મોદીને જેલમાં બંધ કરી દેવાનું કહેનારી કોંગ્રેસને નરેન્દ્રભાઇ મોદીનો સણસણતો પ્રતિભાવ
''કોંગ્રેસનો આ ફાંસીવાદ નથી તો બીજું શું છે?''
''પાંચ પાંચ વર્ષ વીતી ગયા... મોદીને આંગળી પણ અડાડી શકયા નથી''
આસામમાં મુખ્યમંત્રીશ્રીનો આક્રમક ચૂંટણી પ્રવાસ
કોંગ્રેસની ખતરનાક વોટબેન્કની રાજનીતિએ ત્રાસવાદ વકરાવ્યો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આસામમાં ભાજપાની જનસભામાં કોંગ્રેસને સીધો પડકાર કરતાં આજે જણાવ્યું હતું કે કોંગ્રેસની હિંમત હોય તો મને પકડી લો...રાહ કોની જૂઓ છો?કોંગ્રેસી કેન્દ્રીય મંત્રીશ્રીએ ગઇકાલે નવી દિલ્હીમાં એવું નિવેદન કરેલું કે નરેન્દ્ર મોદી તો જેલમાં જવાના છે, કોંગ્રેસની ટીકા કરવાનું બંધ કરે...તેનો જડબાતોડ પ્રતિભાવ આપતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આજે આસામના તેમના ચૂંટણી પ્રવાસમાં સાર્વજનિક જનસભામાં કોંગ્રેસને પડકારી હતી કે કેન્દ્રમાં હજુ કોંગ્રેસની સરકાર છે ત્યારે કોંગ્રેસ રાહ કોની જૂએ છે... હિંમત હોય તો આજે જ પકડી લોને?
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગઇકાલે કેન્દ્ર સરકારના એક મંત્રીએ દિલ્હીમાં નિવેદન કર્યું કે મોદી કોંગ્રેસની ટીકા કરવાનું બંધ કરી દે, નહીંતર, મોદીને જેલમાં બંધ કરાશે. આનો સણસણતો જવાબ તેમણે જાહેરસભામાં આપ્યો હતો કે કોંગ્રેસનો આ ફાંસીવાદ નથી તો બીજુ શું છે? હિન્દુસ્તાનની બધી જેલોના દરવાજા ખોલી નાંખો. મોદી કોઇપણ જેલમાં જવા તૈયાર છે. પાંચ વર્ષથી મોદીને આંગળી પણ અડાડી શકયા નથી તેમ તેમણે કોંગ્રેસને પડકારતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સતત આઠમા દિવસે ત્રાસવાદીઓના સંકટથી હિંસાગ્રસ્ત એવા આસામમાં ભાજપાનું ચૂંટણી અભિયાન સંભાળ્યું હતું અને ગૌહતી તથા ઝોરહાટમાં વિશાળ જનસભાઓને સંબોધી હતી.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસની વોટબેન્કની રાજનીતિ અને સત્તા ભોગવવાની વિકૃત લાલસાના પરિણામે ભારત ત્રાસવાદનો ભોગ બની ગયું છે.
બાંગલાદેશમાંથી ગેરકાયદે ધૂસણખોરીની આખા દેશમાં વકરેલી સમસ્યાને પોષનારી કોંગ્રેસની તુષ્ટીકરણની માનસિકતા ઉપર આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું કે ભારતનો એક તૃતિયાંશ પ્રદેશ ત્રાસવાદી હિંસાનો ભોગ બની ગયો છે. પોટાનો કાયદો નાબૂદ કરીને આતંકવાદીઓના હોંસલા કોણે બૂલંદ બનાવ્યા? બાંગ્લાદેશી ધૂસણખોરો માટે આઇએમડીટી કાનૂન કોણે રદ કર્યો?
નેપાલના પશુપતિથી દક્ષિણમાં તીરૂપતિ સુધીનું હિન્દુસ્તાન કેમ ત્રાસવાદના ઓથારમાં ભયગ્રસ્ત છે? કોંગ્રેસને માત્રને માત્ર વોટબેન્કની સુરક્ષા કરવી છે, દેશની સુરક્ષા અને ભારતીય નાગરિકોની કોઇ જ વિસાત નથી.
ભારતનું પશ્વિમનું એક રાજ્ય ગુજરાત, આતંકવાદીઓના મનસુબા નિષ્ફળ બનાવીને દુશ્મન દેશની સરકારની ઊંધ હરામ કરી શકે છે કારણ ભાજપાની રાષ્ટ્રવાદને વરેલી સરકારનું ગુજરાતમાં શાસન છે. જ્યારે આસામના નાગરિકો સુખચૈનથી જીવી શકતા નથી અને ત્રાસવાદી હિંસામાં બે-મોત મરતા રહ્યા છે અને બાંગલાદેશના ભારતવિરોધી ષડયંત્રોનો ભોગ બની રહ્યા છે.
કોંગ્રેસી સલ્તનતના ડો. મનમોહનસિંહ ખૂદ આતંકવાદ સામેની લડતમાં નિષ્ફળતા કબૂલે છે પરંતુ કોંગ્રેસના સર્વેસર્વાની રહેમરાહે વડાપ્રધાનપદ મળ્યું છે તેથી કોંગ્રેસની વોટબેન્કની રાજનીતિના કારણે અસુરક્ષાનું રાષ્ટ્ર સામે સંકટ ખડુ થયું છે તેમ કહેવાની હિંમત કરી શકવા શકિતમાન નથી - આતંકવાદને ડામવા માટે તેની ભાષામાં જવાબ આપવાની કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતની હિંમત છે ખરી? એવા સવાલ તેમણે ઉઠાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ભારતમાં નાગરિકોની સુખશાંતિને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે એલ. કે. અડવાણીના નેતૃત્વમાં આતંકવાદ સામે લડવાની મજબૂત ઇચ્છાશકિત ધરાવતી નિર્ણાયક સરકાર માટે ભાજપાને દેશનું સૂકાન સોંપવા અપીલ કરી હતી. ભાજપા શાસિત રાજ્યોમાં વિકાસ આધારિત રાજનીતિએ કેવા ચમત્કારો સર્જ્યા છે તેની તુલના કરતાં તેમણે જણાવ્યું કે, ભાજપાનું ગુજરાત આજે વિકાસનું મોડેલ બન્યું છે અને દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે કારણ કે જનતાએ કોંગ્રેસની વોટબેન્કની રાજનીતિના ખતરનાક ખેલોને ફગાવી દીધા છે.
આસામમાં સુખશાંતિ ભર્યા જનજીવન માટે ભાજપાને મત આપવા તેમણે અપીલ કરી હતી.