ભારત માતા કી જય...!!
મંચ પર ઉપસ્થિત પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી, મારા સાથી ભાઈ શ્રી નવજોત, મંત્રીમંડળના સાથીઓ, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કૉર્પોરેશનના સૌ પદાધિકારીઓ, રમત-ગમત ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારનાર સૌ રમતવીરો અને સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતી નિમિત્તે જોમ અને જુસ્સાથી ભરેલ સૌ વ્હાલા નવજુવાન મિત્રો...
આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી છે. 20મી સદીમાં આ દેશમાં ત્રણ ચિંતનધારાઓ ચાલી. એક ચિંતનધારા મહાત્મા ગાંધીની, બીજી ચિંતનધારા રામમનોહર લોહિયાની અને ત્રીજી ચિંતનધારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની. અને ત્રણેય ચિંતનધારાઓનો એક જ નિષ્કર્ષ નીકળતો હતો કે છેવાડાના માનવીની સેવા, ‘દરિદ્ર દેવો ભવ:’, દરિદ્રનારાયણની સેવા..! અને આજે જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતી ઊજવી રહ્યા છીએ ત્યારે સ્વામી વિવેકાનંદે પણ દરિદ્રનારાયણની સેવા માટેની વાત કરી હતી અને આખા રામકૃષ્ણ મિશનની રચના શોષિત, પીડિત, વંચિતના કલ્યાણને માટે કરી હતી. સ્વામી વિવેકાનંદજીના સ્મરણ સાથે હું મારી વાતને આગળ વધારવા માગું છું. મિત્રો, મારું સૌભાગ્ય રહ્યું છે કે નાની ઉંમરમાં રામકૃષ્ણ મિશનના પરમ સાનિધ્યમાં રહ્યો. આજે રામકૃષ્ણ મિશનના જે વડા છે, પૂજ્ય આત્મસ્થાનંદજી, એમના ચરણોમાં બેસીને મને મારા યુવાનીકાળમાં શિક્ષા-દિક્ષાના સંસ્કાર મળ્યા હતા. તો એક પ્રકારે હું આ પરંપરામાં ઉછરેલો માનવી છું. સ્વામી વિવેકાનંજીએ જે કેટલીક આગાહીઓ કરી હતી એ આગાહીઓને સમજવાની આવશ્યકતા છે. પોતાના માટે એમણે એક લેખ લખ્યો હતો અને લેખમાં લખ્યું હતું કે હું ચાલીસમા વર્ષે દેહત્યાગ કરીને અનંતયાત્રા પર ચાલ્યો જઈશ. ચાલીસ વર્ષની ઉંમર પહેલાંનો આ નવજુવાન સંન્યાસી, આવું તેજસ્વી વ્યક્તિત્વ, જેના નખમાં પણ રોગ ન હોય એ એમ કહે કે હું ચાલીસ વર્ષે વિદાય લઈશ, તો કોઈને પણ ગળે ઊતરે એવી વાત નહોતી. પરંતુ એ હકીકત બની કે ઠીક ચાલીસ વર્ષે સ્વામી વિવેકાનંદ આ જગતને છોડીને, દેહત્યાગ કરીને અનંતની યાત્રા પર વિદાય થયા. સ્વામી વિવેકાનંદે બીજી વાત કરી હતી, 1897 માં. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ પછી જ્યારે હિંદુસ્તાન પાછા આવ્યા, મદ્રાસના બંદરે ઊતર્યા, અને મદ્રાસના બંદરે ઊતર્યા ત્યારે ત્યાંના એક સન્માન સમારંભમાં સ્વામીજીને બોલવાનો અવસર મળ્યો. વિશ્વભ્રમણ કરીને આવ્યા હતા, અમેરિકામાં ડંકો વગાડીને આવ્યા હતા, આખા વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિનો સ્વીકાર કરવો પડે એવો તેજપૂંજ પાથરીને આવ્યા હતા, એ વિવેકાનંદજીએ મદ્રાસની ધરતી પર 1897 માં કહ્યું હતું કે મારા દેશવાસીઓ તમારા બધા જ ઈશ્વરોને, તમારા બધા જ દેવી-દેવતાઓને, તમારા બધા જ ભગવાનોને 50 વર્ષ માટે સૂવાડી દો, એ બધું ભૂલી જાવ. 50 વર્ષ માટે એકમાત્ર દેવીને યાદ રાખો, એકમાત્ર માતાને યાદ રાખો, એકમાત્ર અનુષ્ઠાન કરો, એકમાત્ર ઉપાસના કરો, એ ફક્ત અને ફક્ત ભારતમાતાની કરો, બાકી બધા તમારા ઈષ્ટદેવતાઓને ભૂલી જાવ, આવું સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. 