હતા, પરંતુ આજે એન્જિનિયરીંગની દુનિયામાં આખોય પટ્ટો, એક મોટી તાકાત બનીને ઉભો થઈ ગયો છે, એને મારે આગળ વધારવાનું છે.
ભાઈઓ, બહેનો,
એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, સાઈકલ... આજે ગુજરાતમાં હવાઈજહાજ બનવાના છે. અને આ મારું જામનગર, પિનથી લઈને એરોપ્લેન સુધીના સ્પેર પાર્ટ્સ બનાવવાની તાકાત ધરાવે છે. આના માટે અવસરો જ અવસરો છે. જામનગરના નાના ઉદ્યોગો માટે અનેકવિધ અવસરોનો આ સમય છે, ભાઈઓ.
હમણા અમાર આઈ. કે. જાડેજા કહેતા હતા કે કોરોનાકાળમાં સરકારે અનેકવિધ કામો કર્યા. એ કામ તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું જાય છે. છાપાવાળા એની ચર્ચાય ઓછી કરે છે. લઘુઉદ્યોગો ટકી રહે. લોકોને રોજગારીમાંથી છુટા ન થાય, ગરીબ માણસની રોજી-રોટી ચાલુ રહે, એના માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એમએસએમઈ – નાના નાના ઉદ્યોગોને આપણે આપવાની વ્યવસ્થા કરી. અને નાના ઉદ્યોગો, આના માટે 50,000 કરોડ રૂપિયા, એક અલગ સેલ્ફ રિલાયન્સ ફંડ આપણે બનાવ્યું. પરિણામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ છે કે ભારત સરકારની આ યોજનાનું પરિણામ એ આવ્યું કે કરોડો લોકો, દુનિયામાં લોકોની છટણી થઈ ગઈ, ભારતમાં કરોડો લોકોની નોકરીમાંથી છટણી થવાની સંભાવનાઓ નહિવત થઈ ગઈ. ઉદ્યોગો ચાલતા રહ્યા. લોકોનો રોજગાર ચાલતો રહ્યો.
ભારતના નાના નાના ઉદ્યોગોને વધુમાં વધુ અવસર મળે. નવી નવી જગ્યાએ જાય, એના માટે ભારત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો કે 200 કરોડ સુધીનું ટેન્ડર હોય, તો ફરજીયાતપણે ભારતની બનેલી ચીજો જ ખરીદવાની રહેશે. બહારથી તમે નહિ લાવી શકો. અને આના કારણે ગુજરાતના, દેશના લઘુ ઉદ્યોગોને માટે સરકાર પણ એક મોટી ખરીદદાર બની ગઈ. એક પછી એક નીતિઓ દ્વારા આખી અર્થવ્યવસ્થાને કેવી રીતે બદલી શકાય છે, એના માટે આપણે કદમ ઉઠાવ્યા. વિકસિત ગુજરાત, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે મારી યુવાશક્તિ, એના પર મારો ભરોસો છે.
યુવાશક્તિને શિક્ષણ મળે, યુવાશક્તિને સ્કિલ ડેવલપમેન્ટ થાય, એના કૌશલનો વિકાસ થાય, એના ઉપર અમારું ફોકસ છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ, અને એમાં પણ નાનકડા એટલે પાંચમા, સાતમાથી વિદ્યાર્થીઓને કોડિંગનું શિક્ષણ, ડિજિટલ ઈન્ડિયાની મૂવમેન્ટના ભાગરૂપે, એના માટેની ટ્રેનિંગની શરૂઆત કરી રહ્યા છીએ. પહેલીવાર ખેલકૂદને, સ્પોર્ટ્સની દુનિયામાં હવે હિન્દુસ્તાન ઉપર આવી રહ્યું છે, ત્યારે શાળાની અંદર ખેલકૂદને પણ એક વિષય તરીકે અમે આગળ વધાર્યું છે.
