Complete Text: Shri Modi interacts with Students on Teacher’s Day

Published By : Admin | September 5, 2013 | 12:34 IST

આમ તો અલગ અલગ જિલ્લાઓથી અહીં બાળકો આવ્યાં છે, પરંતુ ટેક્નોલૉજીની મદદથી એક પ્રકારે ગુજરાતનાં બધાં જ બાળકો સાથે મને વાર્તાલાપ કરવાનું આ સૌભાગ્ય મળ્યું છે..! અમે નાના હતા ત્યારે શિક્ષક દિવસ મનાવવાનો એટલે વિદ્યાર્થીઓ શિક્ષક બનતા. અને એક દિવસ ઉછીના-પાછીના લાવેલાં કપડાં પહેરીએ, એ દિવસે જરા રુઆબ છાંટીએ, વિદ્યાર્થીઓને હોમવર્ક આપીએ, અને એવી રીતે નિશાળમાં શિક્ષક દિવસ ઊજવતા હતા..! આ મારું સૌભાગ્ય છે કે આજે હું પણ એક શિક્ષકની ભૂમિકામાં રાજ્યનાં લગભગ દોઢ કરોડ ભૂલકાંઓ સાથે વાતચીત કરી રહ્યો છું..! બાળકો એમના પ્રશ્નો પૂછશે, હું જવાબ આપવાની કોશિશ કરીશ..!

‘સ્ટેચ્યૂ ઑફ યૂનિટી’ નો વિચાર તમને કેવી રીતે આવ્યો?

ઠાકર ચાર્મી - નારાયણ વિદ્યાવિહાર, ભૂજ

દુનિયાના દરેક દેશમાં સ્વાભાવિક રીતે પોતાની એક ઓળખ ઊભી કરવાનો એક પ્રયાસ હોય છે. સદીઓથી આપણો દેશ તાજમહેલની ઓળખ સાથે જોડાયેલો છે. પેરિસમાં જાવ તો એના ટાવરની ચર્ચા ચાલે, ઇજિપ્તમાં જાવ તો પિરામિડથી ઓળખાય..! આખી દુનિયાની આ એક વિશેષતા રહી છે. અને દરેક દેશ પોતપોતાના કાલખંડમાં આ પ્રયત્ન કરતો જ હોય છે.

સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજા-રજવાડાંઓને એક કરીને ટૂંકા ગાળામાં દેશને એક કર્યો, એક મોટું નજરાણું આપ્યું અને આટલું મોટું કામ કર્યું..! વિશ્વ આખામાં આ ઘટના એક અજાયબ છે..! ભારતની એકતાની આ ઘટના હિંદુસ્તાનના ઇતિહાસ માટે પણ સદીઓ પછી આકાર પામેલી ઘટના છે. એની જેટલી પૂજા-અર્ચના કરીએ, ગૌરવગાન કરીએ એટલાં ઓછાં છે..! અને આ દેશને ભવિષ્યમાં એક રાખવો હશે તો પણ એકતાના મંત્રને નિરંતર ગુંજતો રાખવો પડે..! અને એ ઉત્તમ મંત્ર સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા આપે છે. અને તેથી આપણા મનમાં વિચાર આવ્યો કે જેણે દેશને એક કરીને આટલું મોટું નજરાણું આપ્યું છે એ મહાપુરુષને યાદ કરીને એકતાનું સ્મારક, ‘સ્ટેચ્યૂ ઑફ યૂનિટી’, બનાવવાનો આપણને વિચાર આવ્યો.

બીજો વિચાર એ આવ્યો કે વિચારવું તો નાનું શું કરવા વિચારવું..? દિવ્ય-ભવ્ય બનાવવાનો વિચાર કેમ ના આવવો જોઈએ? અને વિચારવામાં ગરીબી રાખવી જ નહીં, મિત્રો..! કેટલાક લોકો વિચારવામાં પણ ગરીબ હોય છે..! અને તેથી આપણે વિચાર કર્યો કે આ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્મારક બને..! આજે વિશ્વનું સૌથી ઊંચું સ્મારક છે, અમેરિકામાં ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’. આપણે એના કરતાં ડબલ ‘સ્ટેચ્યૂ ઑફ યૂનિટી’ બનાવવું છે..!

બીજી વિશેષતા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોહપુરુષ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ કિસાન પુત્ર હતા, સરદાર વલ્લભભાઈ પટેલે એકતાનું કામ કર્યું હતું અને એટલે આપણે હિંદુસ્તાનનાં દરેક ગામમાંથી ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓજાર તરીકે જે લોખંડ વાપર્યું હોય તેનો ટુકડો દાનમાં લેવાના છીએ. હિંદુસ્તાનનાં દરેક ગામમાંથી એક ટુકડો લેવાના છીએ. અને એ પણ કોઈ ગામમાં કહે કે મોદી સાહેબ, આ બધી મગજમારી, આટલી મહેનત શું કામ કરો છો, અમારા ગામમાં એક જૂની તોપ પડી છે, એ લઈ જાવને..! મારે તોપ-તલવાર નહીં જોઈએ, ખેડૂતે પોતાના ખેતરમાં ઓજાર તરીકે વાપરેલા લોખંડનો ટુકડો..! કારણ, એ કિસાનપુત્ર હતા અને લોખંડ એટલા માટે કે એ લોહપુરુષ હતા..! એ લાવીશું, એને ઓગાળીશું... આખો પ્રોજેક્ટ ઘણો મોટો છે, ક્યાંકને ક્યાંક દરેકનો ઉપયોગ થશે. અને એક એવું સ્મારક જેમાં હિંદુસ્તાનનાં દરેક ગામડાંનું કંઈકને કંઈક જોડાણ હશે, એકતા હશે..! એવું સ્મારક કે દરેક કિસાનને લાગે કે હા, એ કિસાનપુત્ર હતા..! અને એવું સ્મારક કે વિશ્વને લાગે કે હિંદુસ્તાનની ધરતીમાં પણ આવા મહાપુરુષો પેદા થાય છે જે આટલા ટૂંકા ગાળામાં આ દેશની એકતાનું ખૂબ અદભૂત કામ કરીને ગયા..! આ વાત દુનિયાને પહોંચાડવી છે અને એટલા માટે ‘સ્ટેચ્યૂ ઑફ યૂનિટી’નો વિચાર આવ્યો..!

તમે છેલ્લા બાર વર્ષમાં ગુજરાતના વિકાસ માટે ઘણાં કામો કર્યાં, તો તેમાંથી તમને સૌથી વધારે પસંદ એવાં ત્રણ કામો કયાં છે?

આંબલિયા યામિની નગાભાઈ - નિરૂપમાબેન ભરતભાઈ કાંબલિયા કન્યા વિદ્યાલય, જૂનાગઢ

આ અઘરામાં અઘરું પેપર છે..! અને એમાં હું મતદાન કરાવુંને કે બોલો ભાઈ, તમે ત્રણ કામ પસંદ કરો તો દરેક માણસ અલગ-અલગ ત્રણ કામ પસંદ કરી શકે એટલાં બધાં કામ થયાં છે..! એક કરતાં એક ચઢિયાતાં..! કોઈ વિધવા મા મને સવારે કોઈવાર ફોન કરે અને એમ કહે કે ભાઈ, તને ખૂબ ખૂબ આશીર્વાદ આપવા છે. એટલે હું પૂછું કે કેમ માજી, શેના માટે ફોન કર્યો હતો..? આપણને એમ થાય કે કાંઈક કામ હશે..! તો મને શું કહે કે ભાઈ, મારા છોકરાને સ્કૂટર પર ઍક્સિડન્ટ થયો હતો. અને તારી 108 આવીને એને બચાવી લીધો..! તો મને એમ થાય કે વાહ, કેટલું સરસ કામ થયું..! તો બપોરે કોઈનો ફોન આવે કે કોઈ મળવા આવે કે સાહેબ, આ તમે જ્યોતિગ્રામ કર્યુંને એ બહુ સારું કર્યું. અમારા ગામડાંમાં પહેલાં વીજળી જ નહોતી આવતી, સાંજે વાળુ કરતી વખતે પણ વીજળી નહોતી આવતી, આ સારું કર્યું..! હું ગુરુવારે ઑનલાઇન ‘સ્વાગત’ નો કાર્યક્રમ કરું તો ગામડાંનો કોઈ માણસ આવે અને મને કહે કે સાહેબ, પહેલાં અમારી કોઈ ફરિયાદ નહોતું સાંભળતું, આ તમારા સાહેબો બધા... આ તમે ઑનલાઇન કર્યું છે ને, આ બધા સીધા થઈ ગયા..! તો મને એ સારું લાગે..! ક્યારેક હું કન્યા કેળવણી માટે ધોમધખતા તાપની અંદર ગામડાં ખૂંદતો હોઉં, 44 ડિગ્રી ટેમ્પરેચર હોય અને ગામડાંમાં કોઈ ઘરડી મા એમ કહે કે દીકરા, ચાર-ચાર પેઢીથી આ અમે બધા અહીંયાં રહીએ છીએ, અમારી ચાર પેઢી જીવતી છે પણ અમે નિશાળનું પગથિયું નથી જોયું, આ તું આવ્યો તો આ અમારાં છોકરાં નિશાળે જવા માંડ્યાં, તો મને ઓર આનંદ થાય..!

રાજીવ ગાંધી એમ કહેતા હોય કે એક રૂપિયો મોકલું છું ને પંદર પૈસા પહોંચે છે, એ પૈસા કો’ક હાથ મારી લે છે..! અને એની સામે ગરીબ કલ્યાણ મેળો કરવો અને ગાંધીનગરમાંથી નીકળેલો રૂપિયો સોએ સો પૈસા ગામડાંના માણસ પાસે પહોંચે, ગરીબના ઘરે પહોંચે તો મને ઓર આનંદ થાય..!