1897 માં સ્વામી વિવેકાનંદ આ આગાહી કરે, 50 વર્ષનો ટાઈમ બતાવે, અને ઠીક 50 વર્ષ પછી 1947 માં આ ભારત આઝાદ થાય..! આ ઘટના શું બતાવે છે? ‘હું ચાલીસ વર્ષ પછી અનંતયાત્રાએ જઈશ’ એમ કહેનાર સ્વામી વિવેકાનંદ ચાલીસ વર્ષે વિદાય લઈ લે., ‘પચાસ વર્ષ ભારતમાતાને યાદ કરો’ અને પચાસમા વર્ષે ભારત સ્વતંત્ર થાય, એનો અર્થ એ કે આ મહાપુરૂષની દિવ્યવાણીમાં કોઈક શક્તિ રહેલી છે. એમણે ત્રીજી દિવ્યવાણી કરી હતી અને એમણે કહ્યું હતું કે ‘હું મારી નજર સામે જોઉં છું કે મારી ભારતમાતા જગદગુરૂના સ્થાને બિરાજમાન થશે, આ મારી ભારતમાતા વિશ્વગુરૂ બનશે, મારી ભારતમાતા સમગ્ર જગતનું સુકાન સંભાળશે’ આ શબ્દો સ્વામી વિવેકાનંદે કહ્યા હતા. પણ આજે દેશની દશા જોઇએ ત્યારે પ્રશ્ન ઊઠે છે કે સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી તો ખોટી પડે નહીં, ક્યાંક જો ખૂટે છે તો આપણામાં ખૂટે છે. આ દેશમાં કંઈક અવળો રસ્તો પકડાઈ ગયો છે એના કારણે વિવેકાનંદજીની દિવ્યવાણી આજે આપણે સિદ્ધ કરી શકતા નથી. ભાઈઓ-બહેનો, સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતી ઊજવાઈ રહી છે ત્યારે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આ જન્મ દિવસે એકત્ર થયા છીએ ત્યારે, પ્રત્યેક યુવાન સંકલ્પ કરે કે ભારતમાતાના એ જગદગુરૂ બનવાના સપનાને સ્વામી વિવેકાનંદે જોયું હતું એ સપનું સાકાર કરવા માટે આ દેશની યુવાપેઢી તૈયાર થાય, આ દેશની યુવાપેઢી આગળ આવે.
ભાઈઓ-બહેનો, કમનસીબે દેશ પાસે નેતૃત્વ જ નથી. આજે તો હિંદુસ્તાનની દશા એવી છે કે ન તો નીતિ છે, ન નેતા છે કે ન તો નિયત છે..! આ ત્રણેય પ્રકારની ખોટ જ્યાં હોય એ દેશ પ્રગતિ ન કરી શકે. ભારતનું કમનસીબ જુઓ, ભારતના પ્રધાનમંત્રી આ દેશની જનતાને સંબોધન કરવા માટે આવે, રાષ્ટ્રજોગ સંબોધન હોય ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન હોય. એમના એક એક શબ્દ દેશને માટે પ્રેરણા હોય, પરંતુ કમનસીબી જુઓ કે પ્રધાનમંત્રી બોલવાનું પૂરું કરે એ પહેલાં જ એમના એકે એક શબ્દના લોકોએ લીરેલીરા ઊડાડી દીધા. આનાથી વધારે ભારતનું કમનસીબ કયું હોય, મિત્રો? અને પ્રધાનમંત્રી એમ કહે કે ‘પૈસા ઝાડ ઉપર ઊગતા નથી’..! આ તમારે માટે સમાચાર હતા, ભાઈ? તમે બધા મિત્રો તમારી કોલેજમાં એક ઠરાવ પસાર કરો અને ઠરાવ પસાર કરીને પ્રધાનમંત્રીને મોકલો કે આપે અમારું જ્ઞાનવર્ધન કર્યું એ બદલ આભાર. પ્રધાનમંત્રીજી, તમને લાગતું હશે કે ‘પૈસા ઝાડ ઉપર ઊગતા નથી’ પણ દેશને બરાબર ખબર પડે છે કે ‘ઝાડમાંથી કોયલો તૈયાર થાય છે અને તમે કોયલામાંથી રૂપિયા બનાવો છો’. ભાઈઓ-બહેનો, કેવું દુર્ભાગ્ય છે, દેશનું કેવું દુર્ભાગ્ય છે..! આપણા ત્યાં ઘરની બહાર કોલસાનો થેલો પડ્યો હોય ને તો કોઈ ગરીબ ભિખારી પણ હાથ ન લગાવે, આ દિલ્હીની સરકાર બે લાખ કરોડનો કોયલો હજમ કરી ગઈ, બે લાખ કરોડ..! ભાઈઓ-બહેનો, નૈતિકતાનું અધ:પતન આ દેશ માટે સૌથી મોટો પડકાર છે, આ દેશ માટે મોટામાં મોટું સંકટ છે. આ દેશની યુવા પેઢીને દિશા કોણ આપશે? આ દિશા આપનાર વ્યક્તિત્વ ક્યાંથી મળશે? અને ત્યારે વારંવાર સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરવાની આવશ્યકતા ઊભી થાય છે.
