મુખ્યમંત્રીશ્રીની સાથે ઓહિયો ડેલીગેશનની ફળદાયી બેઠક
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે અમેરિકાના ઓહિયો સ્ટેટ સમીટ કાઉન્ટી મેયર્સ એસોસીએશનના ભારતના પ્રવાસે આવેલા ઇકોનોમિક ડેવલપમેન્ટ મિશનના ઓહિયો પ્રતિનિધિમંડળે ફળદાયી બેઠક યોજીને, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય સાથે વિકાસની ભાગીદારીના ક્ષેત્રો સુનિશ્વિત કર્યા હતાં.ઓહિયો સ્ટેટના કોલંબસ સિટી અને અમદાવાદ સિટી વચ્ચે સીસ્ટર સિટી રિલેશનશીપ અંગે સમજૂતિના કરાર થયેલા છે અને આજની બેઠકમાં ઓહિયો અને ગુજરાત વચ્ચે આર્થિક, શૈક્ષણિક તથા ઔઘોગિક અને શહેરી માળખાકીય વિકાસ સુવિધાના વિવિધ પ્રોજેક્ટમાં પરસ્પર ભાગીદારી અંગે આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઓહિયો સ્ટેટમાં ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ટેક્નોલોજી, એનર્જી સેવિંગ્સ, ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગુજરાતે લીધેલા નવા પગલાં અંગે ગુજરાત નવા ક્ષેત્રોમાં નવા આયામો અપનાવવા આતુર છે. આ સંદર્ભમાં ઓહિયો સ્ટેટ સાથે શહેરી પરિવહન સેવા, બાયોફયુઅલ, બાયોમાસ, એનર્જી સેવિંગ-ક્લીન એનર્જી જેવા ક્ષેત્રો તથા યુનિવર્સિટી સ્તરે ટેક્નોલોજી અને સંશોધન વિકાસ માટે ફળદાયી પરામર્શ થયો હતો.
સમિટ કાઉન્ટી મેયર્સ એસોસિયેશનના ડાયરેકટર શ્રીયુત લુઇશ બેરીટોરેન્ટ, હડસનના મેયર વિલિયમ કુમિન સહિત બાર જેટલા સભ્યો તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, અધિક અગ્ર સચિવશ્રી જી. સી. મુર્મુ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.