કેટકેટલી યોજનાઓ..! સરદાર સરોવર ડૅમનું નિર્માણ..! અને જ્યારે ભારત સરકારે આડોડાઈ કરી અને એ વખતે હું ઉપવાસ પર ઊતર્યો હતો, તો મને લાગે કે મેં એક પવિત્ર કામ કર્યું હતું..! મને આનંદ આવતો હતો..!

કોઈ કાર્યક્રમનો વિચાર કરું તો મને ઘણીવાર થાય કે મેં કામો તો ઘણા બધાં કર્યાં છે, એકથી એક ચડિયાતાં... પણ એક કામ છે કે જે મારા મનની ઇચ્છા મેં પૂરી કરી હતી. આમ તો એને સરકારની કોઈ યોજના ન કહેવાય, પણ મારા મનની ઇચ્છા..! હું મુખ્યમંત્રી બન્યો પછી બે-ત્રણ બાબતો મારા મનમાં આવેલી. એક, હું 30-35 વર્ષથી મારા કુટુંબના કોઈપણ વ્યક્તિઓને મળ્યો નહોતો, કારણકે બહાર જ રહેતો હતો..! એટલે એક વિચાર આવ્યો. કારણકે ઓળખતો જ નહોતો... મારા બધા કુટુંબીજનો, એમના દીકરાઓ-દીકરીઓ, એમનાં છોકરાંઓ... કોઈને ઓળખતો જ નહોતો, કારણકે 30-40 વર્ષ સુધી બહાર રહ્યો. તો એક ઇચ્છા મનમાં હતી કે એમને જોઉં તો ખરા કે બધા છે કોણ..? તો એક વાર મેં મારા કુટુંબના બધા લોકોને એકત્ર કર્યા હતા..! બધાની ઓળખાણ કરી હતી, પાછું એમનેય લાગવું તો જોઈએ ને..!

Complete Text: Shri Modi interacts with Students on Teacher’s Day

બીજા એક કાર્યક્રમની મારા મનમાં ઇચ્છા હતી કે હું બચપણમાં જે મિત્રો હતા મારા, નાનપણના, જે લોકો સાથે અમે નિશાળમાં તોફાન કરતા હતા, એમને પણ હું 35-40 વર્ષથી મળ્યો નહોતો. મુખ્યમંત્રી બન્યા પછી મને થયું કે હું એમને બધાને મળું..! એમને એમ ના લાગે કે આ હવે મુખ્યમંત્રી થઈ ગયો એટલે હવે આમ તિસમારખાં થઈ ગયો છે..! અને જુની-જુની યાદો તાજી કરવાનું મન થતું હતું. એટલે એકવાર મેં મારા બધા જુના વિદ્યાર્થી મિત્રોને શોધી કાઢ્યા, બહુ મહેનત પડી મને કારણકે બધા ક્યાંના ક્યાં છુટા પડી ગયેલા, કોઈ સંપર્ક રહ્યો નહોતો, કારણકે મેં તો બહુ નાની ઉંમરમાં ઘર છોડી દીધેલું..! એકવાર એમને શોધેલા..!

અને ત્રીજી મારી ઇચ્છા હતી કે બચપણથી મને જેમણે ભણાવ્યો છે એવા બધા જ મારા શિક્ષકોને મારે સન્માનિત કરવા છે..! અને અમદાવાદમાં નવલકિશોર શર્માજી આપણા મહામહિમ રાજ્યપાલશ્રી હતા ત્યારે એમની હાજરીમાં ગુજરાત કૉલેજના મેદાનમાં એક વિશાળ કાર્યક્રમ કર્યો હતો મેં અને જાહેરમાં એકડિયા-બગડિયાથી મને ભણાવ્યો હશે એ બધા જ શિક્ષકોને શોધી-શોધીને બોલાવ્યા હતા..! ચાર-પાંચ શિક્ષકો તો હજુ મને મળ્યા નથી, કારણકે એ વખતે મેં બહુ શોધ્યા પણ મને કાંઈ એમના વિશે અતો-પતો મળ્યો નહોતો..! પણ એ કામ જે મેં કરેલું એ મને અતિશય આનંદ આવે છે કે મારા શિક્ષકોનો સાર્વજનિક રીતે ઋણસ્વીકાર..! અને એ દિવસે ગવર્નર શ્રી નવલકિશોર શર્માજીનું જે ભાષણ હતું, એ ખૂબ પ્રેરક ભાષણ હતું..! અને એમણે કહ્યું કે મારા જીવનમાં મેં આવો કાર્યક્રમ જોયો નથી..! નહીંતો સામાન્ય રીતે આપણે શિક્ષકે ભણાવ્યા હોય, ભણતા હોઈએ ત્યારે સવારથી સાંજ સુધીમાં પચ્ચીસ વખત શિક્ષકને યાદ કરતા હોઈએ, પણ એ વિદ્યાર્થીના લગ્ન હોય ને તો પણ એ શિક્ષકને આમંત્રણ પત્રિકા ના આપી હોય, ભૂલી ગયો હોય..! આ મારી પરંપરા જીવતી રાખવાની મથામણ હતી એટલે મેં એકવાર એ કાર્યક્રમ કરેલો..! અનેક કામો, વિકાસનાં એટલાં બધાં કામો છે, યોજનાઓનાં એટલાં બધાં કામો છે અને એકથી એક ચઢિયાતાં છે, એટલે ત્રણ કામો શોધવાં એ એટલું અઘરું કામ છે કે હું નપાસ જ થઉં..! તમે મને 1000 શોધવાનું કહો તો હું પાસ થઈ જાઉં, એટલાં બધાં કામ કર્યાં છે..!

તમને દિવસમાં ગુસ્સો કેટલી વખત આવે છે અને ગુસ્સો આવે ત્યારે તમે શું કરો છો?

હીના સોલંકી - સી.એમ.પી. હાઈસ્કૂલ, જરોદ તાલુકો, વાઘોડિયા જિલ્લો, વડોદરા

બેટા, તારા આ પ્રશ્ન પર તો ગુસ્સો નહીં આવે..! તને કોઈ વાર આવે છે ગુસ્સો..? ખભા ઊંચા કરતી હોઈશ ને, ગુસ્સો આવે એટલે..? ખભા ઊંચા કરતી હોઈશ, દાંત કચકચાવતી હોઈશ..!

હું પણ માણસ છું, તો મારામાં પણ એ બધા જ અવગુણો છે જે એક માણસમાં હોય..! હું એનાથી પર નથી, સામાન્ય માણસ છું..! જેટલી કમીઓ મનુષ્યજાતમાં હોય એ બધી કમીઓ મારામાં પણ હોય..! પણ આપણે આપણી જાતને ટ્રેઇન કરીને સારી ચીજોના આધારે જીવી શકીએ. ઘણીવાર થાળીમાં આઠ ચીજો પીરસેલી હોય પણ ચાર ચીજો ના ભાવતી હોય તો બીજી ચાર ચીજો લઈને આપણે સ્વાદથી જમી શકીએ, અને પેલી જે ચાર ન ભાવતી હોય એનું જ ગાણું ગાયા કરીએ તો પેલી જે ભાવતી ચાર હોયને એની પણ મઝા ન આવે..! એમ જીવનમાં જે ઉત્તમ છે એને લઈને જો જીવીએ તો ઘણીબધી બાબતમાં આપણી જાતને બૅલેન્સ કરી શકીએ..!

સ્વભાવે મને એવી રીતે ક્યારેય ગુસ્સો આવતો નથી..! ક્યારેક મને મારી જાત પર ગુસ્સો જરૂર આવે કે મેં કેમ આવું કર્યું હશે કે હું કેમ આવું કરતો હોઈશ..! એમ મને ઘણીવાર આત્મચિંતન કરું ત્યારે વિચાર આવે. પણ મને ગુસ્સા કરતાં પીડા વધારે થાય..! દા.ત. મારા કરતાં મોટી ઉંમરનો વ્યક્તિ મને પગે લાગેને ત્યારે એટલો બધો ત્રાસ થાય છે અને એ હું સમજાવી પણ નથી શકતો..! અને કમનસીબે આ રોગચાળો એટલો બધો વ્યાપક થતો જાય છે, અને એમાંય જ્યારે માતાઓ-બહેનો પગે લાગે ત્યારે... અને એ ગુસ્સો અથવા એ પીડા એને મારવી બહુ અઘરું પડતું હોય છે..! કારણકે સામેવાળો વ્યક્તિ આદરપૂર્વક આવ્યો હોય અને છતાં પણ સાર્વજનિક જીવન એવું છે કે હવે એનું કોઈ બૅલેન્સ જડતું નથી..! નાનાં ભૂલકાંઓ જ્યારે કરે તો મનમાં ગૌરવ થાય કે એના શિક્ષકે કેવા સરસ સંસ્કાર કર્યા છે, એના મા-બાપે કેવા સરસ સંસ્કાર આપ્યા છે..! એમાં એક અલગ અનુભૂતિ થાય છે..!