ગરીબનું બાળક ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવે, ગરીબનું બાળક એન્જિનિયર થવાની ઈચ્છા ધરાવે, પરંતુ ભાષા આડે આવે. શહેરમાં જાય, અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ભણે, એ ગરીબનું ગજું ના હોય. તાકાત હોય, બુદ્ધિ હોય પણ ભાષાના કારણે એના ભણતરમાં વિલંબ થતો હોય, આપણે નક્કી કર્યું, અને મને હજુય સમજણ નથી પડતી કે કોઈ ડોક્ટર હોય, ભાઈ... અમેરિકાથી ભણીને આવ્યો હોય, ઈંગ્લેન્ડથી ભણીને આવ્યો હોય, એના ત્યાં કોઈ દર્દી જાય, એ દર્દી પેટમાં દુઃખે છે, એ એને અંગ્રેજીમાં કહે કે ગુજરાતીમાં કહે? ગુજરાતીમાં જ કહે ને? માથું દુઃખે છે, ગુજરાતીમાં જ બોલે ને, ભાઈ? પગમાં તકલીફ છે, એ વાત ગુજરાતીમાં જ બોલે ને? તો પછી, ડોક્ટરો ગુજરાતીમાં ભણે તો શું વાંધો છે, ભાઈ?
આપણે નક્કી કર્યું છે કે આ દેશમાં મેડિકલ અને એન્જિનિયરીંગના શિક્ષણ પણ માતૃભાષામાં થવા જોઈએ. જેથી કરીને ગરીબ માનો દીકરો પણ ડોક્ટર બની શકે. મધ્યમ વર્ગના પરિવારના સંતાનો પણ ડોક્ટર - એન્જિનિયર બની શકે. ગુજરાતી મીડિયમ ભણીને આવ્યો હોય ને તો પણ સારામાં સારો ડોક્ટર બની શકે, એના માટે આપણે કામ આદર્યું છે, ભાઈ.
યુવાઓના સશક્તિકરણની વાત... આજે ડિજિટલ ઈન્ડિયા. આજે દુનિયાની અંદર એક વાતનો ડંકો વાગે છે. હમણાં હું બાલી ગયો હતો. જી-20ની સમીટમાં. ભારતે ડિજિટલ ઈન્ડિયા તરીકે જે ક્રાન્તિ કરી છે. અને એમાં એણે સામાન્ય માનવીને એમ્પાવરમેન્ટ માટે કામ કર્યું છે, એની વ્યાપક ચર્ચા હતી. આજે લેનદેન, ખરીદવાનું, વેચવાનું કામ, યુપીઆઈ, મોબાઈલ એપ પરથી થાય છે. તમને મારા જામનગરના ભાઈઓ, બહેનો, જાણીને આનંદ થશે, દુનિયાની અંદર ડિજિટલ પેમેન્ટમાં 40 ટકા એકલા હિન્દુસ્તાનમાં થાય છે. આખી દુનિયા 60 ટકામાં અને હિન્દુસ્તાન એકલું 40 ટકામાં. આ તાકાત આપણી છે.
આજે ગામેગામ સસ્તા મોબાઈલ પહોંચ્યા છે. સસ્તા ડેટા પહોંચ્યા છે. કોંગ્રેસની જો સરકાર હોત ને ભાઈ, તો મોબાઈલ ફોન પણ બહારથી લાવવા પડ્યા હોત. આજે ભારત દુનિયામાં બીજા નંબરનો દેશ બની ગયો છે, જે મોબાઈલ ફોન બનાવે છે. અને આખી દુનિયામાં કરોડોની તાદાતમાં ભારતમાં બનેલા મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે. અને મોબાઈલ ઉપર લખેલું હોય છે, મેડ ઈન ઈન્ડિયા. ભારતમાં બનેલા મોબાઈલ સસ્તા મળવા માંડ્યા. ગરીબ પરિવાર સુધી મોબાઈલ પહોંચી ગયો. મોબાઈલ ફોન એ ગરીબને એમ્પાવર કરવાનું સાધન બની ગયો.