ભાઈઓ-બહેનો, હમણાં નવજોતજી પૂછતા હતા તમને, એક કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી. મિત્રો, આપ વિચાર કરો કે જો ગુજરાતને આપણે વિકાસના રસ્તા પર ન લઈ ગયા હોત તો ગુજરાતના નવજુવાનો ક્યાં હોત? રોજીરોટી કમાવવા માટે હિંદુસ્તાનના શહેરોમાં ભટકતો ફરતો હોત, કલકત્તાની ચાલીઓમાં રહેવું પડતું હોત, મુંબઈની અંદર ફૂટપાથ પર ગુજારો કરીને રોજીરોટી માટે વલખાં મારવાં પડતાં હોત. તમે હિંદુસ્તાનના કોઈપણ ખૂણામાં જાવ, કોઈ ગુજરાતીને ત્યાં રોજીરોટી કમાવા માટે જવું પડ્યું હોય એવી ઘટના જવલ્લે જ જોવા મળે, મિત્રો. આપણા માટે આ ગર્વની બાબત છે. અને આજે ગુજરાતનો કોઈપણ જિલ્લો એવો નથી કે હિંદુસ્તાનના કોઈ જિલ્લાનો વ્યક્તિ ત્યાં રોજીરોટી કમાવા માટે પોતાનું વતન છોડીને આવ્યો ન હોય. મિત્રો, આ નાનીસૂની સિદ્ધિ નથી. ભારતના ખૂણાનો કોઈપણ નાગરિક જ્યારે બધી જ આશાઓ છૂટી જાય, રોજીરોટી માટે બધા જ અવસરો સમાપ્ત થઈ જાય, ત્યારે આજે હિંદુસ્તાનના દરેક ખૂણામાં એકમાત્ર આશાનું કિરણ હોય તો એ ગુજરાત હોય છે, એ રોજીરોટી કમાવા માટે ગુજરાત આવે છે. ભાઈઓ-બહેનો, ગુજરાતને બદનામ કરવા માટે કેટકેટલા પ્રયાસ થયા છે, કેટકેટલા કારસા રચાયા છે..! અરે, જુવાનજોધ દીકરી કે દીકરો કોઈ આસામથી નીકળ્યો હોય, કોઈ લખનૌથી નીકળ્યો હોય, કે કોચીનથી નીકળ્યો હોય, એની માને ચિંતા થતી હોય કે છોકરો નાની ઉંમરમાં જઈ રહ્યો છે, સલામત તો છે કે નહીં? મોબાઈલનો જમાનો છે. મા બબ્બે કલાકે ફોન કરીને પૂછતી હોય કે બેટા, ગાડી કેટલે પહોંચી? અને દીકરો પણ માને કહેતો હોય કે મા, ચિંતા ના કર, હું નિરાંતે મારી સીટ પર બેઠો છું અને કંઈ ચિંતા જેવું નથી. છતાંય માને ચેન ન પડે, મા પૂછ્યા કરે કે ગાડી કેટલે પહોંચી? અને દીકરો જ્યારે કહે કે બસ મા, હવે અડધા કલાકમાં ગાડી ગુજરાતમાં એન્ટર થશે તો મા તરત જ કહે કે હાશ બેટા, ચલ તો હવે હું સૂઈ જાઉં છું. ગાડી ગુજરાતમાં પ્રવેશી ગઈ, હવે મને ચિંતા નથી..! આખા દેશની માતાઓ સુખ અને ચેનની જીંદગી જીવી શકે એ ગુજરાતની ઊંચાઈ આપણે પ્રસ્થાપિત કરી છે, ભાઈઓ. એક હાશકારો અનુભવે. ભારત સરકારે આંકડા બહાર પાડ્યા કે સમગ્ર દેશમાં ગયા સાત વર્ષમાં કુલ જે રોજગાર મળ્યો છે એમાંથી 72% રોજગાર માત્ર એકલા ગુજરાતે આપ્યો છે અને 28% માં આખું હિંદુસ્તાન..! આપ વિચાર કરો દશા કેવી છે? પ્રધાનમંત્રીજી, અહીં તમારી પાર્ટીના ચેલા ચપાટાઓને કહો, એમને સમજાવો કે સ્પર્ધા કરવી હોય તો આવો, ગુજરાત સાથે વિકાસની સ્પર્ધા કરો . પ્રધાનમંત્રી, તમે એક લાખ લોકોને રોજગાર આપો, હું ગુજરાતમાં એક લાખ લોકોને રોજગાર આપું. તમે હિંદુસ્તાનમાં એક કરોડને આપો, હું એકલા ગુજરાતમાં એક કરોડને આપું. આવો પ્રધાનમંત્રી, સ્પર્ધા કરીએ..! પણ વિકાસની સ્પર્ધા નથી કરવી. જૂઠાણા ફેલાવે છે, જૂઠાણાં..!
