• મુખ્યમંત્રીશ્રીની જ્ઞાનશક્તિની પ્રેરક ઉપાસના
  • યુવા સંશોધકોને તેમના રિસર્ચ પ્રોજેકટ કાર્યરત કરવા માટે સહાયભૂત થવા વિશ્વકક્ષાનું યુથ ઇન્કયુબેશન સેન્ટર શરૂ કરાશે
  • વિશ્વની આવતીકાલને શક્તિશાળી બનાવવા ઉત્તમ માનવ સંસાધન વિકાસ માટેની જ્ઞાનશક્તિની વ્યૂહરચના કામે લગાડી છે
  • લગાતાર દસ દસ વર્ષ પછી પણ ગુજરાતના વિકાસની ગાડી પાટા પરથી ઉતરે એવા અંતરાયોને પરાસ્ત કરવાની રાજકીય ઇચ્છાશક્તિ આ સરકારે બતાવી છે
  • સ્વર્ણિમ ગુજરાત જ્ઞાનશક્તિ મહોત્સવ સંપન્ન
  • મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેજસ્વી વિદ્યાર્થી-યુવા પેઢી જે નવીનત્તમ સંશોધનોના સફળ પ્રયોગો અને આયામો કરી રહ્યા છે તેમને પોતાના પ્રોજેકટ માટે સહાયભૂત થવા ગુજરાત સરકારે વિશ્વકક્ષાનું શ્રેષ્ઠ એવું યુથ રિસર્ચ માટેનું ઇન્કયુબેશન સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. જેમણે પોતાના બૌદ્ધિક ચિન્તન-કલ્પનાથી જે સંશોધન કર્યા છે તે સમાજની અમાનત બને અને પેઢીઓને ઉપયોગી થાય એ દિશામાં યુવાનોને પ્રોત્સાહિત કરાશે.

    ગુજરાતના વિકાસની ગાડી લગાતાર દસ-દસ વર્ષ પછી પણ પૂરપાટ ગતિએ દોડતી રહેવાની છે, એવો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ સુરતના સ્વર્ણિમ ગુજરાત જ્ઞાનશક્તિ ઉત્સવમાં જણાવ્યું કે, વિકાસની ગાડી પાટા પરથી ઊતરી નથી કારણ કે આ સરકારે રાજકીય ઇચ્છાશક્તિથી વિકાસ આડેના અંતરાયોને પરાસ્ત કર્યા છે.

  • પ્રગતિની પંચશક્તિના ભાગરૂપે આજે સુરતમાં સ્વર્ણિમ ગુજરાત જ્ઞાનશક્તિ ઉત્સવમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાંથી જ્ઞાનશક્તિના વિવિધલક્ષી કાર્યક્રમોમાં સહભાગી થવા વિરાટ માનવશક્તિ ઉમટી હતી. મુખ્ય મંત્રીશ્રીએ જ્ઞાનશક્તિ આધારિત જ્ઞાન-વિજ્ઞાનની સિદ્ધિઓની યાત્રા કરાવતા પ્રદર્શનને એક કલાક ફરીને નિહાળ્યું હતું. સ્વર્ણિમ અસ્મિતા યાત્રાને પ્રસ્થાન કરાવી ઇનડોર સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત યુવાશક્તિ અને નગરજનોએ ગ્રંથદાન અને સમયદાન માટેના અભિયાનનો સંકલ્પ કર્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત સ્વર્ણિમ સાફલ્યગાથા પુસ્તક સહિત જ્ઞાન ઉપાસનાના ગ્રંથનું વિમોચન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું અને શ્રમ-રોજગાર વિભાગ દ્વારા કૌશલ્ય સંવર્ધન માટેના ‘‘સ્કીલ વાઉચર સ્કીમ'' નો પ્રારંભ પણ કર્યો હતો. ભરતીમેળામાં નોકરી માટે પસંદ થયેલા યુવક-યુવતીઓને નિમણૂંકના પત્રો મુખ્ય મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયા હતા.
  • વિકાસ કરવાની ઇચ્છા સહુ સરકારોની હોય છે. પરંતુ તેના માટે અવરોધોને પાર કરવાની રાજકીય ઇચ્છાશક્તિ હોતી નથી તેથી ગાડી પાટા પરથી ઊતરી જતી હોય છે તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા દસ-દસ વર્ષથી વિકાસની યાત્રા નિરંતર ચાલી જ રહી છે અને ગમે તેવા અવરોધોને પાર કરીને પાંચ શક્તિ આધારિત વિકાસનો સરવાળો કરતા અપૂર્વક સિદ્ધિઓ મળી છે.