હું માનું છું કે ગુસ્સાને કંટ્રોલ કરી શકાય છે. એક પળ જરા તમારે વિતાવવાની હોય છે, બસ..! એટલી પળ તમે સાચવી લો ને તો એકદમ સ્વસ્થતાપૂર્વક આગળ વધીએ..! અને બીજા પર તમે ગુસ્સો કરો છો એનો અર્થ એ થયો કે તમે પોતે નિષ્ફળ છો. તને ટીકા સહન નથી કરી શકતા અને તમને ગુસ્સો આવે છે એનો અર્થ કે તમારામાં કાંઈક ખૂટે છે..! જેટલી સહનશક્તિ વધે એટલી ગુસ્સાની તીવ્રતા ઘટે..! અને સફળતા માટે સહનશક્તિ કેળવવી બહુ ઉપયોગી થાય છે. ઘણીવાર સહનશક્તિના અભાવે માણસ જે ભૂલ કરે છે એ ભૂલ માટે એને જીવનભર પસ્તાવું પડતું હોય છે. અને આપણે પણ માપી શકીએ, રોજ સાંજે લખી શકીએ કે આજે પેલાએ મને આવું કહ્યું ત્યારે મેં શું કર્યું હતું..? મારો ચહેરો બદલાઈ ગયો હતો..? મારી આંખો પહોળી થઈ ગઈ હતી..? હું નારાજ થઈ ગયો હતો..? અને પછે લખે કે ના, મારે આજે આમ નહોતું કરવું જોઈતું..! તો પછી તમે બીજે દિવસે જોજો કે તમને કોઈ કાંઈક કહે અને ખોટું લાગે એવું હોય તો પણ તમે આમ હસતા રહીને એને સ્વીકારતા જાવ..! તમે જોજો ધીરે-ધીરે તમારી શરીરમાં એસિમિલેટ કરવાની એટલી બધી તાકાત વધતી જાય છે કે તમારા વ્યક્તિત્વને ખૂબ વિકસાવતી હોય છે..! અને ગુસ્સો એ સારી ચીજ નથી, એનાથી બચવું જ જોઈએ, પણ બચવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો પડે. કોઈ કહે કે હવે તમારે ગુસ્સો નહીં કરવાનો તો એ કાંઈ સ્વિચ નથી કે બંધ કરો એટલે લાઇટ બંધ થાય, એને માટે તમારે જાતને તૈયાર કરવી પડે અને પોતાનો અભ્યાસ કરવો પડે કે કઈ કઈ ચીજોમાં મારું મગજ ફટકે છે..! આપણને બહુ ભૂખ લાગી હોય, રીંગણનું શાક ભાવતું ના હોય, અને નિશાળથી થાક્યા-પાક્યા ઘરે ગયા હોઈએ અને સામે રીંગણનું શાક આવ્યું, એટલે મમ્મીનું આવી બન્યું..! પણ એ વખતે સહેજ પ્રેમથી બેસીને કહો કે મમ્મી, આજકાલ બીજું શાક નથી મળતું, નહીં..? આપણે કાલે પણ રીંગણ લાવ્યા’તા, આજે પણ રીંગણ લાવ્યા..! તો મમ્મીને પણ થાય કે આ દીકરાને ભાવતું નથી..! આવી સહજ રીતે જો કરીએને તો ચોક્કસપણે આપણામાં બદલાવ આવે..!

આપ આવતા વર્ષે વડાપ્રધાન થશો તો શું આપ એ વખતે અમારી સાથે વાર્તાલાપ કરવા આવશો?

ગાંધી વિશાલ મહેન્દ્રભાઈ - સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ, ગાંધીનગર

તું જ્યોતિષી છે..? તારા પપ્પા જ્યોતિષી છે..? શિક્ષક જ્યોતિષી છે..? તને જ્યોતિષ આવડતું લાગે છે..! સાચું કે, ખરેખર જ્યોતિષી છે..? નહીં ને..! પાક્કું..?

મિત્રો, જે લોકો બનવાનાં સપનાં જુવે છે ને, એમનું બધું બરબાદ થઈ જતું હોય છે..! ક્યારેય બનવાનાં સપનાં જોવાં જ ના જોઈએ..! અને હું વિદ્યાર્થી મિત્રો, ખાસ કહું છું કે બનવાનાં સપનાં ક્યારેય ના જુવો, કંઈક કરવાનાં સપનાં જુવો..! એનો જે આનંદ છે ને એ ગજબ હોય, એમાં સંતોષ હોય..! તમે નક્કી કરો કે મારે આજે દસ કિલોમીટર સાઇકલ ચલાવવી છે, અને દસ કિલોમીટર સાઇકલ ચલાવીને ઊતરો એટલે તમને થાક ના લાગે, આનંદ આવે કે વાહ, આજે મેં દસ કિલોમીટર સાઇકલ ચલાવી દીધી..! એનો આનંદ આવે. અને તેથી એક તો હું આવાં સપનાં જોતો નથી, મારે જોવાંયે નથી. હમણાં ગુજરાતની જનતાએ મને 2017 સુધી તમારી સેવા કરવાનું કામ સોંપ્યું છે, એ જ મારે કરવાની હોય, જી-જાનથી કરવાની હોય અને ખાલી પાંચમી સપ્ટેમ્બરે નહીં, વચ્ચે પણ તમે જો પ્રશ્નો પૂછો તો જવાબ આપવા જોઈએ..!

તમે તમારા ભાષણમાં વારંવાર ‘ઇન્ડિયા ફર્સ્ટ’ કહો છો, તો એનો અર્થ સમજાવો.

ગોર ઉર્વિલ તરૂણભાઈ - સર્વોદય હાઈસ્કુલ, મોડાસા તાલુકો, અરવલ્લી જિલ્લો

ભારતના નાગરિક તરીકે આપણે કંઈ પણ કરતા હોઈએ, તો એ સાચું કરું છું કે ખોટું કરું છું એનો માપદંડ શું..? હું મારા લાભ માટે કરું છું કે બીજાના લાભ માટે કરું છું, એનો માપદંડ શું..? અને એટલે મેં એમ કહ્યું કે આપણે કંઈ પણ કરતા હોઈએ ત્યારે એ મારા દેશનું ભલું કરનારી બાબત છે, તો સમજવાનું કે હું સાચું કરું છું..! આજે શું થઈ ગયું છે કે ભાઈ, હું આ કરું. કેમ..? તો કહે કે ચૂંટણી જીતી જવાય..! હું ફલાણું કરું તો ફલાણી જગ્યાએ મને મત મળી જાય..! હું ઢીકણું કરું તો ત્યાં મારા લોકો ખુશ થઈ જાય, ત્યાં કાકા-મામાના છોકરાને કંઈક મળી જાય, મારા ભાઈને કાંઈક મળી જાય..! આવું જ બધું બધે ચાલે છે અને એના કારણે આપણા દેશમાં લોકો ટુકડાઓમાં વિચારતા થઈ ગયા છે, જાતી-સંપ્રદાયમાં વિચાર કરતા થઈ ગયા છે, બિરાદરીમાં વિચાર કરતા થયા છે અથવા પોતાના જ કુટુંબનો વિચાર કરે છે..! આવી બધી વિકૃતિઓ એના કારણે આવી છે..! પણ એકવાર નક્કી કરીએ કે ભાઈ, મારે જે કાંઈ કરવું છે એ મારા દેશના હિત માટે કરવું છે, ‘ઇન્ડિયા ફર્સ્ટ’, ‘નેશન ફર્સ્ટ’, તો રમત રમતાં હોઈએ ને તો પણ વિચાર આવશે કે નહીં, મારે તો જબરજસ્ત મહેનત કરવી છે, ગોલ્ડ મેડલ લાવવો છે. કેમ..? ‘ઇન્ડિયા ફર્સ્ટ’..! મારે કોઈ નવું સંશોધન કરવું છે તો વિચાર આવે કે મારે આમાં તો રિસર્ચ કરવી જ છે, સોલાર ઍનર્જીમાં નવું કાંઈક કરવું છે મારે, રિસર્ચ કરવી છે. ભલે હું આજે નાનો વિદ્યાર્થી હોઈશ પણ હું મહેનત કરીશ, ‘ઇન્ડિયા ફર્સ્ટ’..! મારા દેશ માટે હું કાંઈ કરું..! મહાત્મા ગાંધી એમ કહેતા હતા કે તમે કોઈ પણ કામ કરો અને તમે દુવિધામાં હો કે મેં આ સાચું કર્યું કે ખોટું કર્યું..! તો એ એમ કહેતા કે તમે છેવાડાના માનવીને યાદ કરો, અને તમને લાગે કે તમારા આ કામથી એને લાભ થવાનો છે, તો ચિંતા કર્યા વિના તમે કરી જ નાખો, સાચું જ કામ હશે..! એમ આપણે પણ હું જે કરું એ મારા દેશની ભલાઈ માટે જ હશે, એમાં હું રોડ ઉપર કચરો ન નાખું, નિશાળમાં કાગળિયું ફાડીને ફેંકી નહીં દઉં તો હું માનું છું કે હું દેશનું કામ કરું છું..! નાની-નાની ચીજો છે અને આ નાની-નાની ચીજોથી પણ દેશની સેવા થઈ શકતી હોય છે..! આ સહજ સ્વભાવ કેમ બને આપણો..!