કોંગ્રેસના જમાનામાં મોબાઈલમાં શું થયું, ભાઈ? 2-જીના ગોટાળા થયા. આ ગોટાળાના પરિણામે ઈન્ટરનેટ મોંઘા થયા. આજે અગર કોંગ્રેસની સરકાર હોત, તો તમારા ટેલિફોનનું ફોનનું બિલ, મોબાઈલ ફોનનું બિલ, 300 – 400 ના આવતું હોત. ઓછામાં ઓછું 4,000 થી 5,000 મહિનાનું આવતું હોત. આજે તો ફોન ગમે તેટલો કરો, મફતમાં.
અહીંયા જામનગરમાં આટલી બધી ફેકટરીઓ છે, બધા અન્ય રાજ્યના લોકો રહે છે, સાંજ પડે મોબાઈલ ફોન પર બેસી જાય. ઘરમાં બધા લોકો સાથે વાત કરે. એક રૂપિયાનો ખર્ચો નહિ. આ કામ આપણે કર્યું છે. ગામોગામ, ગરીબ પરિવારના યુવકો, દુનિયાભરમાં ઘેર બેસીને વાંચવાનો, અભ્યાસ કરવાનો. આપણે ગરીબ બાળકો માટે એક નિર્ણય કર્યો હતો, કોરોનાકાળમાં, કે રેલવે સ્ટેશનનું વાઈ-ફાઈ મફત કરી દો. અનેક સંતાનો રેલવે પ્લેટફોર્મ પર જતા હતા સાંજે અને જે એકઝામ આપવાની હોય તે વાંચે, અને એમાંથી સારી સારી નોકરીઓ મેળવી લીધી. ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ આપણે કરી બતાવ્યું. અને મોબાઈલ ફોન... આજે સશક્તિકરણ માટે. વીજળી-પાણી વિના...
ભાઈઓ, બહેનો,
એને આવશ્યકતા હોય, એક બીજું આપણે કામ કર્યું છે. ડ્રોન દ્વારા જમીનની માપણી, ખેડૂતોને એનું સર્ટિફિકેટ મળે. સાત-બારના ઉતારાની બધી વિગતો મળે. આ બધી ચીજોને મોબાઈલ ફોન દ્વારા સુવિધા મળે એનું કામ કર્યું છે. અને આ બધું કામ કરવામાં બધી બિચોલીયા, કટકી-કંપની બધી ખતમ થઈ ગઈ, ભાઈઓ. સરકારની મદદથી સીધા પૈસા બેન્કના ખાતામાં જમા થાય છે.
5-જી પણ હવે આવવાની તૈયારીમાં છે. લગભગ જિલ્લામથકો સુધી 5-જીની શરૂઆત થઈ ગઈ છે. અને ઘીરે ઘીરે આ 5-જી પણ પહોંચવાનું છે. આ ડિજિટલ ઈન્ડિયાનો વિસ્તાર, જેનો સૌથી વધારે લાભ, મારી યુવા પેઢીને મળવાનો છે, અને યુવા પેઢીમાં એક તાકાત આવવાની છે.
ભાઈઓ, બહેનો,
કોરોનાએ બતાવી દીધું છે કે આરોગ્યની બાબતમાં ગંભીરતાપૂર્વક વિચારવાની જરુરીયાત છે. આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર સસ્તી અને પ્રભાવી આરોગ્ય સેવાના માટે પુરજોશ કામ કરી રહી છે. આજે દેશભરમાં તાલુકા સ્તરે સારામાં સારી સુવિધા ઉભી કરવાનો આપણો પ્રયત્ન છે. આજે દેશમાં આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન શરૂ કરવામાં આવ્યું છે. એના કારણે 64,000 કરોડ રૂપિયાનો ખર્ચ સ્વાસ્થ્ય સુવિધાઓ બનાવવા માટે, આધુનિક બનાવવા માટે આજે ખર્ચાઈ રહ્યો છે.