    ‘‘આ સ્વર્ણિમ જયંતીનો અવસર પૂર્ણતાને આરે છે ત્યારે ભવિષ્યના સશક્ત ગુજરાતના નિર્માણ માટે નવી તાકાત અને નવા નિર્ધાર સાથે આગેકદમ કરવા છે'' એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

    મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, એકવીસમી સદી-જ્ઞાનની સદીમાં જ્ઞાનશક્તિની આરાધના માટે ગુજરાતે પહેલ કરી છે એનો ઉલ્લેખ કરીએ ત્યારે જ્ઞાન સંપદામાં જેમણે યોગદાન આપ્યું છે તે સહુનો ઋણ સ્વીકાર કરીએ. માનવ સંસાધન વિકાસમાં આપણે કાચા પડીએ તો ભૌતિક અને માળખાકીય સુવિધાઓ સહિતનો અન્ય વિકાસ નિરર્થક બની જશે, એમ જણાવીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માતાના ગર્ભસ્થ શિશુથી લઇને વૈશ્વિક વિશ્વ વિદ્યાલયોની વિશિષ્ટ જ્ઞાનશક્તિનું અનુષ્ઠાન આ સરકારે કેટલા વ્યાપક સ્તર ઉપર કર્યું છે તેની વિષદ ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં સંસ્કાર લાલનપાલન માટે ભૂલકાઓની આંગણવાડી, પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના ગુણાત્મક સુધારા, વ્યાપ-વિસ્તારનું નેટવર્ક અને ટેકનીકલ તથા સ્કીલ અપગ્રેડેશનની ટેકનોલોજી તથા ભવિષ્યના વૈશ્વિક બૌદ્ધિક માનવબળની જરૂરિયાતોને સંતોષવા માટેની વિશિષ્ટ યુનિવર્સિટીઓની ભૂમિકા પણ આપી હતી.
  • ગુજરાત સરકારે જ્ઞાનશક્તિની માનવબળ વિકાસ માટે જે વિશિષ્ટ આરાધના કરી છે તેની પ્રેરક સમજ આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળામાં કન્યાઓ માટેના હજારો સેનિટેશન યુનિટોનું નિર્માણ કરીને દીકરીઓ ટોઇલેટના અભાવે અભ્યાસ છોડી દે નહીં, એવી નાનામાં નાની સમસ્યા દૂર કરી છે. મારે મન પ્રાથમિક શાળામાં કન્યાના સેનીટેશન યુનિટનું નિર્માણ એ સરદાર સરોવર ડેમના બાંધકામ જેટલું જ મહત્વનું હતું, એમ પણ તેમણે જણાવ્યું હતું.

    આ દસ વર્ષમાં ગુજરાતમાં જે વિશિષ્ઠ યુનિવર્સિટીઓ બની છે તેનું માનવ સંસાધન વિકાસમાં કેટલું મહત્વ અને મહિમા છે તેનો અભ્યાસ-અધ્યયન કરવા તેમણે સંશોધકોને આહ્વાન કર્યું હતું. વિશ્વની આવતીકાલને શક્તિશાળી બનાવે એવો માનવ સંસાધન વિકાસ કરવા જ્ઞાનશક્તિની ઉત્તમ વ્યૂહરચના કામે લગાડી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

    ર૧મી સદીમાં ભારત જ્ઞાનના આધારે વિશ્વનું નેતૃત્વ કરવાનું હોય તો એનવાર્યમેન્ટલ ટેકનોલોજીના આધાર ઉપર પર્યાવરણ સુરક્ષિત ભારતને વિશ્વગુરૂ બનાવવા ગુજરાતની જ્ઞાનશક્તિ જ ઉપર્યુકત બનવાની છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
  • ચિરંતર જ્ઞાનની ગંગા વહેતી રહે એમાં સ્થગિતતા આવે નહીં એ માટે સંશોધન અભ્યાસનો મહિમા કરીને ગુજરાતે શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓના અનુસ્નાતક સંશોધનોના અભ્યાસોનું ડીજીટલ ડોકયુમેન્ટેશન બનાવ્યું છે તેની રૂપરેખા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

    મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત લક્ષ્મીજીનું ઉપાસક રહ્યું છે અને તેની સહેલી માતા સરસ્વતીની આરાધના માટે જ્ઞાનશક્તિનો ઉત્સવ એના હાર્દ સાથે આપણે ઉજવી રહ્યા છીએ.

    વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ અને ગ્રંથદાન-સમયદાનમાં વિરાટ યુવાશક્તિએ જ્ઞાનની ઉપાસના કરી છે તે સહુને તેમણે અભિનંદન આપ્યા હતા.

    આ અવસરે ‘‘કોમ્પેડિયમ'' તથા ‘‘સ્વર્ણિમ સાફલ્ય ગાથા'' પુસ્તકોના મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યા હતા.

    મેયર શ્રી રાજેન્દ્ર દેસાઇએ પુસ્તકો અર્પણ કરી મુખ્ય મંત્રીશ્રીને આવકાર્યા હતા.

    શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષેાથી મુખ્ય મંત્રીશ્રીની રાહબરી હેઠળ ઉપાડેલા કન્યા કેળવણી અભિયાનના પગલે છેલ્લા એક દાયકામાં સો ટકા નામાંકન, ડ્રોપ આઉટ રેશિયો ઘટીને ર ટકા તેમજ સ્ત્રી સાક્ષરતામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. શિક્ષણના ક્ષેત્રે ગુજરાતે ર૧મા ક્રમેથી છઠ્ઠા ક્રમાંકે કૂદકો માર્યો છે. ૧.ર૧ લાખ વિદ્યા સહાયકોની ભરતી દ્વારા શિક્ષણનો વ્યાપ રાજ્યના ખૂણેખૂણામાં વધાર્યો છે. ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવાનું કાર્ય સરકારે ઉપાડયું છે.

    મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને ‘‘સ્કીલ વાઉચર''નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રોજગાર મેળામાં નિમણૂક પામેલા યુવક-યુવતીઓને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે પ્રતીકાત્મક ઓફર લેટર્સ આપવામાં આવ્યા હતા.

    મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં વિવિધ સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો તથા શ્રેષ્ઠીઓ તરફથી રૂા. ૭૮.પ૧ લાખનો ફાળો આપવામાં આવ્યો હતો.

    મુખ્ય મંત્રીશ્રીએ ઇનડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો યુવક-યુવતીઓને સાયન્સ સેન્ટરમાં યોજાયેલા ભવ્ય પ્રદર્શનને એક જિજ્ઞાસુની જેમ નિહાળવા અપીલ કરી હતી.

    ‘‘કરણ ઘેલો'' પુસ્તકના લેખક સુરતના શ્રી નંદકિશોર મહેતાની આજે જન્મતિથિને યાદ કરીને તેમણે વીર નર્મદની ભૂમિની સાહિત્ય સાધનાને બિરદાવી હતી.

    આ પ્રસંગે ઉપસ્થિત આઠ હજાર જેટલા દક્ષિણ ગુજરાતની વિવિધ શાળા-મહાશાળાના તરવરિયા યુવક-યુવતીઓએ વારંવાર હર્ષનાદો વડે મુખ્ય મંત્રીને વધાવી લીધા હતા અને સમગ્ર સ્ટેડિયમને ગૂંજવી દીધું હતું.

    આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી નરોત્તમભાઈ પટેલ, મંગુભાઈ પટેલ, જશવંતસિંહ ભાભોર, જયસિંહ ચૌહાણ, વસુબેન ત્રિવેદી, રણજીતભાઈ ગિલીટવાલા, ઇશ્વરભાઈ પટેલ, સાંસદો સર્વ શ્રી સી. આર. પાટીલ, ભરતસિંહ પરમાર, દર્શનાબેન જરદોશ, પ્રવિણ નાયક, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી હસમુખ અઢિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર એસ. અર્પણા, કલેકટર શ્રી એ. જે. શાહ, સંયુકત પોલીસ કમિશનર શ્રી ઇ. રાધાકૃષ્ણન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. બી. વોરા સહિત જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓ સહિત શિક્ષણવિદો, તજજ્ઞો, વિદ્યાર્થીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

    જ્ઞાનશક્તિ મહોત્સવઃ દક્ષિણ ગુજરાતના યૌવનને નરેન્દ્રભાઇ મોદીએ ઘેલું કર્યું

    સૂરતના આંગણે યોજાયેલા જ્ઞાનશક્તિ ઉત્સવમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની જોશિલી વાણી સાંભળવા દક્ષિણ ગુજરાતના કોલેજ-યુનિવર્સિટીના હજારો યુવક-યુવતિઓએ વહેલી સવારથી જ રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઇનડોર સ્ટેડિયમને છલકાવી દીધું હતું.