તમે જુવો, એક ઘટના મને બહુ પ્રેરક ઘટના લાગે છે. હું અમેરિકામાં એકવાર ઑલિમ્પિક રમત જોવા ગયેલો, ત્યારે અટલાન્ટામાં ઑલિમ્પિકનો સમારોહ હતો. ત્યારે તો હું કંઈ રાજકારણમાં હતો નહીં, એટલે મને બહુ તકલીફ હતી નહીં..! તો એ વખતે હું ગયેલો, ત્યારે મારા મનમાં વિચાર આવેલો, હું સ્વભાવે મૅનેજમૅન્ટ અને સંગઠનનો માણસ છું. તો કોઈ પણ મોટી ચીજ હોય તો તેની વ્યવસ્થા કેવી રીતે થાય છે, એનો બધો અભ્યાસ કરવાની મારી ઇચ્છા હતી. એટલે આવડો મોટો ઇવેન્ટ આ લોકો ઑર્ગેનાઇઝ કરે છે તો એનું આખું મૅનેજમૅન્ટ કેવું હોય છે, કેવી રીતે આ બધું કરતા હોય છે, આ મારી જાણવાની ઇચ્છા હતી. રમત-ગમતમાં પણ રસ હતો, જોવાનો, બાકી તો આપણા નસીબમાં કાંઈ રમવાનું આવ્યું નહીં અને આવ્યું તો બીજી જ રમત આવી ગઈ..! તો ત્યાં હું જોવા ગયેલો. એ જ વખતે ત્યાં આતંકવાદીઓ દ્વારા એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. મોટો ખાડો પડી ગયો હતો પણ કોઈને નુકસાન નહોતું થયું. એ જ વખતે એક ઈસ્ટ-વેસ્ટ અમેરિકન ઍરલાઇનમાં બૉમ્બ ફોડીને 350-400 પેસેન્જરોને મારી નાખ્યા હતા, એવું વાતાવરણ હતું..! એ વાતાવરણમાં હું ત્યાં ગયેલો, પણ કોઈ અકળામણ નહીં, કોઈ ઉચાટ નહીં, છાપાંઓમાં કાંઈ એવું બધું ભરેલું નહીં, ટીવી ચેનલો પર પણ બહુ ઓછું, બહુ ખાસ નહીં... ચારેબાજુ આવે શું..? ઑલિમ્પિકનું આવે, લોકોના ઉત્સાહનું આવે અને અમેરિકા વિલ વિન, આ જ વાતાવરણ હતું..! એ વખતે ઍથ્લેટ્સમાં એક દીકરીને રમતાં-રમતાં પગ મચકોડાઈ ગયો, ચાલુ રમતે..! અને હજુ એને ફાઇનલ જંપ લગાવવાનો બાકી હતો. એના પગે ભયંકર ઇન્જરી હતી, કોઈને પણ ખબર પડે એટલી બધી ઇન્જરી હતી, પણ એ દીકરીએ પોતાની પૂરી શક્તિ નિચોવી દીધી અને એણે વર્લ્ડ રેકર્ડ કર્યો, ગોલ્ડ મેડલ લઈ આવી..! 12-15 વર્ષની દીકરી હશે..! અને પછી મેં જોયું કે જેટલા દિવસ ઑલિમ્પિક ચાલી, એ દીકરીની જ વાત બધા કરે. યસ, અમેરિકા, હિયર ઇઝ ધ પ્રાઇડ..! આ અમારું ગૌરવ છે..! એ જ વાતાવરણ બની ગયું. એક દીકરીનું આ પરાક્રમ આખા ઑલિમ્પિકમાં અને આખા અમેરિકામાં જબરદસ્ત મોટી પ્રેરણાનું કારણ બની ગયું. કારણ..? ‘અમેરિકા ફર્સ્ટ’ એ એના સ્વભાવમાં ભરી દીધું છે..! અમેરિકા એટલે આગળ..! આ જે માનસિકતા બની છે એ સામાન્ય માનવીને પણ પ્રેરણા આપે છે. અને પેલી દીકરીનો જ્યારે ઇન્ટરવ્યૂ લીધો ત્યારે એણે કહ્યું કે મારા દેશને ગોલ્ડ મેડલ મળે એટલા માટે મને મારી પીડા ભુલાઈ ગઈ..! આ એનો જવાબ હતો..! અને પછી એને હોસ્પિટલ લઈ જવી પડી હતી, કારણકે રમતાં-રમતાં એને ખાસું વાગ્યું હતું..!

તો આ ભાવ હોવો જોઈએ અને એટલા માટે હું કહું છું કે આપણે પણ ‘ઇન્ડિયા ફર્સ્ટ’, એક જ આપણી ફિલૉસૉફી..! એટલા માટે મેં હમણાં પણ એક જગ્યાએ કહ્યું કે ભાઈ, સરકારનો એક જ ધર્મ, ‘ઇન્ડિયા ફર્સ્ટ’..! સરકારનો એક જ ધર્મગ્રંથ, ‘ભારતનું સંવિધાન’..! સરકારની એક જ ભક્તિ, ‘રાષ્ટ્ર ભક્તિ’..! સરકારની એક જ સેવા, ‘સવાસો કરોડ દેશવાસીઓની ભલાઈ’..! આ જ સરકારનો મંત્ર હોય..!

આપ મારા અને મારા એવા ગુજરાતના લાખો ભૂલકાંઓના રોલ-મૉડેલ છો, તેથી હું તમારી પાસેથી જાણવા માંગું છું કે બાળ દિવસ પછી તમારો તમારો જન્મદિવસ છે ત્યારે અમારે તમને શુભેચ્છા આપવી હોય તો કેવી રીતે અપાય?

ચૌધરી ધુવ - રૂપાવટી પ્રાથમિક શાળા, જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો

મિત્રો, સામાન્ય રીતે હું જન્મદિવસ ઊજવતો નથી..! નથી ઊજવતો એના કારણે કાંઈ બહુ મોટું જગત નથી જીતી લેતો, પણ મારું જે કૌટુંબિક બૅકગ્રાઉન્ડ છે, એમાં કાંઈ એ શક્યતા જ નહોતી અને એવી જીંદગી પણ નહોતી, સાવ સામાન્ય અવસ્થા હતી..! એ ટેવ ચાલુ રહી, અને પછી સાર્વજનિક જીવનમાં આવ્યો..! તો આ એક મારો જન્મદિવસ જ એવો હોય છે કે જે દિવસે હું કોઈ ફોન નથી ઉપાડતો..! એ દિવસે હું કોઈને મળતો નથી..! ક્યાંક સરકારી કાર્યક્રમ પહેલેથી બની ગયો હોય અને જવું પડ્યું હોય તો એવા અપવાદ છે, પણ બને ત્યાં તે દિવસે હું ફક્ત મારી જાતને મળવામાં જ ટાઇમ આપતો હોઉં છું, મારામાં ખોવાઈ જતો હોઉં છું..! એવી રીતે જીવવામાં મને એક આનંદ પણ આવે છે. પરંતુ શુભેચ્છા જરૂર મોકલી શકો અને શુભેચ્છામાં પણ એક શક્તિ હોય છે. આશીર્વાદમાં જેમ એક શક્તિ હોય છે, એમ શુભેચ્છામાં પણ એક શક્તિ હોય છે..! અને શુભેચ્છા ગમે જ..! તમે મને મારા ઇ-મેઇલ પર શુભેચ્છા મોકલી શકો, મને ફેસબુક પર મોકલી શકો, ટ્વિટર પર મોકલી શકો, પત્ર લખીને મોકલી શકો, જરૂર મોકલી શકો. અને મારા સરનામામાં બહુ પ્રૉબ્લેમ નથી, કશું સરનામું યાદ ના હોય ને તમે આટલું લખી દેશો ને તોયે પહોંચી જશે..! તો જરૂર મોકલી શકો, મિત્રો..!

તમે સવારે યોગાસન કરો છો, તો આપશ્રી યોગાસન કોની પાસેથી શિખ્યા?

વત્સલ ચૌધરી - શ્રી એમ. એલ. ભક્ત પ્રાથમિક શાળા, તાલુકો વાલોદ, જિલ્લો તાપી

મારી શાળામાં અને આમ તો મારા ગામમાં એક વ્યાયામશાળા હતી, અત્યારે તો ચાલે છે કે નહીં એ મને ખબર નથી, પણ સારી વ્યાયામશાળા હતી. અને એ વ્યાયામશાળામાં અમારા એક શિક્ષક હતા પરમાર સાહેબ, પછી તો હું એમને મળી શક્યો નથી ક્યારેય, પણ એમનું વતન કદાચ પાદરા હતું, એવું મોટું-મોટું યાદ છે, બચપણની ઘટના છે એટલે મને બહુ યાદ નથી, અને પછી હું એમને ક્યારેય મળી નથી શક્યો..! એ બહુ જ ઉત્સાહી શિક્ષક હતા. અને શનિવારે ઠંડી હોય તો વિવાદ ચાલે કે વિદ્યાર્થીઓ ચડ્ડી પહેરીને ઠંડીમાં આવે, તો એ પોતે ચડ્ડી પહેરીને નિશાળમાં આવતા, એટલે વિદ્યાર્થીઓ સાથે એ એટલા બધા ભળી ગયેલા. અને સવારે પાંચ વાગે રેગ્યુલર વ્યાયામશાળામાં આવે, તો હું પણ રેગ્યુલર પાંચ વાગે વ્યાયામશાળામાં જતો. વ્યાયામશાળામાં એ મલસ્તંભ શિખવાડતા. મલસ્તંભ જેણે કર્યો હશે એને ખબર હશે કે જેના શરીરમાં આસનો અને યોગની આદત હોય, એ મલસ્તંભમાં ખૂબ સફળ થાય, એટલે મલસ્તંભ શીખવો હોય તો યોગ પણ શીખવા પડે..! અને એના કારણે પરમાર સાહેબ પાસે હું શરૂઆતમાં... અને એ યોગ એટલે મુખ્યત્વે તો શરીરને વાળવું, એ જ પ્રયોગ રહેતા. કારણકે યોગની જે ઊંચાઈ છે એ બચપણમાં ખબર ના પડે આપણને..! પણ શરીર કેટલું વળે છે, શરીર પાસે કેટલું કામ લઈ શકાય... એમની પાસે હું શીખેલો, જે શાળાના અભ્યાસક્રમમાં પણ ચાલતું હતું. પછી મારી રુચી વધવા લાગી તો હું શીખવા માટે યોગા ઇન્સ્ટિટ્યૂટ્સમાં ગયેલો, મહિનાઓના મહિનાઓ રહીને મેં એના કોર્સિસ કરેલા, કારણકે મને એમાં રુચી હતી. આજે પણ હું રેગ્યુલર યોગ સાથે જોડાયેલો છું.