દેશના દરેક જિલ્લામાં લગભગ 90 થી 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને વધુમાં વધુ લોકો ડોક્ટરો તૈયાર થાય, વધુમાં વધુ નર્સીસ તૈયાર થાય, આ દિશામાં જિલ્લે જિલ્લે એક મેડિકલ કોલેજ, એની તરફ આપણે કામ કરી રહ્યા છીએ. નર્સિંગની કોલેજ... 20 વર્ષ પહેલા, હું જ્યારે મુખ્યમંત્રી બન્યો, એ પહેલા ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી. આજે 36 મેડિકલ કોલેજ છે. 20 વર્ષ પહેલા ગુજરાતની હોસ્પિટલોમાં 15,000 પથારીઓ હતી. આજે ગુજરાતમાં ચાર ગણા, 60,000 પથારીઓ સરકારી હોસ્પિટલમાં છે.
ભારત, આધુનિકમાં આધુનિક ઈલાજ, બીમારીમાંથી બચાવવા માટેનો રસ્તો, એના માટેનું કામ કર્યું છે. ગામડાની અંદર, ગરીબ પરિવારને બીમારી થાય જ નહિ, એના માટે પણ કામ કરવાનું. યોગની વાત હોય, આ જ જગ્યા પર આયુર્વેદનું મોટું સેન્ટર ઉભું થવાનું છે. વિશ્વનું મોટું, સ્વચ્છતા ઉપર જોર, પોષણ ઉપર જોર, યોગ ઉપર જોર, બધી જ રીતે આરોગ્યની બાબતમાં હિન્દુસ્તાનની અંદર ઓછામાં ઓછી મુસીબતો આવે, અને જામનગર તો મારું મોટું કેન્દ્ર તરીકે ઉપસી રહ્યું છે, ભાઈઓ. જામનગર આવનારા દિવસોમાં ટ્રેડિશનલ મેડિસિનની દુનિયામાં, દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવાનું છે. એનો પાયો અમે નાખી દીધો છે, ભાઈઓ.
આજે જ્યારે ગુજરાત, એક વિકસિત ગુજરાતની હું વાત કરું છું, ત્યારે કોંગ્રેસના સમયના દિવસો પણ યાદ આવવા બહુ જરુરી છે. આપણને ખબર છે, એ સમયે કોંગ્રેસના કાળખંડમાં શું સ્થિતિ હતી? અસુરક્ષા, અશાંતિ, આતંકવાદ, વોટ બેન્કની રાજનીતિ, વહાલા-દવલાની રાજનીતિ, અને અશાંતિ ફેલાવનારા તત્વોને, આતંકવાદ ફેલાવનારા તત્વો માટે મ્હો પર કોંગ્રેસને તાળાં વાગી જતા હતા. અને એના કારણે ધીરે ધીરે આખા દેશમાં બરબાદી આવી.
કોઈ એવી જગ્યા ના હોય, ભરોસો ના હોય કે સાંજે ઘેર પાછા આવીશું કે નહિ આવીએ. આ રોજ ખબર આવે કે આ જગ્યાએ બોમ્બ ફુટ્યો. પેલી જગ્યાએ ફુટ્યો, પેલા મર્યા. આ બધી સ્થિતિ હતી. નાના નાના બાળકોથી માંડીને, માતાઓ, બહેનો, અસુરક્ષાનું વાતાવરણ હતું. કેવળ વોટબેન્કની રાજનીતિ માટે કોંગ્રેસ સેનાને હાથ બાંધી રાખે. સેનાને કામ કરવામાં અગવડો પેદા કરે. આતંકવાદ સામે આવી રીતે ના લડી શકાય, ભાઈઓ. આતંકવાદ સામે લડવું પડે ને તો આંખમાં આંખ મેળવીને, આંખ લાલ કરીને એને સીધો જવાબ આપવો પડે, ભાઈ. અને આપણે એ કરી બતાવ્યું છે. નકસલવાદીઓ હોય, માઓવાદીઓ હોય, ખુલ્લેઆમ હિંસાનો રસ્તો લેનારા હોય, એક મજબુત સરકાર, એના ઘરમાં જઈને મારી આવતી હોય છે, ભાઈ. આ કામ આપણે કર્યું છે.