    મુખ્યમંત્રીના બાવન મિનિટના પ્રવચન દરમિયાન ઉપસ્થિત યુવાશક્તિએ વારંવાર પ્રચંડ હર્ષનાદો અને તાળીઓના ગડગડાટ વચ્ચે તેમને વધાવી લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના યુવાધને ભારે શિસ્તબધ્ધતાનાં દર્શન કરાવ્યા હતા.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગઇકાલે હું વીડિયો કોન્ફરન્સ પર બ્રિટનના ગુજરાતીઓ સાથે સ્વર્ણિમ ગુજરાત સમાપન ઉજવણી વિશે ચર્ચા કરતો હતો, ત્યારે તેમાં બ્રિટનની પાર્લામેન્ટ ‘‘હાઉસ ઑફ લોર્ડઝ''ના અમુક સંસદસભ્યો પણ હાજર હતા. જે પૈકી એક બ્રિટીશ સભ્યે મને ‘‘વાંચે ગુજરાત'' અભિયાન વિશે પ્રશ્ન પૂછયો. એક બ્રિટીશ સાંસદ પણ ‘‘વાંચે'' નો અર્થ સમજે છે, એ જ આપણી સ્વર્ણિમ ગુજરાત ઉજવણીની સાર્થકતા છે, એમ તેમણે તાળીઓના ગડગડાટ વચ્ચે ઉમેર્યું હતું. અગાઉ પ્રાથમિક શાળામાં નાની દીકરીઓ પહેલાં-બીજા ધોરણમાંથી ભણતર છોડીને ઊઠી જતી. મેં કારણ જાણવા મંથન કર્યુ અને ખબર પડી કે, પૂર્વેની સરકારોએ શાળાની ઇમારતો તો નિર્માણ કરી દીધી પણ તેમાં શૌચાલયની સગવડ જ ન હતી. આ તો ચારમાળની ઇમારત બાંધી અને સીડી કે લીફ્ટ જ ન હોય તેવું થયું. બીજા-ત્રીજા ધોરણમાં ભણતી બાળા સમજણી થાય એટલે શરમના માર્યા શાળાએ આવવાનું ટાળે. અમે પ્રાથમિક શાળાઓમાં ૪૦ હજાર જેટલા શૌચાલયો બાંધીને દીકરીઓની સમસ્યા હલ કરી, પરિણામે કન્યા કેળવણી અભિયાનને બળ મળ્યું અને ડ્રોપઆઉટ રેશિયો રહ્યો માત્ર બે ટકા. મારે મન દીકરીઓ માટેના આ શૌચાલયોનું નિર્માણ નર્મદા ડેમના નિર્માણ જેટલું જ મહત્વનું છે, મુખ્યમંત્રીના વિધાનને હર્ષનાદો વડે વિદ્યાર્થિનીઓએ વધાવી લીધું.

    આપણે ગુજરાતીઓ લક્ષ્મીના ઉપાસક છીએ, પણ લક્ષ્મીદેવીને એકલાં રહેવાનુ ફાવતું નથી. એ બહુ બહુ તો બે-ત્રણ માસ કે વરસ દિવસ રહે પણ પછી વિદાય થઇ જાય. લક્ષ્મી દેવીને તો ત્યાં જ ફાવે જ્યાં તેની સાથે મા સરસ્વતીની કંપની હોય. એટલે જ લક્ષ્મીને ગૃહમાં વસાવવા સરસ્વતીની આરાધના જરૂરી છે, એમ જણાવી મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને જ્ઞાનની ઉપાસનાનો સરળ ઉપદેશ આપ્યો હતો.

    જ્ઞાનશક્તિ થકી યુવાશક્તિના સર્વાંગી વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા માટે સ્વર્ણિમ ગુજરાત ઉજવણી અંતર્ગત યોજાયેલ જ્ઞાનશક્તિ ઉત્સવનો ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે શાનદાર શુભારંભ થયો તે વેળાએ સુરતની વિદ્યાર્થી આલમે મુખ્યમંત્રીને હર્ષનાદો તથા તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, અને ભારત માતાકી જયના નાદોથી સ્ટેડિયમ ગજવી દીધું હતું.

    જ્ઞાનશક્તિને ઉજાગર કરતી શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, વાંચે ગુજરાત અભિયાન, ગુજરાત ક્વિઝ, ચેસ મહોતસવ, ગુજરાત નોલેજ સોસાયટી, ખેલ મહાકુંભ, સમયદાન, સ્કાઙ્દ્યપ, શાળામાં કોમ્પ્યુટીકરણ, સંસ્કૃત મહાકુંભના બેનરોએ ઇનડોર સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. જ્ઞાનશક્તિ ઉત્સવના પ્રારંભે રાજ્યની છેલ્લા ૧૦ વર્ષની વિકાસયાત્રાને નિરૂપણ કરતા વીડિયો નિદર્શને લોકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

Explore More
140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day

Popular Speeches

140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day
India Doubles GDP In 10 Years, Outpacing Major Economies: IMF Data

Media Coverage

India Doubles GDP In 10 Years, Outpacing Major Economies: IMF Data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles demise of Pasala Krishna Bharathi
March 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the passing of Pasala Krishna Bharathi, a devoted Gandhian who dedicated her life to nation-building through Mahatma Gandhi’s ideals.

In a heartfelt message on X, the Prime Minister stated;

“Pained by the passing away of Pasala Krishna Bharathi Ji. She was devoted to Gandhian values and dedicated her life towards nation-building through Bapu’s ideals. She wonderfully carried forward the legacy of her parents, who were active during our freedom struggle. I recall meeting her during the programme held in Bhimavaram. Condolences to her family and admirers. Om Shanti: PM @narendramodi”