નરેન્દ્રભાઇ મોદીની ઉત્તર ગુજરાતમાં વિઘુતવેગી ચૂંટણી ઝૂંબેશ
કોંગ્રેસની ખુરશી સાચવવા કારસા કેવા છે?
દિલ્હીની ગાદી ઉપર પંજો ચડી બેઠો ત્યારથી મોંધવારી સડસડાટ ઉપર ચડતી ગઇ...
દેશના અર્થતંત્રને બેહાલ કર્યું, યુવાનો બેકાર, ગરીબને ભૂખે માર્યા, કિસાન બે મોત મરે અને નિર્દોષ જનની જિંદગી અસલામત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર ગુજરાતમાં ધોમધખતા તાપમાં પણ વિશાળ જનમેદનીની ચૂંટણીસભાઓમાં જણાવ્યું હતું કે ખૂરશી માટેની સત્તાભૂખને વરેલી કોંગ્રેસના પંજામાંથી મૂકત થવાનો અવસર આ ચૂંટણીએ પૂરો પાડયો છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ઇકબાલગઢ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને મહેસાણા બેઠકમાં ખેરાલુમાં આજે નરેન્દ્રભાઇ મોદીએ આક્રમક શૈલીમાં કોંગ્રેસે મતબેન્કના રાજકારણ ખેલવા ગરીબોના હિતના ભોગે અને સમાજમાં ભાગલા પાડીને ખુરશી સાચવવાના કરેલા કારસાનો પર્દાફાશ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે દિલ્હીની ગાદી ઉપર જ્યારથી પંજો ચડી બેઠો ત્યારથી મોંધવારી સડસડાટ ઉપર ચડતી ગઇ છે. ગરીબોના ધરનો ચૂલો સળગતો નથી અને બાળકો ભૂખ્યાં સૂવે છે. સામાન્ય માનવી જીંદગીની અસલામતીના ભયમાં જીવે છે અને ભ્રષ્ટાચારથી ખુરશી સાચવવા કોંગ્રેસ મતોનું રાજકારણ ખેલી રહી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસલમાનોનો છે એમ કહે છે, ભાજપા આ અધિકાર ગરીબોનો છે એમ માને છે. ગરીબોમાં બધી જ કોમના ગરીબો આવી જાય એમાં હિન્દુ-મુસલમાન શહેર-ગામડાં, યુવા, વૃદ્ધ મહિલા-કોઇ જ સામાજિક ભેદભાવ હોય જ નહીં પરંતુ કોંગ્રેસને તો આ સમાજમાં ભેદ પાડીને મતોનું રાજકારણ ખેલવું છે.
આમાંને આમાં, પાંચ વર્ષ વીતી ગયાં અને દેશનું મજબૂત અર્થતંત્ર બેહાલ થઇ ગયું, લાખો લાખો યુવાનોને બેકારી ભરખી ગઇ, કિસાનો દેવાના બોજમાં ડૂબી ગયા, નિર્દોષ નાગરિકની જિંદગી અસલામત બની ગઇ - શું આ દુર્દશા કરનારી કોંગ્રેસની શાન ઠેકાણે લાવવી જોઇએ કે નહીં-એવો પ્રશ્ન જનમેદની સમક્ષ કરતાં જનતાએ સમર્થનમાં હાથ ઊંચા કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં જ્યારથી ભાજપાની સરકાર આવી ત્યારથી છેલ્લા સાત વર્ષમાં વિકાસના રાજકારણનો માર્ગ લીધો છે અને કેટલી પ્રગતિ થઇ છે પાણી, વીજળી, રસ્તા શિક્ષણ-આરોગ્ય જેવી માળખાકીય પાયાની સેવા સુવિધાઓમાં ગુણાત્મક સુધારા જનતા જોઇ રહી છે. દિલ્હીમાં પણ ભાજપાની સરકાર અડવાણીજીના નેતૃત્વમાં આવશે તો કોંગ્રેસની જેમ ચાર પાયાની ખુરશી નહીં પણ ચાર પાયાની સુવિધા ગરીબોના ભલા માટે કરશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રજા હવે સમજી ગઇ છે કે કોંગ્રેસના રાજમાં નાગરિક સલામત નથી અને દેશ સુરક્ષિત નથી- વિકાસની દિશા કોંગ્રેસે કયારનીય છોડી દીધી છે અને કોંગ્રેસ પ્રજાના અરમાનની પૂર્તિ કરી શકે તેવી આશા રાખવી પણ વ્યર્થ છે.