નૌજવાન મિત્રો, હું ફરફરિયાં વહેંચીને, વચનો આપીને છેતરપિંડી કરવાવાળા લોકોથી તમને ચેતવું છું. નક્કર હકીકતોના આધાર પર જાહેરજીવન ચાલતું હોય છે. અહીં બેઠેલા બધા જ નવજુવાનને હું કહું છું, ગુજરાતનો કોઈપણ નવજુવાન, યુવક કે યુવતી, કોઈ ધંધો રોજગાર કરવા માંગતો હોય, વ્યવસાયમાં પદાર્પણ કરવા માંગતો હોય, એને ગેસ્ટ હાઉસ બનાવવું હોય, હોટલ બનાવવી હોય, રેસ્ટોરન્ટ બનાવવી હોય, એને ટ્રક ચલાવવી હોય, જીપ ચલાવવી હોય, ટેક્સી લાવવી હોય, એને દુકાન ખોલવી હોય, એને વ્યાપાર શરૂ કરવો હોય, એને દવાખાનું ચાલું કરવું હોય, એને વકીલાત ચાલુ કરવી હોય, એને કોઈ કારખાનું ચાલુ કરવું હોય અને બૅન્કમાં લોન લેવા જાય અને બૅન્કને એનો પ્રોજેક્ટ પસંદ પડી જાય, બૅન્કને લાગે કે આ પૈસા આપવા જેવો પ્રોજેક્ટ છે તો પૈસા આપતા પહેલાં બૅન્ક શું કહે..? કે ભાઈ, બધું બરાબર છે, આ બે-પાંચ કરોડ રૂપિયા એમનેમ તને ન આપીએ, કોઈ ગેરંટર જોઇએ..! અને પેલો જવાનિયો કાકા, મામા, ફોઈ, ફૂવા પાસે જાય કે તમારી પાસે જમીન છે, જરા મારા ગેરંટર બનો. લગભગ બધા છોકરાઓને એના સગાં-વ્હાલાં ના પાડી દે કે ભાઈ, આમાં તો ન પડાય, આ બૅન્કનો મામલો છે, ન કરે નારાયણ અને તારું નાવડું ડૂબી ગયું તો જેલમાં જવાનો અમારો વારો આવે. કોઈ ગેરંટર ન બને દોસ્તો, તમારો સગો ભાઈ ગેરંટર ન બને. ગુજરાતના નવજુવાનો, આજે આ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતી નિમિત્તે હું સાર્વજનિક રીતે જવાબદારીની ઘોષણા કરવા માગું છું કે ગુજરાતનો કોઈપણ નવજુવાન, યુવક કે યુવતી, પોતાના ધંધા-રોજગાર માટે બૅન્કમાં લોન લેવા જશે અને ગેરંટરની જરૂર હશે તો મારી સરકાર એની ગેરંટર બનશે. દોસ્તો, આ નાનો નિર્ણય નથી અને આ નિર્ણય હું એટલા માટે નથી કરતો કે મારી સરકારમાં તિજોરી ઊછાળા મારે છે, હું આ નિર્ણય એટલા માટે કરું છું કે મને મારા ગુજરાતના યુવક-યુવતીઓમાં ભરોસો છે, દોસ્તો. મને વિશ્વાસ છે એક કાણી પાઈની એ લોકો ચોરી નહીં કરે, મને ભરોસો છે. આ 2-જી સ્પેક્ટ્રમ કરનારાઓની જમાત નથી, આ કોયલાકાંડ કરનારાઓની જમાત નથી. અને આ ધરતી એવી છે, જ્યારે સ્વામી વિવેકાનંદે સમગ્ર દેશનું ભ્રમણ કર્યું ત્યારે સૌથી લાંબો સમય એ ગુજરાતની ધરતી પર રહ્યા હતા, આપણા વડોદરામાં રહ્યા હતા અને જે ઘરમાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા એ મકાન મેં રામકૃષ્ણ મિશનને આપ્યું છે જેથી કરીને રામકૃષ્ણ મિશન દ્વારા વિવેકાનંદનો સંદેશ પહોંચાડવાનું કામ થાય. અરબો ખરવો રૂપિયાની સંપત્તિ છે, પણ એટલા માટે કે સમાજજીવનમાં એમાંથી પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણાના આધાર પર આપણે પ્રગતિની રાહ ચીંધતા હોય છે.
