ગાંધીનગર, મંગળવારઃ મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષશ્રી સ્વ. વિઠ્ઠલભાઇ ઝવેરભાઇ પટેલની ૧૩૮મી જન્મતિથિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિધાનસભા સામે મૂકાયેલી સ્વ.ની પ્રતિમાને અને વિધાનસભા પોડિયમમાં મૂકાયેલાં તેઓશ્રીના ચિત્ર સમક્ષ આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીશ્રીઓ/કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને સ્વ. વિઠ્ઠલભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પી હતી.
સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ અને વકીલ તરીકેની ઉજ્જવળ કારકીર્દી ધરાવનાર વિઠ્ઠલભાઇ પટેલનો જન્મ તા. ર૭મી સપ્ટેમ્બર, ૧૮૭૩માં નડિયાદ ખાતે થયો હતો. તેઓ ૧૯૦૮માં બેરિસ્ટર બન્યા. ભારત પાછા ફર્યા. ૧૯૧રમાં મુંબઇ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા઼ ૧૯રપથી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા. સને ૧૯૩૦માં આઝાદીના જંગમાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે જોડાયા. તેઓની મુસદ્દીગીરી ભારતભરમાં વખણાતી. તા. રરમી ઓકટોબર, ૧૯૩૩માં શ્રી વિઠ્ઠલભાઇ પટેલનું અવસાન થયું હતું.