મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજે તાઇવાનના ઉચ્ચસ્તરીય વાણિજ્ય પ્રતિનિધિમંડળના ઉપક્રમે તાઇવાન ઇન્સ્ટીટયુટ ફોર ઇન્ફોરમેશન ઇન્ડસ્ટ્રીઝ (IIIT) અને મેન્યુફેકચરર્સ એસોસિયેશન ફોર ઇન્ફોરમેશન ટેકનોલોજી (MAIT) ઓફ તાઇવાન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વના સમજૂતિના કરાર થયા હતા.
આજે મુખ્યમંત્રીશ્રી અને ચાઇનીઝ નેશનલ એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ (CNAIC) ના અધ્યક્ષ શ્રીયુત થીઓડોર હુઆંગ (Mr. THEODORE HUANG) ના નેતૃત્વમાં તાઇવાનના ૧પ સભ્યોના ઉચ્ચ સ્તરીય વાણીજ્ય પ્રતિનિધિમંડળ વચ્ચે ફળદાયી બેઠક યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને તાઇવાન વચ્ચે ઇન્ફરમેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતને આઇ.ટી અને ઇલેકટ્રોનિકસ ઉઘોગ માટેના ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવા, ગુજરાતમાં ઇ-ગવર્નન્સનું સેન્ટર ફોર એકસેલન્સ સ્થાપવા અને આઇટી-ઇલેકટ્રોનિકસ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેની ટેકનોલોજી એન્ડ ડિઝાઇનનો સહયોગ આપવા સહિત કુશળ માનવ સંસાધન વિકાસનું આયોજન કરવા માટે થયેલા સમજૂતિના આ કરારને આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત અને તાઇવાન વચ્ચે નવાં ક્ષેત્રોમાં સહભાગીતાની નવી દિશા ખૂલી છે. તાઇવાન હાર્ડવેર આઇટી-ઇલેકટ્રોનિકસ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો પ્રભાવ ધરાવે છે જ્યારે ભારતમાં ગુજરાત સોફટવેર નોલેજ મેનપાવર ધરાવે છે. આ બંનેનો સમન્વય થાય તો ઇન્ફરમેશન-કોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત અને તાઇવાનની ભાગીદારી નવી કેડી કંડારશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તાઇવાનના વ્યાપાર ઉઘોગ અને સરકારના પદાધિકારીઓને આવકારતાં એમ પણ જણાવ્યું કે ગુજરાત શિપ-બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી રહ્યું છે અને તાઇવાનની ટેકનોલોજી શિપ બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ ગુજરાત સાથે નવા સંબંધો વિકસાવશે.
દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર (DMIC) અને તેની સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન (SIR) તેમજ બંદર સંલગ્ન વિકાસની વ્યૂહરચનાની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ન્યુ સિટી કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે જેમાં GIFT CITY, નોલેજ સિટી, ટ્રાન્સપોર્ટસિટી, હેલ્થ સિટીના નિર્માણ માટે તાઇવાનના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ડેવલપર્સને ગુજરાતમાં આવવાનું આમંત્રણ તેમણે આપ્યું હતું.
ગુજરાત સરકારે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની નવી પહેલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
તાઇવાન ડેલીગેશનના પ્રમુખ શ્રીયુત થિયોડોર હુઆંગે ગુજરાત અને તાઇવાન વચ્ચેની સહભાગીતા ભારત અને તાઇવાનના પરસ્પરના સંબંધોને વધુ સુનિヘતિ દિશામાં લઇ જનારૂ પ્રેરક બળ બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત સરકારના વિકાસ માટેના પ્રગતિશીલ અભિગમ અત્યંત પ્રસંશનિય છે.
તાઇવાન સરકારના પૂર્વમંત્રી શ્રીમતી મેઇ યુએહ હો (Mrs. MEIYUEH Ho)એ પણ ગુજરાતના વિકાસની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, સાયન્સ ટેકનોલોજી અગ્રસચિવ શ્રી રવિ સકસેના, ઉઘોગ અગ્રસચિવશ્રી એમ. શાહુ, MAIT ડિરેકટર શ્રી વી. મહેતા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને પ્રબંધ સંચાલક શ્રી પંકજ કુમાર, ઉઘોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વૈન, ઇન્ડેક્ષ્ટ-બી ના વાઇસ ચેરમેન શ્રી ભાગ્યેશ જ્હા, શ્રી એન. વિઠ્ઠલ વગેરે હાજર રહ્યા હતા.