ભાઈઓ-બહેનો, ગુજરાત નવજુવાનોના ભાગ્યને બદલવાને અને નવજુવાનો દ્વારા ગુજરાતના ભાગ્યને બદલવા માટેની અમારી પહેલ છે. અમે ગુજરાતના ગામોગામ વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરી છે. જેવું મેં વિવેકાનંદના નામ પર ઑનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યુ, એક મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતના ગામડાઓમાં, શહેરોમાં, વોર્ડોમાં, 14,000 ગામોમાં ઑનલાઇન વિવેકાનંદ યુવા કેન્દ્રોનું રજિસ્ટ્રેશન થઈ ગયું..! આ નાની સૂની ઘટના નથી, મિત્રો. અને વિવેકાનંદ આધ્યાત્મિક ખોજમાં નીકળેલા યુવાનોને કહેતા હતા કે ભાઈ, તું હમણાં આધ્યાત્મ્ય-બાધ્યાત્મ્ય રહેવા દે, પહેલાં જા, તન અને મન તંદુરસ્ત કરીને આવ. જા, ફુટબૉલ રમ, જા..! એ ફુટબૉલ રમવા મોકલતા હતા. બંગાળમાં ફુટબૉલ વધારે પ્રસિદ્ધ હોવાના કારણે ફુટબૉલ કહેતા, આપણી બાજુ હોત તો ક્રિકેટ કહ્યું હોય એમણે. ભાઈઓ-બહેનો, તેઓ ખેલના મેદાનમાં જવાનું આવાહન કરતા હતા અને વિવેકાનંદજીના બાકી સપના સાકાર કરવાનું કામ આપણે કરતા રહીશું પણ એક કામ કરી શકાય એવું છે ત્યાંથી શરૂઆત કરીએ. અને તેથી ગુજરાતના બધાં જ ગામોમાં વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા રમત-ગમતની પ્રવૃત્તિ થાય, ક્રિકેટ પોપ્યુલર હોય તો ક્રિકેટ રમાય, વોલીબૉલ પોપ્યુલર હોય તો વોલીબૉલ રમાય, શતરંજની રમત પોપ્યુલર હોય તો શતરંજની રમત રમાય, પરંતુ આપણા યુવકો મેદાનમાં આવે. મિત્રો, ખેલનારા બધા કદાચ ખેલાડી બને કે ન બને, મારા શબ્દો નોંધી રાખજો, ખેલનારો પ્રત્યેક વ્યક્તિ ખેલાડી બને કે ન બને પણ મારો વિશ્વાસ છે કે ખેલનારો પ્રત્યેક વ્યક્તિ ખેલદિલ સોએ સો ટકા બને. મિત્રો, ખેલદિલ બનવું એ ખેલાડી બનવા કરતા પણ મોટી સિદ્ધિ છે. સ્પોર્ટ્સમેન બનવું અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવવું એ જીવનની મહામૂલી મૂડી છે. અને એટલે જ કહું છું કે પ્રત્યેક ખેલનારો વ્યક્તિ ખેલાડી બને કે ન બને, પણ ખેલનારો પ્રત્યેક વ્યક્તિ ખેલદિલ અવશ્ય બને અને જ્યારે સમાજજીવનમાં ખેલદિલી હોય, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોય તો સમાજના બધા જ પ્રશ્નોનો આપોઆપ નીવેડો