શરીર, મન અને બુદ્ધિ, ઘણીવાર આ ત્રણેય ત્રણ અલગ દિશામાં કામ કરતાં હોય છે..! આપણે અહીંયાં બેઠા હોઈએ પણ મગજ આપણા ગામની નિશાળમાં ફરતું હોય, બુદ્ધિ બીજો જ વિચાર કરતી હોય, અને શરીર ત્રીજી જગ્યાએ હોય..! યોગનો સૌથી મોટો લાભ આ છે કે આપણા શરીર, મન અને બુદ્ધિ ત્રણેયને એક સમયે એક જગ્યાએ જોડી રાખે છે. આ યોગ કરે છે..! આ યોગ શરીર માટે તો લાભકર્તા છે અને જીવન માટે ઔષધ છે..! અને યોગથી રોગમુક્તિ પણ થાય, અને યોગથી ભોગમુક્તિ પણ થાય..! તો આ ઉત્તમ ઔષધ છે, અને સસ્તામાં સસ્તું ઔષધ છે. એમાં કાંઈ બહુ ખર્ચો જ ના થાય. એક નાનકડી શેતરંજી હોય એટલે તમારું કામ થઈ જાય..! કોઈ મોટું જિમ ના જોઈએ, કે મશીનો ના જોઈએ, દોડવા માટેનું કાંઈ જોઈએ નહીં, કાંઈ જ નહીં..! તો કરવું જ જોઈએ અને હું તો વિદ્યાર્થી મિત્રોને કહીશ કે દિવસમાં બે કામ છોડીને પણ જો યોગ કરવાને પ્રાથમિકતા આપવી હોય તો આપવી જ જોઈએ, આપણા પોતાના સર્વાંગીણ વિકાસ માટે યોગ ખૂબ ઉપયોગી હોય છે..!

આપ જ્યારે નાના હતા ત્યારે આપને કઈ રમતમાં વિશેષ રુચી હતી?

શ્રીમાળી કૃણાલ - જી. એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, મહેસાણા

મેં પહેલાં પણ કહ્યું કે મારું બૅકગ્રાઉન્ડ એવું હતું કે જેમાં એવું બધું સૌભાગ્ય મને બહુ મળ્યું નહીં. કારણકે હું ભણતો પણ હતો, અને વચ્ચે-વચ્ચે રેલવેના ડબ્બામાં ચા વેચવા જતો હતો, અને એમાંથી જે કાંઈ આવક થાય એનાથી હું પરિવારને મદદરૂપ થતો હતો..! અને બચપણમાં ઘણોબધો સમય રેલવેના ડબ્બામાં ચા વેચવામાં જ મેં વિતાવેલો. તેથી પ્રાયોરિટિમાં રમતગમત બહુ ઓછી આવે, પણ સવારે પાંચ વાગે અનુકૂળતા હોવાના કારણે યોગમાં રુચી લીધી, મલસ્તંભમાં રુચી લીધી અને બીજું એક સહેલામાં સહેલું હતું, સ્વિમિંગ..! પણ સ્વિમિંગ એ મારા જીવનનો હિસ્સો હતો, કોઈ સ્પર્ધા કે રમતગમતના ભાગરૂપે નહોતું, કારણકે મારા ગામમાં મોટું તળાવ હતું, તો હું કલાકો સુધી સ્વિમિંગ કરતો, મને એમાં આનંદ આવતો. સ્પર્ધા બીજી તો ના હોય, પણ અમારા ગામમાં તળાવની વચ્ચે એક દેરી છે, તો દેરી પર ધ્વજ ફરકાવવાનો દિવસ આવે તો હું એમાં ખૂબ રસ લેતો, અને બરાબર સ્વિમિંગ કરીને પહોંચી જતો, ધ્વજ પહેલો ચડાવી આવતો..! તો એ અર્થમાં હતું, બાકી કોઈ રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવાનું તો નસીબમાં આવ્યું નહીં, ત્યારે કંઈ રુચી પણ રહી નહીં અને હવે તો મેં કહ્યું એમ બધું અશક્ય થઈ ગયું છે..!

તમારા કેટલાં ભાઈ-બહેનો છે? તમે નાના હતા ત્યારે તેમની સાથે ઝગડો થયો હતો?

ભાવિકા - વડગામ ગામી નવલ પ્રાથમિક શાળા, તાલુકો સંખેડા, જિલ્લો છોટા ઉદેપુર

સંખેડા શેના માટે ઓળખાય છે? સંખેડાની ઓળખ શું છે? આખી દુનિયામાં સંખેડાના ફર્નિચરનું મોટું નામ છે..! તમારા ગામ માટે ગૌરવ થાય એવી વાત છે અને સામાન્ય લોકોએ આ સંખેડાના ફર્નિચરનું કામ ઉપાડેલું અને આજે તો એની બહુ મોટી ઓળખ ઊભી થઈ ગઈ છે..!

મારાથી બે મોટા ભાઈ છે, બે નાના ભાઈ છે, એક નાની બહેન છે. મારો નંબર મધ્યમાં છે. ભાઈઓ-બહેનો હોય અને જો ઝગડો ના થાય ને તો એ મઝા જ ના આવે..! અને રોજ ઝગડો થાય એવું નહીં, દર કલાકે ઝગડો થાય. પણ એ ઝગડામાં વેરવૃત્તિ ના હોય, ભાવવૃત્તિ હોય, સૌથી મોટી બાબત આ છે..! ઇવન મા-બાપને પણ ઘરમાં બેઠા હોય અને બે ભાઈ-બહેન ઝગડો કરતાં હોય ને તો મા-બાપ જલદી ઊભાં થઈને છોડાવે નહીં કોઈ દિવસ, તમારા ઘરમાં જોજો..! મા-બાપને મઝા આવે કે વાહ, કેટલા પ્રેમથી લડે છે બેય જણા..! ભાઈ કહે કે નહીં, પહેલાં હું કરીશ અને બહેન કહે કે નહીં, પહેલાં તો હું જ કરીશ..! એમ લડતાં હોય અને મા-બાપ જોતાં હોય, વચ્ચે ના પડે. એટલા માટે નહીં કે એમનામાં વેરવૃત્તિ આવે છે, ભાવવૃત્તિ જનમતી હોય છે. પરિવારમાં બચપણના જે નાના-મોટા ઝગડા છે ને એ વેરવૃત્તિને એક પ્રકારે વિદાય આપતા હોય છે, ભાવવૃત્તિને જગાડતા હોય છે..! અને આ અર્થમાં બચપણમાં જો તમારે ભાઈઓ-બહેનો કે મિત્રો સાથે આવું બધું ના થયું હોય ને તો જીવન શુષ્ક રહી જાય, જીવન સાવ નકામું થઈ જાય..! અને તેથી હું પરિવારમાં રહ્યો બહુ ઓછો સમય, કારણકે બહાર નીકળી ગયેલો. અને બીજી મારી પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે બધા ભાઈઓ નાના હતા તો પણ કંઈકને કંઈક પ્રવૃત્તિ કરવી પડતી હતી. પણ આ સહજ બાબત છે, રિસાવું, ઝગડો કરવો, એકબીજાની વસ્તુઓ સંતાડી દેવી, આ બધું સહજ રીતે થાય અને રાહ જોતા હોઈએ કે બાપુજી આવશે એટલે એમને ફરિયાદ કરીશું, બા ને ફરિયાદ કરીશું, દાદીમા પાસે જઈએ, આ એક સહજ સ્વભાવ હતો અને એનો એક આનંદ હોય છે અને એ આનંદ મેં પણ બહુ મોજથી કરેલો છે..!

મેં તમને છાપાંમાં એક સરદારજીના વેશમાં જોયા હતા, તો શું તમે સાચે જ સરદારજી છો કે કોઈ નાટકનો એક ભાગ હતો?

હર્ષિલ દવે - સુમતિ સ્કૂલ, ઘાટલોડિયા, અમદાવાદ

એ ફોટો સાચો છે, પણ નાટકનો નથી અને મને કોઈ વેશભૂષાનો શોખ હતો એટલે પહેરતો હતો એવું પણ નથી. પણ જે નાનાં ભૂલકાંઓ છે એમને ખબર હશે કે 1975 માં જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધી હતાં, અને ઇંદિરા ગાંધીની ચૂંટણી કોર્ટે રદબાતલ કરી હતી, અલ્લાહબાદની કોર્ટે ચુકાદો આપ્યો હતો અને એમની ચૂંટણી રદબાતલ થઈ હતી. ચૂંટણી રદબાતલ થઈ એટલે એમણે પ્રધાનમંત્રીપદ છોડવું પડે એવી સ્થિતિ આવી ગઈ હતી..! બીજી બાજુ દેશભરમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં એક મોટું આંદોલન ચાલતું હતું. આપણા ગુજરાતમાં પણ જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નવનિર્માણનું આંદોલન ચલાવતા હતા, અને એ વખતની કોંગ્રેસની સરકાર હતી ચીમનભાઈ પટેલની, એણે જવું પડ્યું હતું. ભ્રષ્ટાચાર સામે એટલો બધો પ્રજાકીય આક્રોશ હતો કે એમણે જવું પડ્યું હતું..! આ આખા વાતાવરણમાંથી શ્રીમતી ઇંદિરા ગાંધી બચવા માટે મથામણ કરતાં હતાં. એટલે એમણે શું કર્યું કે આ દેશમાં આંતરિક કટોકટી લાવી દીધી, ઇમર્જન્સી લાવ્યા હતાં, અને દેશના બધાજ નેતાઓને જેલમાં પૂરી દીધા હતા. જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલબિહારી વાજપાઈ, જ્યોર્જ ફર્નાન્ડિસ, મધુ લિમયે, મધુ દંડવતે... બધા એ વખતના જેટલા સ્ટૉલવર્ટ લીડર હતા એ બધાને જેલમાં પૂરી દીધા..! બધાં છાપાંઓ ઉપર તાળાં મારી દીધાં હતાં..! ત્યારે ટીવી તો હતું નહીં, સોશિયલ મીડિયા નહોતું, મોબાઈલ ફોન નહોતા..! અને સેન્સરશિપ..! છાપાંવાળાઓ પણ એટલા બધા ગભરાઈ ગયેલા કે જે ઇંદિરા ગાંધી કહે એ જ છાપે, બીજું કાંઈ છાપે નહીં..! અને દેશ આખો 19 મહિના સુધી જેલખાનું થઈ ગયો હતો..!