અને એટલા માટે ભાઈઓ, બહેનો,
આ પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિવાળા, અર્બન નકસલો પાછા... આજકાલ તો ગુજરાતમાં પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી આતંકવાદ, નકસલવાદ... ઝીરો ટોલરન્સની નીતિ પર અમે કામ કરી રહ્યા છીએ. પણ આપ સાથીઓ યાદ રાખજો કે આ લોકો મોકાની તલાશમાં છે. અવસર જો મળી ગયો નથી, કે મેદાનમાં ઉતર્યા નથી. અને એટલા માટે ગુજરાતની જે પ્રગતિ થઈ રહી છે, એના મૂળમાં શાંતિ છે, એકતા છે, એને ડહોળી નાખે એવા કોઈ તત્વોને હવે માથું ઉંચકવા નથી દેવાનું, ભાઈઓ. અને એના માટે ગુજરાતમાં એક મજબુત સરકારની જરુરીયાત છે.
ગુજરાતમાં શાંતિ, એકતા, સદભાવના, આ મંત્રને વધુને વધુ તાકાતવર બનાવવાનો છે, અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સાથ ના મળે એની ચિંતા કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને એટલે જ કોંગ્રેસે આ બધું ના કર્યું ને એટલે જ એની વિદાય થઈ. હિન્દુસ્તાનમાં અનેક રાજ્યો એવા છે, એક વાર કોંગ્રેસ ગઈ, ફરી પેસવા જ નથી દીધી.
ભાઈઓ, બહેનો,
આજે વિકાસનો મહાયજ્ઞ, એમાં સૌના યોગદાનની જરુરત છે. અને આ વિકાસના મહાયજ્ઞને આગળ વધારવું હશે તો, હવે તમે વિચાર કરો, સૌની યોજના... હમણા અમારા આર.સી. કહેતા હતા. મને કહે, સાહેબ, ઘમાઘમ પાણી આવી રહ્યું છે, સૌની યોજનામાં. આ જ્યારે સૌની યોજના જાહેર કરી ને, ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા કે આવું તે કંઈ થતું હશે? આવડી મોટી પાઈપ નાખશે, આ મોદી સાહેબ? હું કહેતો હતો કે મારુતિ ચાલે ને એવડી મોટી પાઈપ. નાખી કે ના નાખી, ભાઈઓ? પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું? તમારી આંખ સામે પાણી દેખાય, ભાઈઓ.
પહેલા પાણી માટે આંખમાં પાણી આવી જતા હતા, આજે આંખ સામે પાણી દેખાય, આ પાણીદાર કાઠીયાવાડને બનાવવાનું કામ અમે કર્યું છે, ભાઈઓ. આ કામ અમે કર્યું છે. અને આ સૌની યોજનાએ અહીંની ધરતીને એક તાકાત આપી છે.
વીજળી, પાણી, સકડ. એના માળખાકીય સુવિધાઓ છે. જેના કારણે આજે દુનિયાભરના ઉદ્યોગો અહીં આવી રહ્યા છે. અને આ ઉદ્યોગો ગુજરાતના નવજવાનોનું ભવિષ્ય નિર્ધારીત કરી રહ્યા છે. અને ભવિષ્ય નિર્ધારીત કરી રહ્યા છે, ત્યારે અને બીજી બાજુ મારી માતાઓ, બહેનો, એમનું માન-સન્માન, એમનું શિક્ષણ, આજે આનંદ થાય. આજે હિન્દુસ્તાનની આર્મીમાં, નેવી હોય, એરફોર્સ હોય, આર્મી હોય, અમારી દીકરીઓ મોટા પાયા પર દેશનું રક્ષણ કરવા માટે આગળ આવી રહી છે.
વિકાસની નવી નવી ક્ષિતિજો ખુલી રહી છે, ભાઈઓ. બહેનો માટે અવસર બની રહ્યા છે. અને એના કારણે માતાઓ, બહેનો, આજે નરેન્દ્ર મોદીને આટલા અવસર આપી, આશીર્વાદ આપી રહી છે. એ આશીર્વાદ લેખે લાગે એના માટે હું કામ કરતો હોઉં છું.
ભાઈઓ, બહેનો,
આજે જ્યારે જામનગરમાં આવડી મોટી વિશાળ સભા, અને જામનગરથી આટલે દૂર, અને તેમ છતાય તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. અમને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા. પરંતુ મારી તમારી પાસે કેટલીક અપેક્ષાઓ છે.
પુરી કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઉપર કરીને જરા જોરથી બોલો, તો ખબર પડે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તમારા મોબાઈલની ફ્લેશ ચાલુ કરો એટલે મને ખબર પડે કે કરશો બધા. કયા ખુણામાંથી અજવાળું આવે છે એ હું જોઉં. (ઑડિયન્સમાંથી હા...)
બધા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાની ફ્લેશ ચાલુ કરો. બધાની મોબાઈલની ફ્લેશ ચાલવી જોઈએ. ચાલુ રાખજો, હોં, હું કહું નહિ ત્યાં સુધી બંધ ના કરતા.
(ઑડિયન્સમાંથી મોબાઈલની ફ્લેશલાઈટ સાથે મોદી... મોદી... નારાઓ)
દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
ભાજપને જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ સીટો, વધુમાં વધુ કમળ દરેક પોલિંગ બુથમાંથી નીકળે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જામનગર જિલ્લાની બધ્ધેબધ્ધી સીટો જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ. કહું? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અંગત કામ છે, હોં... કરશો ને બધા? (ઑડિયન્સમાંથી હા...)
જામનગર ઉપર મારો એટલો તો હક્ક ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો. આ ચુંટણીમાં હજુ તમે મળવા જાઓ. વડીલોને મળો. દરેક પોલિંગ બુથમાં જાઓ, ત્યારે એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ જામનગર આવ્યા હતા.
આટલું કહેશો બધાને? (ઑડિયન્સમાંથી હા...)
શું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
શું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. એવું ના કહેતા, પી.એમ. સાહેબ આવ્યા હતા ને પ્રધાનમંત્રી આવ્યા હતા. એ બધું દિલ્હીમાં. અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ, બીજું કંઈ નહિ.
તો આટલું તમે કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
કે આપણા નરેન્દ્રભાઈ જામનગર આવ્યા હતા અને બધા વડીલોને એમણે પ્રણામ પાઠવ્યા છે.
આ મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાને પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
મને આ દરેક વડીલના આશીર્વાદ જોઈએ. કારણ કે એમના આશીર્વાદ એ મારી ઊર્જા છે. અને એ ઊર્જા મને દિવસ-રાત આ દેશ માટે દોડવાની તાકાત આપે છે. દેશ માટે ઘસવાની તાકાત આપે છે. દેશનું ભલું કરવા માટેની પ્રેરણા આપે છે. અને એટલા માટે આ જામનગરના આપ સૌ સાથીઓને મારી વિનંતી છે કે ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ જામનગર આવ્યા હતા અને આપને સૌને એમણે પ્રણામ પાઠવ્યા છે.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ) પ
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
भाजपा सीमावर्ती क्षेत्रों या सीमावर्ती गांवों को देश का आखिरी गांव नहीं बल्कि पहला गांव मानती है: अंजार में मोदी के बाद
हमने तुष्टिकरण की राजनीति को समाप्त कर दृढ़ कार्रवाई के साथ पिछले आठ वर्षों में आतंकवाद को समाप्त कर दिया: पीएम मोदी