નીકળી જતો હોય છે મિત્રો, અને તેથી ભાવિ ભારતને માટે સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ખેલદિલી એ સમાજજીવનની આવશ્યકતા છે અને એટલા માટે વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા રમત-ગમતની પ્રવૃતિને બળ આપવાનું મેં નક્કી કર્યું છે. અને મારો તો મંત્ર છે મિત્રો, ‘જે ખેલે એ જ ખીલે’, ‘જો ખેલતા નહીં હૈ વો મુરઝા જાતા હૈં’, ‘જે ખેલે તે જ ખીલે’..! આપણે ખેલ મહાકુંભનો કાર્યક્રમ કરીએ છીએ. 17-18 લાખ જવાનિયાઓને આપણે મેદાનમાં ઊતારીએ છીએ.
હું સ્કૂલોમાં દર જૂન મહિનામાં બાળકોના શાળા પ્રવેશ માટે જતો હોઉં છું અને દરેક ડિસેમ્બર મહિનામાં ગુણોત્સવ માટે ત્રણ દિવસ જતો હોઉં છું. રિલિજીયસલી હું વર્ષમાં છ દિવસ પ્રાથમિક શાળામાં બાળકો વચ્ચે ગાળું છું. એ મારા જીવન માટે એક ઔષધ છે એટલા માટે હું કામ કરું છું, મને એક અનેરો આનંદ આવે છે અને હું અનિવાર્યપણે બાળકોને એક પ્રશ્ન પૂછું છું કે તને દિવસમાં રમત-ગમત રમવાને કારણે કેટલીવાર શરીરમાં પરસેવો થાય છે? મિત્રો, જાણીને દુ:ખ થાય કે અનેક ઘરોનાં બાળકો એવાં છે કે જેને શરીરમાં પરસેવો કોને કહેવાય એની સમજણ સુદ્ધાં નથી. કારણ, એર-કન્ડિશન્ડ ઘરમાં ઉછરે છે, એર-કન્ડિશન્ડ શાળામાં ભણે છે, એર-કન્ડિશન્ડ કારમાં આવે છે, જાય છે, એને પરસેવો શું કહેવાય એની ખબર સુદ્ધાં નથી, મિત્રો..! આ સ્થિતિ મારે બદલવી છે. મારા ગુજરાતનો જવાનિયો દિવસમાં ચાર વખત પરસેવાથી રેબઝેબ થઈ જાય એવું મારું ગુજરાત બનાવવું છે, આ મારી મથામણ છે, દોસ્તો. એના માટે હું મહેનત કરું છું. ભાઈઓ-બહેનો, મેં એક નિર્ણય કર્યો છે. ગુજરાતે અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી છે. આ વખતે માર્ચ મહિનામાં વિધાનસભાની અંદર અમે ઓલરેડી સ્પોર્ટ્સ યુનિવર્સિટી ચાલુ કરી દીધી. ભાઈ જતીન સોની એના વાઈસ ચાન્સેલર તરીકે કામ કરે છે અને એ તમારા વડોદરા જિલ્લાના શિનોરના વતની છે. અને એ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે એમણે હિંદુસ્તાનમાં એથ્લેટ તરીકે નામ કમાયું હતું, જિમ્નેસ્ટીક્સમાં એમનું આખું કુટુંબ નામ કમાતું હતું. એ, એમનો નાનો ભાઈ, એમની બહેન એ નાનાં નાનાં ભૂલકાં હતાં ત્યારથી ઓળખું છું અને આજે એ ગુજરાતની સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે ગુજરાતની અંદર રમત-ગમતને પ્રોત્સાહન આપવાના છે. તમારા જ વડોદરા જિલ્લાનું સંતાન છે જે ગુજરાતને ગૌરવ અપાવશે, એવો મારો વિશ્વાસ છે. અમે દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચાલુ કરવા માંગીએ છીએ. દેશમાં આ કન્સેપ્ટ જ નથી આપણે ત્યાં. દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સ્કૂલ હોય અને તો જ... નહિંતર દર ચાર વર્ષે જ્યારે ઓલિમ્પિક આવે ત્યાર પછી આપણે એકબીજાના આંસુ લૂછતા હોઈએ છીએ, કેમ આવું થયું હશે? આપણને કેમ મેડલ નહીં મળતા હોય? ભાઈ, મેડલ કોઈની ભઠ્ઠીમાં તૈયાર નથી થતા હોતા, મેડલ નવજુવાનોના પસીનામાંથી તૈયાર થતા હોય છે. કોઈ કારખાનાની ભઠ્ઠીમાં મેડલના બીબાં ઢળતાં નથી હોતાં, અરે મેડલના બીબાં ઢળતાં હોય છે ભારતમાતાની ધૂળમાં આળોટવાથી, ભારતમાતાની ધૂળમાં પસીનો પાડવાથી આ મેડલ તૈયાર થતા હોય છે. ભારતનું આ કલંક મિટાવવું છે, દોસ્તો અને એ કલંક મિટાવવાનો રસ્તો છે દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સ્કૂલ, રાજ્યમાં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી. અને મેં સ્પોર્ટ્સ ક્ષેત્રે જે સ્કોલરશિપ આપીએ છીએ એમાં પણ બદલાવ કરી દીધો છે. જે લોકોને પહેલાં 1800 રૂપિયા સ્કોલરશિપ મળતી હતી, મેં તાજેતરમાં એને 2500 કર્યા છે, જેમણે 1200 મળતી હતી, એના 2000 કર્યા છે. એટલું જ નહીં, વ્યાયામના શિક્ષકો રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે બહાર જાય તેમનું રોજનું ભથ્થું 30 રૂપિયા મળતું હતું, મેં એને 150 રૂપિયા કરી દીધું છે. મારે આ આખી બાબતને પ્રોત્સાહન આપવું છે.
અને જેમ રમત-ગમતને પ્રોત્સાહન આપવું છે એમ સમાજજીવનમાં નાના માણસની ડિગ્નિટીનો પણ વિચાર કરવો છે. આઈ.ટી.આઈ., આપણે ત્યાં આઈ.ટી.આઈ. ને કોઈ ગણે જ નહીં. અમે નક્કી કર્યું છે કે આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓની ડિગ્નિટી માટેનો વિચાર કરવો. અને ગુજરાતે પહેલી વાર એવો નિર્ણય કર્યો છે કે આઠમા ધોરણ પછી જે બે વર્ષ આઈ.ટી.આઈ. કરે એને ઈક્વિવેલેન્ટનું ટૂ ટેન અને દસમા પછી બે વર્ષ જે આઈ.ટી.આઈ. કરે તે ઈક્વિવેલેન્ટનું ટૂ ટ્વેલ્વ અને પછી એને ડિપ્લોમા એન્જિનિઅરીંગમાં જવું હોય તો પણ વ્યવસ્થા છે, એને ડિગ્રી એન્જિનિઅરીંગમાં જવું હોય તો પણ વ્યવસ્થા છે. આઈ.ટી.આઈ. કર્યું એટલે એના ભણવાના દરવાજા બંધ એ માનસિકતા મેં બદલી નાખી છે. મિત્રો, અનેક પરિવર્તનો લાવવાં છે. મારે ગુજરાતની યુવાશક્તિ દ્વારા એક ભવ્ય-દિવ્ય ગુજરાતનું નિર્માણ કરવું છે અને એમાં મને આપનો સાથ સહકાર જોઇએ.
ભાઈ નવજોતજીએ સમય કાઢ્યો, બધા ખ્યાતનામ ક્રિકેટરો, વડોદરા અને ગુજરાતનું ગૌરવ, સારા રમતવીરો આજે આ સમારંભમાં આવ્યા એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર..!
ભારત માતા કી જય...!!
ભારત માતા કી જય...!!