એ વખતે હું આર.એસ.એસ. નું કામ કરતો હતો. અમારા ઘણાબધા આર.એસ.એસ. ના સરસંઘચાલકો વિ. ને જેલમાં પૂરી દીધેલા, અમને પણ જેલમાં પૂરવાના હતા. તો પોલીસ અમને શોધતી હતી, મારી પર એ વખતે વૉરંટ હતું અને પોલીસ ધરપકડ કરવા ઇચ્છતી હતી. હવે પોલીસ ધરપકડ કરે નહીં અને લોકશાહી હિંદુસ્તાનમાં પાછી આવે, લોકશાહી માટેની લડાઇ ખૂબ તીવ્ર બને, અને લોકશાહી પદ્ધતિથી તીવ્ર બને, તો જનજાગરણ ચાલે, સરકાર છાપાંઓ ઉપર તાળાં મારી દીધાં હતાં એટલે સાચા સમાચાર લોકોને પહોંચે, નાની-નાની મીટિંગોમાં લોકોને સમજાવવામાં આવે, જે લાખો લોકો જેલમાં હતા એમના કુટુંબીજનોની કાળજી, એવાં અનેકવિધ કામો હતાં..! તો એ વખતે એ બધાં કામ હું સંભાળતો હતો. અને એ બધાં કામો કેવાં હતાં એના પર મેં એક પુસ્તક પણ લખેલું છે, એ વખતે બહુ નાની ઉંમરમાં એ ચોપડી લખી હતી મેં, ‘સંઘર્ષમાં ગુજરાત’..! અત્યારે તમે ઇન્ટરનેટ પર જાવ તો ઇ-બુકના રૂપમાં તમે વાંચી શકો છો, ખરીદવાની જરૂર નથી, ગૂગલ ગુરુને પૂછશો તો પણ શોધી આપશે..! એટલે ઇન્ટરનેટ પર પણ એ ઇ-બુક રૂપે છે અને ગુજરાતીમાં પણ છે, હિન્દીમાં પણ છે, શાયદ મરાઠીમાં પણ છે..! એ વખતે પોલીસ મને ઓળખી ના જાય, પોલીસ પકડે નહીં, એટલા માટે દર ત્રણ-ચાર મહિને મારે વેશ બદલવા પડતા..! એ વખતે શરૂઆતમાં હું સાધુના વેશમાં રહેતો હતો, તો દાઢી-બાઢી તો હતી જ..! તો પછી અમારા એક મિત્રએ સૂચન કર્યું કે સાહેબ, તમે સરદારનાં કપડાં પહેરો તો..! તો એક સરદારજી પાઘડી-બાઘડી બાંધી આપતા હતા, તો હું સરદારનાં કપડાં પહેરીને ક્યાંય પણ પ્રવાસ કરતો હતો, તો પોલીસને લાગે જ નહીં કે આ નરેન્દ્ર મોદી હશે..! અને એના કારણે 19 મહિના સુધી પોલીસ મને પકડી શકી નહોતી, લોકશાહીના જાગરણ માટે હું સતત કામ કરતો રહ્યો હતો, અને મારા જીવન ઘડતરમાં એ સમયગાળાનો ખૂબ મોટો રોલ રહ્યો છે..! આ દેશના ખૂબ મોટા-મોટા લોકો જોડે મને કામ કરવાનો એ વખતે અવસર મળ્યો હતો. અને લોકશાહીનું મહાત્મ્ય શું છે, લોકશાહીની જીવનમાં શું આવશ્યકતા છે એની સાચી સમજણ એટલી નાની ઉંમરમાં મને આ દિવસોમાં મળી હતી..! તો એ જે સરદારનાં કપડાં છે, એ તે સમયના મારા કાર્યકાળનાં છે અને એક પ્રકારે એ સરદારનાં કપડાં લોકશાહીના સિપાઈ તરીકેની મારે યાદ છે અને મને એનું ગર્વ છે..!

તમને શહેરમાં રહેવું ગમે કે ગામડામાં? અને શા માટે?

ગોહિલ નેહલબા દીલુભા - પ્રાથમિક કન્યા શાળા, માંડવી તાલુકો, કચ્છ જિલ્લો

એ વાત સાચી છે કે ગામડાંમાં જીવનનો આનંદ અલગ હોય છે..! ગામડાંમાં એક ઓળખ હોય છે, શહેરમાં કોઈ ઓળખ નથી હોતી..! માનો કે શહેરમાં કોઈ છોકરો દસમા ધોરણમાં પહેલો નંબર લાવ્યો હોય તો એક કહેવાય કે અમદાવાદનો એક છોકરો પહેલો નંબર લાવ્યો..! પણ ગામડાંમાં કોઈ છોકરો પહેલો નંબર લાવ્યો હોય તો? અરે, આપણા પેલા મોહનભાઈના છોકરાનો છોકરો છે ને, એ પહેલો નંબર લાવ્યો..! આપણા પેલા રમીબેનના ભાઈના દીકરાનો પહેલો નંબર આવ્યો..! એક પોતાપણું હોય છે, ઓળખાણ હોય છે..! આની ખૂબ મોટી તાકાત હોય છે. અને તેથી હિંદુસ્તાનનો સાચો આત્મા ગામડાંમાં છે..! ગામડાંના જીવનમાં જીવનને અર્થ હોય છે, અર્થ જીવનમાં નથી હોતું..! શહેરમાં બધું જ, અર્થ એટલે રૂપિયા-પૈસા, એની આસપાસ ગૂંથાઈ જાય છે. તમે જુવો, ગામડાંમાં કોઈના ત્યાં મહેમાન આવે ને તો એ મહેમાન કોઈ એક ઘરે ના હોય, આખા ગામના મહેમાન હોય..! ફલાણા ભાઈ આવ્યા છે તો મારા ત્યાં ચા પીવા લેતા આવજો, અમારે ત્યાં જમવાનું રાખજો, આખું ગામ લઈ જાય..! ગામમાં જાન આવવાની હોય તો દરેકના ઘરે ખાટલા નાખ્યા હોય, દરેકના ઘરે સૂઈ જતા હોય..! શહેરમાં જાન આવે તો હોટેલો બૂક કરવી પડે..! આટલો મોટો ફરક છે..! આપણે ભલે શહેરમાં જન્મ્યા હોઈએ, ગામડાંને સમજવા માટે ગામડાંમાં જરૂર જવું જોઈએ. મોકો મળે તો એક-બે દિવસ પણ ગામડાંમાં જઈને રહેવું જોઈએ..! હું તો શહેરની શાળાઓના શિક્ષકોને કહું છું કે વર્ષમાં એકવાર દરેક શાળાના વિદ્યાર્થીઓને ગામડાંની કોઈ સ્કૂલમાં એક દિવસ વિતાવવા માટે લઈ જવા જોઈએ..! અને એ દિવસે ગામડાંની શાળાના બાળકો સાથે એના ઘરે જ શહેરનું બાળક જમવા જાય..! તમે જોજો, એ એટલો બધો ઊર્જાવાન, એટલો બધો સંવેદનશીલ થઈને આવશે કે તમે કલ્પના નહીં કરી હોય..! જેટલું તમે નિશાળમાં ભણાવી શકો, એના કરતાં વધારે સંવેદનાના પાઠ એ ગામડાંમાં જઈને શીખીને આવશે. એની એક અલગ મહેક છે..! ગામડાંનું ઝાડ..! મેં હમણાં એક કાર્યક્રમ કરેલો, ગામડાંમાં હું પૂછતો’તો કે ભાઈ, તમારા ગામનું વયોવૃદ્ધ ઝાડ કયું..? અને હું તો ઇચ્છું કે દરેક ગામડાંની શાળામાં ગામનું વયોવૃદ્ધ ઝાડ કયું એના ઉપર વક્તૃત્વ સ્પર્ધા કરવી જોઈએ, નિબંધ સ્પર્ધા કરવી જોઈએ.

તમને વરસાદમાં ભિંજાવું ગમે છે? નાના હતા ત્યારે વરસાદમાં રમતા હતા?

કિર્તી એસ. ભૂપાનેર - શિખર પ્રાથમિક શાળા, ડાંગ જિલ્લો

ડાંગવાળાને વરસાદ સ્વાભાવિક યાદ આવે..! ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે અને આ દીકરી ડાંગની છે એટલે એને તો વરસાદ બરાબર યાદ આવે..!

