સુરત, અમદાવાદ અને ભાવનગરના બેરોજગાર રત્ન કલાકારોને પ્રાથમિક તબક્કે આવરી લેવાશે
પ્રત્યેક રત્ન કલાકાર તાલીમાર્થીને પ્રતિદિન રૂા. ૧૦૦/- સ્ટાઇપેન્ડ અપાશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના હીરા ઉઘોગના રત્ન કલાકારો માટે રત્નદીપ કૌશલ્યવર્ધક તાલીમ સહાય પેકેજ જાહેર કર્યું છે. રત્ન કલાકારોની બેરોજગારીની ગંભીર સમસ્યામાં મદદરૂપ થવા અને મંદીના માહૌલમાં હીરા ઉઘોગમાં કામ કરતા રત્ન કલાકારોને મૂશ્કેલીના સમયમાં વૈકલ્પિક પૂરક રોજગારી અને કૌશલ્યવર્ધક તાલીમ મળી રહે તે માટે આ ખાસ રાહત પેકેજ આપવામાં આવ્યું છે.
રત્નદીપ કૌશલ્યવર્ધક તાલીમ સહાય પેકેજ અન્વયે પ્રારંભમાં સુરત, અમદાવાદ અને ભાવનગરમાં મંદીથી અસર પામેલા બેરોજગાર રત્ન કલાકારોને કૌશલ્યવર્ધક રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે.
બેરોજગાર રત્ન કલાકારને આ તાલીમ લેવા માટે પ્રતિમાસ તાલીમાર્થી વેજ લોસ પેટે દરરોજના રૂા. ૧૦૦ (એકસો) લેખે સ્ટાઇપેન્ડ, માસિક રૂપિયા રપ૦૦ની મર્યાદામાં આપવામાં આવશે. તાલીમનો સમયગાળો મહત્તમ ચાર મહિનાનો રહેશે અને હીરાઉઘોગની જૂદા જૂદા પ્રકારની તાલીમ જેવીકે પોલીસીંગ, ડાયમંડ એસોર્ટમેન્ટ, બ્રુટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, પ્લાનિંગ એન્ડ માર્કીંગ, જવેલરી મેકીંગ તથા હીરાઉઘોગ અને તેના આનુસંગિક ટ્રેડને લગતી તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ કરનારા તાલીમાર્થીને સ્વરોજગાર માટે કુટિર અને ગ્રામોઘોગ યોજના, બાજપેઇ બેન્કેબલ યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ અન્વયે અગ્રતાથી બેન્ક લોન સહાય મળે તે માટે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે.
રત્નદિપ કૌશલ્યવર્ધક તાલીમનો અભ્યાસક્રમ ગુજરાત કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રેઇનિંગ દ્વારા ભારત સરકાર અને આઇ.ડી.આઇ.ના સહયોગથી મંજૂર કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે પાંચ જેટલી સંસ્થાઓમાં તાલીમ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (૧) ઇન્ડીયન ડાયમન્ડ ઇન્સ્ટીટયુટ, સુરત (ર) નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઇન (NID) અમદાવાદ (૩) નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર. (૪) ગુજરાત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ, રખિયાલ, અમદાવાદ (પ) નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ જવેલરી ડિઝાઇનનો સમાવેશ થાય છે. અમદાવાદ આ ઉપરાંત અન્ય નામાંકિત, બિન સરકારી અને ખાનગી તાલીમ સંસ્થાઓની પણ પસંદગી કરાશે.
તાલીમ આપનાર સંસ્થાઓને ટ્રેઇનર્સ મહેનતાણું, તાલીમ ટયૂશન ફી, માલ-સામાન, પરીક્ષા, સર્ટિફિકેશન વગેરે ખર્ચ પેટે પ્રત્યેક તાલીમાર્થી દીઠ રૂા. ર૭૦૦/- ચૂકવવામાં આવશે.
પ્રથમ તબક્કે ૧પ૦૦૦ કારીગરોને તાલીમ અપાશે જે માટે રૂ. ૧ર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રત્નદિપ કૌશલ્યવર્ધક તાલીમની અમલીકરણ એજન્સી તરીકે રોજગાર તાલીમ નિયામક અને ઊઘોગ કમિશ્નર સંકલન કરશે.
આ રત્નદિપ રાહત પેકેજ માટે ઊઘોગ ખાણના અગ્રસચિવના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમિતિ તેમજ ત્રણેય શહેરોમાં તાલીમ કાર્યક્રમ અમલ અને રત્ન કલાકારોને વૈકલ્પિક રોજગારી તકો માટે જિલ્લા કક્ષાની સમિતિ કલેકટરના અધ્યક્ષસ્થાને રચવામાં આવી છે.