મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકાશાહીના સશકિતકરણ માટે વર્તમાનપત્રોના સામાજિક દાયિત્વને વધુ સામર્થ્યવાન બનાવવાની હિમાયત કરી છે.
આપણી મહાન લોકશાહીમાં 121 કરોડની સમાજશકિતનો પ્રત્યેક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા મેળવે એ માટે લોકશાહીના ચારેય આધારસ્થંથ અને ચોથી ચડતર ગણાતા અખબારી માધ્યમોએ પોતાના પ્રમાણિક અને વિશ્વસનિય સામાજિક દાયિત્વની ભૂમિકા નિભાવવી પડે એમ તેમણે મુંબઇમાં આયોજિત ઇમેજ પ્રકાશનના વર્તમાનપત્રોની ભૂમિકા વિષયક પ્રવચનમાં જણાવ્યું હતું.
મુંબઇમાં શનિવારે રાત્રે ઇમેજ પ્રકાશનના ઉપક્રમે ‘‘મારા મનગમતા તંત્રી લેખો'' વિષયક પાંચ પુસ્તકોનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. આ પ્રસંગે સર્વ શ્રી ભગવતીકુમાર શર્મા, (ગુજરાત મિત્ર), કુન્દન વ્યાસ (જન્મભૂમિ), શ્રી શ્રેયાંસભાઇ શાહ (ગુજરાત સમાચાર), શ્રી અજય ઉમટ (દિવ્ય ભાસ્કર) શ્રી દિવ્યાંગ શુકલ (સ્વ.હસુમખ ગાંધી- સમકાલીન) તંત્રી લેખોના સંપાદકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ તંત્રી લેખોના શાસ્વતપણાનો ગુણ મહત્વનો ગણાવતા જણાવ્યું કે ભાષાશૈલી અને આલેખન કરતા શાસ્વત સત્વથી તંત્રીલેખો તત્કાલિન સમાજ ઘટનાઓનો ઇતિહાસથી નજીક લઇ જવાનું સામર્થ્ય ધરાવશે.
તેમણે સમાચારો અને ઘટનાઓ અંગેના અભિપ્રાયોની ભેળસેળથી આખબારોની વિશ્વસનિયતાને નુકશાન થઇ રહ્યું છે તેના દ્રષ્ટાંત આપી જણાવ્યું કે ‘‘સમાજને સાચું શું છે અને ખોટું શું છે'' તેનું પ્રમાણિકતાપૂર્વક નિરૂપણ કરવાનું અખબારોનું દાયિત્વ છે અને કોઇપણ અખબાર રાજદરબારનો મુજરો કરે તો તે લોકશાહી માટે જ ઘાતક છે એની સાથોસાથ અખબારોએ લોકશાહી માટેનું દાયિત્વ નિભાવવું હોય તો પ્રત્યેક ઘટના-ગતિવિધિની સચ્ચાઇ માટેના મૂળ સુધી જવા માટેનું તલસ્પર્શી સંશોધન કરવાની વ્યવસ્થાશકિત ઉભી કરવી જોઇએ.
આ સંદર્ભમાં તેમણે એમ પણ જણાવ્યું કે સમાચાર પત્રમાં રચનાત્મક અવલોકનો અને આલોચના જરૂર આવકાર્ય છે પણ આરોપ જ કરવા અને આરોપનો જાતે જ ન્યાય કરવાની ભૂમિકા લોકશાહી-સમાજને જ નુકશાનકારક છે.
મુખ્યમંત્રીશ્રીએ તંત્રીલેખો તંત્રી અને અખબારની નિષ્પક્ષતાનું દર્પણ છે તેનું પ્રેરક સૂચન કરતા જણાવ્યું કે સ્વ.ઇન્દીરા ગાંધીના લોકશાહીને કલંકરૂપ કટોકટી કાળના સમયના એક મહિનાના તંત્રી લેખોનું સંકલન કરવામાં આવે તો માત્ર ગણ્યાગાંઠયા તંત્રીઓએ કટોકટીનો વિરોધ કરતા ખમીરવંતા લોકશાહી રક્ષાના તંત્રી લેખો લખેલા તે હકિકત સ્વયંસ્પષ્ટ થઇ જશે. આ લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા અખબારોની વરવી ભૂમિકાનું દર્શન છે એમ તેમણે જણાવ્યું હતું.
ઇમેજ પ્રકાશનના સંચાલકો સર્વશ્રી નવીનભાઇ દવે અને ડૉ.સુરેશ દલાલે પાંચ પુસ્તક પ્રકાશનની ભૂમિકા આપી સ્વાગત કર્યું હતું.