તમે જોયું હશે કે કોઈ નાનું ભૂલકું પણ હોયને, પાણી એને ગમે જ..! ઇવન ઘરમાં પણ નાનું ટાબરિયું હશે ને તો પાણીમાં છબછબિયાં કર્યા કરે, એ કુદરતી વ્યવસ્થા છે. આપણે જે પંચમહાભૂતના બનેલા છીએ ને, એમાં એક જળ છે. કુદરતી રીતે જ શરીરની રચના એવી છે, કે જે પંચમહાભૂતથી આપણું બૉડી બનેલું છે, એ પંચમહાભૂતનો સ્પર્શ આપણને હંમેશાં એક નવી ઊર્જા આપતો હોય છે. દા.ત. તમે ઘણીવાર ઘરે આવોને તો મન થાય કે બધી બારીઓ ખોલી નાખો, કેમકે પેલાં પંચમહાભૂતોમાંનું એક તત્ત્વ હવા પણ છે..! તમે ઘણીવાર સહેજ આમ લૉબીમાં જઈને આકાશને જોતા હશો. તમે જોયું હશે કે આપણે આ બધું બહુ સહજ કરતા હોઈએ છીએ, પણ આની પાછળ મોટું વિજ્ઞાન રહેલું છે. જે પંચતત્ત્વથી શરીર બનેલું છે, એ પંચતત્ત્વનો જ્યારે જ્યારે સ્પર્શ થાય, જ્યારે જ્યારે એની નિકટ આવીએ ત્યારે આપણને એક અલગ ઊર્જા મળતી હોય છે, અલગ ચેતના મળતી હોય છે અને શરીરનાં ચેતનાતંત્ર જાગૃત થતાં હોય છે..! પાણી પણ એમાંથી એક છે. તમે ખૂબ થાકેલા હો અને દુનિયાનું ગમેતેવી મોટી કંપનીએ બનાવેલું સ્પ્રે લાવીને આમ છાંટોને તોયે થાક ના ઊતરે..! પણ સહેજ મોં ધોઈ નાખો, તો કેવા ફ્રૅશ થઈ જાવ છો..! પાણીની આ તાકાત છે..! પંચમહાભૂતના પાંચેય તત્વોની આ તાકાત છે..! અને જેટલો એ તત્વોની સાથેનો નાતો રહે, એટલી જીવનની ઊર્જા સતત રહેતી હોય છે..! પાણી એમાં એક અદકેરું છે, સ્વાભાવિક છે કે વરસાદમાં ભિંજાવું ગમે, દરેકને ગમે. અને મારા જીવનની એક બહુ મજેદાર ઘટના છે. અહીંયાં જનસંઘના એક બહુ મોટા નેતા હતા, વસંતભાઈ ગજેન્દ્રગડકર. લૉ કૉલેજમાં પ્રોફેસર હતા. અને શરીરમાં બહુ બધી બિમારીઓ હતી, બહુ નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ ગયેલ, હાર્ટના પેશન્ટ હતા, પણ એમને વરસાદમાં ખૂબ ગમે..! તો એકવાર એમના ઘરે હું ગયો હતો ને એકદમ જોરદાર વરસાદ આવ્યો. મારે એમના ત્યાં જમવા જવાનું હતું એટલે હું એમના ત્યાં ગયેલો..! તો મને કહે કે નરેન્દ્રભાઈ, વરસાદ આવ્યો છે, ચાલો આપણે સ્કૂટર પર જઈએ..! તો મેં કહ્યું કે આ વરસાદમાં સ્કૂટર પર ક્યાં જવું છે? તો કહે કે ચાલ તો ખરો..! તો એમણે મને એમના સ્કૂટર પર બેસાડ્યો, અને એ વખતે વરસાદ ખાસ્સો આવ્યો હતો. જેટલો સમય વરસાદ ચાલુ રહ્યો, એ વરસાદમાં સ્કૂટર લઈને ફર્યા જ કરે અને હું પાછળ બેસેલો..! અને મને બરાબર યાદ છે કે એ દિવસે હું ખાસ્સો માંદો પડેલો..! પણ અમારા એ વસંતભાઈને એવો આનંદ હતો કે મેં એમની સાથે બરાબર આ મઝા લીધેલી છે અને આજે પણ વરસાદ ગમે..! તમે પૂરા ના નહાઈ શકતા હો, તો પણ એમ થાય કે બારી ખોલીને આમ હાથ લાંબો કરીએ..! વરસાદ ઝીલવાનું મન થતું હોય છે..! આ સહજ હોય છે, એ મને પણ ગમે, આજે પણ ગમે..!

મારા જીવનમાં વરસાદની બીજી એક વિશેષતા હતી. અમારે ત્યાં વરસાદ પડેને તો મારા પિતાજી બધા સગાંવહાલાંને પત્ર લખે કે આ વખતે વરસાદ સારો થયો છે..! ત્યારે મને એમ થતું કે આ બાપુજી શું કામ આટલો ખર્ચો કરે છે? ત્યારે તો પોસ્ટકાર્ડ બહુ મોંઘું નહોતું, 5 પૈસાનું કદાચ આવતું હતું, પણ પોસ્ટકાર્ડ લખે. વરસાદના સમાચાર સ્વજનોને આપવામાં એમને એટલો બધો આનંદ આવતો હતો..! પણ હું જ્યારે સરકારમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે આ વરસાદ કેટલો મહત્વનો છે. આ વરસાદ ખેંચાય તો શ્વાસ અધ્ધર થઈ જાય છે..! એક ખેડૂત જેટલો ઊંચોનીચો થાય એના કરતાં વધારે હું પરેશાન થઈ જઉં..! હમણાં સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાણો, તો આપણને ચિંતા થાય કે ભાઈ, જલદી આવે તો સારું કારણકે જીવન એની ઉપર હોય છે..! તો વરસાદનું જીવનમાં ઘણું મહત્વ છે..!

તમારે આખો દિવસ સિક્યુરિટી સાથે ફરવું પડે છે, તો તમને આનો કંટાળો નથી આવતો?

સાહિલ પ્રવીણસિંહ રાઠોડ - સર્વોદય કુમાર પ્રાથમિક શાળા, તા.જી. આણંદ

બિલકુલ મારા મનની વાત કરી, દોસ્ત તેં..! એટલું કંટાળાજનક જીવન હોય છે, કે જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે..! તમારી સંપૂર્ણ સ્વતંત્રતા ખતમ થઈ જાય..! ઘરની બહાર પગ મૂક્યો નથી કે એમણે ઘેરો ઘાલ્યો નથી..! અને આ સિક્યુરિટી તો પાછી મને ભારત સરકારે લગાવી છે..! અને જે લોકો સિક્યુરિટી કરે છે એમને જોઈને પણ આપણને ઘણીવાર દયા આવે..! કારણકે એક તો હું વર્કોહૉલિક, સવારથી નીકળી પડું તો સાંજ સુધી એમને બિચારાને ઊભાને ઊભા રહેવું પડે..! મારા કરતાં મને તો એમનું ટૅન્શન થાય છે..! તો માનવીય રીતે પણ મને ઘણીવાર થાય કે આ આપણો દેશ..? આ દશા..? મનમાં અતિશય પીડા થાય..! મંદિરોમાંય સુરક્ષા, તમે વિચાર કરો, ભગવાન માટે પણ કરવું પડે, એવી દશા આવી ગઈ છે..! અને એનું કારણ, આતંકવાદ..! આતંકવાદે આ દેશને તબાહ કરી દીધો છે..! અસુરક્ષાનું વાતાવરણ બની ગયું છે..! એક માનવ તરીકે એ અવસ્થા બહુ જ કષ્ટદાયક હોય છે..! ઘણીવાર લોકો કહે ને કે બુલેટપ્રૂફ કાર, આ બુલેટપ્રૂફ કાર હોય છે ને એ કમ્ફર્ટપ્રૂફ હોય છે..! એમાં એક કલાક ટ્રાવેલ કરવું એટલે કમરના ટેભા તૂટી જતા હોય, એવી ગાડી હોય છે..! પણ હવે શું કરો, પ્રોફેશનલ હૅઝાર્ડ છે, કોઈ છૂટકો નથી..! પણ દોસ્ત, તારી લાગણી માટે આભાર..!

આપણે આટલા બધા દેવી-દેવતાઓ કેમ છે અને તમે કોની પૂજા કરો છો?

