મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક જૂથ જી.એમ.આર. ગ્રુપના અધ્યક્ષશ્રી જી. એમ. રાવ અને બિઝનેસ ચેરમેન સર્વશ્રી શ્રીનિવાસ બોમ્મીડાલા અને બી. વી. એન. રાવના કંપની ડેલીગેશને ઉત્તર ગુજરાતમાં રણકાંઠે ચારણકામાં આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ સોલાર એનર્જી પાર્કમાં રપ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપી રહ્યું છે તેની વિગતો આપી હતી.
ઊર્જા અને શહેરી આંતરમાળખાકીય ક્ષેત્રે પ્રતિષ્ઠિત જી.એમ.આર. ગ્રુપનો ગુજરાતમાં આ પ્રથમ પ્રોજેકટ છે અને, રાજ્ય સરકારના પ્રોત્સાહક ઔદ્યોગિક વિકાસના અભિગમથી પ્રેરિત થઇને ગુજરાતમાં શહેરી ક્ષેત્રે માળખાકીય સુવિધા વિકાસ અને સૂર્યઊર્જાના વિકાસમાં સહભાગી બનવાની જીએમઆર ગ્રુપે તત્પરતા વ્યકત કરી હતી.
જીએમઆર ગ્રુપના અધ્યક્ષશ્રી જી. એમ. રાવે તેમની કંપનીએ દિલ્હી અને હૈદ્રાબાદના વિમાનમથકોના નિર્માણ સહિત પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રાષ્ટ્રીય પ્રોજેકટના નિર્માણ અંગેની સિધ્ધિઓની જાણકારી પણ મુખ્યમંત્રીશ્રીને આપી હતી. ગુજરાતમાં ધોલેરા SIR અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રોજેકટમાં પણ તેમણે અત્યંત રસ દાખવ્યો હતો.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ અને ઊર્જાના અગ્ર સચિવશ્રી જે. પાંડિયન ઉપસ્થિત હતા.