રાજ્ય સરકારના પ્રવકતા, આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી ઉવજણીના સમાપન સમારોહમાં ૧લી મે, ર૦૧૧ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘‘આગેકદમ ગુજરાત'' જે ૪પ૦૦ કલાકારો સાથે વિશ્વના સૌથ મોટા નૃત્ય અને સંગીતના કાર્યક્રમ તરીકેના વિશ્વવિક્રમ સર્જવા માટે ગીનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીના વર્ષની ઉજવણીમાં જનશકિતના સાક્ષાત્કાર તરીકે છ કરોડ ગુજરાતીઓના સહિયારા પુરૂષાર્થ અને ક્ષમતાના અદ્દભૂત દર્શન દેશ અને દુનિયાને કરાવ્યા છે તેની ગૌરવસહ ભૂમિકા આપતા પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે સને ર૦૧૦-૧૧ના સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં વિરાટ જનભાગીદારીથી ગુજરાતે જે અભિયાનો કર્યા તેને વિશ્વમાં સૌથી મોટા જનઅભિયાનોની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ છે.

સ્વર્ણિમ જ્યંતી સમાપન સમારોહ ૧લી મે-ર૦૧૧ના રોજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો અને સરદાર પટેલ સ્ટેડિયમના વિશાળ પટાંગણમાં એક સાથે ૪પ૦૦ કલાકારોએ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રગતિની સાફલ્યગાથાની અનોખી પ્રસ્તુતિ રૂપે નૃત્ય અને સંગીતની જૂગલબંદીનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.

ઓસ્કાર વિજેતા સંગીતકાર શ્રી એ. આર. રહેમાને ‘‘આગેકદમ ગુજરાત''ના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘‘જય જય ગરવી ગુજરાત''ને સંગીતમાં મઢયું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ‘‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'' દ્વારા સ્વર્ણિમ જ્યંતી વર્ષ દરમિયાન ગુજરાત સરકારને ‘‘આગેકદમ ગુજરાત''ના વિશ્વવિક્રમી સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત કુલ છ વિશ્વવિક્રમ સર્જવાના કાર્યક્રમોને પ્રમાણિત કરીને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે.

તા.ર૪મી ડિસેમ્બર-ર૦૧૦- સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર એક સાથે એક જ સ્થળે ર૦,૦૦૦થી અધિક રમતવીરો દ્વારા સ્વર્ણિમ ચેસ મહોત્સવ યોજીને શતરંજની રમતનો વિશ્વવિક્રમ સર્જવા માટેનું પ્રમાણપત્ર.

તા. ૧૧ થી ૧પ નવેમ્બરઃ ર૦૧૦- વડનગરમાં સ્વર્ણિમ તાનારીરી મહોત્સવમાં ગુજરાતી શાસ્ત્રીય ગાયિકા સુશ્રી ધારી પંચમદા દ્વારા ૧૦૧ કલાક અને ર૩ મિનીટ લગાતાર શાસ્ત્રીય ગાન ગાવાનો વિશ્વવિક્રમ સર્જતું પ્રમાણપત્ર.

તાનારીરી મહોત્સવમાં સુશ્રી ધારી પંચમદાને માર્ગી અખંડ સ્વરગાનના મહાયજ્ઞમાં એક સાથે ર૧૪ રાગો અને ર૭૧ બંદિશોની પ્રસ્તુતિ સાથે વિશ્વવિક્રમ સર્જવાનું પ્રમાણપત્ર.

તા.ર૬-ર૭ એપ્રિલ ર૦૧૧ના રોજ સ્વર્ણિમ માર્ગી અખંડ સ્વરચનામાં સુશ્રી ધારી પંચમદા દ્વારા ર૯૧ કલાક ર૯ મિનિટ સુધી એકધારા ર૯ રાગોનું સંતુરવાદન કરીને વિશ્વવિક્રમ સર્જવા માટેનું પ્રમાણપત્ર.

તા. ર૯ એપ્રિલ-ર૦૧૧ના રોજ અમદાવાદની તબલા તાલીમ સંસ્થાના મુંજાલ મહેતા આયોજિત ૩૧પ તબલાવાદકોની અદ્દભૂત સિધ્ધિ માટેનું પ્રમાણપત્ર.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત બાબતોના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ ગુજરાતના સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણી દરમિયાન, જનશકિતના વિરાટ જનસમર્થન જ નહીં, છ કરોડ ગુજરાતીઓના સામર્થ્યની પણ વિશ્વને પ્રતીતિ થઇ છે તે માટે ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડની આ વિશ્વવિક્રમ પ્રમાણિત એવોર્ડની ભેટ જનતા જનાર્દનને ચરણે ધરી છે.