વાઘેલા સોનલબા રાણુભા - કેન્દ્ર શાળા, સમી તાલુકો, પાટણ જિલ્લો

આપણે ત્યાં 33 કરોડ દેવીદેવતાની કલ્પના છે..! હકીકતે આપણા શાસ્ત્રમાં પ્રત્યેક જીવમાં શિવ જોવાની પરંપરા છે અને આપણે એવા લોકો છીએ કે જેમાં, હિંદુસ્તાનની આખી વિશેષતા આ છે કે એનું પોતાનું કોઈ એક ધર્મ-પુસ્તક નથી, એની પોતાની કોઈ એક પૂજા-પદ્ધતિ નથી, એની પોતાના કોઈ એક પરમાત્મા નથી..! આપણે ત્યાં ઈશ્વરમાં માનનારો વર્ગ પણ છે અને ઈશ્વરમાં નહીં માનનારો વર્ગ પણ છે..! આપણે ત્યાં મૂર્તિપૂજામાં માનનારો વર્ગ પણ છે અને મૂર્તિપૂજાનો વિરોધ કરનારો પણ વર્ગ છે..! આપણે ત્યાં પ્રકૃતિની પૂજા કરનારો પણ વર્ગ છે, સાકારની પૂજા કરનાર પણ છે, નિરાકારની પૂજા કરનાર વર્ગ પણ છે. એટલી બધી વિવિધતાઓથી વૈજ્ઞાનિક રીતે વિકસેલો આપણો સમાજ છે કે જે કોઈ એક ખૂંટે બંધાયેલો નથી. દરેકને પોતાનો મત-વિચાર વ્યક્ત કરવાની આપણે ત્યાં છૂટ છે અને એ આપણી બ્યુટી છે..! અને આપણે ત્યાં ભક્ત એવો ભગવાન..! જો ભક્ત પહેલવાન હોય તો એનો ભગવાન હનુમાન હોય..! અખાડાબાજ હોય તો એ હનુમાનજીની જ પૂજા કરતો હોય, એને બીજું કાંઈ સૂઝે જ નહીં, કારણકે એને એમાં જ દેખાય..! અને ભક્ત લક્ષ્મીનો પૂજારી હોય તો લક્ષ્મીજીની સેવા કર્યા કરતો હોય..! રૂપિયા ગણતો હોય..! ભક્ત વિદ્યાનો ઉપાસક હોય, તો સરસ્વતીની પૂજા કરતો હોય..! ભક્ત એવો ભગવાન, એ આપણે ત્યાં કલ્પના છે..! જ્યાં સુધી મારો સવાલ છે, હું શિવ અને શક્તિ બન્નેનો ઉપાસક રહ્યો છું, નવરાત્રી વિ. માં શક્તિની ઉપાસના સવિશેષ કરતો હોઉં છું. શિવજી, ભોલેરાજા અને એના કારણે શિવનાં જેટલાં પણ ધામ હશે, ચાહે કૈલાસ-માન સરોવર, એ જમાનામાં કૈલાસ-માન સરોવર નવું-નવું શરૂ થયું હતું, તો કૈલાસ-માન સરોવરની યાત્રાએ એ જમાનામાં ગયો હતો હું..! એવરેસ્ટની ઊંચાઈ છે 29,000 ફીટ, કૈલાસ છે 24,000 ફીટ..! તો જે દિવસોમાં હું રઝળપાટ કરતો ત્યારે જવાનું થયેલું..! તો શિવ અને શક્તિ બન્નેમાં મને રુચી રહેતી હોય છે, પણ હું કર્મકાંડ જેને કહે કે રિચ્યુઅલ્સ કહે, એ બધી ચીજોને વરેલો નથી, એ બધાથી થોડો દૂર છું. પણ મારી શ્રદ્ધા છે અને મારો આજે પણ મત છે કે કોઈ ઈશ્વરીય શક્તિ છે, કોઈ ઈશ્વરીય આશીર્વાદ છે જેના કારણે એક સામાન્ય જીવનમાંથી આજે સામાન્યમાં સામાન્ય માનવીની સેવા કરવાની ઈશ્વરે મને તક આપી છે..!

આપણા દેશમાંથી ગરીબી હટાવવા માટે શું કરવું જોઈએ?

એમ. સી. મોદી સ્કૂલ, દેવગઢબારીયા, દાહોદ જિલ્લો

ગરીબી સામે લડવા માટેનું ઉત્તમમાં ઉત્તમ કોઈ હથિયાર હોય તો એ શિક્ષણ છે..! એકવાર કુટુંબમાં જો શિક્ષણ આવ્યું, એકાદ વ્યક્તિ પણ શિક્ષણની પગદંડી પર જો ચાલી પડ્યો તો એ ગરીબ કુટુંબ એ જ પેઢીમાં ગરીબીમાંથી બહાર આવી જાય..! અને આપણા બધાની કોશિશ એવી હોવી જોઈએ કે આપણા ગામનું ગરીબમાં ગરીબ બાળક હોય, આપણા ખેતરમાં કામ કરનારા મજદૂરોનાં બાળકો હોય, આપણા ઘરે ટ્રેક્ટર કોઈ ચલાવતું હોય અને એનું કોઈ બાળક હોય તો આપણે એને પૂછવું જોઈએ કે અરે, તું ભણે છે? ચાલ, હું તને ભણાવીશ..! નાનાં-નાનાં બાળકો પણ જો આ કામ કરે ને તો પણ એક મોટી જાગૃતિનું કામ થઈ શકે..!

બીજી બાબત છે, એક જાગૃતની જરૂર છે..! જેમ આપણે અમુક ઉંમર થાય એટલે મમ્મી-પપ્પા પાસે કહીએ કે મને આ આપજો, પેલું આપજો, ફલાણું મળવું જોઈએ, મિત્રો જોડે જવું તો જરા આમ... એવી ઇચ્છા થતી હોય છે..! એવી તાલાવેલી 18 વર્ષના થઈએ ત્યારે મતાધિકાર મેળવવાની હોવી જોઈએ..! આ દેશ પાસેથી મળનારી એ મોટામાં મોટી ગિફ્ટ છે..! ભારતના બંધારણે આપણને, બાબાસાહેબ આંબેડકરે ઉત્તમમાં ઉત્તમ નજરાણું આપણને આપેલ છે. 18 વર્ષના થઈએ એટલે એ ગિફ્ટ આપણા હાથમાં આવે..! આપણને તાલાવેલી હોવી જોઈએ કે હું ક્યારે 18 નો થઉં અને પહેલાં જ મારી આ ગિફ્ટ લઈ આવું..! આ વાતાવરણ ગામોગામ સતત બનવું જોઈએ. લોકશાહીમાં એક મોટી તાકાત હોય છે અને એ તાકાત જ આખરે આપણું ભવિષ્ય નક્કી કરતી હોય છે. એમાં આપણી ભાગીદારી જેટલી વધે, વિદ્યાર્થી તરીકે, 18 વર્ષ પૂરાં કરેલ મતદાર તરીકે, તો આ બધી જ નિર્ણય પ્રક્રિયાઓ પણ ગરીબીમાંથી આ દેશને મુક્ત કરવા માટેની એક દિશા નિર્ધારિત કરતી હોય છે..! અને તેથી જીવનમાં અનેક ચીજો પામવાની અમુક ઉંમરે ઇચ્છા થતી હોય છે, એમ મતાધિકાર પામવાની એક ઉત્કટ ઇચ્છા હોવી જોઈએ. આ મોટું નજરાણું છે..! મતાધિકાર મળે એટલે મિત્રોને કહેવું જોઈએ કે જુવો, હું મતદાર થઈ ગયો, ભારતની સરકાર બનાવવાનો મને હક મળી ગયો છે..! આ એક મિજાજ જે પેદા થવો જોઈએ ને, એ મિજાજ પેદા કરવો જોઈએ..! એક વિદ્યાર્થી તરીકે આ કામ આપણે બહુ આસાનીથી કરી શકતા હોઈએ છીએ..!

ચાલો મિત્રો, મને ખૂબ આનંદ આવી ગયો. આ બધાં નાનાં-નાનાં ભૂલકાંઓ મને મારા ભૂતકાળમાં લઈ ગયા. મને લાગણીસભર દ્રશ્યો સાથે જોડી દીધો..! ગુજરાતભરના વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમનું જીવન ખૂબ ઉત્તમ બને એવી લાગણી વ્યક્ત કરું છું..!

Explore More
140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day

Popular Speeches

140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day
RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'

Media Coverage

RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
English translation of India's National Statement at the 21st ASEAN-India Summit delivered by Prime Minister Narendra Modi
October 10, 2024

Your Majesty,

Excellencies,

Thank you all for your valuable insights and suggestions. We are committed to strengthening the Comprehensive Strategic Partnership between India and ASEAN. I am confident that together we will continue to strive for human welfare, regional peace, stability, and prosperity.

We will continue to take steps to enhance not only physical connectivity but also economic, digital, cultural, and spiritual ties.

Friends,

In the context of this year's ASEAN Summit theme, "Enhancing Connectivity and Resilience,” I would like to share a few thoughts.

Today is the tenth day of the tenth month, so I would like to share ten suggestions.

First, to promote tourism between us, we could declare 2025 as the "ASEAN-India Year of Tourism.” For this initiative, India will commit USD 5 million.

Second, to commemorate a decade of India’s Act East Policy, we could organise a variety of events between India and ASEAN countries. By connecting our artists, youth, entrepreneurs, and think tanks etc., we can include initiatives such as a Music Festival, Youth Summit, Hackathon, and Start-up Festival as part of this celebration.

Third, under the "India-ASEAN Science and Technology Fund," we could hold an annual Women Scientists’ Conclave.

Fourth, the number of Masters scholarships for students from ASEAN countries at the newly established Nalanda University will be increased twofold. Additionally, a new scholarship scheme for ASEAN students at India’s agricultural universities will also be launched starting this year.

Fifth, the review of the "ASEAN-India Trade in Goods Agreement” should be completed by 2025. This will strengthen our economic relations and will help in creating a secure, resilient and reliable supply chain.

Sixth, for disaster resilience, USD 5 million will be allocated from the "ASEAN-India Fund." India’s National Disaster Management Authority and the ASEAN Humanitarian Assistance Centre can work together in this area.

Seventh, to ensure Health Resilience, the ASEAN-India Health Ministers Meeting can be institutionalised. Furthermore, we invite two experts from each ASEAN country to attend India’s Annual National Cancer Grid ‘Vishwam Conference.’

Eighth, for digital and cyber resilience, a cyber policy dialogue between India and ASEAN can be institutionalised.

Ninth, to promote a Green Future, I propose organising workshops on green hydrogen involving experts from India and ASEAN countries.

And tenth, for climate resilience, I urge all of you to join our campaign, " Ek Ped Maa Ke Naam” (Plant for Mother).

I am confident that my ten ideas will gain your support. And our teams will collaborate to implement them.

Thank you very much.